I AM SORRY PART-09 Ashwin Majithia દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

I AM SORRY PART-09

આઈ એમ સોરી- [ભાગ ૯]

લેખક: અશ્વિન મજીઠિયા

ઈમેલ: mmashwin@gmail.com ફોન: ૯૮૭૦૪૨૮૮૦૪

[પ્રકરણ ૯]

અમયનાં ગયા બાદ, દરવાજો બંધ થવાનાં અવાજ સાથે જ હું સોફા પર પથરાઈ ગયો.
તેને હમણાં મારા ઘરે બોલાવવાનું બે કારણ હતાં.
એક તો તેની સાથેનાં મારાં વિચિત્ર વર્તન માટેની માફી માગવી..
અને બીજું એ, કે મારાં અંગત જીવનમાં હાલમાં ચાલી રહેલ મુશ્કેલ કાળ બાબત તેની સાથે ખુલ્લા મને વાત કરી મારું મન થોડું હળવું કરવું.
આ બંને કામ વ્યવસ્થિત પાર પડી ગયાં.
.
પરિણામસ્વરૂપે તેનાં ગયા પછી હું ખુબ જ હળવાશ અનુભવવા લાગ્યો.
માનસિક તાણ જાણે ઘણી ઓછી થઇ ગઈ અને આ વિષમ પરિસ્થિતિનો સામનો કરી તેનું સમાધાન શોધવાનો નવો જ ઉત્સાહ..એક નવું જ જોમ મારા મનમાં ઉભરાવા લાગ્યું હોય તેવી લાગણી મને થઇ આવી.
મન જયારે હળવું હોય તો ઊંઘ સરસ અને તરત આવે, પણ આજે મારી સાથે એવું ન થયું.
આંખો બંધ કરીને સુવાનો પ્રયત્ન કરવા લાગ્યો, તો ઊંઘ તો જાણે કે માઈલો દુર ભાગી ગઈ હતી.
અને મારું મન જાણે કે ભૂતકાળની યાદોમાં સરવા લાગ્યું.
વિક્ટોરિયા -વિકી ફરી મારી યાદોમાં આવવા લાગી.
તેની સાથે બની ગયેલ તે ઘટનાને હું ફરીથી યાદ કરવા લાગ્યો.
હું જાણું છું, કે ત્યારે તે પોતાનાં કન્ટ્રોલમાં નહોતી, પણ તો..
તો હું કેમ ત્યારે ખમી ન ગયો..?
થોડી'ક વાર માટે પણ જો હું તે રાતે તેની આગળ રોકાઈ ગયો હોત...
તો કદાચ આજે...
.
વિકીને હું કેમ ભૂલી શકું..!
નિકી સાથે મારી પ્રથમ મુલાકાત આ વિકી દ્વારા જ તો થઇ હતી.
વિકી મારી જ ઓફિસમાં કેટલાક સમય માટે જોબ કરવા આવી હતી.
તેની નાની બેન નિકી ત્યારે પોસ્ટ-ગ્રેજુએશન કરી રહી હતી.
અમે બંને, હું અને વિકી, એક જ ઓફિસમાં કામ કરતાં હતાં, તે દરમ્યાન વિકી મારી તરફ આકર્ષિત થઇ હતી, પણ તેણે મને એપ્રોચ કર્યું નહીં, અને એવી જ રીતે, મેં પણ તેને અપ્રોચ કર્યું નહોતું.
.
વિકી જો કે એક ખુબસુરત યુવતી હતી, ટીપીકલ ગોવાની ‘પોરગી’ જ જોઈ લો.
શામળી પણ તો ય નમણી ય એટલી જ.
સરસ મજાની હાઈટ,
પ્રમાણસર વજન.
શરીરના વળાંકો એવા, કે ઉડીને આંખે વળગે.
મસ્ત ડ્રેસિંગ સેન્સ..!
ઓલ્વેઝ હેલ્પીંગ નેચર,
હસમુખી...!
મુંબઈની છોકરીઓ જેવો કોઈ જ ફાલતું ઈગો નહીં..!!
.
પણ, આ બધાં ઉપરાંતે ય મેં વિકીને અપ્રોચ ન કર્યું, કારણ મને મુંબઈથી ગોવા ટ્રાંસફર થયે હજી બહુ વખત થયો નહોતો, બસ માંડ બે-ત્રણ મહિના જ સમજો,
તે ઉપરાંત ગોવામાં કેટલો વખત રહીશ તે પણ નક્કી નહોતું. એટલે કારણ વગરનાં એટેચમેન્ટ અને કોમ્પલીકેશન્સ ઉભા કરવાનો કોઈ મતલબ નહોતો.
અને પાછુ એક જ ઓફીસમાં કામ કરતાં હોવાથી ઓફીસમાં રેપ્યુટેશનનું પહેલાં ધ્યાન રાખવું પડતું.
છોકરો છેલબટાઉ અને રંગીન મિજાજનો છે -એવું મારે નહોતું લાગવા દેવું કદાચ.
તો છ મહિના અમે બેઉએ સાથે જોબ કર્યો, પણ એકદમ ઈમાનદારીપૂર્વક.

