સ્વપ્નપાત્ર Sneha Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સ્વપ્નપાત્ર

રાહુલ આજે ઓફિસેથી વહેલો આવી ગયેલો. એ પ્રિયા –એની ‘પ્રાણ-પ્રીયા‘ને સરપ્રાઈઝ આપવા માંગતો હતો. હાથમાં ઓર્ચિડના ઓરેંજ કલરના-પ્રિયાના મનપસંદ કલરના ફુલ..મોટું મ્યુઝિકલ ગ્રીટીંગ કાર્ડ અને એક નાની રુપકડી પિંક કલરની ડબી હતી..જેમાં હમણાં જ ડી‘બીયર્સની દુકાનમાંથી ખરીદીને લાવેલ સરસ મજાની હીરાની લેટેસ્ટ ડિઝાઈનની વીંટી હતી.નોકરીના કારણે રાહુલને બહારગામ જવાનું વધારે થતું.જેના કારણે એને પ્રિયા સાથે ગાળવાનો સમય બહુ જ ઓછો મળતો. આજે એક પાર્ટીને મળવાનું કેન્સલ થતાં એને દિલ્હી જવાનો પ્રોગ્રામ રદ થયેલો. એટલે રજાનો મૂડ મમળાવતો મમળાવતો પ્રિયાને ખુશ કરી દેવાના ઈરાદા સાથે જ ઘરે આવેલો..

પણ આ શું? ઘરે આવ્યો તો ઘરે તો મોટું તાળું !

એનો મૂડ એક્દમ જ ‘ઓફ‘ થઈ ગયો.

“આમ કેમ ? હજુ તો મને ઘરેથી નીકળ્યાને માંડ કલાક જ તો થયો છે. વળી પ્રિયાએ કોઈ જ વાત પણ નહોતી કરેલી કે એનો બહાર જવાનો કોઈ પ્રોગ્રામ છે..તો એ અચાનક ક્યાં જતી રહી હશે?”

અકળાતો અકળાતો તાળું ખોલી ઘરમાં પ્રવેશ્યો.

ટાઈની નોટ ઢીલી કરી એ.સી ચાલુ કરીને સોફા પર શરીર લંબાવ્યું..ત્યાં તો પ્રિયાનો સેલ રણક્યો…

‘પ્રિયા અને પોતાનો ફોન આમ રેઢો મૂકીને બહાર નીકળી જાય એ બહુ નવાઈ કહેવાય..બાકી તો ચોવીસ કલાક એ અને એનો ફોન સાથે ને સાથે જ..‘

બબડતા બબડતાં સ્ક્રીન પર જોયું તો ‘દર્શન’ કોઈ અજાણ્યું નામ જ ઝળક્યું.

આ વળી કોણ ? દર્શન નામના કોઈ જ વ્યક્તિને તો એ જાણતો જ નથી કોણ હશે એ ?

એણે ફોન ઉપાડ્યો. હજુ તો એ કંઇ બોલે એ પહેલાં જ સામેથી એક અધીર પૌરુષી અવાજ સંભળાયો..

‘હલો ડીયર..હજુ ઘરે છું ? હું ક્યારનો અહીં ‘રોયલ પ્લાઝા‘માં રાહ જોઉં છુ. કંઈ બોલતી કેમ નથી ..હવે બહુ તડપાવ નહી..ચાલ જલ્દી આવ..”

અને રાહુલ તો એક્દમ ભોંચક્કો થઈ ગયો !!

આ એની પ્રિયાનું અસલી રૂપ..એણે ફોનના ઈન-બોક્સમાં જોયું તો ત્યાં દર્શનના ઢગલોક મેસેજીસ ખડકાયેલા હતા. જે એ બેયના સંબંધોને બહુ સારી રીતે ઊજાગર કરતા હતા..

રાહુલને સમજાયું નહીં કે ક્યાં ખામી રહી ગઈ એના પ્રેમમાં? એ બેય જણે તો લવ-મેરેજ કરેલાં..તો આમ કેમ..?

હવે એ ઘટનાની બહુ ડિટેલ્સમાં ના જઈએ અને મુળ મુદ્દા પર આવીએ તો એમ કહી શકાય કે,

દરેક સ્ત્રી હોય કે પુરુષ, એમની આંખોમાં પોતાની કલ્પનાનું – સ્વપ્નાનું એક અનોખું પાત્ર રમતું જ હોય છે. પોતાની ક્લ્પનાનું ‘સ્વપ્નપાત્ર‘. બહુ જ ઓછા લોકો કદાચ આ લિસ્ટમાંથી બાકાત રહી શકતા હશે. ગમે તેટલા સુખી કપલ હોય પણ એમના દિલમાં હંમેશા એક કોરોધાકોર ખુણો છુપાયેલો રહેતો જ હોય છે.

