વર્ચ્યુઅલ લવ Vipul Rathod દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વર્ચ્યુઅલ લવ

વર્ચ્યુઅલ લવ

- વિપુલ રાઠોડ

છેલ્લા ચારેક મહિના પહેલા વિવેકને ફેસબૂક ઉપર એક અજાણી યુવતી ચાર્મીની ફ્રેન્ડ રીક્વેસ્ટ આવેલી. સ્વાભાવિક રીતે જ છોકરીઓ સાથે મૈત્રી સંબંધો ઝંખતા વિવેકે તેને એક્સેપ્ટ કરેલી અને હવે બન્ને વચ્ચે ગાઢ મિત્રતા પાંગરી ગઈ છે. બન્નેએ એકબીજાનાં સેલફોન નંબરની આપ-લે પણ કરી લીધી છે અને વોટ્સએસથી બન્ને સતત એકબીજાનાં સંપર્કમાં રહે છે. વિવેકે માટે તો સોશિયલ મીડિયાનો મતલબ માત્ર ચાર્મી જેવો થઈ ગયેલો. અગાઉ તે ઘણા બધા લોકો સાથે આ માધ્યમ થકી સંપર્ક બનાવતો અને રહેતો પણ હવે ચાર્મી સીવાય ભાગ્યે જ તે કોઈ સાથે વાત કરતો હશે. બન્ને હવે એટલા નજીક આવી ગયા છે કે ઘડીએઘડીની જાણ એકબીજાને હોય છે. એમ કહી શકાય કે બન્નેને હવે એકબીજાની આદત પડી ગઈ છે. ચાર્મી તરફથી વાતચીતમાં વિવેક માટે વ્યક્ત થતી કાળજી હવે વિવેકને ઉંડે-ઉંડે પ્રેમની અનુભૂતિ કરાવતી હતી. છેલ્લા થોડા વખતથી વિવેક માટે તેના માતા-પિતા છોકરી પણ શોધતા હતાં. પોતાના લગ્નનો સમય નજીક આવી ગયો છે તેવા સમયે વિવેકને ચાર્મી માટે થયેલી લાગણી સ્વાભાવિક રીતે જ તેની સાથે પરણવા સુધીના વિચારોને જન્મ આપતા. જો કે વિવેકે અત્યાર સુધી પોતાના આવા વિચારોનાં સળવળાટનો અણસાર ચાર્મીને આવવા દીધો ન હતો. પરંતુ હવે તેને એવું લાગવા લાગ્યું હતું કે એકવાર હિંમત કરીને ચાર્મી સાથે ખુલ્લા દિલે વાત કરી લેવી. આખરે એક મોડી રાત્રે વિવેકે ચાર્મી સાથે ચેટિંગ કરતાં પોતાની વાત મુકી જ દેવાનું સાહસ કરી લીધું.

વિવેક : બકા મારે તને એક વાત કરવી છે પણ હિંમત નથી થતી.

ચાર્મી : અરે યાર બેધડક બોલ... યુ નો વી આર બેસ્ટ ફ્રેન્ડ્સ

વિવેક : તને નથી લાગતું આપણા વચ્ચે દોસ્તીથી કંઈક વધુ સંબંધ બંધાઈ ગયો છે?

ચાર્મી : હમમ.... તો તું શું કહેવા માગે છે?

વિવેક : યાર... આઈ થીંક આઈ લવ યુ

ચાર્મી : પાગલ... તને ખબર છે તું શું બોલે છે? તે હજી મને રૂબરૂ જોઈ પણ નથી. મારો પ્રોફાઈલ ફોટો પણ મે ખોટો રાખ્યો છે. જે તને સારી રીતે ખબર છે. તો પણ...

વિવેક : હા... પણ મને લાગે છે હવે મારે તને જોવાની જરૂર નથી...

ચાર્મી : તું મને એકવાતનો જવાબ આપ... મને જોયા પછી તું મને રીજેક્ટ કરીશ તો?

વિવેક : મને નથી લાગતું આટલો પ્રેમાળ સ્વભાવ ધરાવતી છોકરી મને નાપસંદ આવે...

