મેઘા બહુ જ ખુશ હતી. પુરા બે વરસ પછી ત્રણ મહિનાની રજા મળી હતી ઓફીસમાંથી અને મહેનને પણ એની ઓફીસમાંથી સરખા સમયગાળાની રજા મળતા બન્ને ખુશ થઇ ગયા. મેઘા અને મહેન આ ત્રણ મહિના માટે ક્યાં રજા માણવા જવું તેના વિષે વાતચીત કરતા હતા. “આપણે કાશ્મીર જઈએ તો?” મેઘાએ સૂચવ્યું, “પાછી હનીમૂનની યાદો તાજી કરી આવીએ” મહેન બોલ્યો, “ના મેઘા બીજે ક્યાંક જઈએ”. મેઘાએ બીજો વિકલ્પ બતાવ્યો “ઓકે તો પછી ઉટી” મહેને મોઢું મચકોડી ના દર્શાવી. “ફાઈન તો નૈનીતાલ “ના...” મહેન કંટાળીને બોલ્યો મેઘા સુચવ્યે જતી હતી, “તો નેપાળ ફરી આવીયે”. “કેમ આપણો ભારત દેશ એટલો નાનો છે કે બીજા દેશમાં જવું પડે ફરવા.” “ઓ મારા દેશપ્રેમી પતિદેવ તો તમે જ ફરમાંવોને” મેઘા કંટાળી. થોડું વિચારીને મહેન બોલ્યો, “ચાલને ગામ ફરી આવીએ”. મેઘા ચકિત થઈને જોવા લાગી, “અરે તું શું બોલ્યો તને ખબર છે ને મને ગામ પસંદ નથી....... ત્યાનું પાણી, ત્યાની હવા.......... ઉફ્ફ કેટલી માટી ઉડતી હોઇ છે ત્યા બાપરે અને કઈ થઇ ગયું તો દવાખાનું પણ નજીકમાં ના મળે”. મહેન મેઘાને મનાવવા લાગ્યો, “અરે ત્યાની હવા કેટલી શુદ્ધ હોય, ત્યાં કેટલી શાંતિ હોય છે, ત્યાની હરિયાળી, ખેતર, આપ્તજનો.” મેઘા નારાજ થઇને ઉભી થઇ ગઈ, “તને ખબર છે ને મને ગામ જવું પસંદ નથી, ત્યાં તો બધું રેઢિયાળ ખાતું હોય, અને એકબીજાની ચોવટ કરવામાંથી જ લોકો ઊંચા ના આવે”. મેઘા રસોડામાં ચાલી ગઈ. મહેન ટીવી જોવામાં પરોવાયો પણ મન ના લાગ્યું. એનું મન તો ગામમાં પહોચી ગયું. એનું મન મા ને મળવા બેતાબ થઇ ગયું, ફળિયામાં બેસી હિંચકે ઝૂલવાનું મન થઇ ગયું. પણ એ સારી પેઠે જાણતો હતો કે મેઘા ગામ આવવાની હા નહિ પાડે. મેઘાને ગામની ઝીંદગી જરાયે ગમતી નહોતી.
મહેન અહી નોકરીની તલાશમાં શહેર આવ્યો હતો, અહી જ મેઘા પસંદ આવી અને માબાપને બોલાવી ઘડિયા લગ્ન લઇ લીધા. નોકરી સારી એવી મળી ગઈ એટલે પાછા ગામ જવાનો કોઈ પ્રશ્ન જ નહતો. શહેરી જીવન એટલે બસ સવાર થાય એ નોકરીએ ભાગવાનું સાંજ પડે ઘરે આવીને સુઈ જવાનું. ફક્ત રવિવારે જ થોડો સમય મળતો પણ ત્યારે આરામ કરવાનું મન થતું. એટલે ટૂંકમાં ઓફીસથી ઘર સુધીની જ ઝીંદગી હતી. લગ્ન પછી હનીમૂન મનાવ્યું એ જ. ત્યાર પછી ક્યાય ફરવા જઈ શક્ય નહોતા. એટલે મળેલો મોકો ભરપુર માણવો હતો. મહેનને ગામ જવું હતું તો મેઘાને ગામ પ્રત્યે સુગ હતી. ફેશનેબલ મેઘા ગામની રીતભાતને ધિક્કારતી હતી. ઉડતી ધૂળની ડમરીઓથી એને છીંકો આવી જતી. લગ્ન પછી કામમાં એટલા વ્યસ્ત થઇ ગયા હતા કે પ્રોજેક્ટ સંભાળવા માટે કંપની સાથે કોંટ્રાક્ટ કરવો પડ્યો અને ત્રણ વરસ સુધી પરિવાર વધારવા માટે પણ મનાઈ ફરમાવી હતી. ક્યારેય એકધારા જીવનથી કંટાળો પણ આવી જતો. ત્રણ મહિનાની રજાથી બંને ખુશ થઇ ગયા પણ ક્યાં જવું એ નક્કી નહોતા કરી શકતા.
