હોઈ પણ શકે - કદાચ..ના પણ હોય ! Sneha Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હોઈ પણ શકે - કદાચ..ના પણ હોય !

હોઈ પણ શકે - કદાચ..ના પણ હોય !

‘ભાગ મિલ્ખા ભાગ’ ચલચિત્ર કેવું છે ?’ એ ફિલ્મ જોઇને આવેલા એક મિત્રને મેં પ્રશ્ન પૂછ્યો.

‘તમે ‘યે જવાની હૈ દિવાની’ જોયેલું ?’ એમણે પ્રતિપ્રશ્ન પૂછ્યો.

‘હા, પણ કેમ ?’ મેં સહઆશ્ચ્ર્ય જવાબ વાળ્યો.

‘એ તમને ગમેલું ?’ બીજો પ્રશ્ન.

‘હા, ગમેલું ‘ થોડી અસમંજસ સાથે મેં જવાબ વાળ્યો.

‘જો તમને એ ફિલ્મ ગમી હશે તો ‘મિલ્ખાસિઘ’નહી ગમે.’ મારી અસમંજસમાં ઓર વધારો કરતો અભિપ્રાય ઠપકારીને કોઇ મૂંજીની જેમ એ મારી સામે નિહાળતો મંદ મંદ હસતો ઉભો રહ્યો રણબીરકપૂરના તોફાની નખરાવાળા ચિત્રને આવા ‘ઇંસ્પીરેશંલ’મૂવી સાથે શો સંબંધ હોઇ શકે એ ધારણા બહારની વાત હતી. જોકે બહુ કંટાળેલી હતી એવા સમયે યે જવાની હૈ દિવાની ચિત્રએ મૂડ ફ્રેશ કરવામાં બહુ મદદ કરી હતી. મારા મિત્રના દિવાલતોડ આતમવિશ્વાસના રણકાથી બે પળ તો મારું ‘ભાગ મિલ્ખા..’ ચિત્ર જોવાનો નિર્ણય ઢચુપચુ થઈ ગયો એ વાત ચોક્કસ. પણ ભારતના રીઅલ હીરોનું આ ચિત્ર જોવાની ઇચ્છા સાવ મરી ના પરવારી. બીજી એક સખીને મેં આ ફિલ્મ વિશે પૂછ્યું ’ભાગ મિલ્ખા..’ કેવું લાગ્યું? એણે સામો પ્રશ્ન પૂછ્યો.

‘તેં નવું ‘ડોન’ જોયેલું ?’

અને મેં સીધા જ પોઈંટ પર આવવાના વિચાર સાથે જવાબ વાળ્યો,

‘સમજી ગઈ.’

‘શું સમજી ગઈ ?’ સખીએ ડોળા તતડાવીને આવા વિસંગતજવાબ વાળવા સામે રોષ પ્રર્દ્શિત કર્યો.

‘નવું ડોન ગમ્યું હશે તો આ ચિત્ર મને નહીં ગમે ‘ એમ જ ને. આગલો અનુભવ યાદ કરીને મેં જવાબ વાળ્યો ને સામેથી ધારણાબહારનો જવાબ આવ્યો,

‘ના એમ નહીં. જો તને ડોન ગમ્યું હશે તો ભાગ મિલ્ખા જરુરથી ગમશે .’

‘હેં…એ…એ…’ સિવાય બીજા કોઇ ઉદગારો મારા મુખમાંથી ના નીકળી શક્યાં. આ ગમ્યું તો પેલું નહી ગમે, પેલું ગમ્યું તો આ ગમશે જેવા ચલચિત્રોના તુલનાત્મક અભિપ્રાયોમાં તુલના માટે જે આધાર પસંદ કરાતો હતો એના ધારાધોરણો વિશે બહુ સમજ ના પડી.

તમને વિનોદભટ્ટ વાંચવા ગમતા હોય તો બક્ષી નહી ગમે કે શેલીના પ્રણયકાવ્યો વાંચ્યા હશે તો રામાયણ પુસ્તક વાંચવું પણ ગમશે આમ કોઇ કહે તો તમારી શી દશા થાય ? અમુક વિષયો એવા હોય છે જેમાં પ્રત્યેક માનવી પોતાની આખે આખી ચાંચ એમાં ડૂબે જ છે એમ છાતી ઠોકીને સિધ્ધ કરીને એના વિશે પોતાના મહાન અને મૂલ્યવાન અભિપ્રાયો આપતો જ રહે છે. ટીવી – મોબાઈલ જેવા મનોરંજનના સાધનો દરેક વર્ગના – સમજના લોકોને આસાનીથી હાથવગા થતાં અભિપ્રાયનો વ્યાપ વિશાળ પાયે વધ્યો છે. મારા ઘરે આવતી 20 વર્ષની ટબુકડી કામવાળી મને કહે, ‘બેન, મોબાઈલમાં આ ગેમ્સની એપ્લીકેશનો સિવાય બધી નક્કામી. તમે આખો દિવસ શું આ ‘ સમાચારપત્રો – સંગીત’ જેવી એપ્સ નાંખ્યા કરો છો ?’ બે ઘડી એના અતિજ્ઞાનથી ભાવવિભોર થઈને મેં વિચાર્યુ કે આવા ને આવા લોકો એપ્સને રેટીંગ કરે રાખે તો દરેક એપ્સની લોક્પ્રિયતા પાછળ કયા વર્ગની સમજણ કામ કરતી હશે એ સમજવું સહેજ પણ અઘરું નથી.

