ગિફ્ટ Vipul Rathod દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ગિફ્ટ

ગિફ્ટ

-વિપુલ રાઠોડ

'હેતન તને પાંચ દિવસથી કહું છું કે મારે આ મહિને વધારાનાં ત્રણ હજાર રૂપિયાની જરૂર છે પણ હજી સુધી તે એકપણ વખત મારી વાતને ધ્યાને લીધી નથી.' જીજ્ઞા આજે થોડી ગુસ્સામાં હતી. છેલ્લા પાંચેક દિવસમાં તેણે ઘણીવાર પોતાના પતિ પાસેથી પૈસા માગ્યા હતાં પણ હજી સુધી તેને આ બાબતે કોઈ હકારાત્મક અણસાર મળ્યા નહોતા.

'જો જીજ્ઞા હમણાં તારે ચાલે એમ હોય તો આ મહિનો ખેંચી લે. મને ખબર છે તારે કંઈક અગત્યની વસ્તુ લાવવાની હશે તો જ તે આવી રીતે જીદ પકડી હોય પણ હમણાં ગયા મહિને જ આપણે લગ્નોમાં હાજરી આપવા અને ગિફ્ટ ખરીદીમાં ઘણો ખર્ચ કરી નાખેલો. એટલે મારો હાથ તંગ છે.' આજે પહેલીવાર હેતને થોડી પેટછૂટી વાત કરી.

જીજ્ઞા હેતનનાં ટૂંકા પગારમાં ઘર ચલાવવાનું કામ ઘણી સારી રીતે કરતી હતી પણ આજે તે પોતાની વાત ઉપર અડગ હતી. સામાન્ય રીતે હેતનની આવી મુશ્કેલીને તે આસાનીથી સમજી જતી હતી પણ કોણ જાણે કેમ આજે તેના દિમાગ ઉપર એક જ વાત સવાર થઈ ગઈ હતી કે તેને રૂપિયા જોશે એટલે જોશે જ. તે આગળ બોલી, ' હું તારી પાસે કોઈ ડીમાન્ડ કરું ત્યારે જ તારો હાથ ખેંચમાં આવી જાય છે. મારે તારી કોઈ જ દલીલ સાંભળવી નથી. મારે જરૂર છે એ મે તને કહી દીધું છે અને હવે મારે કોઈ જ વાત સાંભળવી નથી.' જીજ્ઞા બરાબરની ઉશ્કેરાઈ ગઈ હતી.

હેતનને ઘરમાં ઝઘડો થવાની પુરી સંભાવના દેખાવા લાગી. આખરે તેણે વાત ખતમ કરવાં જીજ્ઞાને હા પાડતાં કહ્યું 'ઓકે તું કહે છે તો કાલે આપીશ પણ એટલું સાંભળજે કે આ મહિનો પુરો કરવાં માટે મારે ઉછીના લેવા પડશે કોઈ પાસેથી.' હેતને હા પાડી હોવા છતાં જીજ્ઞા વધું ભડકી ઉઠી અને બોલી 'એ તારે જે કરવું પડે તે કર. મારે પૈસા જોઈશે એટલે જોઈશે જ. ગયા મહિને થયેલા ખર્ચમાં મારી બચત પણ ખતમ થઈ ગઈ છે. એટલે હવે મારે જરૂર છે તો તારા સીવાય મારે માગવા કોની પાસેથી ?'

હેતન થોડા ઉદાસ ચહેરે ઘરેથી કામે જવા માટે રવાના થઈ ગયો. ઓચિંતા જીજ્ઞાનો પારો આજે ઉંચો જવાનું કારણ તે હજી સુધી સમજી શક્યો ન હતો. આ સીવાય ત્રણ હજાર રૂપિયા આપી દીધા પછી આખો મહિનો પોતે કેવી રીતે પુરો કરશે તેની થોડી ચિંતામાં પણ આવી ગયો હતો. ખેર જીજ્ઞાએ જીદ પકડી છે એટલે તે પુરી કરવી જ પડશે તે પણ હેતન બરાબર સમજતો હતો. પત્ની માટે તેનો પ્રેમ પણ ઓછો ન હતો. સામાન્ય રીતે પોતે જીજ્ઞાની દરેક નાનીમોટી જરૂર પુરી કરવાં તત્પર જ રહેતો. આ વખતે જ તેનાં દિમાગમાં એવો ખ્યાલ આવેલો કે જો કદાચ જીજ્ઞા પોતાની ડીમાન્ડ પડતી મુકે તો તેને વધુ ભીંસ ભોગવવી ન પડે.