જમીને બંને જણા પોતપોતાના લેપટોપમાં ગૂંથાય ગયા. સાંજે ચા બનાવી પણ ત્યારે પણ બંને ચુપ જ હતા. હવે મહેને ચુપકીદી તોડી એ બોલ્યો, “મેઘા ચલ ને એકવાર ગામ જઈ આવીએ પછી તને બીજે પણ ફરવા લઇ જઇશ પ્રોમિસ.....” મેઘા કમને પણ તૈયાર થઈ, પણ એને શરત મૂકી કે એક મહિનાથી ઉપર એક દિવસ એ ગામમાં નહિ રહે. બાકીના બે મહીના કુલુ મનાલી જઇશુ. મહેન અચકાઈ ગયો. અગર ગામમા મહિનો જ રહેશે તો કોના ઘરે જઇ શકાશે અને કોના ઘરે નહિ ? જો આમ આવનજાવાનમાં જ સમય પસાર થશે તો માના ખોળામાં શાંતિથી ક્યારે સુઈ શકાશે ? ખેતરમાં બાપને મદદ કેમ કરી શકશે ? હિંચકે ઝૂલતી વખતે પણ ઘડિયાળમાં સમય જોવો પડશે. પણ તરત જ મેઘાની શરત સ્વીકાર કરી લીધી. ગામ જવા મળે છે એ જ એને મન મોટી વાત હતી.
ફરવાનું ઠેકાણું નક્કી થઇ ગયું એટલે મહેને મેઘાનું મન બદલાઇ એ પહેલા ઓનલાઈન ટીકીટ બૂક કરાવી લીધી પછી બંને જણ પેકીંગમાં વ્યસ્ત થઇ ગયા. મેઘાએ સોં પ્રથમ હેન્ડબેગમાં સનસ્ક્રીન લોશન, બોડી લોશન, લીપ બામ, સ્કાર્ફ, ગોગલ્સ, આઈ ક્રીમ, હેન્ડ ગ્લોવ્સ, પગના મોજા નાખી દીધા. તડકાથી એને બહુ જ ચીડ હતી. મહેણ ઘણો જ ઉત્સાહી હતો એ મનમાં જ વિચારવા માંડેલો કે ભાઈ સાથે ધીંગા મસ્તી કરશે, બાપાને ખેતરમાં મદદ કરશે, માના હાથના રોટલા ખાશે.... એનું મન તો વિચાર માત્રથી બાગબાગ થઇ ગયું. આખરે ટ્રેનથી મુસાફરી કરીને નિયત સ્થળે પહોચી જ ગયા. મહેને ઘરે જણાવી રાખેલું કે અમે જાતે જ ઘરે આવી જઈશું એટલે સ્ટેશનથી જાતે જ રીક્ષા શોધવા માંડી. દસ મિનીટ પછી એક રીક્ષાવાળો તૈયાર થયો મેઘા તો કંટાળી ગઈ, “આપણે ત્યાં કેટલી જલ્દી રીક્ષા મળી જાય છે”. મહેનના કાને એની વાત પડી જ નહિ રીક્ષામાં બેઠો બેઠો ગામના રસ્તા પ્રેમથી જોતો હતો. મહેન પોતાની શાળા જોઇને એકદમ ખુશ થઇ ગયો, થોડીવારમાં તળાવ આવ્યું જ્યાં દોસ્તો સાથે છબછબીયા કરતો હતો, બેઠા ઘરોની હારમાળા ચાલુ થઇ ગઈ બહાર આટલા વર્ષો પછી પણ મન્છી કાકીએ એમનો નિત્ય ક્રમ જાળવી રાખેલો. ફળિયામાં બેસીને આજુબાજુના છોકરાવને એકઠા કરી શિસ્તતાના તો ક્યારેક બોધ લેવાય એવી વાર્તા સંભળાવતા એમનું માનવું હતું કે ફક્ત શાળાનું ભણતર નકામું છે. સાથે સાથે માનવતા પણ એટલી જ જરૂરી છે. મંછી કાકી પગે અપંગ હતા એટલે ઘરકામમાં બહુ ઓછી મદદ કરી શકતા પણ પોતાનું જીવન એળે ના જાય એટલે આ પ્રવૃત્તિ માં વ્યસ્ત રહેતા. મહેન પોતે નાનો હતો ત્યારે એમના હાથે તો ઘડાયેલો હતો.
