આઈ એમ સોરી- [ભાગ ૧૧]
લેખક: અશ્વિન મજીઠિયા
ઈમેલ: ફોન: ૯૮૭૦૪૨૮૮૦૪
[પ્રકરણ ૧૧]
મને તો અચંબો થઇ આવ્યો કે, ઉશ્કેરાટમાં આવીને મને એક ચમાટ મારીને ભાગી જવા જેવા, નિકીનાં આગલી સાંજનાં વિચિત્ર વર્તનને હું અવગણી જ કેમ શક્યો..!
અને તે પણ તે હદ સુધી, કે આખી રાત અને બીજે દિવસે સવારે ઓફીસ પહોચ્યો ત્યાં સુધી મેં તેને એક મેસેજ પણ ન મોકલ્યો.
તે મને કેટલો બેદરકાર સમજતી હશે, તે વિચારીને હું ભોંઠપ અનુભવવા લાગ્યો.
પણ મારી ઓફીસનાં પેલા અમયે મને ધરપત આપી, કે આમ કરીને મેં અજાણતા જ તેને થોડી સ્પેસ.. થોડી મોકળાશ આપી, જે તેને માટે જરૂરી હતી.
ઉપરાંત તેણે મને સલાહ આપી, કે હું નિકીને આજે સાંજે ક્યાંક બહાર લઇ જાઉં કે કદાચ આસપાસના ખુશનુમા વાતાવરણની અસર તળે અમારી વચ્ચેનો તણાવ થોડો હળવો થાય.
મને પણ તેની આ વાત રૂચી ગઈ, અને મેં નિકીને એક ડ્રીંક માટે ઇન્વાઇટ કરી.
મને આશા હતી કે આમ કરીને અમે અમારા સગપણમાં નવી તાઝગી ભરી શકીશું. અમારી વાતોમાં નવો વિષય ઉમેરાશે, તો જુનો વાસી અણગમતો વિષય વિસારે પાડી શકાશે.
નિકીએ વળતા જ મેસેજમાં મારી સાથે આવવાની હા તો પાડી...
પણ સામે એક શરત પણ મૂકી કે ડ્રીંક જો લેવું હોય... તો 'વૂ-ડૂ'માં જ જવું.
.
તેની શરત વાંચીને હું હેબતાઈ ગયો.
વૂ-ડૂમાં..?
નિકી સાથે..?
હાઉ ઈસ ઈટ પોસીબલ ?
દુનિયાભરનાં મારાં કલંકિત કરતૂતોનું જન્મ-સ્થળ એટલે આ વૂ-ડૂ..!,
મારી દુષ્કર્મ-ભૂમિ.. એટલે આ વૂ-ડૂ..!
ત્યાં મારી મહેબુબાને લઇ જવી એટલે અમારા મૃતપ્રાય થઇ રહેલાં પ્રેમ-સંબંધની કફન-પેટીમાં છેલ્લો ખીલો ઠોકવો..
.
વૂ-ડૂ, અને દરિયા-કિનારા પરનાં બીજા તેનાં જેવા જ પબ, ગોવામાં ૧૯૮૦નાં દાયકામાં હિપ્પી-કલ્ચરનાં આગમન બાદ બહુ ઝડપથી ખુલવા લાગ્યા હતાં.
અહિયાં વિદેશી યુવાન અને યુવતીઓ માટે સહિયારી અને અલાયદી એવી જોઈતી બધી જ સગવડો ઓછાવત્તા પ્રમાણમાં પ્રાપ્ત હોય છે, અને તે પણ સાવ જ પોસાય તેવા દામમાં.
કાળાંતરે આવા પબ્સ ઘણાં તો બંધ પણ થઇ ગયા; તો ય વૂ-ડૂ અને અમુક તો હજુ ય પુરજોશમાં ચાલે છે, તે આ દેશ-વિદેશના સહેલાણીઓનાં જોર પર જ.
.
ભારતીય સ્ટાઈલની રેસ્ટોરાંમાં હાર્ડ-ડ્રીન્કસ પીરસવામાં આવે છે, પણ તોય ત્યાનું વાતાવરણ એકદમ સભ્યતાભર્યું અને સુસંસ્કૃત હોય છે; ત્યાં તમને એક ગેસ્ટની જેમ ટ્રીટ કરવામાં આવે છે.
