દિલ દિયા હૈ જાન ભી દેંગે ......! Ramesh Champaneri દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દિલ દિયા હૈ જાન ભી દેંગે ......!

દિલ દિયા હૈ જાન ભી દેંગે.....!

પગ લુંછણીયું, ગમે એટલું પરોપકારી હોય, ગમે એટલું દેખાવડું હોય, અને ગમે એટલું નાનું કે મોટું હોય, એ પગ લુંછણીયુંથી જ ઓળખાય. એનું કુળ જ એવું કે, ભલા ભૂપના ઉધ્ધાર થયા, પણ આદિકાળથી એનો ઉધ્ધાર થયો નથી. જેને પગ તળે રહેવાનું કોઠે પડી ગયું હોય, એ લુંછણીયું પ્રમોશન પામીને ચાદર ક્યાંથી થાય ? ચ્યવનપ્રાસ ફાંકે કે, એનો મલમ બનાવીને આખા શરીરે ઘસે, એની તાકાત નહિ કે ઓટલો ત્યાગીને એ ગૃહ પ્રવેશ કરે...! આવે તેના ચરણ-ઘર્ષણ સહન કરે, પણ બારણા આગળથી સ્થાનભ્રષ્ટ નહિ થાય. લુંછણીયું એટલે સહનશીલતાનું પ્રતિક. ચૂંટણીના ઉમેદવારે જીતવું જહોય તો, ચૂંટણીના નિશાન તરીકે. પગ લુંછણીયું રાખાવની ટ્રાય કરવા જેવી....!

મેં પણ લુંછણીયાના આર્શીવાદ લઈને જ આ લેખની શરૂઆત કરી છે, તમે વાંચવા માટે કરજો. કોઈને એમ થશે કે, મામૂ...આજે તત્વજ્ઞાન ઉપર ક્યાં ચાલી ગયાં ? કોઈ બાપૂનો આત્મા ઘુસી ગયો કે શું ? પણ વાત જાણે એમ છે કે, અમુક ભાયડાઓની હાલત પણ આવા પગ લુંછણીયાં જેવી જ હોય. ‘ કિચન કવિન ‘ એટલે કે, ઘરવાળીની ‘ એનઓસી ‘ વગર એ ઘરની બહાર ટાંગ પણ કાઢી નહિ શકે ? ભૂલમાં પણ બહાર જવાની હિમત કરી, તો રસોડામાંથી ત્રાડ આવે, ‘ ક્યાં ભટકવા ચાલ્યાં....? ‘ એક પછી એક સવાલોના એવાં કાતિલ તીર છૂટે કે, એકપણ તીર સાલું ‘ ઓપ્શન ‘ માં નહિ કઢાય....! આવી સ્થિતિમાં હું કેરાલા ગયો. આમ તો ભારત ભ્રમણ જ હતું, એટલે વિઝાની જરૂર તો હતી નહી, પણ કેરાલા જવા માટે વાઈફના વિઝા લેવા કાકલુદી કરવી પડેલી...!

મને એમ થાય કે, કોલંબસની વાઈફ કેટલી સારી હશે ? ‘ ક્યાં ભટકવા ચાલ્યાં ‘ ની ત્રાડ નાંખી હોત, તો એમણે અમેરિકા તો ઠીક ગામનો હટવાડો પણ શોધ્યો નહિ હોત. હનુમાનજીની વાત કરીએ તો, સારૂ છે કે, એમને સિંદુર જ ચઢેલો, પીઠી જો ચઢી હોત તો, દરિયો ઓળંગીને સીતાજીને પણ શોધી ના શક્યો હોત...! પૂછવાવાળીએ તરત કહ્યું હોત, ‘ આ ગદા લઈને ક્યાં ચાલ્યાં ? ઠરીને ઘડીક ઘરમાં બેસતાં હોય તો ? શ્રી રામચંદ્ર તો પોતે સમર્થ છે. એમનો મામલો એ જાણે....! લોકના કામમાં પૂંછડા હલાવીને બહુ ઠેકડા નહિ મારવાના...! ‘