ડેલો આવ્યો અને રીક્ષા ઉભી રહી. જેમ તેમ પૈસા ચૂકવી મહેન મોટા ડગ ભરતો ડેલો ઓળંગી ઘર ભણી ભાગ્યો. બહુ જ મોટું ઘર હતું. મોટું એવું ફળિયું. ફળિયામાં સંખેડાનો મોટો બધો હીંચકો. ફળિયામાં જાતજાતના શાક પણ ઉતરતા હતા. આંબો, આસોપાલવ, ચીકુ, લીંબડો, ગુલાબ, રાતરાણીના ઝાડ હતા. ધનવેલ તો ખુબજ વધી હતી. નાનો ભાઈ તો કહેતો કે આ ધનવેલ જ બતાવે છે કે મહેન શહેરમાં ખુબજ ધન કમાઈ છે!!!!! મોટો બધો મહેમાન કક્ષ, મંદિરનો ઓરડો, રાચરચીલાથી સમૃદ્ધ રસોડું. મહેન શહેરમાં ગયો ત્યાર પછી તો દેવામાં ડૂબેલી જમીન પણ પાછી લઇ લીધી હતી. હજી બે મહિના પહેલા તો ટ્રેક્ટર લીધું હતું. મેઘાને પણ અહી મહેન મદદ કરે એમાં કોઈ જ વાંધો નહોતુ. બંને જણા સાથે જ બચત કરીને અહી પૈસા મોકલતા હતા, પણ મેઘાને અહી રોકાવું જરાયે ગમતું નહી. ઘરમાં જઈને માને વળગી પડ્યો . મા બેસીને શાક સમારતી હતી. “મા...” કહેતો મહેન એને વળગી જ પડ્યો. “આવી ગયો બેટા” કહેતા મા એ પ્રેમથી માથે હાથ ફેરવ્યો. બે ત્રણ મિનીટ સુધી મહેન પ્રેમવર્ષામાં નહતો રહ્યો. પછી બાપાને, મોટા ભાઈ ભાભીને પગે પડ્યો. નાનો ભાઈ તો ખેતરે ગયો હતો. બન્ને ભાઈના દીકરા મહેનની પાસે ગોઠવાઈ ગયા. મેઘાએ જીન્સ પહેરેલું એટલે જાણે એક મોટું કામ પાર પડવાનું હોય એમ મહાપ્રયત્ને બધાને પગે પડી. જીન્સ અને ઉપર ટૂંકા ટોપને કારણે ઝૂકવામાં મુશ્કેલી પડી રહી હતી. એ લગભગ ઘુટણ જ પડી એમ કહેવું યોગ્ય રહેશે. મહેનતો શેતરંજી પર પલાંઠીવાળીને બેસી ગયો પણ મેઘાને બેસવા ખુરશી આપવી પડી. ગરમીથી અકળાયેલી મેઘા થોડી વારે ન્હાવા ચાલી ગઈ. નહાયા પછી મહેને ટકોર કરી એટલે માંડ સલવાર કમીઝ પહેર્યા. જમવામાં શાક ભાખરી તો ભૂખ લાગી હતી એટલે ખાધા સિવાય છુટકો નહતો. જમીને બધા ફળિયામાં બેઠા. મહેન તો હીંચકા પર આરામથી સુતો અને ખુલા આકાશને તાકતો રહ્યો. આવડું મોટુ આકાશ એને શહેરમાં વળી ક્યાં જોવા મળવાનું હતું!!!! મેઘાએ મહેનને કહ્યું, “આપણે કોના કોના ઘરે જવાનું છે સાંજ પડે જવાનું ચાલુ કરી દઈએ બધાના ઘરે એક એક સમય જમવાનું રાખીએ એટલે કોઈને ખોટું ના લાગે”. મહેન વિચારતો રહ્યો આ ગામના લોકો કઈ એક વખતના જમવાનાથી ખુશ નહિ થાય. પહેલા તો ઘરે આવવા પ્રેમભીનું આમંત્રણ આપશે પછી જમવા કહીને રોકાવાનું કહેશે. જમવાની હા પાડો એટલે કહે બે ત્રણ દિવસ રોકાઇ જાઓ. અને જમવામાં તો કઇ તાણ કરે અને થાળીમાય કેવા સ્વાદિષ્ટ વ્યંજન હોય. એ લોકો શું એક વખતના જમવાની વાત થી માનશે ખરા ??? જ્યારથી ખબર મળ્યાં હતા કે મહેન વહુ સાથે રોકવા આવી રહ્યો છે બધા સગાવહાલાઓએ કહી રાખ્યું હતું કે મારા ઘરે આવજો જ. મેઘા ત્રણ મહિના