I AM SORRY PART - 6 books and stories free download online pdf in Gujarati

I AM SORRY PART - 6

આઈ એમ સોરી- [ભાગ ૬]

લેખક: અશ્વિન મજીઠિયા

ઈમેલ: mmashwin@gmail.com

ફોન: ૯૮૭૦૪૨૮૮૦૪

[પ્રકરણ ૬]

મારી પ્રિયતમા નિકીનો વિયોગ મારા વર્તન, મારા મુડ અને મારા ચહેરાને એટલી હદ સુધી પ્રભાવિત કરી ગયો, કે મારા ઓફિસ-મિત્ર અમયને જબરદસ્ત ડાઉટ આવ્યો કે મારી જિંદગીમાં કંઈક તો ખોટું થઇ રહ્યું છે. અને એટલે જ ખાસ આગ્રહ કરીને તેણે મને તેની સાથે એકાદ-બે ડ્રીંક લેવાનો પ્રોગ્રામ બનાવ્યો. જો કે મને પણ એવું લાગ્યું કે આમ કરવાથી જ કદાચ મારું ધ્યાન બીજી દિશામાં દોરી શકાશે, એટલે હું પણ તેની સાથે જવા માટે સહમત થયો અને ઓફિસેથી સીધા જ અમે ત્યાં રેસ્ટોરાંમાં પહોચી ગયા.

.