રાત્રે ઘર પરત આવતી વેળા હેતને એટીએમમાંથી સાડા ત્રણ હજાર રૂપિયા ઉપાડ્યા. હવે તેની પાસે ફક્ત દોઢ હજાર જેવી બેલેન્સ બચી હતી અને તેને હજી અડધો મહિનો કાઢવાનો હતો. જો કે આ ખેંચ ભોગવીને પણ જીજ્ઞા રાજી થતી હોય તો હેતનને તેનો કોઈ અફસોસ ન હતો. રાત્રે ઘરમાં પગ મુકવા સાથે જ તેણે જીજ્ઞાને મોટા અવાજથી બોલાવીને કહ્યું, 'જીગી... લે લઈ આવ્યો છું તારા પૈસા.' જીજ્ઞા થોડા મલકાતા ચહેરે આવી અને રૂપિયા લેવા હાથ લંબાવ્યો. 'આલે... પણ આમ ખોટો તારો દિમાગ હવે ક્યારેય ફેરવતી નહીં. તકલીફ ન હોય તો હું તને ક્યારેય કોઈ વસ્તુની ના પાડતો નથી એ તને સારી રીતે ખબર છે.' જીજ્ઞાએ પણ પ્રેમથી જવાબ વાળી જ દીધો કે 'તારે પણ સમજવું જોઈએ કે મારે ખરેખર જરૂર ન હોય તો હું પણ આવી જીદ્દ કરતી નથી.'

'તારે આટલી મોટી જરૂર શું પડી એ તો મને હવે કહે !' હેતને જીજ્ઞાસાથી પુછ્યું.

'બધી પંચાતમાં પડવાની તારે જરૂર નથી... ચાલ જમી લઈએ...' જીજ્ઞાએ વાત ટાળવાનો પ્રયાસ કર્યો.

'પણ મને કહેવામાં તને વાંધો શું છે?' હેતને ફરી એકવાર પુછ્યું અને જીજ્ઞા ફરી થોડી અકળાઈ ગઈ. 'તારે રૂપિયા ન જ આપવા હોય તો પાછા રાખ. બાકી મને આવા સવાલનો જવાબ આપવાની જરૂર નથી લાગતી.'

'અરે... તું ગરમ થવાનું રહેવા દે. મને લાગે છે આજે તારે રસોઈ કરવાં ગેસ ચાલુ નહી કરવો પડ્યો હોય. તું જ એટલી ગરમ છો કે... હા હા હા... ચાલ જમવા બેસીએ. છોડ ન કહેતી. બસ !' હેતને જીજ્ઞાનો હાથ પકડીને રસોડા તરફ ખેંચી ગયો.

બીજા દિવસે સવારે પણ ચા-નાશ્તો કરતી વખતે હેતને રૂપિયાની આટલી તાતી જરૂર શું પડી એ પુછવાનો પ્રયાસ કર્યો પણ જીજ્ઞાએ જવાબ આપવાનું ટાળી ગઈ. હેતનને થોડું વિચિત્ર લાગ્યું પણ પત્નીનો મૂડ બગડવાની આશંકાથી તેણે વધુ જીદ્દ પકડવાનું માંડી વાળ્યું. નાશ્તો પતાવીને તે ટીફીન લઈને કામે જતો રહ્યો. ફરી એકવાર દિવસ પૂરો થયો. સાંજે ઘેર પરત આવ્યો અને રોજની જેમ દંપતિ સાથે જમીને થોડીવાર ટીવી જોઈને સૂઈ ગયા.

સૂતાસૂતા હેતન વિચારતો હતો કે ઘરમાં આવીને તેણે કોઈ જ નવી વસ્તુ જોઈ નથી. શા માટે આટલી જરૂર પડી હશે જીજ્ઞાને રૂપિયાની? સારી એવો સમય તેણે પડ્યા પડ્યા વિચાર કર્યો પણ આખરે તેને દિવસભરનાં થાકમાં ક્યારે ઉંઘ આવી ગઈ તેનો ખ્યાલ જ ન રહ્યો. બીજા દિવસે હેતનને કામમાં રજા હતી તેણે બે અઠવાડિયા અગાઉ જીજ્ઞાનને આ વખતની રજામાં ફિલ્મ જોવા લઈ જવા માટે કહેલું. જો કે સવારે જ ચા-પાણી વખતે જીજ્ઞાએ હેતનને રાહત થાય તેવી વાત કરતાં કહ્યું કે 'તારા પાસે હવે વધુ રૂપિયા નહીં હોય, એટલે કંઈ ચિંતા ન કરીશ. આપણે ફિલ્મ જોવા તો પછી ક્યારેક પણ જતા રહેશું. આજે સાંજે આપણે ખાલી ક્યાક ચક્કર મારવા માટે જઈશું પણ એકેય રૂપિયો ખર્ચ નહીં કરીએ. કંઈ કટક-બટકમાં પણ પૈસા નહીં ખર્ચીએ. તારે જે ખાવું હોય તે મને કહી દે એટલે હું અત્યારથી તૈયારી કરી નાખું. પછી સાંજે ફરીને આવીએ એટલે તને વધુ વાટ ન જોવી પડે અને મારે પણ તરત રસોઈ બની જાય.' જીજ્ઞાની વાતથી હેતનને ઘણી રાહત થઈ હતી. તેના ચહેરા ઉપર આ હળવાશ તે છુપાવી શકતો ન હતો.