અહી કોઈ કાળે રોકાઈ એમ નહોતી એટલે મહેનની હિંમત જ નહોતી એને મનાવવાની. મહેને જણાવ્યું જ નહિ કે ફક્ત એક જ મહિના માટે આવ્યા છે. એટલે ઘરમાં શાંતિ હતી. મુસાફરીનો થાક હોવાથી રાતના પથારીમાં પડ્યા ભેગા સુઈ ગયા અને સુવું પણ જરૂરી હતું કારણ કે કાલથી બધાના ઘરે જવાનું હતું. સવારે બંનેને વહેલા ઉઠીને તૈયાર જોઇને માં આશ્ચર્યચકિત થઇ ગઈ, “કેમ આમ તૈયાર થઇ ને ક્યાં ચાલ્યા?” મેઘા બોલી, “સમય ઓછો છે એટલે...” મહેને મેઘાને રોકી, “મા બધાને મળવાનું બહુ જ મન થાય છે એટલે ઉતાવળ બીજું શું?” મહેને માંડ વાત વાળી. હાશ મેઘા એમ ના બોલી એ એક જ મહિના માટે આવ્યા છીએ નહી તો મા ઉદાસ થઇ જાત.. નાસ્તો કરીને બંને ઘરની બહાર નીકળી ગયા. પંદર દિવસમાં તો લગભગ બધાને ત્યાં જઈ આવ્યા. મહેનને બધું રાબેતા મુજબનુ જ લાગતું હતું, જેમ નોકરીથી ઘર અને ઘરથી નોકરી.
મેઘા ખુશ હતી કારણ કે હવે ફક્ત પંદર દિવસ જ બાકી હતા. બધાના ઘરે જઈ આવ્યા હતા એટલે હવે મહેન ખેતરે જવા વિચારતો હતો. મહેને મોટા ભાઈને જણાવ્યું એટલે એમણે કહ્યું સાંજના સાડાચાર પછી આવજે. મહેન બોલ્યો, “મારે ખેતર જોવા નથી આવવું કામ કરવું છે તમને મદદ કરવી છે.” “શું દિમાગ ઠેકાણે છે કે નહી તારું?’’ મોટાભાઈએ થોડાક આશ્ચર્યથી પૂછ્યું, “ત્યાં તારું કઈ કામ નથી તું મહેમાન છો અમારો તું આરામ કર” મહેન માન્યો નહિ તો મોટા ભાઈ બોલ્યા, “જો તું આર્થિક રીતે મદદ કરે એ જ બસ છે અમારે”. છતાં મહેન અડગ રહ્યો મોટાભાઈ ચિંતા સાથે બોલ્યા, “અરે તું માનતો કેમ નથી આખો દિવસ કેટલી ગરમી પડે ઉઘાડું આકાશ હોય કઈ તારી ઓફીસની જેમ એસી ના હોય કેટલો બોજો ઉપાડવાનો હોય તું માંદો પડી જઈશ”. પણ મહેણ ટસ નો મસ ના થયો એટલે પછી મોટા ભાઈએ એને બીજા દિવસથી આવવા કહી દીધું પણ સાથે એમ કીધું કે કહું એટલા જ કામ કરવાના હું તારો સીનીયર છું. “ઓકે સર” કહીને મહેન અને મોટા ભાઈ હસી પડ્યા. મહેને મેઘાને પણ પૂછી જોયું તો તેણે કહ્યું ના ના હું નહિ આવું ત્યાં મારું શું કામ મેં આવતા જતા ખેતરો જોઈ લીધા. જેવી તારી મરજી કહીને મહેન હોંશે હોંશે ખેતર જવા ઉપડ્યો. ઘણી જ વિશાળ જગા પર ખેતર પથરાયેલું હતું. અહી કાપુસ, ઘઉં, જુવાર જેવા પાકો લેવામાં આવતા હતા. આખા ખેતરમાં કુલ ત્રણ ઝુંપડી હતી એક- એક ખેતરની શરૂઆતમા અને અંતમા અને એક વચ્ચે. બે તો વાવ હતી. ખેતરને ફક્ત વરસાદથી જ નહિ પણ કૃત્રિમ પદ્ધતિથી પણ પાણી મળતું હતું. આ બધી સગવડ માટે મહેને જ મદદ કરી હતી. ચાર બળદ હતા, ત્રણ ગાય હતી, બે ગધેડા હતા. એમાની એક ગાય આજકાલમા જ વાછરડાને જન્મ આપવાની હતી. આ બધું જોઈને મહેનની ખુશી સમાતી નહોતી.