"ચીયર્સ...!" -ગોવા-પૂના હાઈવે પર આવેલી એક શાંત રેસ્ટોરાંમાં બીયરના ગ્લાસ ટકરાવાના રણકારની વચ્ચે અમય ચહેકી ઉઠ્યો.
તેણે જાણી જોઇને આ રેસ્ટોરાં સજેસ્ટ કરી, કારણ અહિયાં ભાગ્યે જ કોઈ દિવસ ગરદી હોય છે.
પોતાની કાર ગેરેજમાં હોવાથી તેને મારી બાઇક પર પાછળ બેસીને આવવું પડે તેમ હતું, તે છતાં ય તેણે અહીં જ આવવાનો આગ્રહ રાખ્યો, ત્યારે હું સમજી ગયો કે અહીંના શાંત એકાંતમાં તે પોતાની મજેદાર 'ટ્રીપલ એક્સ' સ્ટોરી મને બેધડક રીતે સંભળાવી શકે, તે માટે જ તેણે અહીં આવવાનું પસંદ કર્યું છે.
.
"ચીયર્સ ટુ યુ ટૂ, દોસ્ત.." -મારી જાત માટે સોરી ફીલ કરતાં કરતાં મેં તેની ખુશીની દુઆ કરીને તેનાં પર ઉપરથી નીચે સુધી નજર કરી.
.
રેસ્ટોરાંના ઝાંખા પીળા પ્રકાશમાં અમય કંઇક વધુ જ હેન્ડસમ લાગી રહ્યો હતો. ખુબ જ મસ્ત ફીટીંગવાળા બ્લેક ટ્રાઉઝર અને ડાર્ક બ્લુ શર્ટમાં તેનો પાતળો પણ કસાયેલો દેહ દીપી ઉઠતો હતો. ગોવાના મોટાભાગના ઘઉં વર્ણના, કે પછી શામળા વર્ણના યુવાનોની સરખામણીમાં મુંબઈનો આ ગોરો ગુજરાતી યુવાન સહેલાઈથી યુવતીઓ પટાવી શકતો હશે, તેવું મને લાગ્યું. મારી કરતાં ત્રણ-ચાર વર્ષ નાનો અને ત્રણેક ઇંચ નીચો આ યુવાન તરવરાટથી ભરપુર જણાતો હતો.
.
"શું જુએ છે?" -તેણે મારી તરફ આંખ મારતાં કહ્યું- "નિયત તો સાફ છે ને ?" -તેની આવી વિચિત્ર મજાકથી હું ઓછપાઈ ગયો.
.
"ચુપ કર સાલા.. શું સમજે છે તું મને.." -મેં વાતાવરણને થોડું હળવું બનાવવા કહ્યું
"સાલો તો તારા ભાઈ નિતીનનો હતો, પણ તે તો એક જમાનામાં, અત્યારે નથી. તો એવા કોઈ રીલેશનનું ટેન્શન નહીં રાખ. બિન્દાસ કહી દે.. હેન્ડસમ તો તું પણ છે.. એટલે 'કંઇક' વિચારી જરૂર શકાય... હેહેહે...!" -અમયને તો જાણે પીધા પહેલાં જ મસ્તી ચડી ગઈ.
.
"અબે ઓય મિસ્ટર રોંગ નમ્બર...! ખોટા ફાંફા મારવાનું મુકીને એ બતાવ કે ગઈકાલ રાતની તારી 'ડેટ' કેવી હતી?" -તે આ ફાલતું ટોપિક આગળ વધારે, કે મારી બાબતમાં મને કંઈ પૂછે, એ પહેલા મેં તેનો જ ટોપિક શરુ કરી દીધો.
.
"હા યાર.. બહુ જ હોટ હતી યાર તે.." -પોતાનો મનપસંદ ટોપિક શરુ થતાં જ, અમયે તક ઝડપી લીધી અને તરત જ શરુ થઇ ગયો- "પણ દોસ્ત, એકદમ તાજ્જુબ થઈ જાય એટલી સહેલાઇથી તે હાથ આવી ગઈ. તું સમજે છે હું શું કહેવા માંગુ છું? શું કહું યાર..અમે તો બસ.. હજી પંદર કે વીસ મિનીટ જ વાત કરી હશે.. કે તેણે તો ડાઈરેકટલી મને કહી જ દીધું, કે તેને મારી સાથે સુવામાં ઇન્ટરેસ્ટ છે. ટૂ મચ યાર.. બાકી તને તો ખબર છે હું કેટલો રીઝર્વડ ટાઈપનો છું."
.
"હેહેહેહે...! રીઅલી..? એટલી બોલ્ડ હતી તે ?" -મેં જોરથી હસતા હસતા પૂછ્યું અને હું તેનાં તે વખતના ચહેરાની કલ્પના કરવા લાગ્યો. એવું લાગતું હતું જાણે આ બંદાને કોઈએ એક ખુબસુરત હસીના સીધી પ્લેટમાં મુકીને જ ઓફર કરી દીધી હોય. અને અમય જેટલો સીધો છે, તે હિસાબે તો મને ખાતરી છે કે તે આવી ફોરવર્ડનેસથી ટેવાયેલો ન જ હોય.. કારણ, અમુક હદે શરમાળ તો તે છે જ.
.
"હા બંધુ, ઘણી બોલ્ડ કહેવાય, હું તો યાર હક્કોબક્કો જ રહી ગયો." -તેણે હસતા હસતા જવાબ આપ્યો.
"શરૂઆતના જ આ જોરદાર ફટકા પછી તેં હા પાડી ? કે પછી પસીનો છૂટી ગયો?"
.
હો..હો.. ! આવો મોકો જવા દઉં કે.. ? મને તું શું અલીબાગથી આવેલો સમજે છે કે..?" -અમય રંગમાં આવવા લાગ્યો.