કોઈ પણ માણસ સર્વગુણ સંપન્ન નથી હોતું. આ એક સર્વસામાન્ય વાત છે. તો સામેવાળાની દરેક જરુરિયાત કોઈ એક જ માનવી કઈ રીતે સંતોષી શકે?

આપણે જ્યારે કોઈને પ્રેમ કરીએ છીએ ત્યારે આપણને એની ખૂબીઓ જ ખૂબીઓ દેખાય છે. એની કમીઓ સામે આપણે સહેલાઈથી આંખ આડાકાન કરી દેતા હોઈએ છીએ. કારણ ? બીજું કંઈ જ નહી,ફકત પ્રેમ અને પ્રેમ જ. આ પ્રેમ બહુ જ દિવ્ય, પણ સમજશક્તિને થોડી ‘પેરેલાઇઝ્ડ‘ કરી દેતી અનુભૂતિ છે. કારણ ત્યાં ફક્ત અને ફક્ત દિલની વાતોનો રુઆબ હોય છે. એના રાજમાં દિમાગની એક પણ વાત નથી ચાલતી. પ્રેમ સામાન્ય પ્રેમી કે પ્રેમિકાને ‘રતિ‘ અને ‘કામદેવ‘ બનાવી દે છે. પ્રેમમાં પડેલ વ્યક્તિને પોતાનું પાત્ર સર્વોત્તમ જ દેખાતું હોય છે. એ કહે એ જ અને એટલું જ ખાવાનું..એ કહે તેવી જ હેર-સ્ટાઈલ કરાવાની, એને પસંદ હોય એ જ કપડાં કે દાગીના સુધ્ધાં એ કહે એવા જ પહેરવાના !!!

‘જો તુમકો હો પસંદ વો હી બાત કહેંગે ‘

એકબીજાના પ્રેમમાં ગળાડૂબ પંખીડાઓ,’માંગ માંગ માંગે તે આપુ‘ જેવા મૂડમાં ખોબલે ખોબલા ભરીને વચનોની આપ-લે કરી દેતા હોય છે.

ઓહોહો !!

કેટલી સરસ મજાની અને સુંદર દુનિયા હોય છે એ. કંઈ જ નહી વિચારવાનું..ફકત સામેના પાત્રની સહુલિયત.એની લાગણી, એની પસંદ-નાપસંદ બસ સતત એના એ જ વિચારો મનમાં કોયલ પેઠે ટહુક્યા કરે. વળી સામે પક્ષેથી એ ટહુકારના પડઘા પણ સતત પડઘાતા રહે..બસ એમ થાય કે,

‘જીવન જીવી લીધું.આ ક્ષણે મોત આવી જાય તો પણ કોઈ જ ગમ નથી !‘

કૂણી કૂણી લાગણીઓ હૈયે સતત મહેંક્યા જ કરે. દિવસોના દિવસો પળવારમાં પસાર થઈ જાય અને ખબર પણ ના પડે..પણ જેમ જેમ સમય પસાર થાય એમ મગજમાંથી પ્રેમાસવની અસર ઓ્છી થતી જાય, એટલે સામેવાળા પાત્રની કમીઓ નજરે ચડવા માંડે છે. વાસ્તવિકતાની ધરતી પર પડતાં કદમો હકીકતનું ભાન કરાવવા માંડે છે.

પહેલાં એની કપડાં પહેરવાની સ્ટાઈલ તરફ જે અહોભાવ હોય એ જ હવે જૂનવાણી લાગવા માંડે,,ખટકવા લાગે. ખિલખિલાટ હસતા રમતા તરો-તાજાં ફુલોના ઢગલાં જેવા દંપતિઓ લગ્નના એક દાયકા સુધીમાં તો અપેક્ષાઓ, સતત વધતી જતી મોંઘવારીને પહોંચી વળવા મુઠ્ઠીઓ વાળીને મુકવી પડતી દોટ અને એ દોટના કારણે વેંઢારવા પડતા માનસિક અને શારીરિક થાકથી ત્રસ્ત થઈને, કાળની ચકકીમાં પિસાઈને ચિમળાઈ જાય છે. એક-બીજા પાછળ ઈચ્છવા છતાં તેઓ સમય ફાળવી શકતા નથી. જવાબદારીઓના પહાડો વધતા ચાલે છે અને આપેલા વચનોનું પોકળપણું છતું થઈ જાય છે.

