વેકેશન-મોસાળ -ખંભાત Sneha Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વેકેશન-મોસાળ -ખંભાત

વેકેશન – મોસાળ – ખંભાત

આજે બહુ વર્ષો પછી ખંભાત – મારા મોસાળ જવાનું થયું.બાળપણના ઘણાખરા ઉનાળુ વેકેશન નાના-નાની, માસીઓના ઘરે જ વીત્યા છે.

વેકેશનનો સમય એટલે ઉનાળાનો સમય. તાપથી બચવા બને એટલા વહેલાં ઉઠીને સવારની પહેલામાં પહેલી બસ જ પકડવાનો આગ્રહ રખાય..એસ ટી સ્ટેન્ડ પર હંમેશા ૨૦-૨૫ મીનીટ તો રાહ જોવી જ પડે..બસ આવે એટલે ભીડમાં ધક્કા મુક્કી કરીને, લોકોના ગંદા સ્પર્શથી બચતા બચતા બસમાં ચડવાનું (જેના માટે ઘૂસ મારી જેવા શબ્દ પણ વાપરી શકાય) અને છેક્ક્ક આગળની સીટ પર જઈને બધાની સીટ રોકવાનું કામ મેં સ્વેચ્છાએ ઉપાડી લીધેલ હોય..એ કામ પતે એટલે હું આજુ બાજુ બધાંને જોયા કરું..જેમને ગમતી સીટ મળી જાય એમની સામે આપોઆપ જ થોડું હસી પડાય અને જે લોકોને બેસવા માટે સમૂળગી જ સીટ ના મળી હોય એ લોકો કરતાં હું કેટલી સ્માર્ટ અને ચપળ એવો છૂપો ગર્વિલો ભાવ મગજમાં નશો ચડાવી દે.

પહેલેથી જ પંચાતીયો જીવ ના હોવાથી બારીની સીટ મને વધુ ગમે. બસની અંદરનું બંધ વાતાવરણ મને બહુ સમય એના મોહપાશમાં બાંધી ના શકે..એસટી ની ઉપરથી ખૂલે કાં તો નીચેથી એવી અધખૂલી બારીમાંથી મારી ઉત્સુક નજર કાયમ બહારની દુનિયાને કૌતુકથી નિહાળ્યા જ કરે.. કાળી કાળી ડામરની સડકો પર ચકરાવો લેતી ઝીણી ઝીણી ધૂળ, વૃક્ષોની હારમાળા, એની પાછળથી ચળાઇને આવતા સોનેરી તડકાની સંતાકૂકડી મારા મોઢા પર ઝીલવાની બહુ મજા આવે.. એ મોઢા પર પડે એટલે મારુ મુખ પણ સોનેરી સોનેરી થઈ જાય..થૉડું રતાશ પકડે અને આપણે જાણે સોનપરી …આપણી જ કલ્પનાની દુનિયા અને આપણે જ રાજકુમારી જેવી ભાવના સાથે ઘણીવાર આંખો બંધ થઈ જાય જાય..પણ એ બહુ લાંબુ ટકે નહી. એસટીનો ડ્રાઈવર પાંચ મીનીટથી વધારે એવા લોચનબંધ કરીને કલ્પનાવિશ્વમાં વિહરવા ના દે…રસ્તાના ખાડા ટેકરાંની ઐસી કી તૈસી કરીને બને એટલો રસ્તો વહેલો કાપવાની વેતરણમાં જ હોય એટલે આપણું માથું પેલી અધખુલ્લી બારીની ગ્રીલ સાથે આગળ પાછળ ઘસાતું ઘસાતું ખટાક-ખટાક અથડાયા જ કરે..અને વાસ્તવિકતાની દુનિયામાં પાછા ધડામ્મ્મ..!