અહી મેઘા ઘરે જ રહી હતી. ત્રણે વહુઓ રસોઈ ઘરમાં વ્યસ્ત હતી ત્યા જ નાના ભાઇનો એક વર્ષનો ચીકુ રડવા લાગ્યો એટલે મહેનની મા હાલરડું ગાઈને સુવડાવવાની કોશિશ કરી રહી હતી. મેઘા શાંતિથી પોતાની સાસુનો કંઠ સાંભળી રહી. કેટલો મીઠો અવાજ હતો એ !!! ચીકુ થોડીવારમાં સુઈ ગયો એટલે બધા જમવા બેસ્યા. મેઘાને સતત મહેનની ચિંતા થતી હતી. મહેન ક્યારનો ઉઘડા તડકામાં હતો અને હવે એની વગર જમવાનું મન જ નહોતું. એના મનની વાત સાસુ જાણી ગયા એટલે બોલ્યા તારે ખેતરે જવું છે ભાત લઈને ? જેઠાણી બોલી મહેનભાઈને જમવાનું દેવા ખેતરે જવું છે? મેઘાને મનતો હતું મહેનને મળવાનું પણ બોલી ના શકી. દેરાણી અને જેઠાણી ખી ખી કરતા હસી પડ્યા, જેઠાણી બોલ્યા, “જા જઈને સાડી પહેરી લે એટલે ખેતરે જઈએ” મેઘાએ તરત સાડી પહેરી લીધી સાસુ કહ્યું, “ જો જે બેટા વચ્ચે મહાદેવ ભાઇનુ ખોરડે લખમણ લીંબા, ઓધવજી આતા, કેશુ બાપા, મણી અદાની સભા ભરાયેલી હશે જ ત્યારે મેઘાને કહી દે જે કે લાજ કાઢે” મેઘા તો થથરી ઉઠી લાજના નામથી જ!!!! સાડી પહેરી હાથે પગે લોશન લગાડ્યું. ભાતમા બાજરીના રોટલા, રીંગણ બટેટાનું શાક, કાંદો અને માટલીમા છાસ લઈને નીકળી પડ્યા. રસ્તામાં લાજ પણ કાઢી. એ મનમાં ખુબ જ અકળાઈ ઉઠી. ખેતરે મેઘાને જોઇને મહેન ખુશ થઇ ગયો. મેઘાની જેઠાણીએ એ બંનેને એક અલાયદી ઝુપડીમાં જમવા બેસાડ્યા અને પછી પોતે સસરા, પતિ અને દિયરને જમાડવા બીજી ઝૂંપડીમા ગઇ. લીલી લીલી હરિયાળી, મીઠો મધુરો પવન, પંખીઓનો કલરવ વાતાવરણને ખુબજ આહ્લાદ્ક બનાવતું હતું, મેઘાને ખેતર બહુજ ગમ્યું. પછી ઝુંપડીમાં બેસીને પોટલીની ગાંઠ છોડી એક બીજાને કોળીઓ ખવડાવવા લાગ્યા. બંને એકબીજાને પ્રેમથી જોઈ રહ્યા. આજે મેઘા સાડી સુંદર લાગતી હતી.......