રામ જાણે કઈ ફાટબુદ્ધિએ આ સ્ત્રીને ‘ અબળા ‘ કહી હશે ? જ્યાં ત્રાડ પડતાની સાથે, ધોતિયાં ધ્રુજી જાય, એને વળી અબળા કહેવાય ? દાદુ..! અમુક તો અણુબોમ્બ ને પણ સારી કહેવડાવે બોલ્લો....! પરણી ના હોય ત્યાં સુધી અબળા કહીએ તો ઠીક, પણ એકવાર માથે સિંદુર ચઢ્યો એટલે, એવી તો સબળા બની જાય, કે સવારી માટે પણ સિંહ જ પસંદ કરે. નહિ મરવા દે, નહિ જીવવા દે. યમરાજને પણ ગાંડો ક્રરી દે. યાદ છે ને સત્યવાન-સાવિત્રીની પતિ-કથા ? પતિને ધ્રુજેલો પણ રાખે, ને જીવતો રહે એ માટે કડવા ચૌથ પણ કરે....! લક્ષ્મણે તો સીતાજી માટે લક્ષમણરેખા દોરેલી. આજની સીતા હવે આપણા જેવાં ધણી માટે લીટા કાઢે....! આ ઘરના ઉંબર નહી તો બીજું છે શું ? અર્વાચીન સીતારેખા....! જ્યારથી ઉંબર આવ્યાં ત્યારથી, રામ જાણે કંઈ કેટલાં ‘ લખમણીયા ‘ ઘરમાં સડતાં હશે...?

આવી ‘ જડબેસલાખ ‘ સ્થિતિમાં મને ઉંબર ઓળંગવાનો મોકો મળ્યો, ને ‘ કેરાલા દર્શન ‘ કરવાની તક મળી. તે પણ એક શરતે, જોડે એ પણ આવી. જોડે વાઈફ હતી, એટલે આમ તો એવું જ લાગ્યું કે, રીઢા ગુન્હેગારને જાણે જામીન ઉપર ‘ પેરોલ ‘ મળ્યો. હવે તમે એવું તો પૂછતાં જ નહિ કે, કેરાલામાં જોઈને શું આવ્યાં...? યાર...ત્યાં કેળાં નાળીયેર ને મસાલા જ એટલાં બધાં થાય કે, ‘ કેરાં ખાવા ગયેલો પણ ચાલે....! ‘

એક બાજુ કેરાલીયન જુઓ, ને બીજી બાજુ વાઈફને જુઓ. સાચવવી પડે, મામૂ....નહિ તો બદલાય જાય. એને સાચવવા જઈએ કે, કેરાલા જોવા જઈએ....? એક બાજુ કમાન્ડો જેવી વાઈફનો સાણસો હોય, હાથમાં હાથકડી જેવી વાઈફનો હાથ હોય, પછી શું કારેલા કેરાલા જોવાના ? નેતાએ જેમ એની આસપાસના ‘ કમાન્ડો ‘ જ જોયાં કરવાના, એમ મે પણ વાઈફને જ વધારે જોઈ. દરિયા કિનારે જરા-તરાં ડોકિયા કરવાની તક મળી, તો જોઈને જીવ બલી ગયો. અમે ‘ લેટ ફી પેઈડ ‘ પરબીડીયા જેવાં લાગ્યાં. ‘ જસ્ટ મેરીડ ‘ ના જોડકા જ એટલાં વધારે દેખાયા કે, અમારાં જેવાં ‘ પાસ્ટ-મેરીડ ‘ વાળા જોડકાં તો એમને ‘ કબાબમે હડ્ડી ‘ જેવાં લાગ્યાં....! અમે ૪૦ વર્ષ મોડા કેરાલામાં આવ્યાં હોય, એવું ચોખ્ખું લાગ્યું. ઘર બાંધ્યા પછી જાણે ૪૦ વરસે વાસ્તુ કરવા નહિ બેઠાં હોય...? હળવો એટેક તો ત્યારે આવ્યો કે, હનીમુન માટે ‘ જંગે-એ-બહાદુર બનીને નીકળેલા પેલાં ‘ જોડકાં ‘ કોવાલમ બીચની રેતીમાં ‘ આઈ લવ યુ ‘ લખતાં હતાં. ને અમે ‘ ઔંમ શાંતિ ઔમ ‘ ચીતરતા હતાં...! “ જિંદગીની આજ તો મઝા છે મામૂ, લગનની શરૂઆતમાં જ ઘર ‘ સ્વીટ હોમ ‘ પછી ‘ ઔમ શાંતિ ઔંમ....ઔંમ શાંતિ ઔમ...! ‘