.
જો કે નિકી સાથે એકદમ ઉલટો જ કેસ થયો.
પહેલી જ નજરે હું તેને જોતો જ રહ્યો.
જયારે વિકીએ મને નિકીનો ઇન્ટ્રો કરાવ્યો તો હું મારાં હોશ ખોઈ બેઠો, આટલી ખુબસુરત યુવતીને જોઈને.
નિકી પણ ઘણી ખરી તેની બહેન જેવી જ દેખાય, પણ તોય તેનાં કરતાં ચાર ચાસણી ચડે તેવી.
.
તે એક નાની એવી મુલાકાત હતી, પણ મારાં દિલ પર ઊંડી અસર છોડી ગઈ.
ઓફિસેથી ઘરે પહોચ્યો તેટલી વારમાં તો મેં સો વખત પ્રાર્થના કરી હશે કે, -હે ભગવાન, આ છોકરીનાં મનમાં મારા માટે એટ્રેક્શન પેદા કરો. મને કોઈ પણ રીતે આ છોકરી મળી જાય, એવો કંઇક ચમત્કાર કરો, પ્રભુ..!
.
કદાચ વિચિત્ર લાગતું હશે, પણ આ જ હકીકત છે.
પછીનાં ચાર-પાંચ દિવસોમાં તો મને આ ગોવા શહેર અચાનક જ ગમવા લાગ્યું.
આમે ય મુંબઈમાં તો મારું કોઈ હતું જ નહીં. પરિવારમાં એક ભાઈ છે, નિતીન અને એ પણ પરદેશ.
ગુજરાતમાં સગાઓ ખરા, પણ બધાં દુરના.
માબાપની ગેરહાયાતીમાં તે સંબંધો તો બસ, નામ-માત્રનાં જ રહી ગયા છે.
તો ગોવામાં જ હવે સેટ થઇ જવાનો વિચાર આવવા લાગ્યો.
ગોવાના કોંકણી-હિંદુ ખુબ ભલાં લાગવા લાગ્યા.
તો પોર્ટુગીઝ ખ્રિસ્તીનો વસવાટ છે તે ‘અલ્ડોના’ વિલેજમાં વારે ઘડીએ આંટા મારવાનું અમસ્તું જ મન થવા લાગ્યું કે કદાચ અકસ્માતે જ નિકીનો ભેટો થઇ જાય.
આ રળિયામણા ગામડાંનાં જૂનાં..ખુબ જૂનાં પોર્ટુગીઝ સ્ટાઈલ બાંધણીનાં મકાનો, ત્યાંની ચર્ચ અને ચેપલ જાણે અહીં જ વસી જવાનું મને આમંત્રણ આપતાં રહ્યા,
તો સાદી, સરળ અને તે છતાંય યે બ્રોડ-માઈન્ડેડ એવી આ ખ્રિસ્તી જમાત જાણે મારી પોતીકી હોય તેવી આત્મીયતા તેમનામાં મને જણાવા લાગી.
.
વિકી સાથે આડકતરી વાતો કરી તે લોકોની રહેણીકરણી, ખાણીપીણી વગેરેની માહિતી મેળવવા લાગ્યો.
વિકી પણ જરૂર કરતાં વધુ જ ઉત્સુકતાથી મને બધું કહેવા લાગી.
કદાચ તેની ગેરસમજણ તેને આમ કરવા પ્રેરતી હશે, પણ મને એ વાતની પરવા નહોતી.
મારી પ્રાર્થના તો બસ નિકી માટે જ હતી, અને ભગવાને મારી પ્રાર્થના સાંભળી યે ખરી.
સરવા કાન કરીને સાંભળી હશે કદાચ..
.
કારણ..
બીજે અઠવાડિયે જયારે નિકી તેની બહેન વિકીને મળવા અમારી ઓફિસે આવી, ત્યારે તેની નજર સતત મારી પર જ ખોડાયેલી રહી.
એક અઠવાડિયામાં જ કદાચ, ઈશ્વરે મને એકએક એટલો હેન્ડસમ બનાવી દીધો હશે, કે તેની નજરમાં હું વસી ગયો.
નિકી જેટલી વાર ઓફિસમાં રહી તેટલી વારમાં મને અનેક એવા સિગ્નલ આપી દીધા, કે યસ..તેને મારામાં ઇન્ટરેસ્ટ છે.
અને આ સિગ્નલ્સ પણ એટલા લાઉડ..એટલા પાવરફુલ હતાં, કે મને બસ્સો ટકા ખાતરી થઇ ગઈ કે આ ફટકડી ચોક્કસ મારામાં રસ ધરાવે છે.