જયારે આ.. પેલાં પબમાં તો સભ્યતા અને વિનમ્રતાનો પડછાયો સુદ્ધા ન પડે.
ન્યુનતમ સગવડોની વચ્ચે સાંકડ-મોકડમાં કાઉન્ટરની સામે સ્ટૂલ પર બેસીને જ પીવું પડે.
આછા અજવાળામાં સ્ટૂલ પર બેઠાં-બેઠાં તમારા ઘુટણ.. બાજુવાળા/બાજુવાળીનાં ઘુટણને ટકરાતા હોય, ત્યારે ઉત્તેજના અને અગવડ બંને એકસાથે અનુભવવા પડે.
ગીર્દીનાં સમયે સ્ટૂલ્સ ઓછા પડે, તો સ્ટૂલ્સની પાછળ ઉભા રહીને ટોળટપ્પા મારતા મારતાં પી રહેલાં ટોળાઓને પણ સહન કરવા પડે.
કાઉન્ટર પરથી તેમનો ગ્લાસ ઉપાડતા જો છલકાઈને સ્ટૂલ પર બેસેલાંનાં ખોળામાં પડે, તો યે મોઢું તો હસતું જ રાખવું પડે. [જો કે 'સોરી' તો તેઓ અચુક કહે જ.]
બાકી જે ભાવમાં ત્યાં દારુ પીરસાય તે જોતાં વેઈટરની સર્વિસ આ પબનાં માલિકને પોસાય પણ નહીં.
નામ ખાતર વેઈટ્રસો હોય ખરી, પણ તેમનું કામ કંઇક 'અલગ' જ હોય.
જેન્ટ્સ-લેડીઝની પ્રાથમિક સગવડ એવા ટોઇલેટ્સ અલાયદા ખરાં, પણ એટલાં જ ગંદા.
અને આખા ય પબમાં ચોમેર ફેલાયલી દારૂની વાસ તો નવાસવાને ગૂંગળાવી નાખે તેવી.
હિપ્પી-કલ્ચર વાળા યુવાન-યુવતીને આ બધું જ પોસાતું અને ગમતું.
પણ આજની તારીખમાં ય અડધા ઉપરાંત ભારતીય યુવાન-યુવતીઓ આ બધું ચલાવી લે અને આ એટમોસફીયરને એન્જોય પણ કરે, તે ગોવા બહારની પબ્લિકને તો અચંબામાં જ નાખી દે.
.
પણ મારી પાસે કોઈ બીજો ઉપાય જ નહોતો.. નિકીની ત્યાં લઇ જવાની શરત કબુલ કરવા શિવાય.
કારણ..
જો હું તેને ત્યાં લઇ જવાની ના પાડું તો, મારાં બધાં છળને ઈમાનદારીપૂર્વક કબુલ કરી લીધા બાદ પણ, તેનાં મનમાં નવેસરથી શંકાનાં બીજ રોપાય અને તે ન જોઈતી નવી નવી અને વિચિત્ર કલ્પનાઓ કરી કરીને મારાથી દૂર ને દૂર થતી જાય.
એટલે મને-કમને મેં તેને રીપ્લાય મેસેજ મોકલ્યો- "ઠીક છે. ફાઈન..હું તને પીક-અપ કરવા આવું છું."
.
.
ચોમાસું પૂરું થઇ ગયું હતું એટલે આખો દિવસ કોરોધાકોર વીતી ગયો, પણ તોયે સાંજે નીકળતી વખતે વરસાદના અણસાર દેખાવા લાગ્યા.
મારાં મન પર છવાયેલ વિષાદનાં વાદળો જાણે આકાશમાં દેખાવા લાગ્યા અને વાતાવરણે ય ઉદાસ અને શોગીયલ બનતું ચાલ્યું.
મોસમનો આ છેલ્લો વરસાદ હોઈ શકે પણ જતાં જતાં પણ એક આખરી લાત મને તે મારીને જશે તેવું મને લાગ્યું કારણ આવા મોસમમાં બાઈક પર નિકીને લઈને જવી મને મુશ્કેલ લાગ્યું.
શું કરવું તેનો હું વિચાર કરવા લાગ્યો. વરસાદનું બહાનું કાઢીને હું વાતને ટાળીશ, તો નિકીની કાર તો છે જ.