મારી સામેના ઘરમાં રહેતાં 75 વર્ષના માજી, એમના ઘરમાં ‘સેટ બોકસ’ સેટ ના કર્યુ હોવાથી મારા ઘરે ટીવી જોવા આવે અને એ સમયે મારા ટીવીમાં ચાલતી ડિસ્કવરી- ન્યૂઝ – કે ઇંગ્લીશ ચેનલો સામે એમનો તીવ્ર વિરોધ. એમના અભિપ્રાયોનો ધોધ વછૂટે. ‘આ શું નંગધડંગ ફરતા લોકોની ચેનલો જોવે છે ? જુવાનજોધ દીકરા સાથે બેસીને આવા પ્રોગ્રામો જોતા લાજ નથી આવતી? સંતાનો સાથે બેસીને આસ્થા જેવી ચેનલો , કયાં તો આપણા ભારતીય સંસ્ક્રુતિને દર્શાવતી સાસુવહુ વાળી સિરીઅલોજ જોવાય..તમને જુવાનિયાઓને કંઈ ગતાગમજ નથી પડતી. બસ પોતાની મસ્તીમાંમસ્ત . હવે ‘મેન વર્સીસ વાઈલ્ડ’જેવા પ્રોગ્રામોમાં જંગલોમાં રખડનારા લોકો શોર્ટસમાં ફરે છે, એનો પોતાના ઘરમાં ટૂંકી શોર્ટ્સ પહેરીને ફરતી પૌત્રીના દાદીમા વાંધો ઉઠાવીને એમના અભિપ્રાયો રજૂ કરે ત્યારે કેવું વરવું અને અસહ્ય લાગે. ! વળી એમના અભિપ્રાય સાચા માનીને મારા કોંન્વેંટીયા દીકરાની સમજમાં સાસુ –વહુ જેવી ખોટી સમજના ખાતર નાંખી એના મૂળીયા ખોદી કાઢવા જેવું તદ્દન છેલ્લી કક્ષાનું કાર્ય મારાથી કેવી રીતે થાય ?

થોડા સમય પહેલાં અમારા સાહિત્યના જાણકારોની મીટીંગમાં એક મિત્રએ કહ્યુંકે’સ્નેહા,તમારી વાર્તા અને કવિતાઓમાં તમે શબ્દો સારા વાપરો છો હોં કે..’ હવે ‘સારા શબ્દો અને ખરાબ શબ્દો નું વર્ગીકરણ કેવી રીતે કર્યુ ને એમનો મત રજૂ કર્યો એ જ મને નવાઈ લાગી. ભલા માણસ શબ્દો તો શબ્દો જ હોય છે હું કંઈ ગાળો જેવા અસભ્ય શબ્દો તો વાપરતી નથી.તો લેખ – કવિતામાં ગાળ સિવાયના તો બધા શબ્દો મારી અલ્પમતિ મુજબ સારા જ કહેવાય. ટેવવશ એમના અભિપ્રાય ઉપર થોડું ચિંતન કરતાં એમ લાગ્યું કે કદાચ એ મિત્રને એમ કહેવું હશે કે તમે ભાવ મુજબ શબ્દોની પસંદગી કરીને એને સહજ્તાથી સમજાવી શકો છો એટલે તમારા શબ્દો સારા લાગે છે. હવે એ મિત્રને કોણ સમજાવે કે તમારા અભિપ્રાયમાં તમે તમારા ભાવ મુજબ શબ્દો વાપરીને સામેવાળાને સહજતા તો શું પણ કઠીનતાથી પણ નથી સમજાવી શકતા તો એમની શું હાલત થાય ?

રાજકારણ તો અભિપ્રાયો ઉપર જ ચાલે છે. અમુક અભિપ્રાયીઓ વળી ‘નરો વા કુંજરો વા’ વાળી કેટેગરીના હોય છે. પોતાના અભિપ્રાયોની જવાબદારી ખુદ લેવા તૈયાર જ ના હોય. એમને તમે પૂછો કે ‘ પેટ્રોલના ભાવમાં પાછો વધારો થવાનો છે એ વાત સાચી કે?’ તો એ તરત કહેશે કે ‘હા, ટીવીમાં ન્યુઝમાં હમણાં વાંચ્યું. થઈ પણ શકે , ના પણ થાય.’ ‘ઉત્તરાખંડમાં મૃતકોની સંખ્યા હજારોનો આંકડો વટાવી જશે તમે શું માનો છો?’ તો કહેશેકે ‘હા કાલે છાપામાં આંકડાઓ તો એવા જ હતાં. હોય પણ ખરા ને ના પણ હોય..આ ટીવી ને ન્યુઝવાળાઓના શું ભરોસા…કંઈ પણ છાપી મારે ,કંઈ પણ આંકડાઓ સમાચારમાં બોલી કાઢે..’ આમ સમાચારની વિસ્વસનીયતા પર ભરોસો ના મૂકીને પોતે બોલેલાની જવાબદારી ખુદ ઉઠાવવા તૈયાર જ ના થાય. આવા લોકોને મેચના એમ્પાયર બનાવી દો તો કેવી મજા પડે !

‘ભાઈ, બોલ સ્ટ્મ્પને લાગેલો ને સ્ટ્મ્પ ઉડી ગયા. હવે એમાં ખેલાડી આઉટ હોઇ પણ શકે ને ના પણ હોય !”

-સ્નેહા પટેલ