.
'ઓકે..તો પછી તમે લોકો ગયા'તા ક્યાં ? તેની પાસે જગા હતી કોઈ?"
.
"ના, તેની પાસે તો નહોતી, પણ મારો એક ફ્રેન્ડ હમણાં ગણપતિના તહેવારને લીધે ગામ ગયો છે, એટલે તેનું ઘર ખાલી જ છે અને તે ચાવી મનેદઈ ગયો છે. તો પછી અમે ત્યાં ગયા. થોડીવાર.. યાર બહુ જ થોડી વાર માટે અમે વાતો કરી, અને પછી સેક્સ...અને પછી પોતપોતાના રસ્તે. બાત ખતમ..! પણ યાર.. મારી સાથે વધુ વાર રહેવામાં તેણે કોઈ ઝાઝો ઇન્ટરેસ્ટ ન બતાવ્યો.. કોને ખબર કેમ યાર..!"
.
"સો સૅડ યાર..! આજકાલની આ છોકરીઓ પણ.. શું કહેવું હવે.. ! એની વે.. પણ તેનાં આવા લુખાસુકા વર્તનથી તારા પરફોર્મન્સ પર તો કોઈ અસર નહોતી પડી ને? -મેં તેની મજાક ઉડાવતાં કહ્યું.
.
"ઓફ કોર્સ નોટ. તું મને સમજે છે શું યાર..?" -તેણે બનાવટી ગુસ્સા સાથે કહ્યું- "ઘણા વખત પછી ય ડ્રાઈવિંગ કરીએ તો શું થયું..? કંઈ ડ્રાઈવિંગ ભૂલી થોડું જ જાય કોઈ..? મસ્ત પરફોર્મ કર્યું, દોસ્ત."
.
"યાહ.. એમાં મારે ડાઉટ કરવાનું કોઈ કારણ જ નથી." -મેં મસ્તીમાં જ કહ્યું- "બાઈ ધ વે, ફોન નમ્બર તો, તેં પહેલાં કહ્યું તેમ, ભલે એક્ષચેન્જ ન કર્યા, પણ નામ તો ખબર પડી કે નહીં? શું હતું તેનું નામ?"
.
"નિકી.." -તેણે એકદમ સહજરીતે કહ્યું- "હર નેમ વોઝ નિકી."
.
.
.
.
હું ચોંકી ગયો.
"શું બકવાસ કરે છે..?" -હું ગુસ્સાથી ઉછળી પડ્યો- "તું સાલા....નિકી સાથે સુતો હતો..?"
.
તરત જ એક ડર, એક ઈર્ષાએ મારા દિલોદિમાગ પર કબજો કરી લીધો. મારા ધડકન એટલી વધી ગઈ, કે મારા થરથર કાંપતા હાથને બીયરના ગ્લાસનું વજન પણ વધુ લાગવા લાગ્યું.
મેં ગ્લાસ નીચે રાખી દીધો અને હું અમયની સામે ને સામે જ જોતો રહ્યો, હરામજાદો કંઇક મોઢામાંથી ભસે તેની વાટ જોતો જોતો.
.
ના, મારી નિકી એવી નથી.. તે મારી સાથે છળ ન કરે મને તેની પર વિશ્વાસ છે- મારા હૃદયે પોતાનાં વિરોધનો સુરો છેડ્યો.
"વિશ્વાસ હોવાથી શું ફરક પડે છે..? વિશ્વાસ તો તેને ય તારી પર હતો, પણ શું થયું? તેં તો તેની સાથે છળ કર્યું જ ને.." - મારા મગજે તરત જ પોતાનો તર્ક રજુ કર્યો. અને મારા કપટી મગજની આ વહેમીલી દલીલ સામે મારું પ્રેમાળ મન હારી ગયું..એક જ ઝાટકે હારી ગયું...!
.
તો આણે ..આ બે બદામનાં છોકરાએ નિકી સાથે મજા મારી..? મારી નિકી સાથે..?
હું જેમ નિકીને કિલકારીઓ ભરાવું છું, શું આ કુતરાએ પણ એમ જ કર્યું હશે? - મને એક જાતનો મુંઝારો થવા લાગ્યો, જાણે કે મારી છાતી ભીંસાવા લાગી.
.
મારી આંખોમાં ક્રોધ અને કરુણા બંને એક સાથે છલકાવા લાગ્યા. પણ તેનાંથી, તે બંનેની આત્મીય પળોની જે છબી મારી નજર સામે ઉપસી આવી હતી, તે ધૂંધળી ન પડી શકી. બંનેના નગ્ન દેહો, બંનેની જીભ એકમેકમાં અટવાતી...!