અને તેની જ કારમાં તેને બહાર લઇ જવી, તે આજની તારીખમાં મારાં ઇગોને જરા પણ રુચતું નહોતું.
.
એટલામાં જ બાજુની કેબિનમાંથી અમયનો ફોન આવ્યો,
ઓફીસની અમુક જરૂરી વાતો અને સૂચનોની આપ-લે બાદ અમે પર્સનલ વાતો પર આવી ગયા.
તો વાત પડતી મુકીને તે દોડતો જ મારી કેબીનમાં આવી ગયો, અને મારી સામેની ચેર પર બેસી ગયો.
જો કે પોતાનું આવું અતિ ઉત્સાહપૂર્ણ વર્તન અચાનક જ તેનાં ધ્યાનમાં આવતાં તે ઓછ્પાઈ ગયો, અને બોલ્યો-
"નિખિલ, તને એવું તો નથી લાગતું ને, કે હું તમારાં બંનેમાં વધુ પડતો રસ લઇ રહ્યો છું?"
"અરે નહીં દોસ્ત, એવું હોત તો કાલે સાંજે તને સામેથી મારાં ઘરે બોલાવીને હું મારી આખી જાત તારી સામે ઉઘાડી ન કરત..એવું કેમ વિચારે છે તું..? શીહ...!"
"ઓકે..ઓકે. સોરી યાર. ચલ તો હવે એ બતાવ કે નિકીની સાથે ક્મયુનીકેટ કર્યું ..? ક્યાંય બહાર જવાનો પ્લાન બન્યો કે નહીં..?"
"યાર.. પૂછ નહીં.. અલગ જ ફસાઈ ગયો છું તેને બહાર આવવા માટે પૂછીને. તેણે હા તો પાડી પણ તેની શરત છે કે જવું તો વૂ-ડૂમાં જ છે."
"વોટ...? વૂ-ડૂમાં ? -અમય ચોંકી જ ગયો- "તેનું મગજ ઠેકાણે છે ને..?"
"ઠેકાણે..એટલે કે કંઇક વધુ પડતું જ ઠેકાણે છે. નહીં તો મને આમ ખૂણામાં લઇ જઈને આવો ઘેરી લેવાનો તેને વિચાર આવે જ કઈ રીતે..!" -મેં મારાં મનની ભડાશ બહાર કાઢી.
"દોસ્ત, તારી હાલત પર દયા તો આવે જ છે. પણ તો ય હું તારો વેલ-વીશર છું, એ નહીં ભૂલતો.."
"આઈ નો.. આઈ નો. અમય. આઈ એપ્રિશિએટ યોર ફિલિંગ્સ.. પણ યાર જો ને આ કુદરતે ય મારી વિરુદ્ધ કાવતરું રચતી હોય તેવું લાગે છે. આવા વરસાદમાં જો હું વરસાદની વાત કાઢીને જવાનું કેન્સલ કરવાનું કહું, તો નિકીને લાગશે કે હું ટાળી રહ્યો છું. અને તે ઉપરાંત.. તરત જ તે પોતાની કાર ઓફર કરશે, જે મને આજે તો નહીં જ ફાવે. યુ સી.. મારી જગ્યાએ તું હોય.."
"રિલેક્ષ.." -મારી વાત તોડતાં અમય બોલ્યો- "મારી કાર લઇ જા ને. એટલું તો તારો ઈગો પરમીટ કરશે ને..? તારી બાઈક હું લઇ જઈશ. કાલે ફરી પાછી એક્ષચેન્જ કરી લઈશું."
.
મારા મન..મારા ઈગોને આટલી સહેલાઈથી ઓળખી જનાર આ યુવાનને એક પળ માટે હું નીરખતો રહ્યો.
અને પછી તરત જ મેં માથું ધુણાવીને ભણી દીધી.
"થેન્ક્સ દોસ્ત.. ચલો એક પ્રોબ્લમ તો તેં સોલ્વ કર્યો, બાકી બીજો તો હવે મારે જ સોલ્વ કરવો રહ્યો.."
"ડેફીનેટલી...! એન્ડ આઈ પીટી યુ ફોર ધેટ, દોસ્ત..!! બટ, ઓલ ધ બેસ્ટ.." -મને પોતાની કારની ચાવી આપતાં તે બોલ્યો.
મારી બાઈકની ચાવી તેને સોંપીને હું બહાર આવી ગયો.