રાતના ૯ વાગ્યામા તો જમીને પથારી ભેગા થઇ ગયા. પથારીમા પડતા જ મહેને મેઘાને બાહોમાં ભરી લીધી મેઘાએ પકડમાંથી છૂટવાનો પ્રયાસ કરતા બોલી મહેન છોડ મને નિંદ્રા આવે છે પણ મહેન કઈ જ સાંભળવા તૈયાર નહતો. આખરે મેઘા પલંગ પરથી ઉભી જ થઇ ગઈ મહેનનો મૂડ ખરાબ થઇ ગયો એ સુઈ ગયો. સવારે પણ વાત કર્યાં વગર ખેતર ચાલ્યો ગયો એટલે આજે ફરી ખેતરે જવા વિચાર્યું. સાસુ પાસેથી પરવાનગી મેળવી લીધી અને જેઠાણી સાથે જવાનું નક્કી કર્યું .એને મહેન મેઘાને જોઈ ન જોયાનો ડોળ કર્યો પણ બાપા પાસે હતા એટલે કઈ કીધા વગર જ ઝુંપડીમાં જમવા બેસવું પડ્યું. કાલની જેમ આજે પણ ખેતરની વચલી ઝુંપડીમાં એકલા બંને જમવા બેઠા. મહેન ચુપચાપ જમતો હતો અને મેઘા એને મનાવાની પેરવીમા હતી. કઈ જ સુજતુ નહોતું. અચાનક વાદળ ઘેરાવા લાગ્યા, પવનના સુસવતા બોલવા લાગ્યા અને ધીમો ધીમો વરસાદ પણ આવા લાગ્યો. મેઘા ઉઠીને મોસમ માણવા બહાર ગઈ આહ..... બહાર તો મનોરમ્ય દ્રશ્ય રચાયું હતું. આકાશ મેઘધનુષથી શોભી ઉઠ્યું હતું. હરિયાળી ભીંજાઇને લહરાતી હતી. અરે!! બે મોર તો ખેતરમા આવીને કળા પણ કરતા હતા. મોરને જોઇને મેઘા હરખથી બોલી ઉઠી, “મહેન” મહેન બહાર આવીને જોતો જ રહ્યો. મેઘા મોરને જોવામાં તલ્લીન હતી એ પોતે આખી ભીંજાઈ ગઈ હતી અને ખુબ જ સુંદર લગતી હતી. એનું ધ્યાન મેઘા પર હતું. મેઘાની સાથે મહેન પણ વરસાદમાં ભીંજાવા લાગ્યો. થોડીવારે બંને ઝુંપડીમા ગયા. બહાર વરસાદ શાંત થયો અને ઝુંપડીમાં મહેનનું મન શાંત થયું. બહારનું આટલું સુંદર વાતાવરણ હતું કે મેઘા મદહોશ થઇ ગઈ. જેને કારણે મહેનને ના જ ના પડી શકી. વરસાદ બંધ થયો ને મેઘા એની જેઠાણી સાથે ઘરે આવા નીકળી ત્યાં તો ગમાણમા ગાય ભાંભરવા માંડી એટલે બધા ત્યાં ભેગા થયા ત્યાં ખબર પડી કે વાછરડાને જન્મ આપ્યો છે. બધા ખુશ ખુશાલ થઇ ગયા. રાતના જમવામાં વાછરડાના જન્મની ખુશીમાં શીરો બનાવ્યો.
આખો દિવસ હવે મેઘા રસોડામાં વ્યસ્ત રહેવા માંડી હતી. ક્યારેક છોકરાવ સાથે રમતી, ક્યારેક દેરાણી જેઠાણી સાથે બઝાર પણ જતી. ઘરના બગીચામાથી શાક તોડીને રસોઇ બનાવતી. એક દીવસ રસોઇ બનાવતા બનાવતા ફકત ગુજરાતી ગીતો ગાઇને અંતાક્ષરી રમ્યા. કયારેક સોગઠાબાજી રમતા. નાનકડો ચીકુ પણ મેઘાનો હેવાયો થઇ ગયો હતો. આ બધામા મોબાઈલ હાથમાં લેવાની ફુરસત મળતી જ નહિ
સવારે ખેતરે જતા મહેને કહયુ, “ચાર દિવસ બાકી છે મહિનો પૂરો થઇ જશે કુલુમનાલીની જ ટીકીટ બૂક કરી લેજે.” મેઘા મહેન સામે જોતી રહી થોડીવારે બોલી વાછરડાનો જન્મ હમણા જ થયો છે અને આપણે ચાલ્યા જઈશું? મહેણ અજીબ લાગ્યું એમાં શું વળી ? “પછી તમારું કામ ખેતરમાં પૂરું થઇ ગયું” મહેને ના પાડી. “તો કામ અધૂરું છોડીને જવું છે?” મહેન મેઘાના પ્રશ્નનો જવાબ ન આપી શકયો. મેઘા ફરી બોલી આવતા અઠવાડીયાથી પાદરમાં મેળો ભરાવાનો છે. મહેનનો ચહેરો ખીલી ઉઠયો મેઘા નીચુ જોઇ થોડુ મલકાઇ ઉઠી......................