નવા વર્ષ નો સંકલ્પ
- હાર્દિક રાજા
દિવાળી ના દિવસે દિપ પ્રગટાવી, હેપી દિવાલી અને તેના પછી ના દિવસે એટલે કે બેસતા વર્ષ ના દિવસે હેપી ન્યુ યર કરતાં-કરતાં નવા વર્ષ નો પ્રારંભ થયો. તે દિવસે લોકો એ એકબીજાને મળી નવા વર્ષ ના જય શ્રી કૃષ્ણ કર્યા, વડીલો ને પ્રણામ કર્યા, જેની સાથે નથી બનતું તેમની સામે પણ ચહેરા પર પ્લાસ્ટિકયું સ્મિત ચોટાળી મળી લીધું, કોઈ બહાર ફરવા ગયું હોય તો તેમણે વિડીયો કોલિંગ દ્વારા પોતાના સ્નેહીજનો ને નવા વર્ષ ની શુભેચ્છાઓ પાઠવી હશે, આવી રીતે મોજ, મજા, આનંદ અને ઉત્સાહ માં તહેવારો ના દિવસો પુરા થયા હશે, અને નવા વર્ષ નો પ્રારંભ થયો. પરંતુ, જેમ જેમ તહેવારો નો સમય જાય છે તેમ તેમ આનંદ, મોજ, મજા અને ઉત્સાહ પણ ડીમ લાઈટ ની જેમ ડીમ થવા લાગે છે. પાછું ‘જૈસે થે’ જેવી સ્થિતિ થઇ જાય છે.
પરંતુ, આપણે આ વર્ષે આપણી સ્થિતિ બદલવાની છે. યુગ બદલાઈ રહ્યો છે. તમને કે મને કોઈને ખબર નથી કે આપણે આવી કેટલી દિવાળી જોવાના છીએ. એટલે, આપણે આ વર્ષે થોડા સંકલ્પો લેવાની જરૂર છે....અરે, ડરો નહિ, સંકલ્પ સ્ટ્રીકટ જ ન હોય શકે. સંકલ્પ એટલે કે એક પ્રકાર ના પોતાના નિયમો.. આપણે અહી પોતાના નિયમો(સંકલ્પ) પણ એવા જ બનાવવા છે, જે જિંદગી ને લવલી, સુખી અને સંપન્ન બનાવી દે. એટલે, આપને આ સંકલ્પ લેવાની પણ ખુબ જ મજા પડે તેવા હશે. આપણ ને જિંદગી જીવવા મળી છે. તો જિંદગી ને આપણે ઉત્સવ ની જેમ જ જીવવી છે. દરેક દિવસ એક ઉત્સવ જ છે. તો મેં અહી પ્રાથમિકતા અનુસાર નવા વર્ષ ના સંકલ્પ નું લીસ્ટ મુક્યું છે. જે તમને વાંચવાની ખુબ જ મજા પડશે. હજી એક વાર કહું છું “આપણે જિંદગી ને લવલી બનાવવી છે...”
૧. દરેક ક્ષણ માં આનંદ માં રહેવું છે.
તમને આ વાંચી ને વિચાર આવ્યો હશે કે, આવું થોડું બની શકે, દરેક ક્ષણ માં થોડું આનંદ માં રહી શકાય, સાચી વાત છે (ઈટ્સ ટ્ફ). ટ્રાફિક માં ફસાયા હોઈએ અને આનંદ માં હસતા મોઢે કોઈ માણસ ઉભો ન રહી શકે ના તમે કે ના હું.. પરંતુ, તેવી સ્થિતિ માં પરિસ્થિતિ ને સ્વીકારી લઇ. હોર્ન મારી મારી ને પરેશાન થવા ને બદલે, ધીરજ રાખશો તો અકસ્માત થી બચી જશો. આવું જ જિંદગી નું છે. એટલે, આનંદ માં રહેવું તેનો મતલબ એવો જ ન હોઈ શકે કે, ચહેરો સદાય હસતો રહે. પરંતુ, કોઈ પણ વસ્તુ નો બોજો મગજ પર ન રાખવો અને લહેર થી કોઈ પણ પરિસ્થિતિ નો સામનો કરવો.
૨. સંઘર્ષ કરવો.