કેરાલાના ઝાડ, જંગલ, ઝરણા, ધોધ, પહાડ,સમુદ્ ને નદીઓ જોયાં પછી તો એવું જ લાગ્યું કે, જાણે ભગવાનના આપણે મહેમાન બન્યા. ત્યાની સુંદરતા જોઈને એક બાબતનો ખ્યાલ આવ્યો કે, ગુજરાતમાં ભગવાનને બદલે નેતાઓનો રાફડો કેમ વધારે છે ? એમાં મુન્નાર, ઠેકડી, એલેપ્પી, કુમારાકોમ, કોવાલમ બીચ, પદ્મનાભ સ્વામી મંદિર, કન્યાકુમારી, રામેશ્વર મંદિર, અથીરાપલ્લી ધોધ વગેરે જોયાં પછી તો સાલો એવો અફ્સોસ થયો કે, જનમ લેવાનું ભલે આપણા હાથમાં નહિ હતું, પણ સાસરું બનાવવાનું તો આપણા હાથમાં હતું. એ પણ ચુકી ગયાં....!

ત્યાના લોકોને અમે જોવા લાયક લાગ્યાં, અને અમને તે લોકો. લોકો ધારી ધારીને અમને જોતાં હતાં કે, આ લોકો કઈ કંપનીનો સાબુ વાપરતા હશે...? એમાં વાઈફનો કલર જોઈને એક જણ તો એમ પણ બોલ્યો કે, ‘ જો ‘ બ્લેક એન્ડ વ્હાઈટ ‘ બોટલ ચાલી....! ‘ એમાં ‘ મુન્નાર ‘ જતાં રસ્તામાં આવતાં ‘ ચિયાપારા ‘ ધોધ જોયાં પછી તો એવું લાગ્યું કે, આ તે કોઈ ધોધ છે કે, ધોધો....! કોઈનું ન્હાય નાંખવું હોય, તો આના જેવી બીજી કોઈ ઉતમ જગ્યા જ નહિ...!

કોચીન જોયાં પછી દુઃખ એ વાતનું થયું કે, વાસ્કો ડી ગામાને વલસાડનો તિથલનો દરિયો કેમ દેખાયેલો નહિ...? આપણા કેરાલા/કોચીનના આંટા તો ઓછાં થાત ? પણ કહેવાય છે કે, વાસ્કો-ડી-ગામાની વાઈફે વાસ્કુને ( એની વાઈફ એને વાસ્કુ જ કહેતી...! ) બજારમાં મસાલો લેવા મોકલેલો. એટલે ખાખણીમાં ને ખાખણીમાં એ અહીં સુધી આવી ચઢેલો. પછી ભજીયા ખાવા એ તિથલ આવે...?

વધારે નવાઈ અમને એ લોકોની ભાષાની લાગી. શું એની જલેબી જેવી ભાષા, ને ધાણી જેવી બોલી...? અગિયાર દિવસમાં અમને એમની મસાલા ઢોસા ને ઈડલી સંભારની રેસીપી સમઝાય ગઈ, પણ એમની ભાષા ને બોલી, હજી અમારાં ગળે ઉતરી નથી. એ લોકો આપણું ગુજરાતી ફફડાવીને બોલે, પણ તમિલ બોળે ત્યારે, આપણે તો ઊંટની માફક ઊંચું ડાચું કરીને સાંભળ્યા જ કરવાનું....! આપણાથી સહન નહી થાય દાદુ....! જેને બોલવાની કુદરતી તકલીફ છે, એ લોકો તો કેરાલાની ભાષા બોલવામાં સવારની સાંઝ કાઢી નાંખતા હશે...?

આ તો બધી હસવા હસાવવાની વાત છે. પણ....મઝાની વાત કરૂ તો, નીલગીરીના તેલની એટલી બધી બાટલી ખરીદાય ગઈ, કે આખું વર્ષ એ જ તેલથી શાક બનાવીએ તો પણ નહિ ખૂંટે. કર્મની કઠણાય તો એવી થઇ કે, આવતી વેળા નીલગીરીની બાટલીના બુચે પ્લેનમાં જ આપઘાત કર્યો. પછી જો થઇ છે....? ચોમેર એવી ગંધ ફેલાય કે, પ્લેનના મુસાફરો પણ ‘ આલોમ વિલોમ ‘ કરતાં થઇ ગયાં. શરદી વાળા તો બોલ્યા પણ ખરાં કે, શું ફ્લાઈટવાળાએ શરદીની દવાની વ્યવસ્થા રાખી છે...? એના કપાળમાં કાંદા ફોડું...!

***.