દરવખતે રજા ઉપર હેતન સવારથી બપોર સુધીનો સમય પોતાના મિત્રો સાથે ગાળતો. આજે પણ તે સવારે ઘરેથી નીકળી ગયો અને બપોરે પણ મોડો આવેલો. જીજ્ઞા તેની રાહ જોતી હતી. બપોરે તે ઘેર આવ્યા બાદ બન્ને સાથે જમ્યા. બપોરનો સમય આરામ કરીને સાંજે બન્ને સ્કૂટર ઉપર ફરવા માટે નીકળી ગયા અને નક્કી કર્યા મુજબ જ બન્ને કોઈ જ ખર્ચ કર્યા વગર પરત ઘરે આવતા રહ્યા. હેતને જોર કરીને જીજ્ઞાને શરબત પીવડાવેલું. તેને મનમાં એવો ભાવ હતો કે પત્નીને ફરવા લઈ ગયો હોય તો એમ ને એમ જ કેમ પરત ઘેર લઈ જવી?

બીજા દિવસે સવારે હેતન કામે જવા માટે તૈયાર થયો અને નાશ્તાની ડીશ પાસે આવીને બેઠો એટલે તરત જ જીજ્ઞાએ કહ્યું કે 'તારે જાણવું હતું કે મારે રૂપિયાની શી જરૂર પડી? તો તારો જવાબ કબાટમાં પડ્યો છે. જા જોઈ લે...' હેતને ચાનો કપ હાથમાં જ લઈને ઉભો થઈ કબાટ ખોલ્યો. એક લાલ રંગની કોથળી ઉપર જ રાખેલી હતી. તેણે એ કોથળી હાથમાં લીધી અને ચાનો કપ બારીએ મુકતાં અંદર જોયું. એક સુંદર ગિફ્ટ પાર્સલ હતું. તેને લાગ્યું કે નક્કી કોઈ નજીકનાં સંબંધીમાં લગ્ન પ્રસંગે આપવા માટે જીજ્ઞા કશુંક લાવી હશે ! 'આમાં મારે કેમ જોવું? આ તો પેક થયેલું છે. ખેર... શું છે આમા? અને કોને આપવાનું છે?' જીજ્ઞાએ હેતનને જવાબ આપ્યો કે મને આ પેકિંગ નથી ગમતું એટલે તું ખોલીને જ જોઈ લે. હું જાતે જ સરખું પેકિંગ કરી લઈશ પછી.' જીજ્ઞાની વાત પછી હેતન થોડો અચકાયો પણ પછી તેણે એ ગિફ્ટ પાર્સલ ખોલી નાખ્યું. બોક્સ ખોલતાં જ તેને એક કાર્ડ ઉપર મળ્યું. 'હેપ્પી મેરેજ એનીવર્સરી' લખેલું એ કાર્ડ વાંચતા જ હેતનને ઝબકારો થયો. તેણે કવર ઉચકાવીને બોક્સમાં રહેલા સરસ નવા કપડા જોયા અને ખુબ જ રાજી થઈ ગયો. જો કે તેને અફસોસ પણ થતો હતો કે હંમેશાની માફક આ વખતે પણ તે પોતાના લગ્નની તારીખ ભૂલી ગયો અને આ વખતે તેની પાસે વળતી ગિફ્ટ આપવા માટે વધુ પૈસા પણ નથી. તે બોલ્યો 'યાર... મારા માટે આ ખર્ચ ન કર્યો હોત તો આપણે તારા માટે કઈક સારી ગિફ્ટ લઈ શક્યા હોત.' જીજ્ઞાએ કહ્યું 'કંઈ ખોટો ડાહ્યો ન થા... બે વરસથી તારા માટે એક પણ જોડી કપડા આપણે ખરીદ્યા નથી. તારે મારા કરતાં વધુ જરૂર હતી. હા, હજી ત્રણ હજારમાંથી રૂ॥પિયા બચ્યા છે અને આજે તારે સાંજે વહેલું ઘરે આવીને મને એમાંથી બહાર જમાડવાની છે. આજે સાંજની રસોઈ હું બનાવીશ નહીં' હેતનની આંખ થોડી ભીની થઈ ગઈ. તેની ખુશી છલકાઈ જતાં જીજ્ઞા તેને વળગીને બોલી 'આઈ લવ યુ' હેતને પણ તેને ભીંસીને જકડી અને 'આઈ લવ યુ ટૂ' કહ્યું.

......................................................