મારી ખુશીની તો કોઈ સીમમાં જ ના રહી.
.
.
તે સાંજે હું ટેક્સીની વાત જોતો ઉભો હતો, કે અચાનક જ નિકી એક ‘જીન’ની માફક મારી સામે પ્રગટ થઇ, પોતાની કાર સાથે.
મારી બાઈક સર્વિસમાં આપી હોવાને કારણે, મારે ગેરેજમાં જવાનું હતું.
એટલે તેણે જ્યારે મને લીફ્ટ આપી તો મને મારાં સદભાગ્ય પર વિશ્વાસ જ નહોતો બેસતો.
.
તેની સાથે ફ્રન્ટ-સીટ પર બેઠા બાદ મારી હિંમત એટલી બધી વધી ગઈ...અને તેનો પણ એટલો પોઝીટીવ રિસ્પોન્સ હતો, કે મારી બાજુમાં રાખેલ તેનાં બીજા હાથ પર મેં મારો હાથ મૂકી દીધો.
તે એક હાથે ડ્રાઈવિંગ કરતી રહી, પણ પોતાનો હાથ ન હટાવ્યો.
જો કે હસીને તે બોલી ખરી -"નીખીલ, લેટ મી કોન્સન્ટ્રેટ ઓન ડ્રાઈવિંગ"
હું હસી પડ્યો..
એક ક્ષણ માટે થંભી પણ ગયો.
પણ તોય મારું નસીબ અજમાવવાનું તો ચાલુ જ રાખ્યું.
હું તેનાં હાથનાં પંજા પર મારો હાથ ફેરવતો જ રહ્યો, જે ધીરે ધીરે તેનાં કાંડા સુધી પહોંચી ગયો.
.
પણ પછીની બે મિનીટ બાદ જ...
નિકીએ અચાનક ગાડી રોકી દીધી અને એકદમ સીરીયસ મોઢું બનાવીને બોલી- "નીખીલ, તું મારું ધ્યાન ભટકાવી મુકે છે. આઈ કાન્ટ ડ્રાઈવ ઇન ધીસ વે..!"
.
એક કે બે પળ માટે અમે બંને એકબીજાને તાકતાં જ રહ્યા.
અને ત્રીજી પળે હું આગળ વધ્યો.
મારાં હોઠ તેનાં ચહેરાની નજીક લઇ ગયો.
તેણે કોઈ પ્રતિકાર ન કર્યો, કે ન તો તે પોતે પાછળ હટી,
.
તે અમારી પહેલી કિસ હતી.
પણ એકદમ દીર્ઘકાલીન..!
બહુ લાંબો સમય સુધીની અને ખુબ જ ઊંડી પણ..!!
.
આમ ખુબ જ ટૂંકા સમયમાં અમારો પ્રેમ-સંબંધ બંધાઈ ગયો.
બંને જણા જાણે વર્ષોથી એકબીજાની વાટ જોતાં હતાં..
તો કોઈ પણ જાતની ફોર્માલીટી કર્યા વિના, કે કોઈ પ્રોપોઝ કરે તેની વાટ જોયા વિના, શબ્દોનો સહારો લીધા વગર જ, ફક્ત આંખોથી જ બંનેએ એકમેકને બેધડક રીતે કહી દીધું કે, -યસ, આઈ લવ યુ. આઈ લવ યુ મૅડલી..!
.
તે પછી તો અમે પાછળ વળીને જોયું જ નહીં.
મને તેની હર એક વસ્તુઓ ગમતી.
પોર્ટુગીઝ હોવાને કારણે તેની બોલ્ડ વિચારસરણી, નોન-વેજ ખાવું, ડ્રીન્કસ માટેની રૂચી.. આ શેમાં ય મને કંઈ જ વાંધાજનક ન લાગ્યું.
હા, તેને મારામાં કંઇક વાંધાજનક જરૂર લાગ્યું... અને તે હતી મારી સિગરેટની આદત.
નિકી પોતે શરૂઆતમાં મારી સાથે સિગરેટના કશ લગાવતી.
પણ જયારે તેણે જોયું કે મને શોખ નહીં પણ આદત છે, તો તેણે મને વારવાનું શરુ કર્યું.
મારી સાથે સિગરેટ પીવાનું તો તેણે સદંતર બંધ જ કરી દીધું અને સોગંદ આપી આપીને...ભાષણો આપી આપીને મને સિગરેટથી દુર રાખવાની કોશિષ કરવા માંડી.
હું પણ તેની હર વાત માનવામાં અજબ ખુશી મહસૂસ કરવા લાગ્યો.