આ....હ..! કેટલો બીમાર કરી દેવાવાળો, કેટલી પીડા ઉત્પન્ન કરવાવાળો ખયાલ હતો તે.
.
"તું.. તું ઓળખે છે તેને?" -મારાં આવા અનપેક્ષિત વર્તનથી અમય ચોંકી ગયો, ને હક્લાતો હક્લાતો તે આટલું યે માંડ માંડ બોલી શક્યો.
.

"ઓળખવાની વાત કરે છે?" -હું ઉભો થતો થતો બોલ્યો- "તે તો સાલી મારી ગર્લ ફ્રેન્ડ છે. છેલ્લા ત્રણ વર્ષથી અમારો એફેર ચાલે છે અને.. અને છેલ્લા બે વર્ષથી મારી સાથે રહે છે..મારી વાઈફની જેમ..! મૂરખ સાલા..કંઈ સમજાય છે તને..? "
બંને હાથની મુઠ્ઠીઓ ભીંસીને હું તેનાં માથા પર નમીને ઉભો હતો. ગુસ્સાની કે તકલીફની, કોને ખબર શેની રેખાઓ મારા ચહેરા પર વધુ ઉપસી આવી હતી..!
.
"નહીં યાર નિખીલ," -તે કાંપતા સ્વરે બોલ્યો- "તેણે તો આપણી કમ્પનીનું નામ પણ નથી સાંભળ્યું. તારી ગર્લફ્રેન્ડને તો ખબર જ હોય ને... કે તું કઈ કમ્પનીમાં કામ કરે છે.
મને થોડી રાહત થઇ.
બટ વેઇટ..
પોસીબલ છે કે નિકી તેની પાસે ખોટું બોલી હોય, કે તેણે આ કંપનીનું નામેય નથી સાંભળ્યું.
.
"તારી નિકી કેવી દેખાય છે ?" -અમયે ઉતાવળિયા થઈને પૂછ્યું- "તારા ફોનમાં તેનો ફોટો છે?"
મારો હાથ મારા ફોન પર ગયો અને મનોમન એક ગાળ બોલાઈ ગઈ..
કારણ ત્યારે જ મને યાદ આવ્યું કે આ હેન્ડસેટ તો મેં હજી માંડ અઠવાડિયા પહેલાં જ બદલાવ્યો છે.
હજુ તો પુરા કોન્ટેકસ પણ ટ્રાન્સફર નથી કર્યા આમાં, તો પીક્સ કે મ્યુઝીક કે એવા બધાંનો તો કોઈ ચાન્સ જ નહોતો.
.
"પહેલા તું મને કહે બધું, " -હું દાંત ભીંસીને બોલ્યો- "એટલે મને ખબર પડે, કે તું મને બેવકૂફ નથી બનાવતો."
"ઓકે.. તે લગભગ મારી જ હાઈટની હતી." -એક શ્વાસ રોકીને પોતાની જાતને તૈયાર કરીને તે બોલ્યો.
ચેક..! એકદમ બરોબર.
નિકી પણ મારાથી ત્રણ ઇંચ જેટલી જ નીચી છે, એટલે કે અમયની જેટલી જ હાઈટ છે એની.
.
"ઉમર..લગભગ મારા જેટલી જ.." -તે આગળ બોલ્યો.
ચેક અગેઇન...! ફરી પાછુ બરોબર.
મારી નિકી, અને અમય બેઉ મારાથી ત્રણેક વર્ષ નાના છે. એટલે બંનેની ઉમર એકસરખી જ છે.
.
"એકદમ કાળા વાળ. જેટ-બ્લેક..!"
ચેક...!
.
"ડાર્ક ગ્રીન ટીશર્ટ અને જીન્સ પહેરેલા તેણે.." -તેણે વર્ણન ચાલુ રાખ્યું.
હું પાછો થોડો રીલેક્ષ થયો.
.
નિકી કાલે રાતે ઘરે આવી હતી, ત્યારે તેણે તો રેડ કલરનું લેડીઝ ટાઈપ ટોપ્સ પહેરેલું. કોઈ ટીશર્ટ નહોતું પહેર્યું તેણે.
બટ વેઇટ..!
મને ખ્યાલ આવ્યો કે પાપાના ઘરે જઈને કદાચ ડ્રેસ-ચેન્જ કર્યો પણ હોય.. કદાચ.
અને... કાલે રાતે મેં તેને કયા રંગના ટીશર્ટસ્ પેક કરીને આપ્યા હતા તે મને કંઈ જ યાદ નથી.
.
"પાતળી..સ્લીમ..!"
સાલું.. ફરી પાછુ ચેક.
.
"બ્રાઉન કલરની આંખો..મારા ખ્યાલ મુજબ.."
"તારા ખ્યાલ મુજબ..? એટલે ?" -ગુસ્સાથી મારો અવાજ તરડાવા લાગ્યો. આ સાચે જ ગુસ્સો અપાવે તેવી વાત હતી. મારે વધુ ને વધુ જાણવું હતું એ ખાતરી કરવા માટે, કે જેની સાથે આ હલકટ સુતો હતો, તે છોકરી મારી નિકી જ હતી, કે બીજી કોઈ.