તેની કાર સેકંડ-હેન્ડ હતી, પણ તો ય મારી બાઈક કરતાં તો વધુ જ કમ્ફર્ટેબલ કહેવાય.
.
ઓફિસેથી નીકળીને નિકીનાં પાપાનાં ઘરે પહોચતા પહોંચતા તો વરસાદ શરુ યે થઇ ગયો.
મેં ઘરની બહાર રોડ પર કાર ઉભી રાખીને હોર્ન વગાડ્યો.
નિકી કદાચ તૈયાર થઈને જ બેઠી હતી, કારણ તે તરત જ દોડતી દોડતી બહાર આવી.
વરસાદથી બચવા માટે તેણે પોતાનું માથું નીચે ઝુકાવી દીધું હતું.
અને આવતાની સાથે જ 'ધડામ' દઈને તે મારી બાજુની સીટ પર બેસી ગઈ.
"બાપ રે.. બહુ ઠંડી છે.." -કહેતા જ તેણે ઉપર, સામેવાળો આરીસો નીચેની તરફ નમાવ્યો અને પોતાનાં ભીના ચોંટી ગયેલા વાળમાં આંગળીઓ ખોસીને તેને ઓળવા લાગી.
.
નિકી આરીસામાં જોતી વાળને રી-શેપ કરવામાં મશગુલ હતી, તે દરમ્યાન હું તેને ચુપચાપ નીહાળતો રહ્યો. બસ..ત્રણેક દિવસ પહેલાં જ તેણે તેનાં શોલ્ડર-કટ વાળને બરગંડી રંગે કલર કર્યા હતાં.
અને અત્યારે તે લીસ્સા સુવાળા વાળમાં પ્રકાશને કારણે લાલાશ પડતી ઝાંય પડતી હતી, જેને કારણે તેનાં દેખાવમાં અનેરો બદલાવ આવી રહ્યો હતો.
તેનો ખુબસુરત ચહેરો, ડાર્ક-બ્રાઉન ચમકદાર આંખોથી હજુ વધુ ચમકી ઉઠ્યો હતો.
મારી નજર પછી તેને ચહેરાં પરથી હટીને નીચે સરકતી ચાલી.
તેનાં શરીરનાં તે અંગો, કે જેની ચકાસણી કરવાનો મને હવે કોઈ જ હક્ક નહોતો રહ્યો, તે સર્વે અંગોની પ્રશંશા કરતી કરતી મારી નજર તેની ગરદન તેની છાતી તેની નાભી પર જઈને અટકી ગઈ.
તેણે એક સ્ટાઈલીશ કેઝ્યુઅલ શર્ટ પહેર્યું હતું, જેની સ્લીવ્ઝ ઉપરની તરફ રોલ કરીને એક બટનની મદદથી ત્યાં કોણી પાસે અટકાવી દીધી હતી.
સફેદ કલરનાં ફેબ્રિકમાં શોભતા તેનાં તાજા જ બ્લીચ કરેલા લીસ્સા સરકણા કાંડા, તરત જ હાથ ફેરવવાની લાલચ થઇ આવે, તેવું આમંત્રણ આપી રહ્યા હતાં.
તેની ડાબી છાતીનાં મધ્ય ઉભારની આસપાસનાં એરિયા પર બ્લેક-ઈગલની ડીઝાઈન, અને નીચે પોરોજી રંગમાં 'રેન્જર' લખેલો લોગો, તેનાં શર્ટને રંગીનપણું આપતો હતો.
કાયમ તેનાં શર્ટ પરફેકટ ફીટીંગવાળા જ હોય છે, પણ આ શર્ટ કંઇક લુઝ-ફીટીંગનું લાગી રહ્યું હતું.
તેણે શું પોતાનું વજન ગુમાવ્યું હશે..?
.
હજી નીચે નજર કરતાં મારું ધ્યાન તેની જાંઘો પર ગયું.
પાછલી વેળાએ જે મજબુતાઈથી આ બંને જાંઘો મારી કમરની આસપાસ વીંટળાઈ ગઈ હતી તે ક્ષણ યાદ આવતાં જ મારાં હોઠ પર મારી જીભ અનાયાસ જ ફરવા લાગી.