ચાર્મી : અને મને લાગે છે તું આંધળો જુગાર ખેલવાની વાત કરે છે.. હાહાહાહા

વિવેક : ક્યારેક બંધ બાજીમાં જીતી જવાય છે... અને હું તને જાણું છું ત્યાં સુધી મારા માટે આ બંધ બાજીમાં મારી જીત જ છુપાયેલી છે. તારા મનમાં મારા માટે જરા પણ પ્રેમ હોય તો આપણે આગળ વિચારી શકીએ. જો કે હું તને એ પણ ખાતરી આપીશ કે મારા માટે લવ એટલે ફક્ત મોજમજાની વાત નથી. હું લગ્ન સુધીનું વિચારું છું. હવે નિર્ણય તારા ઉપર છે. જોને યાર મારા ધબકારા પણ વધી ગયા... તું જલ્દી જવાબ આપ હવે...

ચાર્મી : મેં તો તને પસંદ કરીને જ તારી સાથે સંબંધ આગળ વધાર્યો છે. તો પણ હું તને એટલું કહીશ કે એકવાર તું મને રૂબરૂ મળીને પછી નિર્ણય કર... કદાચ જોયા પછી તું મને નાપસંદ કરીશ.

વિવેક : તો પછી તું મને તારો ફોટો કેમ નથી આપતી? ચાલ અત્યારે જ દેખાડી દે. એટલે એવો કોઈ સવાલ જ ન રહે...

ચાર્મી : તે આટલી રાહ જોઈ છે તો હજી થોડી વધું ન જોઈ શકે મારા માટે?

વિવેક : પણ કેટલી રાહ... તું મને ક્યારે મળીશ અને ક્યારે હું મારી ડીયર ચાર્મીને જોઈ શકીશ?

ચાર્મી : બસ... હવે થોડી જ કલાક...

વિવેક : હેં !?

ચાર્મી : હવે તું આપણા બન્ને માટે ખુબ લાંબુ વિચારે છે તો કાલે જ મળીએ... સવારે 11 વાગ્યે કોફી પ્લાઝા પર મારી વેઈટ કરજે. મારે કદાચ થોડું વહેલું મોડું થાય તો ગુસ્સો કર્યા વગર રાહ જોઈશ ને?

વિવેક : અરે યાર... તને ખબર નથી હું કેટલો ખુશ છું. હવે તો મારે સવાર પાડવી પણ અઘરી થઈ જશે...

ચાર્મી : પણ વિવેક... ડીયર મને ખાતરી છે કે કદાચ તું મને જોયા પછી પસંદ નથી કરવાનો. કારણ કે હું ખાસ દેખાવડી નથી.

વિવેક : યુ હેવ બ્યુટીફુલ હાર્ટ એન્ડ માઈન્ડ... આઈ ડોન્ટ થીંક કે બીજી કોઈ સુંદરતા આનાથી વધુ એટ્રેક્ટીવ હોય.

ચાર્મી : વોટેવર... પણ મને એક પ્રોમીસ આપ. જો હું તને ન ગમું તો પણ તું મને ફ્રેન્કલી કહી જ દઈશ અને આપણી દોસ્તીમાં કોઈ જ ફર્ક નહીં પડે.

વિવેક : તને જે ડર છે એવું કશું જ નહીં બને કદાચ.

ચાર્મી : અને બનશે તો ?

વિવેક : ચાર્મી આઈ ટ્રુલી લવ યુ

ચાર્મી : મારો જવાબ તું મને જોઈ લઈશ પછી જ હું તને આપીશ. ચાલ હવે ખુબ લેઈટ થઈ ગયું છે. હવે કાલે મળ્યા. ભુલતો નહીં. સવારે અગ્યાર... કોફી પ્લાઝા.

વિવેક : ઓ.કે. બબાય... એન્ડ

ચાર્મી : એન્ડ ?

વિવેક : એન્ડ... લવ યુ.

ચાર્મી : સુઈ જા હવે... બાય.

વિવેક : બાય.