પ્રેમની કબુલાત પહેલાં જ ઊંડી-લાંબી કિસ કરવાની બેધડકતા નિકીએ ભલે દાખવી હોય, પણ સેક્સ-સંબંધ બાંધવાની બાબતમાં તે અન્ય સામાન્ય ભારતીય યુવતી જેટલી જ જુનવાણી નીકળી.
હું મારી રૂમમાં એકલો જ રહેતો હતો,
પણ તો યે મારાં બેડરૂમ સુધી પહોંચવામાં તેણે ત્રણેક મહિના કરતાં ય વધુ સમય લીધો હશે.
તેનું માનવું હતું કે જ્યાં સુધી બની શકે આ શારીરિક-સંબંધને મુલત્વી રાખીને, પહેલાં એકમેકમાં વિશ્વાસ પ્રાપ્ત કરી લેવો જરૂરી છે.
જયારે પોતાનો આત્મા.. પોતાનો વિશ્વાસ એ વાતની સાક્ષી પૂરે કે સામેનું પાત્ર જીન્દાગીભરનો સંબંધ જોડવા માટે યોગ્ય છે, ત્યાર બાદ જ શારીરિક સમીપતા કેળવાવી જોઈએ.
ત્રણ મહિનાં જેવા લાગી ગયા, તેને આ બધું વિચારતાં અને નક્કી કરતાં.
પણ એક વાર નક્કી થઇ ગયા બાદ, તે નિશ્ચિંત બની ગઈ.
અને મારી સાથેનો દેહ-સંબંધ તો જાણે કે તેને અજબ જ વિશ્વાસ આપી ગયો કે આ યુવાન તેને બધી રીતે ખુશ રાખી શકશે.
અને મને પણ આ ખુબસુરત હસીનાનાં હુસ્નએ ગજબનો દીવાનો કરી મુક્યો હતો. તેનો સ્વભાવ મને દિવસભર તેનાં વિષે જ વિચારવા માટે મજબુર કરતો રહેતો.
આમ એકમેક સાથેના શારીરિક અને માનસિક સંબંધથી અમે બંને ખુબ જ તૃપ્ત અને સંતુષ્ટ હતાં.
એકબીજામાં કોઈ જ ઉણપ નહોતી દેખાતી
અને દેખાતાં તો બસ...
સુખમય ભવિષ્યના સપના..!
.
.

