સંબંધોની દુનિયા....ગોરો કી ના કાલો કી
અધિકારની સાથે ઘણાંનુ સ્થાન બદલાય છે
સંબંધનું ત્યારે નવું પરિમાણ સર્જાય છે
-નરેશ કે.ડૉડીયા
સંબંધોની દુનિયામાં ઘણી વખત આપણે કોઈના માટે અત્યંત લગાવ બની જાય છે.લાંબા સમયના સંબંધો પછી એક ઠહરાવ અથવા સમજદારીનો એક પડાવ આવે છે.ખાસ કરીને આવાં સમયમાં મોટા ભાગના સમજદાર અને બુધ્ધિશાળી કહેવાતા લોકો પણ પોતાની ધીરજ અને ધર્ય ગુમાવી દે છે.કારણકે આપણે જેને વર્ચ્યુલ દુનિયા કહીએ છીએ એવી દુનિયામાથી પણ ઘણા માણસો એવા હોય છે એ આપણા જીવનમાં રોજિંદા સામેલ થતા લોકોથી વિશેષ હોય છે.એ વ્યકિત આપણે ભલે વર્ચુય્લ દુનિયાનાં સંબંધો થકી મળી હોય પણ સમય જતાં એ આપણી રોજિંદી ઘટમાળમાં સામેલ થઇ જાય છે..જેમ આપણા શહેરમાં રહેતા નજીકનાં મિત્રોને મળવાનું થતું હોય એ જ રીતે આવા લોકો જોજનોની દૂરી વચ્ચે વોટસએપથી લઇને ફેસબુક જેવા માધ્યમ થકી મળીએ છીએ.
સંબંધો હોય કે વૃક્ષ હોય કે મૌસમ હોય,એ કાયમ એકધારા રહેતા નથી.ઘણા મિત્રો બને છે અને ઘણા મિત્રો આપણા જીવનમાંથી ચાલ્યા જાય છે.પરિવર્તન એ સંસારનો નિયમ છે,એ વાત અહિંયા લાગું પડે છે,પણ આ બધામાંથી એક બે એવી પ્રિય વ્યકિત હોય છે,જેની સાથે આપણે કે એ કદી બદલી શકતા નથી.કદાચ જેને ઋણાનુબંધ કહે છે એવો સંબંધ બંધાય છે.આ પ્રકારની શ્રેણીમાં આવતા લોકો સાથે આપણે કે આપણી પરિસ્થિતિ મૂજબ બદલી શકતાં નથી.કારણકે આ એવા પ્રકારની વ્યકિત છે જેને આપણે કોઇ પણ સંજોગે ગુમાવવા માંગતા નથી.ધણી વખત આ પ્રકારની ગમતી વ્યકિત આપણી સાથે એની મરજી મૂજબનો વ્યવાહર કરે એ .છતા આપણે એની મનમાની ચલાવી લઇએ છીએ.કારણકે આપણે જાણીએ છીએ કે આ પ્રકારની હરકત એમની મોટે ભાગે ક્ષણિક હોય છે.થોડા કલાકો કે દિવસમાં એ સંબંધ ફરી હતા એ જ મુળ સ્થિતિમાં ગોઠવાય છે.એક કહેવત છે કે"ડાકણ પણ એક ઘર તારવીને ચાલે છે."એ અહિંયા બરાબર લાગુ પડે છે.દુનિયાદારી સામે આપણે ભલે ગમે તેવા હોઇએ પણ આ વ્યકિત સામે હમેશાં આપણા સારાપણા સાથે સમર્પણ ભાવ રહે છે..
કારણકે એક ઉમર પછી સંબંધો જ્યારે બંધાય છે ત્યારે બંને પક્ષે સમજદારી હોય છે.આપણે કોઇ કોલેજકાળનાં વિધાર્થી કે ટીનએજર નથી કે બંધાતા સંબંધોમાં સમજદારીનો અભાવ હોય.આ બધાં એક નક્કર અનૂભૂતિનાં પાયે હ્રદયની દોરવણીથી બંધાયા હોય છે.આવા સંબંધોમાં જ્યારે દિલની બદલે દિમાગનો ઉપયોગ કદી ના કરવો.કારણકે આ સંબંધ સાચવવા માટે નહી પણ નીભાવવા માટે બંધાયા હોય છે.જ્યાં સંબંધ સાચવવાના હોય ત્યા ફોર્માલીટી અને દિમાગની જરૂર પડે છે.સંબંધોમાં બદલાવ યથાયોગ્ય છે.સમય અને સામાજીક માળખાને ધ્યાનમાં લઇને આવા સંબંધો ગરિમાંપૂર્વક જળવાવા જોઇએ.વિચારો બદલે,ક્યારેક સંબોધન બદલે,પણ આ પ્રકારનાં સંબંધોનાં પાયામા રહેલો વિશ્વાસ,પ્રેમ કે લાગણી બદલતા નથી.કારણકે સંબંધોનું માળખું અત્યાર સુધી જે વિશ્વાસ,પ્રેમ અને લાગણીનાં પાયા પર ઉભું થયું હતુ.એ માળખાને પાયામાં રહેલા ત્રણ તત્વો એક તત્વ ગાયબ થશે તો આ સંબંધનું માળખુ કડડભૂસ કરતું તૂટી પડવાનું છે..
એક કહેવત છે,"ખંડહર બતાં રહા હૈ,ઇમારત કિતની ખૂબસૂરત હોગી." પછી આ તૂટેલા માળખા જોઇને લોકો પણ આ જ કહેવતને દોહરાવશે..માટે આવા જીવનનાં મૂળભૂત સંબંધોને
સાચવવાં એક વાકય રેખા વિનોદ પટેલની નોટમાં વાંચ્યુ હતુ એ કેટલું મુલ્યવાન છે.એ વાકય પરથી સાબિત થાય છે.
સંબંધોમાં હમેશાં તાજગી,ઝરણા જેવુ ખળખળતું અને થોડી મસ્તી મજાનું પ્રમાણ હોવુ પણ જરૂરી છે...એકધારી સંબધની ગાડી બે પૈડા પર અવિરત ચાલતી હોય ત્યારે એને પણ આરામની જરૂર પડે છે..એટલે એમાં થોડી મસ્તીભરી મોકળાશનું ઇંધણ અને તાજગીના ઝરણાના પાણીથી સાફસફાઇની જરૂર પડે છે અને સ્મિતનાં હળવા પોતાં વડે સાફ કરીને સંબધની ગાડીને ચમકાવી અને સફર જારી રાખો."
આવી પરિસ્થિતિમાં જે પાત્ર એગ્રેસીવ હોય છે એ બહુ અકળામણ અનુભવે છે.કારણકે મોટા ભાગનાં સંબંધોનું એક સત્ય છે કોઇ એક પાત્રને સામેનાં પાત્રનાં લગાવ કરતાં વધુ લગાવ હોય છે,અને મોટા ભાગનાં સંબધો ટકી જવાનું મુખ્ય કારણ પણ આ જ છે.
પરીણામે અત્યાર સુધી જે સામેનુ પાત્ર જેટલો સમય ફાળવતું એમાં એ ખૂશ રહેતું હતું એને બદલે એ જ પાત્ર સાથે વધુ ને વધુ કનેકટ રહેવાનું કોઈ ને કોઈ બહાનું શોધે છે.આ પ્રકારની એક પાત્રની માનસિકતા સામેના પાત્રને ઘણી વાર અકળાવે છે.પરીણામે શરૂ થાય છે.પછી શરૂ થાય છે એક બીજા પર અવનવા દોષારોપણ અને પહેલાં કદી અનુભવ્યો ન હોય એવો શંકાનો માહોલ.
ત્યારે જે પાત્ર એગ્રેસીવ હોય અને કોઈ પણ ભોગે એ સામેના માણસને ખોવા નાં માંગતું હોય માટે એ સામેના પાત્રના નજીકના મિત્રોથી લઇને એના લોહીના સંબંધ હોય એવા લોકો સાથે જે પાત્ર માટે અત્યંત લગાવ હોય એના માટે જ જુદી જુદી ફરિયાદોથી લઇને પોતે સાચા અથવા પોતે મનથી ધારી લીધેલા તર્કને રજૂ કરે છે..
મોટેભાગે દુનિયામાં બનતું હોય છે કે એવું જ બને છે.આવાં સમયમાં એ પાત્રના નજીકના મિત્રો કે લોહીના સંબંધ હોય એવા લોકો પણ એ પાત્ર માટે મનઘડંત અથવા એ બંને પાત્રનો સંબંધ વધુ કંઇ રીતે બગડી શકે એવા અભિપ્રાયો આપે છે.પરીણામે જે પાત્ર એગ્રેસીવ હોય છે એ વધુ ગૂંચવાય જાય છે.
ત્યારે મારી ચોકક્સ માન્યતા છે કે તમે જો એ પાત્ર ને ગુમાવવા માંગતા જ નથી તો એ સમયે તમારી બુધ્ધિને ત્યારે એક કોરાણે મૂકી દો..અને તમારા દિલ ને અનુસરો..પછી દિલ જે કંઈ એ પાત્ર માટે તમને સુચના આપે એને જ અનુસરો..અને દિલની દોરવણી પર આંધળો વિશ્વાસ મૂકી ને ઍ પાત્ર સાથે સંબંધની શરૂઆત કરજો.કારણકે મોટે ભાગે દિલથી જે સંબંધો નિભાવાય છે એ કદી તુટતા નથી.કારણકે અવિશ્વાસ મન અને મગજ પેદા કરે છે અને દિલ હમેશાં ભરોસા અને વિશ્વાસમાં જ માને છે..
કારણકે વિશ્વાસ અને ભરોસો એવી વસ્તું છે જે સામેનાં માણસ પર મુક્યાં પછી એક સમયે તો તમારા માટે સામેનું પાત્ર એક વાત પર વિચારવાં મજબૂર થઇ જશે કે જે માણસ મારા પર આંધળૉ ભરોસો કરે છે એની સાથે હું કંઇ રીતે છેતરપીંડી કે કોઇ પણ પ્રકારનો વિશ્વાસધાત કરી શકુ.?જેમ જેમ સામેનું પાત્ર તમારા વિશે માન્યતા બદલતું રહે એમ તમારા સંબંધો વિશ્વાસનાં પાયે વધુંને વધુંને મજબૂત થતાં રહેશે.
સામાન્ય રીતે આપણે બધા વિચારીએ છીએ કે મને શંકા ના થાય.પરંતુ દરેક વખતે આ સાચુ નથી હોતું. ક્યારેક સંજોગ એવા આવે કે શંકા આવી જાય છે.બસ આવા સમયે તમારી જે વ્યકિત માટે લાગણી છે એમા વિશ્વાસનો વ્યાપ વધારતા રહેશો.તો આ નાની એવી શંકા વિશ્વાસના વ્યાપ સામે આપોઆપ હારી જશે.
ખાસ કરીને સોશિયલ સાઇટ થકી રચાયેલા સંબંધોમાં આવી ધટનાં બનવાનો પૂરતો અવકાશ છે...એનું મુખ્ય કારણ એ પણ છે કે આવા સંબંધોમાં દરેક વ્યકિત એક પ્રકારની મોકળાશ માંગે છે..અને મોકળાશ ત્યારે જ તમારા પ્રિય પાત્રને આપી શકો જ્યારે એનાં ઉપર આંધળૉ ભરોસો હોય.ઘણાં એવા પતિ પત્ની છે જે આવા સંબંધો પતિ કે પત્નીપણાને ભૂલીને એકબીજાને પૂરતી મોકળાશ આપે છે...કારણકે માનવી ગમે ત્યાં રહેતો હોય એની ભાવનાને ,એનાં વિચારોને,એની સંવેદનાને સમજે એવા માણસને ઝંખતો હોય છે.
ત્યાર બાદ તમે જોઈ શકશો કે એ જ સંબંધો ધીમે ધીમે મૂળ રૂપમાં ગોઠવાતા જશે..
કારણ કે જિંદગીમાં અમુક સંબંધો તુંટવા માટે નહીં પણ જોડાઈ રહેવા માટે સર્જાયા હોય છે..કારણ કે આવાં સંબંધોમાં સામેના પાત્રના રૂપ,ગુણ અને પદ કરતા એના વ્યક્તિવિશેષ ભાવનું મહત્વ વધારે છે..કારણ કે એ પાત્ર આપણને ગમે છે..એની પ્રત્યક્ષ અથવા પરોક્ષ હાજરી આપણી જિંદગીમાં અવનવા રંગો ભરતી હોય છે.એ પછી તમારો ગાઢ મિત્ર હોય કે એ પ્રેમ સંબંધ હોય.એમાં લાગે કે આ માણસ વિનાં મારી જિંદગીમાં કંઇ જ મજા નથી.
પ્રેમ અને સંબંધો ની દુનિયાનું ઞણિત જગતથી ઉલટું ચાલે છે..દિલથી જે સંબધો કાયમ સચવાતા હોય એવા સંબંધોનુ મુલ્યાંકન કદી તમારા મગજથી કરશો નહી..આ એક એવી દુનિયા છે જ્યાં માત્ર લાગણી,હુંફ અને સંવેદનાનું ચલણ હોય છે,જ્યાં માનસિક ગણતરીનો કોઇ જ અવકાશ નથી..જિંદગીમાં આવા એક બે સંબંધોને સાચવીને પંખીનાં પીછા સરીખી મુલાયમ માવજત આપ્યા કરો અને એનાં કોમળ અહેસાસને જાળવી રાખો.
ગોરો કી ના કાલો કી
યે દુનિયા હૈ દિલ વાલો કી.
જાતથી કાયમ અમે ખસતાં રહ્યા છીએ
એટલે તો અન્યમાં ભળતા રહ્યાં છીએ~
નરેશ કે. ડોડીયા