પાછલા બર્થડે પર મેં ગીફ્ટ આપેલું જીન્સ તેણે પહેર્યું હતું; કોન્ટ્રાસ્ટ કલરની સિલાઈને લીધે એ જીન્સ મને બરોબર યાદ રહી ગયું હતું.
ફરીથી મારી નજર તેનાં ચહેરા પર જઈ પહોંચી, તો જોયું કે તેણે પોતાનાં વાળ સાથે રમવાનું બંધ કરી દીધું હતું અને રિલેક્ષ થઇને હવે પાછળ ટેકીને વ્યવસ્થિત બેસી ગઈ હતી, અને મારી તરફ એકટશ નજરે જોઈ રહી હતી.
.
"સોરી..!" -થોડો ભોઠો પડીને હું બોલ્યો- "તો? કઈ બાજુ જવું છે આપણે..?"
"વૂ-ડૂ.." -તેણે બેધડક બોલી દીધું, જેને કારણે મારા મોઢામાંથી એક નિશ્વાસ નીકળી ગયો.
"તું જો એનો જ આગ્રહ રાખતી હોય તો.. ઓકે.." -હું વધુ કંઈ જ બોલી ન શક્યો. જો કે મને આ બાબતમાં આરગ્યુમેંટ કરવાનું મન તો હતું જ.
.
મારે તેનાં મગજમાં એ વાત ખોસવી હતી કે વૂ-ડૂમાં જવું તે એક ટેરીબલ પ્લાન હોવાનો.
હું હવે એક્ચ્યુલી ઈમેજીન કરી શકતો હતો, કે આ સાંજ કેવી વિતવાની છે.
ત્યાં દેખાનારી દરેક યુવતીને જોઈ તેની બાબતમાં તે પૂછવાનું શરુ કરી દેશે અને પછી રાતે તે બાબતમાં વાદ-વિવાદ ચાલતો રહેવાનો. કે- "તું આવું કરી જ કેમ શકે..?" -અને- "તે આમ કર્યું જ શા માટે..?"
યસ..
આજની રાત સાલી 'મસ્ત' વિતવાની..!
.
પંદર મીનીટની આખી ડ્રાઈવ દરમ્યાન તે બારીની બહાર વરસતા વરસાદને જોતી રહી.
વિદાય લઇ રહેલાં ચોમાસાનો કદાચ આ છેલ્લો વરસાદ હતો, પણ તેને માણવાની કોઈ જ ઈચ્છા મારાં મનમાં આકાર નહોતી લઇ રહી.
હું તો બસ ચુપચાપ ગાડી હંકારતો જ રહ્યો એ જ પ્રાર્થના સાથે કે કંઇક એવું બની જાય રસ્તામાં કે જેથી અમારું ત્યાં જવું મુશ્કેલ થઇ જાય.
અમયની આ કાર જૂની સેકન્ડ-હેન્ડ હતી.. પણ તેનાં કોઈ જ એવા લક્ષણ નહોતા દેખાતાં કે તે વચ્ચે અટકી પડે.
તેની આ કાર જેટલી તેને વફાદાર હતી, એટલો વફાદાર કાશ.. હું હોત મારી નિકીને. તો...!
.
એની વે..
જેવા અમે બંને વૂ-ડૂની બહાર આવીને ઉભા રહ્યા, કે મારાં પેટમાં મને એક ન સમજાય તેવું ખાલીપણું મહેસુસ થવા લાગ્યું.
કારના ઇન્જીનને બંધ કરતાં પહેલાં મેં નિકી તરફ જોયું.
સામે દેખાતાં ગેરકાયદેસર મોજ-મજા પીરસતા બારને, તે એક સખ્ત નજરે જોઈ રહી હતી.
.
"હજી મન છે તારું અંદર જવાનું..?" -મેં પૂછ્યું.
તેણે માથું હલાવીને હા પાડી, એટલે મેં ચાવી ફેરવીને ઈન્જીન બંધ કર્યું, અને કારની બહાર નીકળ્યો.
જો કે મારી પાછળ દરવાજાને ધડામ દઈને બંધ કરતાં હું મારી જાતને રોકી ન શક્યો.
તેની વફાદારી અને કાર્યક્ષમતાનો આ જ શિરપાવ હોઈ શકે..
.
કારની ફરતે આંટો મારીને નિકીને સામે ફૂટપાથ પર મળ્યો ત્યાં સુધી મેં તેની સામે પણ ન જોયું.