વિકી, વિક્ટોરિયા.. !
કદાચ દુનિયાની આ છેલ્લી વ્યક્તિ હશે, કે જેને મારે નિકી સાથેના પ્રેમ-સંબંધની વાત કરવાનું હું પસંદ કરું. અને એટલે જ..
આ વાત મેં ઓફીસમાં ય છુપાવેલી જ રાખી. અમયને તો કહેવાનો કોઈ સવાલ જ નહોતો કારણ તેની સાથેના સંબંધોમાં ઢીલાશ તો મુંબઈમાં હતાં ત્યારથી જ આવી ગઈ હતી.
અને એટલે જ હમણાં થોડીવાર પહેલાં મેં તેને જયારે નિકીની બહેનનું નામ વિકી-વિક્ટોરિયા છે એમ કહ્યું, તો તેને એક ઝબકારો ય ન થયો કે આ વિકી એટલે..ત્રણ વર્ષ પહેલાં અમારી ઓફીસમાં કામ કરતી હતી..તે જ યુવતી હોઈ શકે. જો કે મેં પણ એવી ઓળખાણ નહીં આપીને મારી ને નિકીની વાત સાઈડ-ટ્રેક પર ન ચાલી જાય તેની કાળજી લીધી હતી.
.
ખેર..
મેં દરેક કોશિષ કરી, કે નિકી સાથેના મારા આ એફેરની વાત તેની આ મોટી બહેન વિકીથી છુપી રહે.
પણ નિકી તો પાગલપણાની હદ સુધી મારાં પ્રેમમાં હતી, એટલે તેણે તો પોતાનો બધો સંકોચ અને શરમ નેવે મૂકીને અમારા લવ-એફેરની વાત પોતાનાં પાપાને કરી જ દીધી.
.
પોતાની સહુથી નાની દીકરી એક હિંદુ-ગુજરાતી, વેજીટેરીયન યુવાનને સીરીયસલી પસંદ કરે છે, તે વાત તેનાં પાપાને સહેલાઈથી પચી નહીં.
નારાજ તો થયા જ તેઓ... પણ પોતાની દીકરીની ખુશીમાં પોતાની ખુશી જોઈને નસીબને દોષ દેતા બેસી રહ્યા.
.
નસીબને દોષ એટલાં માટે...
કારણ કે તેમનો મોટો દીકરો રીચર્ડ, દીના નામની એક પારસી યુવતીનાં પ્રેમમાં હતો.
પારસી કોમ તે આમ ખુબ જ કડક કોમ ગણાય.
કહેવાય છે કે તેઓમાં નોન-પારસી સાથેનાં મેરેજ માન્ય નથી હોતા.
છોકરો કે છોકરી બેમાંથી જે કોઈ પણ નોન-પારસી હોય, તેણે પારસી ધર્મ ફરજીયાત અપનાવવો જ પડે.
તો આવા સંજોગોમાં રીચી અને દીનાએ ટ્રાયલ-બેસીસ પર અમુક વર્ષો લીવ-ઇન-રીલેશનમાં જ ગાળવાનું નક્કી કર્યું.
મૂળે જુનવાણી ખ્રિસ્તી, એવા નિકીનાં પાપા, સ્ટીવ-અંકલ માટે બહુ જ ઓછા ગાળામાં મળેલા આ બબ્બે આંચકા પચાવવા ખુબ ભારે હતાં.
લગભગ ૮-૧૦ હજારની વસ્તી ધરાવતા અલ્ડોના ગામમાં આસપા,સ ચારેકોર બસ...પોતાની જાતનાં જ લોકો રહેતાં હોય, જેમાં કેટકેટલાય લાયક યુવાનો-યુવતીઓ હોય, તે છતાં ય પોતાનું સંતાન જીવનસાથી તરીકે પરનાત અને પરપ્રાંતનાં પાત્ર પર પોતાની પસંદગી ઉતારે, ત્યારે તેનો આ નિર્ણય એક વિધુર બાપ માટે વસમો આંચકો જ બનીને રહી જાય..
જ્યારે સ્ટીવ-અંકલ માટે તો એક નહીં, બે આંચકા આવ્યા અને તે પણ બસ..બે-ચાર મહિનાનાં ગાળામાં.
પ્રભુ-ઈચ્છા ગણીને તેમણે અમારાં સંબંધને મંજુરી તો આપી..પણ ઈશ્વર પાસે પોતાનો અસંતોષ તો જરૂર વ્યક્ત કર્યો હશે, કારણ તેમને એમ કરતાં તેની વચેટ દીકરી વિકી એક વાર સાંભળી ગઈ હતી.
.