.
"મને યાદ નથી. પણ હું મોટેભાગે શ્યોર જ છું, કે તેની આંખો બ્રાઉન હતી.
.
"તેનાં પ્રાઇવેટ પાર્ટ પર કોઈ નિશાની..? -મેં બેશરમીથી પૂછ્યું.
અમય એક પળ માટે આંચકો ખાઈ ગયો. મારી વાઈફ સમાન ગર્લ-ફ્રેન્ડને ઓળખી કાઢવા મેં કેવી બેહુદી વાતનો સહારો લીધો, એ વાતથી તે અવાચક જ બની ગયો.
પણ મને તો જાણે કે.. કોઈ પરવા જ નહોતી.

"કોઈ લાખુ..? કે કોઈ એવો બર્થ-માર્ક..?" -મેં મારી નિર્લજ્જ પૂછપરછ ચાલુ રાખી. હું એટલી શરમજનક રીતે ઉતાવળિયો થઇ ગયો હતો, કે મારે કોઈ પણ રીતે ખાતરી કરી લેવી હતી. હું તો પુરુષ મનની ફક્ત એક ખાસિયત જાણું છું, કે આવી કોઈ જગ્યા પરનાં નિશાનો કાં તો ખુબ જ આકર્ષક હોય છે. અથવા તો એટલા ગંદા, કે આખા મૂડનો સત્યાનાશ કરી નાખતાં હોય છે, અને માટે જ તે તરત યાદ રહી જતાં હોય છે.
.