મારો હાથ જોશભેર પકડતાં પહેલાં, પોતાનું મનોબળ એકઠું કરી રહી હોય તેમ, મેં તેને એક ઊંડો શ્વાસ લેતા સાંભળી,
.
"ચલ આજે પૂરું કરી નાખીએ.. મતલબ કે.. આ યે બધું જોવાનું પૂરું કરી લઈએ.. " -તેણે સાવ રુક્ષ અવાજે કહ્યું.
મારો હાથ છોડીને તે મારી આગળ ચાલવા લાગી અને પોતાનાં ખુબસુરત બદન પર છાંટેલા ડીઓની મહેંક પાછળ છોડતી ચાલી.
મેં એક ઊંડો શ્વાસ અંદર ખેંચ્યો, જાણે તેનાંથી મારા મનમાં ફેલાઈ ગયેલી નિરાશાને હું ધોઈ નાખવા માંગતો હતો.
.
અંદર પેસતાની સાથે મેં મારી ઓળખાણ-પીછાણ વાળી અમુક છોકરીઓને ત્યાં જોઈ, તો મારું માથું પોતમેળે જ નીચે ઝુકી ગયું- બસ યાર... હવે કોઈ મારી સામે આવીને વાત કરવાનું શરુ નહીં કરી દેતાં.. પ્લીઝ..!
.
.
વૂ-ડૂ એક પબ છે અને કોઈ બીયર-બારની જેમ ટેબલ-ખુરસી પર બેસીને વેઈટરના આવવાની વાટ ન જોવાની હોવાથી અહીં તો પોતે જ કાઉન્ટર પર જઈને ઓર્ડર આપીને ત્યાં પડેલા સ્ટૂલ પર બેસીને પીવું પડે.
તો એ કાઉન્ટરવાળો એરિયા આજે ઘણો જ અંધારિયો અને વ્યસ્ત જણાતો હતો, રોજ રાતની જેમ સ્તો..!
સોફ્ટ-ડીમ લાઈટને કારણે ઉત્પન્ન થયેલા કાળા લાંબા પડછાયાઓનું તો જાણે કે પૂર જ આવ્યું હતું.
.
નિકીએ પોતે ભૂતકાળમાં એક બીયર-બારવાળી રેસ્ટોરાંમાં જોબ કરેલી છે.
પણ તોય, કોઈ રેસ્ટોરાંની સરખામણીએ આવા પબમાં નિકી સાથે આવવું અમસ્તું ય બિલકુલ સુઘડ ન ગણાય, તો પછી આવી ડરેલ માનસિક અવસ્થામાં તો આજે મને બહુ જ મુશ્કેલ લાગતું હતું, આ બધું.
.
કાઉન્ટર પાસે જઈને ઉભા રહીને તેની લાકડાની સપાટી પર અજાણતા જ મારી આંગળીઓ નાચવા લાગી. મારી નર્વસનેસ ભગાડવાનો કદાચ આ હું કોઈ પ્રયત્ન કરી રહ્યો હતો.
નીકી મારા ખભ્ભા સાથે પોતાનો ખભ્ભો અડાડીને મારી બિલકુલ નજીક જ ઉભી હતી.
તેની સાથે નજર મેળવવાનું હું જાણી જોઇને એવોઈડ કરી રહ્યો હતો.
મારા કપાળ પર બાઝી ગયેલ પરસેવાની બુંદોથી મને ગલીપચી થઇ રહી હતી, પણ મારા હાથ એટલા અકડાઈ ગયા હતા કે ઉપર જઈને પરસેવો લુછવાને પણ તે લાયક રહ્યા નહોતા.
.
"ટુ કિંગફિશર સ્ટ્રોંગ.." -મેં કાઉન્ટર પાછળ ઉભેલી યુવતીને ઓર્ડર આપ્યો.
તેણે બે મોટા કિંગ-સાઈઝ મગમાં બીયર ભર્યો અને "ધડ" દઈને કાઉન્ટર પર મુક્યા.
આ અવાજથી હું ચોકી ગયો અને તેની સામે જોયું તો તે યુવતીએ મને લુચ્ચું સ્માઈલ આપ્યું.
તે મને ઓળખતી હતી એટલે.
ઓહ નો..
નિકીએ આ ન જોયું હોય, તો સારું.
.