આવા વાતાવરણમાં વિક્ટોરિયા, વિકીએ ચુપ જ રહેવાનું પસંદ કર્યું.
પોતે જેને છેલ્લા કેટલાય મહિનાંઓથી મનોમન પ્રેમ કરતી હતી, અને બસ...એક મોકાની, સામેથી એક ઈશારાની જ વાટ જોતી હતી, ત્યાં અચાનક નિકીએ આવીને આંખનાં પલકારામાં પોતાનું કામ કરી નાખ્યું.. તેને જોઈતું મેળવી લીધું.. અરે, પોતા પાસેથી ઝુંટવી લીધું..અને પોતે તો બસ... જોતી જ રહી ગઈ.
.
સામે પક્ષે કોઈ બીજી યુવતી હોત તો કદાચ પોતે કોઈક એવી હરકત કરત, કે જેનાંથી પોતાનાં મનનાં મહેબુબને પોતાનાં પ્રેમનો અણસારો આવી જાય..
કંઈ નહીં તો, પોતાનું નસીબ તો તે જરૂર જ અજમાવત.
.
પરંતુ અત્યારે સામે પક્ષે તેની હરીફ બીજી કોઈ નહીં પણ પોતાની જીવથી વ્હાલી નાની બેન નિકી હતી.
નાની હતી એટલે પસંદ કરવાનો અને પસંદગીનું પામવાનો તેનો પહેલો હક્ક ગણાય. મોટાની તો ફરજ હોય છે નાનાંને આપવાની.. તેની ઈચ્છા પુરી કરવાની.
આવું બધું વિચારી, વિકી મનમાં સમસમીને ચુપ રહી ગઈ.
.
તેનો વાંક એટલો જ હતો કે તે નિકી જેટલી બોલ્ડ નહોતી.
નિકીને તો સ્વપ્ને પણ ખ્યાલ નહોતો કે પોતે પોતાનાં પ્રેમીને પહેલી વાર મળી તેનાથી યે પહેલાંથી તેની મોટી બેન વિકી પોતાનાં મનમાં એ જ યુવાનનાં સપના સજાવી રહી હતી.
વીકીનાં મનની પ્રેમ-લાગણીઓથી અજાણ નિકી જયારે હસી હસીને પોતાનાં પ્રેમની બધી વાતો કરતી ત્યારે વીકીનાં મન પર જાણે કે કરવત ચાલતી.
પોતાની શરમ અને સંકોચના પડદા પાછળ તે પોતાની છાની પ્રીતની પીડાનો શિકાર બનતી રહી...
હર રોજ, હર પલ, છેલ્લા શ્વાસ સુધી..!
.
વિકી તો બસ મૂક બનીને રહી ગઈ...
કોઈને કંઈ જ ન કહ્યું કારણ તે પાપાને હજુ કોઈ વધુ તકલીફ દેવા નહોતી માંગતી.
કે ન તો તેને કોઈ એવી મરજી હતી, નિકી પાસે પોતાની કુરબાનીઓની વાતો કરીને, પોતાને મહાન ચીતરવાની કે તેની કોઈ સહાનુભુતિ પ્રાપ્ત કરવાની.
તે તો બસ એક ચકોરી બનીને રહી ગઈ.. કે જે પોતાનાં ચંદ્રને ફક્ત દુરથી જ નિહાળીને પ્રેમ કરે છે.
તેનાં સુધી કોઈ દિવસ ય પહોંચી શકતી નથી..!
.
પણ દરેકનાં જીવનમાં કોઈ ને કોઈ નબળી ક્ષણો તો આવે જ છે કે જયારે તે પોતાની સમસ્ત તપસ્યા ભૂલીને મોહવશ થઇ જાય છે..અમુક પળ માટે..! [વધુ.. દસમા પ્રકરણમાં ]

.

અશ્વિન મજીઠિયા...