"એવે વખતે યાર... હું એવું બધું થોડું જ જોવા બેસવાનો.." -અમયે પોતાનો વિરોધ દર્શાવ્યો- "બટ વેઇટ..યસ,..!"
.
હું થંભી ગયો..
તે શું કહેવાનો છે હવે? કારણ, આવું પૂછીને પરોક્ષ રીતે મેં તો તેને કહી જ દીધું છે, કે મારી નિકીને અમુક જગ્યા પર એવો કોઈક બર્થ-માર્ક છે. અને જો અમય પણ પેલી છોકરીના એવા કોઈક બર્થ-માર્કનું જગ્યા સાથેનું વર્ણન કરે, તો એ નક્કી થઇ જાય, કે તે છોકરી નિકી જ હતી.
.
"તેનાં ડાબા ઘુંટણથી એકાદ ફૂટ ઉપર, કોઈ એકસીડન્ટ પછીના આવેલા ટાંકાનું લાંબુ નિશાન હતું.. કદાચ." -અમય ખાત્રીપૂર્વક બોલ્યો.
.
સાચું કહું?
ત્યારે મને જે રિલીફ મળી, તેનું વર્ણન કરવા માટે મારી પાસે કોઈ જ શબ્દો નથી, કારણ મારી નિકીનાં ડાબા કે જમણા, કોઈ જ પગ પર એક અડધી ઇંચ જેટલું ય કોઈ નિશાન નથી. તેનાં બંને પગ તો ઘૂંટણથી જાંઘ સુધી કેળનાં સ્તંભ જેવા લીસ્સા-લચક છે.
.
"શ્યોર..?" - સાફ વરતી જવાય તેવી કંપન સાથે મેં પૂછ્યું. રડી પડવાની લાગણી સામે હું અંદરઅંદર લડી રહ્યો છું, એ વાત તેનાથી છુપી નહીં જ રહી હોય.