જોકે કેટલાંક સમજુ અને વિચારશીલ દંપતિઓ સમયાંતરે થોડો સમય ચોરીને પોતાના જીવનસાથી સાથે થોડો સમય ક્યાંક બહારગામ ફરવા ઉપડી જ જાય છે.અગ્નિની સાખે સાત ફેરા ફરેલા અને વચનોની આપ-લે કરેલી એ યાદ કરીને ફરી એક વાક્ય પણ ઉચ્ચારી લે છે કે,

‘ હું તારી સાથે અનહદ ખુશ છું. મને મારું જીવન તારી સાથે વિતાવી રહ્યાનો અનહદ આનંદ છે. મારે તારી જરુર છે ‘

થોડાક કેસમાં એ કામ કરી પણ જાય છે, પણ અમુક કેસમાં ફરી એ જ કાયમી કામોની ઘરેડમાં જીવન ગોઠવાતા માંડતા એ માણેલા ગુલાબી રોમાન્સનો રંગ પાછો ફીકો પડી જાય છે. પીકચરોમાં આવતા રોમાન્ટીક હીરોને જોઈને, કે કોઈ નવલકથાનું મનપસંદ પાત્ર વાંચતા વાંચતા, કાં તો રીયલ લાઈફમાં કોઇ વિજાતીય પાત્ર એમને પૂરે-પૂરા સમજી શકે છે એવી ભ્રામિક લાગણી ઉતપન્ન થતાં એ પાત્રના પ્રેમમાં પડી જાય છે. મનમાં ને મનમાં સતત એ પાત્રની સરખામણી તેઓ પોતાના જીવનસાથી સાથે કરતા થઈ જાય છે. વિચારોના ફણગા ફટ ફટ ફૂટ્યા કરે છે ને એક અફ્સોસ ભરેલો નિસાસો નીકળી જાય છે,

“કાશ, મારું પાત્ર પણ આમ જ વર્તન કરતું હોય તો !! આવા જ કપડાં પહેરતું હોય..આવી જ વાક્છ્ટા ધરાવતું હોય !!”

પછી તો કલ્પનામાં લાગણીના ઘોડાપૂર વહેવા માંડે. દિલના એક ખૂણે સતત એ કાલ્પનિક ‘સ્વપ્ન-પુરુષ‘ કે ‘સ્વપ્ન-સુંદરી‘ એનો અડ્ડો જમાવી જ દે છે. આંખો બંધ કરો તો પણ એ જ પાત્ર એમની સામે આવી જાય છે. ઘણાં પોતાના જીવનસાથીની ઊણપો આવા સ્વપ્નપાત્રોમાંથી સંતોષવાનો પ્રયત્ન કરે છે અને આંખોના દ્વાર ખોલતાં જ પાછા હકીકતની દુનિયામાં સેટ થઈને જીવવા માંડે છે. તો ઘણાં એ વિજાતીય પાત્ર તરફ અદ્મ્ય ખેંચાણ અનુભવે છે. કેટલીક્વાર એ ખેંચાણ ‘પ્રણયસંબંધ‘માં પણ પરિવર્તિત થઈ જાય છે. ત્યારે તેઓ જાતને સતત સમજાવતા – છેતરતા રહેતા હોય કે,

‘હું આને પણ પ્રેમ કરું છું અને મારા જીવનસાથીને પણ. હું એને કોઈ જ દગો કે બેવફાઈ નથી કરવા માંગતો / માંગતી. ઊલ્ટાનું આવી રીતે તો હું થોડો હ્રદયનો ઊભરો અહીં ઠાલવીને, હળવો થઈને, તરોતાજા થઈને મારા જીવનસાથી સમક્ષ જઊ છું, અને એને પણ ખુશ રાખવાના પૂરતા પ્રયત્નો કરીને એને સંતોષ આપવામાં સફળ થાઉ છું.’

પણ એક હકીકતથી તેઓ સતત આંખ આડા કાન કરતા આવે છે કે તમારું સ્વપ્નપાત્ર ભલે ગમે તેટલું સરસ અને તમને સમજનારું હોય, પણ હકીકતે માનવી ફકત એક અને એક જ જણને સાચો પ્રેમ કરી શકે છે. બાકી તો બધું દિલને બહેલાવવાની વાતો જ છે.