વિવેકને પોતાનાં મનની વાત કરીને હળવાશ અનુભવાતી હતી પણ કાલે પહેલીવાર ચાર્મીને મળવાની તાલાવેલી તેને ઉંઘ આવવા દેતી ન હતી. કેવા કપડા પહેરીને જવું, કેવી રીતે વાત કરવી, કેવી રીતે પોતાની લાગણી વ્યક્ત કરવી, તે કેવી દેખાતી હશે, તે મને પસંદ કરશે કે નહીં, તેનો જવાબ શું હશે સહિતના અનેક સવાલોનો જવાબ આવતીકાલે મળવાની સંભાવના વચ્ચે તે તલપાપડ બન્યો હતો. ઘણીવાર સુધી આ વિચારો કરતાં - કરતાં તેને ક્યારે ઉંઘ આવી ગઈ... તેનો તેને જરાય પણ ખ્યાલ ન રહ્યો...

સવારે અગ્યારમાં પાંચ મિનિટની વાર હતી ત્યાં વિવેક ફસ્ર્ટક્લાસ એટીકેટ થઈને કોફી પ્લાઝા પહોંચી ગયો. એક કોર્નરની સીટ ઉપર તે ચાર્મીની વાટ જોઈ રહ્યો હતો. વેઈટરને થોડીવાર પછી ઓર્ડર લેવા આવવાનું કહ્યા પછી તે પોતાનાં મોબાઈલમાં ઘડિયાલ જોયા કરતો હતો. તેણે વોટ્સએપમાં એક મેસેજ પણ ચાર્મીને છોડી દીધો કે હું પહોંચી ગયો છું, તુ જલ્દી આવ.

તે પોતાના મોબાઈલમાં ટાઈમપાસ કરતો હતો ત્યારે જ અચાનક તેની સામેની ખુરશી ઉપર આવીને એક છોકરી બેસી ગઈ. વિવેકે માથું ઉંચું કરીને જોયું તો તે હેબતાઈ ગયો. આ એ છોકરી વિદ્યા હતી જેને તે છએક માસ પહેલા લગ્ન સંબંધ માટે જોવા ગયેલો અને તેનો દેખાવ પસંદ નહીં પડતાં વિવેકે ના પાડી હતી. વિવેક તેની સામે હળવી મુસ્કાન આપવા જાય તે પહેલા જ તેના મનમાં અનેક વિચાર આવી ગયા કે જો આ ઘડીએ ચાર્મી આવી જશે તો લોચો થશે. તે ઝડપથી તેને રવાના કરવાનાં વિચાર સાથે જ કંઈક બોલવા જાય તે પહેલા જ એ છોકરીએ કહ્યું,

'હવે મને રીજેક્ટ કરીશ કે સીલેક્ટ? હું જ ચાર્મી છું અને હું જ વિદ્યા...' વિવેકની હાલત કાપો તો લોહી ન નીકળે જેવી થઈ ગઈ. તે અવઢવમાં મુકાઈ ગયો કે હવે શું કહેવું...

' આઈ એમ સોરી... ચાર્મી. આઈ મીન વિદ્યા' માંડ કરીને વિવેક આટલું બોલી શક્યો.

' મારે હવે એ જાણવું છે કે તું હજી પણ મારી સાથે લગ્ન ઈચ્છીશ ?' વિદ્યાએ સીધો સણસણતો સવાલ ચોંટાડી દીધો.

' યાર મારી ભૂલ હતી. ખાલી તારો દેખાવ જોઈને મેં તને ના પાડી દીધેલી. ખેર, હવે મારો વિચાર મક્કમ છે. મારા માટે તું પરફેક્ટ છો. એવું અત્યારે હું તને ખાતરીથી કહીશ. મને મારી ભૂલ સુધારવાની એક તક આપ...' વિવેકે અગાઉ પોતે વ્યક્તિને પીછાણ્યા વગર કરેલી ભૂલનો ક્ષોભ અનુભવતો હતો.

'થેન્ક્સ... પણ આઈ એમ નોટ ઈન્ટરેસ્ટેડ ઈન યુ. આપણે ફક્ત મિત્ર જ રહીશું.' વિદ્યાએ પોતાનો જવાબ વિવેકને આપી દીધો. સજાનો ચુકાદો આવી પડ્યો હોય તેમ એક ગુનેગારની માફક વિવેક માથું ઝુકાવીને બેઠો રહ્યો.