.
"હા.. યસ.. કસમથી.. સ્ટીચીઝનું લાંબુ પાંચ-છ ઇંચ જેટલું નિશાન હતું. ડેફીનેટલી..!"
.
.
બસ.. આ સાથે જ હું ઉભો થઇ ગયો અને રેસ્ટોરાંથી બહાર આવી ગયો.. તેને અંદર મુકીને જ.
અચાનક નિર્માણ થયેલી પરિસ્થિતિથી, અમયને એકદમ આંચકો ખાધેલી દશામાં રાખીને હું મારી બાઈક પર સવાર થઇ ઘરે આવી ગયો. બાઈકને બહાર પાર્ક કરીને પડતો-આખડતો હું દરવાજા સુધી પહોચ્યો, અને અંદરથી દરવાજો બંધ કરતાંની સાથે જ હું નીચે લાદી પર જ ફસડાઈ પડ્યો. લાગણીઓનો બંધ સમજો તૂટી જ ગયો અને આંખોમાં જાણે કે રાહત અને ધરપતનાં આંસુઓનું પુર આવી પડ્યું.
.
અમય મારી સાથે મારી બાઈક પર જ આવેલો, આવી દુરસુદુર જગ્યા પરની હોટલમાં. તો મારી એ ફરજ હતી, કે તેને ટાઉનમાં કોઈક એવી જગ્યા સુધી લઇ જઈને ડ્રોપ કરું, કે જ્યાંથી તેને રીક્ષા, ટેક્ષી મળી રહે..
પણ એટલું બધું વિચારવાની તાકાત જ ક્યાં હતી મારામાં..! હું તો ત્યારે બસ છુટકારો મેળવી રહ્યો હતો એવા બધાં વિચારોથી, કે હું નિકીની ચોરી પકડી રહ્યો છું.
.
કલાકેક કદાચ, આ જ અવસ્થામાં હું જમીન પર જ પડ્યો રહ્યો હોઈશ. અને પછી મેં મારો ફોન કાઢ્યો.
મને લાગ્યું કે મને ઘણી રાહત મળી ગઈ છે,
પણ તો ય...
નિકીને અમય સાથે ઈમેજીન કરવાની વાત હજી પણ મને આટલી જ તકલીફ દઈ રહી હતી, જેટલી કે પહેલાં.. કે જયારે તે છોકરી નિકી હોવાની હું ધારણા કરતો હતો..
.
નિકી મને ચીટ કરે છે એ આઈડિયા જ એટલો ગંદો અને પીડાદાયક છે. પણ અત્યારે જે થયું તેની કરતાં પણ વધુ જોરદાર આંચકો મને તે વાતે આપ્યો, કે જયારે મેં મહેસુસ કર્યું કે નિકીએ કેવું ફિલ કર્યું હશે જયારે તેણે મને પકડી પાડ્યો હતો, બીજી છોકરી સાથે..તેને ચીટ કરતો. મને આ પીડાનો અહેસાસ પહેલાં નહોતો. પણ એ અહેસાસનો અત્યારે અનુભવ થતાંની સાથે જ હું મારી જાતને હજુ ય વધુ ધિક્કારવા લાગ્યો.
ઢીલાઢાલા હાથે મેં નિકીને ફોન લગાડ્યો. મારા ડુસકાઓને કાબુમાં રાખવાની મેં કોશિષ કરી જોઈ, પણ હું નાકામ રહ્યો.
"નિકી..?" -તે ફોનમાં રીપ્લાઈ કરે તે પહેલાં જ હું ઉતાવળો થતો ચાલ્યો- "નિકી, આયે'મ સોરી. આઈ એમ સો સોરી..નિકી..!"
.
મને કોઈ જ આઈડિયા નથી કે મારા ડુસકાઓની વચ્ચે મેં જે કંઈ પણ કહ્યું, તે બધું તે સમજી શકે છે, કે નહીં. પણ તો યે મેં મારી વાત ચાલુ જ રાખી.
"આઈ લવ યુ સો મચ. નિકી, આઈ કાન્ટ બીલીવ કે આ બધું મેં તને કર્યું છે. હું માની નથી શકતો કે મેં તને આટલી બધી વાર હર્ટ કરવાનું રિસ્ક લીધું છે. હું માની જ નથી શકતો કે મેં કોઈ બીજી યુવતીની સામે પણ જોયું છે. તારી સરખામણીમાં તો તે બધીઓ કંઈ જ નથી, નિકી..કોઈ જ તારા જેવી નથી. આઈ લવ યુ. આઈ લવ યુ સો મચ."
.
હું મારું હૃદય ખોલીને ફોનમાં રેડવા લાગ્યો. ત્યારે વચ્ચે વચ્ચે તેનાં ય ધ્રુસકાઓનો અવાજ આવી રહ્યો. મેં નિકીને કહ્યું, કે હું ક્યારે ય કોઈ એવી વ્યક્તિને નથી મળ્યો કે જેણે મને તેના જેટલું સુખ આપ્યું હોય.
મેં તેને એ પણ કહ્યું કે મેં તેને જ્યારે જ્યારે 'પરફેક્ટ' કહી છે ત્યારે તેમાં કોઈ જ અતિશયોક્તિ નહોતી.
મેં તેને કહ્યું કે તે ખુશ રહેવા માટે...અને એક દેવતા જેવો વ્યવહાર પામવાને માટે એક્ચ્યુલી હકદાર છે.
જેટલી થઇ શકે તેટલી મેં તેની પ્રસંશા કરી, પણ એ આશાએ નહીં કે હું તેને પાછી મેળવી શકું, અને ન તો આ બધી કોઈ ચાપલુસી હતી. મેં તેની પ્રસંશા કરી, કારણ કે એ બધી હકીકત છે, અને વાસ્તવમાં જ મારો આ બધું કહેવાનો મતલબ હતો.
મારા દુઃખી મન સાથે મેં તેને કહ્યું કે હું બસ..તેને ખુશ જોવા માંગુ છું, ભલે એનો મતલબ એવો પણ હોય કે ખુશ રહેવા માટે તે મારી સાથે ન પણ રહે..!
'
આખરે જયારે હું શ્વાસ લેવા રોકાયો ત્યારે મારા હાથમાંથી ફોન સરકીને નીચે પડી ગયો.
અને હું નીચે ફર્શ પર જ બેઠો રહ્યો.
બેઠો જ રહ્યો ત્યાં સુધી.. કે જ્યાં સુધી કોઈક આવ્યું અને મારા દરવાજા પર નોક કર્યું.
.

વધુ સાતમા પ્રકરણમાં..

[અશ્વિન મજીઠિયા....]

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED