અવઢવ : ભાગ : ૧૩ Nivarozin Rajkumar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અવઢવ : ભાગ : ૧૩

અવઢવ : ભાગ : ૧૩

હસ્તમેળાપ પછી એકમેકની રેખાઓ મળીને જ એક સીધી જિંદગી બનાવે છે . હસ્તમેળાપ સાથે આજે ફરી એક વાર મનમેળાપ પણ થયો હોય તેવી અનુભૂતિ સાથે બાજુમાં બેઠેલા પ્રેરકના ખભા પર માથું ટેકવી એનો હાથ પોતાના હાથમાં લઇ બેસી રહી … હથેળી આખા શરીરનું સૌથી મહત્વનું અંગ છે. સ્પર્શ એ લાગણી પણ કહી શકે છે જે કોઈ શબ્દોની મોહતાજ નથી… બોલેલા શબ્દો ન બોલાયેલા શબ્દો સાથે ચુપચાપ સંવાદ કરતા રહ્યા.

ફક્ત હસ્તમેળાપ થવાથી મનમેળાપ ન થઇ શકે એ પ્રેરણાને મોડે હવે લાગવા માંડ્યું હતું .કોઈ પૂરું નથી હોતું ખબર હોવા છતાં કોઈને કોઈ અઘૂરું પણ નથી જોઈતું હોતું ….એવું કેમ હશે ? આટઆટલા વર્ષો નૈતિક પર જેનાં લીધે શંકા કરી એ ત્વરા વિષે જાણવાની ઈચ્છા અચાનક થઇ આવી .સંબંધની ઈમારત ગમે તેટલી કાળજીથી બનાવેલી હોય … ધરતીકંપ જેવો એકાદ હળવો આંચકો એને જમીનદોસ્ત કરી મુકે છે .એક એક ઈંટ મૂકી વ્યવસ્થિત ગોઠવેલા એના સંસારના પાયા એક આવી વાતના લીધે વધુ હચમચી ન જાય તે માટે પોતે શું કરે ? નૈતિકે અમદાવાદ પહોચી એક પણ ફોન કે મેસેજ નથી કર્યો .આખો દિવસ વીતી ગયો….મનમાં એક મૂંઝારો વ્યાપી ગયો.

પ્રેરક અને ત્વરા…બે હૈયા એકબીજાને વધુ સમજી શક્યા હતા ….નૈતિક અને પ્રેરણા હજૂ એકબીજાને સમજવામાં નહી …સામેની વ્યક્તિ પોતાને સમજે એ અપેક્ષા લઈને બેઠા હતા.

સાંજે રૂમ પર આવેલા નૈતિકે એક ખાલીપાનો અનુભવ કર્યો . ઘર યાદ આવ્યું સાથે જ પ્રેરણા પણ …લગ્નના ઘણા વર્ષો પછી નૈતિક અને પ્રેરણા વચ્ચે અહંની પાતળી પણ મજબૂત દીવાલ ઉભી થઈ હતી . એ તોડવા પહેલો વાર કે પહેલ કોણ કરે એ સવાલ આવી રહ્યો હતો.વિખવાદ વારવા મૌન સારું પણ અબોલા તોડવા તો સંવાદ જ કરવો પડે. એકબીજાની મનોદશા વિષે અજાણ બનીને રહેવું એ એક વ્યવહારથી વિશેષ કશું ન કહેવાય .કહીને તો આવ્યો છું ‘વિચારજે’ …પ્રેરણા શું વિચારતી હશે ? એ મને સમજવાનો પ્રયત્ન કરતી હશે ? વચ્ચે એક આખું અઠવાડિયું હતું . ઘણો લાંબો સમય …બે વ્યક્તિને એકબીજાથી વધુ દૂર કરવા માટે પર્યાપ્ત સમય…..!!

હસમુખો ,મળતાવડો , પરિપક્વ નૈતિક ફેસબુક ખોલીને એમને એમ સાવ એકલો અને અસ્પષ્ટ બેઠો હતો .ત્વરા ઓનલાઈન આવે એવી કોઈ શક્યતા ન હતી અને કહેવા કે સાંભળવા માટે વાત પણ ન હતી.

અચાનક સ્ક્રીન પર એક રીક્વેસ્ટ દેખાઈ . પ્રાપ્તિ ત્વરા પ્રેરક …. !! ઓહ…. પ્રાપ્તિએ એના નામ પાછળ પ્રેરક સાથે ત્વરાનું નામ પણ જોડ્યું છે .આજકાલના યુવાનોમાં ધીમે ધીમે ફેલાતી આ ફેશન કોઈ પણ મા માટે ગર્વથી ઓછી નથી .ચુંબક હોય તેમ આટલી બધી અવઢવો વચ્ચે પણ નૈતિકે એક ક્ષણના વિલંબ વગર વિના વિચારે રીક્વેસ્ટ એક્સેપ્ટ કરી લીધી.

બીજી જ પળે એની વોલ પર એક પોસ્ટ આવી .

Thank you so much uncle for being my friend . Feeling so… very special to have my mom’s friend as my friend . :) Hope dhruv is ok now . mom was much worried n even dad too . :( we really prayed for him …. say hi to aunty n anushka . wud love to meet them all . God willing… we will … (Y) enjoyed talking with you…. come home again when free … stay connected … thanx once again .
: prapti <3

નટખટ , પ્રેમાળ અને ચુલબુલી પ્રાપ્તિની પોસ્ટ વાંચતા જ નૈતિકની ઝળઝળિયાંથી છલોછલ આંખો આગળ કશું જોઈ ન શકી.

બરાબર એ જ સમયે ફેસબુક પર ભાગ્યે જ આવતી પ્રેરણાએ ત્વરાનો ફોટો જોવા અને એના વિષે વધુ જાણવા લોગ ઇન કર્યું .અને નૈતિકનું ફ્રેન્ડ લીસ્ટ જોવા એની વોલ પર ગઈ ત્યાં હમણાં જ પોસ્ટ થયેલા પ્રાપ્તિનાં મેસેજ પર એની આંખો જડાઈ ગઈ .

પ્રેરણા નજર સામે રહેલા મેસેજને જોઈ રહી હતી …. થોડી વાર તો એને કશું સમજાયું નહી …અને પછી એક ઝાટકે આખી વાત સમજાઈ ગઈ . ઝાઝો વિચાર કર્યા વગર એણે તૃષાને ફોન લગાવ્યો અને તાત્કાલિક નૈતિકની વોલ ચેક કરવા કહી દીધું . અને પોતે એના ફોનની રાહે બેચેન થઇ ફેસબુક ખોલી બેસી રહી …!!

‘ઓહ , એનો અર્થ એ થાય કે નૈતિક મારી પાસે ખોટું બોલ્યા . ત્વરાના સંપર્કની ઉપરછલ્લી ને ખોટી માહિતી આપી દીધી અને હકીકત તો કૈક બીજી જ છે .. નૈતિક ત્વરાના ઘરે જઈ આવ્યા , એના પરિવારને મળી આવ્યા , ધ્રુવની બીમારીની વાત પણ બધા જાણે છે …ઓહ ઈશ્વર … આ નૈતિક મારી સાથે આવી બનાવટ કેમ કરી ગયા .. !! એની આંખો દુઃખ અને અપમાનથી ગરમ બની ગઈ …!! એને શું વિચારવું એ સમજ જ ન પડી ….!!

કશું છાનું નથી રહેતું પણ તોય લોકો થપ્પો રમ્યા કરતા હોય છે . દ્વિધાઓ અને સમસ્યાઓ પર ચાદર ઢાંકી દેવાથી એ હંમેશા ઢંકાઈ નથી રહેતી એ સમજતા નૈતિક પાસે પ્રેરણાથી આ છૂપાવવા સિવાય કોઈ રસ્તો જ ન હતો … શંકા …માણસ અજાણ્યાને માફ કરવામાં એક પળ લગાડતો નથી પણ પોતાનાને માફ કરવા બહુ અઘરા હોય છે .પ્રાપ્તિની પોસ્ટ વાંચી એ ફરી પાછો લો ફીલ કરવા માંડ્યો . એણે પ્રાપ્તિની પોસ્ટનો જવાબ લખવા વિચાર્યું .

પ્રેરણા અસહ્ય વિચારોથી ઘેરાઈ ગઈ . એવી તો ઘણી વાતો હશે જે નૈતિક મારાથી છૂપાવતા હશે . એને એ ન સમજાયું કે એ કઈ વાત પર ગુસ્સે થાય . ત્વરા સાથે સંપર્કમાં આવ્યો એ વાત કે એનાથી આટલું બધું છૂપાવ્યું એ વાત . પ્રેમાળ નૈતિક આવું કરી શકે એ એના વિચારની હદમાં જ ન હતું . જ્યારે પણ ત્વરાનો ઉલ્લેખ થતો પ્રેરણા નૈતિકને થોડો વધુ પડતો શાંત થઇ જતો અનુભવતી હતી . ટકોરા મારવાથી ન ખુલતો દરવાજો એ ધક્કો મારીને ખોલવા મથતી . અને એમ સમજતી કે નૈતિક કશુંક છૂપાવે છે ..અને આજે સાબિત થઇ ગયું કે સાચે જ નૈતિક કશુંક નહી ઘણું છૂપાવે છે . હવે શું ? એનો અર્થ હું શું કરું ? ત્વરા અને નૈતિક કેટલું આગળ વધ્યા હશે ? પરિવારની આડમાં … ઓહ … પ્રેરણા આજકાલમાં નૈતિકમાં થયેલું પરિવર્તન યાદ કરવા લાગી.

માણસનો સ્વભાવ છે … જો પ્રેમ ઉભરાય તો બધું સવળું જ દેખાય અને જો શંકા સળવળે તો બધું અવળું જ દેખાય . પ્રેરણા વીણી વીણીને…પ્રયત્નપૂર્વક એની સાથે થયેલા અન્યાયો અને નૈતિકનું ખરાબ વર્તન યાદ કરવામાં લાગી ગઈ .અઠવાડિયે એક વાર આવતો નૈતિક સ્વાભાવિક રીતે પત્નીનો સહવાસ ઈચ્છે … પણ છેલ્લા દિવસો દરમ્યાન એને યાદ આવ્યું કે નૈતિક એક દૂરી બનાવી રાખતો હતો …. ઉફ્ફ … હવે સમજાયું કે આ બધું ત્વરાના આગમનની અસર હતી . નારાજ પ્રેરણા એ પણ ભૂલી ગઈ કે બધાનું ધ્યાન ધ્રુવની તબિયત પર હતું . ગુસ્સામાં એક પછી એક ખડકાતી ફરિયાદની ઇંટો સડસડાટ ગેરસમજણની મોટી દીવાલ ચણી બેસે છે . ધીમે ધીમે નૈતિકે ન કહેલી વાત એણે ઘણી કરેલી વાતો પર હાવી થવા લાગી . અનુષ્કા જમવા બોલાવા આવી . ત્યારે માથું પકડીને બેઠેલી પ્રેરણાને જોઈ એણે સામે રહેલા કમ્પ્યુટર પર નજર કરી . નૈતિકની વોલ પર કોઈ અજાણી છોકરીનો મેસેજ જોઈ એ કુતુહલની મારી પ્રાપ્તિના પ્રોફાઈલ પર નજર કરવા લાગી. એકદમ સ્ટાઇલીશ અને આત્મવિશ્વાસથી ભરપૂર પ્રાપ્તિના ફોટા એ રસથી જોવા લાગી . પ્રેરણાને એને કેમ રોકવી એ સમજાયું નહી .

અનુષ્કા પ્રાપ્તિનો એક ખીલખીલાટ હસતો ફોટો જોઈ બોલી . ‘ કેટલું બિન્દાસ હસે છે આ છોકરી … કોઈના મનમાં એક ક્ષણ પણ ખરાબ વિચાર ન આવે એવું સાફ અને મસ્ત … wow . આ પ્રાપ્તિ કોણ છે મમ્મી ? ‘

અનુષ્કાના સવાલના જવાબમાં ગીન્નાયેલી પ્રેરણાથી બોલાઈ જવાયું: ‘ તારા પપ્પાની કેમ્પ વખતની એક જૂની મિત્ર છે ત્વરા ….એની દીકરી છે . ‘ બોલ્યા પછી આ ઠીક થયું કે નહિ એ સમજે એ પહેલા આ સાંભળી ઉછળી પડેલી અનુષ્કા બોલી ઉઠી : ‘ oh , you mean GF ? મને હતું જ કે આટલા હેન્ડસમ પપ્પાને કોઈ gf તો હશે જ…..તારું મગજ તો હજુ જૂના જમાનાનું છે …મારા દોસ્તો સાથે પણ તને વાંધા પડ્યા જ કરે છે ….. વિશ્વાસ નામની પણ કોઈ ચીજ હોય છે દુનિયામાં …પણ તને એ નહી સમજાય ……..તેં તો આ વાત માટે પપ્પા સાથે લડ્યું હશે ….જે હોય તે ….now let me see that lucky lady …!!!’ કહી એણે તો આલ્બમ્સ ખોલવા માંડ્યા.

આજના યુવાનોની એક બહુ સરસ ખાસિયત છે …. બહુ નિખાલસ અને સ્પષ્ટ હોય છે . જે માને છે તે કહે છે અને જે કહે છે તે કરે છે . કોઈ ડબલ ગેમ નહી ….સંતાકૂકડી નહિ .પણ એને જોઇને પ્રેરણાને સખ્ત ગુસ્સો આવી રહ્યો હતો પણ એ રોકી પણ શકતી ન હતી .જીદ્દી અને મોંએ ચડાવેલી અનુષ્કાએ ઘણું સંભળાવી દીધું … એક માની ચિંતા એ ન સમજી શકે … રોકટોક પાછળ ચિંતા તો હોય જ છે સાથે પ્રેમ પણ હોય છે …સાથે સાથે એની નજર પણ વિના પ્રયત્ને સ્ક્રીન પર દોડી રહી હતી . જો કે એનું ફેસબુક પર આવવાનું કારણ તો એ જ હતું . એક સરસ ફેમીલી ફોટો સામે આવીને સ્થિર થઇ ગયો . પ્રેરક ,ત્વરા ,પ્રાપ્તિ તો ઓળખાઈ ગયા .સમર્થને ટેગ કર્યો હતો એટલે એનું નામ પણ સમજાઈ ગયું . એક ઉભડક નજરે બીજું બધું જોઈ પ્રેરણાની નજર ત્વરા પર જઈને અટકી . પ્રેરણા કરતા થોડી વધુ તંદુરસ્ત પણ ખુબ જ શાલીન અને એલીગન્ટ લાગતી હતી ત્વરા .ચશ્માની આરપાર દેખાતી એની ચમકતી આંખોમાં જાણે એક સંમોહન હતું . ચોકસાઈથી પહેરેલી સાડી અને ફરફર ઉડી રહેલા વાળ …એના ફોટા પરથી નજર હટાવવાનું થોડું મુશ્કેલ લાગ્યું …. પ્રેરણાએ મનોમન કબૂલ કરી લીધું કે ત્વરામાં કશુંક આકર્ષણ આજે પણ છે તો વર્ષો પહેલા પણ હશે જ . આવી સ્ત્રીથી પ્રભાવિત ન થાય એવો કોઈ પુરુષ ન હોઈ શકે . નૈતિક આજે ફરી પાછો આ પ્રભાવના પાલવમાં લપેટાઈ રહ્યો છે એ વિચાર એક ઉછાળા સાથે બહાર કુદી આવ્યો.

એ જ વખતે અનુષ્કા બોલી : ‘ ત્વરા.. નામ પણ બહુ મસ્ત છે …કેટલા ઇમ્પ્રેસિવ છે આ આંટી નહી ? અને અંકલ પણ …. !! પ્રાપ્તિના મેસેજ પરથી લાગે છે કે મસ્ત છોકરી છે .. i m happy …. ચલો , પપ્પા એક સરસ પરિવારના મિત્ર છે .એકલા નથી ….great .’ અનુષ્કા વિચારે ચડેલી પ્રેરણાને એમ જ મૂકી એને બહુ ભૂખ લાગી છે એટલે જલ્દી જમવા આવવાની તાકીદ બહાર જતા કરતી ગઈ … પ્રેરણા એની પર ચિડાઈ ગઈ હતી … ‘તું જમી લે હું એક ફોનની રાહમાં છું’ કહી દરવાજો બંધ કરી દીધો .પોતાના ઉછેર પર ગુસ્સો આવી રહ્યો હતો . આટલું બારીકાઈથી આ ફોટો , પ્રાપ્તિ , ત્વરા અને પ્રેરક સામે જોઈ કોમેન્ટ્સ કરી શકતી છોકરીને એક વાર મમ્મીના મોં પર ઝળુંબી રહેલો ગુસ્સો જોવાની ફૂરસત નથી. અને બીજી જ પળે ગુસ્સો શમવા લાગ્યો. અનુષ્કાને આ બધું શું કામ જણાવવું જોઈએ ? આવી વાતોમાં એને સામેલ શું કામ કરવી ?

ખુશખુશાલ ત્વરા અને પ્રેરક વધુ સ્પષ્ટતા સાથે ઘર તરફ જઈ રહ્યા હતા.રસ્તામાં સ્વીટ કોર્ન જોઈ કાર રોકી પાડી બંને બાળકો માટે ખરીદી લીધા. એ જોઈ પ્રેરકથી મલકાઈ જવાયું. કોઈ પણ સંબંધ હોય ….એકમેકની નાની નાની વાતોના ચાહક હોવું બહુ જરૂરી હોય છે ...એના માટે ખુબ બધો સમય એકબીજાને સમજવા અને નિહાળવા જરૂરી હોય છે . પ્રેરકે જોયા કર્યું …દરેક માતાના મનમાં બાળકોની પસંદગી વસેલી હોય છે …અને ગમે ત્યાંથી પોતાના બાળકને ગમતી વસ્તુઓ મળી જ રહે છે. આજે દિલ ખોલીને થયેલી વાત પછી બહાર રાત હોવા છતાં બંનેના મનમાં સરસ ઉઘાડ થયેલો હતો. જો ભારેખમ વાતો ચર્ચી શકે એટલી હળવાશ અને મોકળાશ સંબંધમાં હોય તો સંબંધ વેંઢારવો નથી પડતો …જીવી શકાય છે …!!….ક્યારેક લાગે કે આપણા જીવનમાં “શું” છે એ કરતા “કોણ” છે એ બહુ અગત્યનું હોય છે .હકીકતમાં સંબંધોની ગુણવત્તા જ જીવનની ગુણવત્તા છે .

ઘરમાં પ્રવેશતા જ પ્રાપ્તિએ નાક પર આંગળી મૂકી ચુપચાપ …જલ્દીથી ટીવી સામે બેસી જવા તાકીદ કરી. ટીવી પર એક ટોક શો આવી રહ્યો હતો… કશું સમજાયું નહી ….તરત જ બ્રેક આવ્યો. “લગ્ન પછી વિજાતીય પ્રેમ ….. શક્ય છે ? માન્ય છે ?” આ વિષય પર ચાલી રહેલી ચર્ચા હવે પરાકાષ્ઠા પર હતી. છેલ્લો અભિપ્રાય આપનાર નામાંકિત વ્યક્તિ હતી . પ્રાપ્તિએ ફટાફટ આટલું સમજાવી દીધું….એને આવા સંવેદનશીલ વિષયોમાં બહુ રસ પડતો. રસોઈ પ્રાપ્તિએ બનાવી લીધી હતી એટલે કશી ઉતાવળ વગર ત્વરા અને પ્રેરક એકબીજા સામે સૂચક નજરે જોઈ સોફા પર બેસી ગયા. બાળકો જયારે મિત્રવત બને છે …કહ્યા વગર જવાબદારી નિભાવવાનું શરુ કરે છે ત્યારે એક મોટી તાલીમનો સમય પૂરો થાય છે …. બ્રેક પૂરો થયો ….ફરી એક વાર ટૂંકમાં વિષય જણાવી એન્કરે સીધો સવાલ છેલ્લા વક્તાને પૂછ્યો:

‘લગ્ન પછી વિજાતીય પાત્ર સાથે સાચો પ્રેમ થઇ શકે ? અને થાય તો તે પ્રેમ કેટલે અંશે વ્યાજબી ગણાય ?’

કોઇપણ જાતની પ્રસ્તાવના વગર વક્તાએ સીધો સંવાદ કરવાનું શરુ કર્યું :

‘એક ચોખવટ કરી દઉ ….અહી આપણે પ્રેમની વાત કરી રહ્યા છીએ ..લગ્નેતર સંબંધોની નહી .

અરે ,આ તો પ્રેમ છે … ગમે ત્યારે થાય ….
પણ સૌથી પહેલા તો પ્રેમની તમારી વ્યાખ્યા શું છે એ જાણવું પડે …. લગ્ન પછી અન્ય વ્યક્તિ તરફ થતી વિશેષ લાગણી એટલે પ્રેમ ? જો એવું માનો તો પ્રેમ કોઈ પણ સમયે થનાર લાગણી છે …ઉંમર કે જાતિના કોઈ સીમાડા ઓળંગીને થાય તે જ પ્રેમ …!!

એક મૈત્રીથી થોડું વધુ હોય … કોઈ ખાસ થોડું વધુ ગમતું હોય … કોઈ ખુશ રહે એ ગમતું હોય …એની ખુશી…. એના દુઃખ સાથે સંકળાઈ જવું ગમતું હોય … એવું બને …બને જ .આપણી કામ કરવાની કે અવરજવરની જગ્યા પર કોઈક એવું હોય જ છે કે જેની સાથે થોડું વધુ અંગત અનુભવાય છે … પણ આવા સંજોગોમાં સામેવાળા પાત્રને કહેવાની ભૂલ લોકો કરી બેસતા હોય છે ….જયારે લાગણી કહેવા બેસીએ ત્યારે એને એક નામ આપવું પડે છે ….અને એ ખરેખર બહુ અઘરું કામ છે …!! “
આટલું બોલી વક્તાએ એક નજર બધા પ્રેક્ષકો પર નાખી .

ક્રમશ :