‘સ્વપ્ન પાત્રને પ્રિય પાત્ર‘ બનાવવાને બદલે ‘પ્રિય પાત્ર સ્વપ્નપાત્ર બને‘ એનો વ્યાયામ માનવીએ સતત કરવો જ રહ્યો.

હમણાં જ ક્યાંક વાંચ્યું કે કે ,’કેલિફોર્નિઆ યુનિવર્સિટીના ડોકટર જહોન ગોટમેન નામના સંશોધકે ત્રણેક હજાર જેટલા કપલના સહજીવનનો અભ્યાસ કર્યો અને અંતે એવા નિષ્કર્ષ પર પહોંચ્યા કે જે લગ્ન સંબંધોમાં પુરુષો પત્નીને ઘરના નાના નાના સાફસૂફીના,કરિયાણું લાવી આપવામાં, શાકભાજી સમારી આપવામાં મદદ કરતા હોય છે તો એમના જીવનમાં એક અનોખું જ ‘એટેચમે ન્ટ’ જોવા મળે છે. પતિને પોતાના કામની પૂરતી કદર છે.પોતે ફકત આ ઘરકામના ધસરડાં કરવા જ આ ઘરમાં નથી આવી. આ બધાની સકારાત્મક અસર એમના સહજીવન પર પડે છે.તો સામે પક્ષે પત્નીએ પણ પોતાના પતિદેવની ધંધાની દરેક વાતો રસપૂર્વક સાંભળીને એને સતત પ્રોત્સાહન આપતા રહેવું જોઈએ. સંતાનોની જવાબદારીઓ નિભાવતા-નિભાવતા બેધ્યાનપણે પતિદેવ તરફ તો ક્યાંક ઉપેક્ષા નથી દાખવતીને એ ધ્યાન રાખવું જ ઘટે. જીવનના દરેક તબક્કે એણે પહેલાંની જેમ જ પતિ માટે સાજ-શણગાર કરીને મનમોહક દેખાવાનો, વાણીમાં મીઠાશના , વર્તનમાં ધીરજ-વ્હાલના સભાન પ્રયત્ન કરવા જોઈએ.આ બધું સહજીવન સદાને માટે રસદાયક બનાવે છે.

બેય પક્ષે જો થોડી બાંધ-છોડ અને ધીરજથી જીવાય તો લગ્નજીવન સ્વર્ગ સમાજ બની જાય છે. સ્વપ્નાની ખોખલી દુનિયાનો અંત ક્યારેક તો આવે જ છે, અને જ્યારે એ તૂટે છે ત્યારે માનવી ક્યાંયનો નથી રહેતો.. ઘણીવાર એની હાલત ‘ધોબીકા કુત્તા‘ જેવી થઈ જાય છે..સ્વપ્નપાત્ર પણ હાથતાળી આપી જાય અને પતિ કે પત્ની પણ એ સંબંધોના કારણે વિશ્વાસ-ભંગના આઘાતથી તરછોડી દે છે. એના કરતાં વાસ્તવિકતાને સ્વીકારીને, જીવનમાં થોડું સમજદારીથી કામ લઈને, અપેક્ષાઓમાં થોડી બાંધ-છોડ કરીને, એક બીજાની વાતો અને જરૂરિયાતો સાંભળવા માટે પૂરતો સમય ફાળવીને એક તંદુરસ્ત લગ્નજીવન જીવવું એ વધુ હિતાવહ છે. જો બેયના શોખો અલગ અલગ હોય તો બેય જણ એકબીજાની પસંદ અને મરજી સમજીને એને થોડું પ્રોત્સાહન આપવું જોઈએ. જવાબદારીઓમાંથી ભાગી છૂટવાના પ્રયત્નરુપે

‘તું તારું કરી લે..હું મારું ફોડી લઈશવાળી વૃતિ‘ તો ના જ અપનાવાય ને. એણે કરેલા નાના નાના કાર્યોની પણ કદર કરતા રહેવું જોઈએ..વારેધડી બેય જણે એક-બીજાને સતત એ વાતનો અહેસાસ કરાવતા રહેવું જોઈએ કે,

“તું હજુ પણ એના જીવન માટે સૌથી મહત્વની વ્યક્તિ છે. તારા થકી જ મારું જીવન મહેંકે છે.”

સ્નેહા પટેલ