મોટા મોટા ઘૂંટ મારીને તેણે બે મગ ફક્ત દસ મીનીટમાં જ પુરા કરી નાખ્યા, અને ત્યારે જ અચાનક મારું ધ્યાન ગયું કે નિકી મારાથી અંતર વધારતી થોડે દુર સરકી ગઈ હતી.
મેં જોયું કે તે કોઈ ખાસ વ્યક્તિને ધ્યાનથી જોઈ રહી હતી.
તેની નજરની દિશામાં મેં મારી નજર દોડાવી તો મેં ત્યાં શિફાને જોઈ.
ઓહ ગોડ...!
.
મેં મારો નીચલો હોઠ જોરથી મારા દાંત હેઠળ દબાવી દીધો.
પહેલેથી જ અસ્વસ્થ એવાં મારા પેટમાં એક નવો જ સન્નાટો છવાઈ ગયો.
નિકીના નસકોરા ફુલાઈ ગયા અને તે જોર જોરથી શ્વાસ લઇ રહી હતી, જાણે કે કોઈ આખલો જોશભેર આગળ દોડવાની તૈયારી કરી રહ્યો હોય.
મારા ગાલ એકદમ ઠંડા પડી ગયા હોવા છતાં મેં તેની તરફ બળજબરીપૂર્વક નજર કરી.
.
નિકીએ પોતાના બંને હોઠ એકદમ જોશભેર ભીડી લીધા હતા.
એક ઝટકા સાથે તે મારી તરફ વળી અને મારું હૃદય એક ધબકારો ચુકી ગયું.
પોતાની સખ્ત ઠંડી નજરથી તે મને ઘૂરકવા લાગી.
.
"હવે તું મને કહે કે બીજા કોની કોની સાથે તેં સેક્સ કર્યું છે" -તે લગભગ બરાડી- "આ.. આ તારી શિફાને છોડીને. કારણ એ તો આપણે બંને જાણીએ છીએ કે તેની સાથે તો તેં કર્યું જ છે.."
હે ભગવાન.. મારાવાળી નિકી ક્યાં ગઈ..?
આ કોણ ઘુસી આવ્યું છે તેનાં અંગમાં..?
.
"આપણે તે સબ્જેક્ટ પર વાત નથી કરવાનાં" -મેં થોડી હિંમત ભેગી કરીને બેધડક કહ્યું,
જો કે મારી છાતી અને ગળામાં થુંક અટકાઈ રહ્યું હોય તેવું મને ચોક્કસ લાગ્યું.
.
"જસ્ટ ટેલ મી," -તેણે તીખા ઝેરીલા અવાજે કહ્યું- "મને તો સાલો પૂરો હક્ક છે, એ બધું જાણવાનો."
"અને એટલા માટે જ તારે અહિયાં આવવું હતું.. બરોબર ? કે જેથી હું એક એક સામે આંગળી ચીંધી ચીંધીને કહું કે હું કોની કોની સાથે હતો. અને તે બધી વિગતવાર માહિતી આપું, કે અમે શું શું અને કેવી કેવી રીતે કર્યું હતું. આ બધાથી તને કંઈ જ મળવાનું નથી નિકી. તું કારણ વગરની અપસેટ થઇ જઈશ."
"અપસેટ..? તો હું ઓલરેડી છું જ, નિખિલ.. મને.."
"એકઝેટલી..તું ઓલરેડી હર્ટ કરી ચુકી છે તારી જાતને.. તો શા માટે તેમાં વધારો કરવો છે તારે? શા માટે આવું કરવું છે તારી પોતાની જાત સાથે?" -તેની વાતને કાપતા હું બને તેટલા ધીમા અવાજે હું બોલ્યો.
.
નિકી મારી તરફ તાકતી રહી... પોતાનાં બધા ગુસ્સા, બધાં દુ:ખ, બધાં આક્રોશ, બધી પીડા... અને કોણ જાણે શેની શેની સાથે, અને આવા નકારાત્મક આવેગોને કારણે તેનો ચહેરો હવે કંઇક વિકૃત થતો ચાલ્યો.
હું ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યો કે કંઇક એવું બની જાય...
કંઇક એવું બની જાય, કે આ વાત બસ અહીં જ અટકી જાય. [ક્રમશ: પ્રકરણ ૧૨]
.
[અશ્વિન મજીઠિયા...]