આ મારો ગમતો સંકલ્પ છે. તમે કોઈ પણ ક્ષેત્ર માં હો, જો તમારે આગળ વધવું હશે, સફળ થવું હશે, તો તમારે પણ આ સંકલ્પ લેવો જ પડશે એટલે, જરા પણ ઢીલ ન મુકતા, તમે જેટલા ઉત્સાહ થી નવા વર્ષ ની ઉજવણી કરી તેટલા જ ઉત્સાહ થી આ સંકલ્પ લઇ લો. કારણ કે, ઘણી વાર માણસો કોઈક ચોક્કસ સમય ની રાહ જોતા હોય છે કે આ થાય પછી મારી મહેનત ચાલુ કરું, કે પછી આળસ માં કામ શરુ જ નથી થતું. તેમ કરવામાં દિવસો પર દિવસો જવા માંડે છે અને આપણી પરિસ્થિતિ માં કોઈ ફેર પડતો નથી. તમે પણ યાદ રાખજો જો આ વર્ષે પણ તમે કોઈ કામ ની શરૂઆત જ નહી કરો તો સામે ની દિવાળી પાછી તમારી અસફળતાઓ નું લીસ્ટ બતાવશે જ. મેં કોઈ જગ્યાએ સમય જોવા માટે વોલ ક્લોક માં જોયું હતું તો તેમાં લખ્યું હતું, “don’t forget to be awesome”. તો તમે પણ આ વાક્ય આખું વર્ષ ન ભૂલતા...
૩. કીપ પેશન્સ (ધીરજ ના ફળ મીઠા)
તમને નથી લાગતું આજે બધામાં આ જ ખૂટે છે. કારણ કે, બીમારી થી મૃત્યુ પામનાર લોકો કરતાં સ્યુસાઈડ કરનાર લોકો ની સંખ્યા વધારે છે. લોકો ધીરજ રાખી ને એટલું પણ નથી વિચારી શકતા કે, આ સમય પણ જશે. સ્વેટ માર્ડને કહ્યું છે કે, “આશા જેવી કોઈ દવા નથી, આવતી કાલે કાઈક સારું થશે તેના જેવું કોઈ ટોનિક નથી.” એટલે ધીરજ રાખો, ભગવાન પર ભરોસો રાખશો અને ચિંતા ને બદલે પરિસ્થિતિ સામે ચિંતન કરશો તો તમારી કલ્પના નો દિવસ જરૂર આવશે. એટલે,ધીરજ રાખજો.. નવા વર્ષ માં જરા પણ હિંમત હારતા નહિ, ઓકે. આવતી દિવાળી આપણા માટે સારી જ હશે જો આપણે આખું વર્ષ ધીરજ રાખી, ગુસ્સો ન કરીએ તો.. (કીપ પેશન્સ)
૪. પોતાની જાત પર ભરોસો રાખો.
સ્વામી વિવેકાનંદ કહી ગયા છે કે ,”જ્યાં સુધી તમને પોતાની જાત પર ભરોસો હશે, ત્યાં સુધી તમને કોઈ નહિ હરાવી શકે.” ઘણા લોકો બીજા નબળા લોકો ને અસફળ જોઈને પોતાનો આત્મ વિશ્વાસ ગુમાવી બેસે છે. ઘણા લોકો વાતો કરતાં હોય છે કે મારો આત્મ વિશ્વાસ પ્રબળ છે, પરંતુ તેઓ આવું ત્યારે જ કહી શકે જયારે તેઓ સમય સાથે કામ પૂરું કરી લેતા હોય છે. બાકી આવી વાતો કરવાથી કશું થતું નથી. જો તમારે તમારો આત્મ વિશ્વાસ પ્રબળ બનાવવો હોય તો, તમે શેડ્યુલ બનાવવાનું રાખો. વિશ્વાસ મેળવવો હોય તો તેના મારે કાર્ય માં સમર્પિત થવું પડે. આપણ ને કોઈના પર ત્યારે જ વિશ્વાસ આવે છે જયારે તેના કામ થી આપણ ને સંતોષ મળ્યો હોય. તો પોતાની જાત માટે પણ કાર્ય માટે સમર્પિત થવું પડે છે. તો અને તો જ આપણે જયારે સમય આવે ત્યારે પુરા આત્મ વિશ્વાસ સાથે ઉભા રહી શકીએ. એટલે.. Be confident.
૫. પોતાના માટે સમય કાઢવો.
આ સંકલ્પ ખુબ જ મજાનો છે પણ આ સંકલ્પ નું આચરણ પોતાના જરૂરી કાર્યો કર્યા પછી જ કરવું. આ આખું વર્ષ તમે તમારા ગમતા કાર્યો માટે સમય કાઢશો તો જિંદગી રસપ્રદ બની રહેશે. તમારે દિવસ ની ચોવીસ કલાક માંથી પોતાના ગમતા કાર્ય માટે સમય કાઢવો જોઈએ. માણસે આમ તેમ સમય કાઢવાને બદલે આ દુનિયા માં કેટલું સારું લખાયું છે તો તે વાંચવા માટે, કેટલું સારું એવું સંગીત કમ્પોઝ થયું છે તો તે સાંભળવા માટે સમય કાઢવો જ જોઈએ. આખી દુનિયા માં ભારત એવો દેશ છે જે સૌથી વધુ ફિલ્મો બનાવે છે. તેનો પણ આનંદ ઉઠાવો. સંગીત સાંભળો, વાંચો, વંચાવો, એકલા ક્યારેક એમ જ આટો મારી અલગારી મોજ ઉઠાવો, બાકી તમને ગમતા કાર્યો કરો. એક વાર મને મેસેજ આવ્યો હતો કે, “ દરેક ક્ષણે આનંદ માં રહો કારણ કે આ જિંદગી જેવી પણ છે બસ એક જ વાર મળી છે...”
તમે આ નવા વર્ષ માં તમને ગમતા કાર્યો ને પુરા કરવા માટે લીસ્ટ પણ બનાવી શકો છો કે, મારે આ વર્ષ માં દરેક મહિને એક ફિલ્મ જોવી છે, મારે આ વર્ષે આટલા આટલા સ્થળો એ ફરવા માટે જવું છે. માણસ ચાહે તે કરી શકે છે.. ક્યારેક સમય કાઢીને નવા કાર્યો મા હાથ અજમાવો, ચિત્ર દોરો(જેવું થાય તેવું મજા આવશે...), કવિતા લખો, અને બાકીતો આ વર્ષ માં જિંદગી નો ભરપુર આનંદ માણજો. (લાઈફ ઇઝ બ્યુટીફૂલ)
આ વર્ષ માં જે કાર્ય માં તમારી જિંદગી બની જવાની છે તેમાં જીગર જાન થી મહેનત કરી લેજો. તેના માટે પોતાની જાત ને નાથવી પડશે. કોઈ આડું આવે તો તેની સાથે લડી લેજો, જો પોતાની જાત આળસ કરે તો તેની સાથે પણ, તેમાં જરા પણ કોમ્પ્રોમાઇઝ ન કરતાં.. તો અને તો જ તમારો કલ્પના નો દિવસ આવશે.. તમારી મજેદાર મંઝીલ તમને ઈશારા કરે છે. એટલે,”રુક જાના નહિ તું કહી હારકે....કાંટો પે ચલકે મિલેંગે સાયે બહાર કે..” બાકીના સમય માં જિંદગી ને લવલી બનાવવા માટે આ દુનિયા આખે આખી પડી છે, તમારા થી લુંટાતો હોય એટલો આનંદ લુંટી લો.. લાગી પડો.
આ દિવાળી પછી પણ દિવસો ચાલવા જ માંડ્યા છે જુઓ છો ને.. આ નવું વર્ષ પણ હમણાં જુનું થઇ જશે. આવતી દિવાળી પાછી આપણી રાહ જુએ છે, જો જો ત્યારે એ પાછો હિસાબ માંડશે.. ત્યારે આપણે આપણા આ વર્ષ માં જાનદાર, શાનદાર, અને જોરદાર જીવ્યા તે જ બતાવવું છે તેનો સંકલ્પ કરી લો..
(આ નવા વર્ષ ના કેલેન્ડર ના પેલા જ પાના પર લખ્યું છે કે,”માણસ પોતે જ પોતાના નસીબ નું નિર્માણ કરે છે”)
હાર્દિક રાજા
Mo : - 95861 51261
Email: -