એસટીની ખટારા બસમાં, ડીઝલની અને આજુબાજુમાં ભરચક્ક માનવદેહની પરસેવાની માથું ફેરવી નાંખતી વાસ સહન કરતાં કરતાં લગભગ દોઢેક કલાક વીતે અને છેલ્લે તો ધીરજ હાથમાંથી સરતી જાય. ખેડા-તારાપુર.. એમાં પણ જો બસ ક્યાંક પેટ્રોલ સ્ટેશન પર ઉભી રહે અને ૧૦ મિનીટ વધી જાય તો તો થઈ રહ્યું..ધીરજનો ઘોડો બેકાબૂ થઈને લગામ તોડીને ભાગી જ નીકળે ને અકળામણના રેલા ઉતરવા લાગે. ત્યાં તો લાંબા લાંબા તાડના ઝાડ નજરે ચડે એટલે મગજમાં છમ્મ કરતુંકને પાણી રેડાય અને બાજુમાંથી મમ્મીના આશાભરેલા વાક્યો ચાલુ થઈ જાય..બસ બેટા..હવે થૉડી ધીરજ.. આ જો નારિયેળી દેખાય ને હવે તો ખંભાત આવ્યું જ સમજ..બસ…

‘કેટલી મીનીટ થશે મમ્મી..?’

‘બસ..૧૦ મીનીટ ..’

જોકે એ વખતે હાથે ઘડિયાળ ના હોય એટલે દસ મીનીટ અને ૨૦ મીનીટનો તફાવત બહુ સમજાય નહી..બધું ય સાપેક્ષ..

પણ આ વખતે તો હાથમાં ઘડિયાળ હતી..સમય અને હોદ્દો બેય બદલાઈ ગયેલું.. પ્રગતિનો પવન..આજે હું એસી ગાડીમાં હતી અને એ પણ મમ્મીના પદ પર બિરાજમાન મારા બાર વર્ષના દીકરાની જોડે.

એસટી સ્ટેશનથી અંદર ઘૂસતાં જ એ જાણીતી સડકો ઉપર બહુ બધું અજાણ્યું ઉગી નીકળેલું હતું. ગાડી દરિયાના રસ્તેથી જમણાં હાથે વળીને એ જ પરિચીત પતલી ઘુમાવદાર સડક પરથી મોસાળની ગલી તરફ વળી..પણ આ વખતે મોસાળમાં નહોતું જવાનું..નાના-નાની જ ક્યાં રહેલા હવે તો મોસાળનું ઘર રહે.. આ વિચાર સાથે જ દિલમાં પીડાની એક તીખી લહેર પ્રસરી ગઈ..અલીંગ વટાવતા વટાવતા તો એ જ જાણીતી સાંકડી – પતલી સીધી લીટી જેવી ‘ગાંધીની પોળ’ નજરે પડી અને ધ્યાન બહાર જ આપોઆપ ગાડીની બ્રેક પર પગ દબાઈ ગયો.

બે પગથિયા ચડીને પ્રવેશાય એવી ૬-૭ ફૂટ પહોળી ગલી..દૂરથી જોતાં ડાબે જમણે ફેલાયેલા જૂના જમાનાની લાકડાંની બાંધણીવાળા મકાનો ઉપર આધુનિકતાનો થોડો થોડો ઢોળ સ્પષ્ટપણે દેખાતો હતો..કાને બહેનપણીઓનો સાદ પડ્યો અને ધૂળીયા જમીનમાં ખાડો ખોદી ખોદીને ગિલ્લી દંડાની રમત રમતી હોઊ એવો ભાસ થયો. જમણાં હાથે ખાલી પ્લોટ હતો જ્યાં અમારી તોફાની મંડળીએ ઢગલો નાટકો બનાવેલા અને ભજવેલા..જોનારા પણ અમે પોતે જ તો વળી. આ જ જગ્યાએ વીણી વીણીને ભેગી કરેલી માચીસના બોકસની આગળ પાછળનું પૂઠું કાપીને ‘છાપ’ રમતા હતાં, ધૂળિયા જમીનમાં ખાડો જેને અમે ‘ગબ્બી’ કહેતા એ ખોદીને લખોટીઓ રમતા..જમીને કેરમા બોર્ડ…વેપાર- જેવી બધી ‘ઈનડોર ગેમ્સ’ આવી જાય.. રાતના સમયે જમી કરીને નાના- નાનીની આજ્ઞાનું પાલન કરીને દેરાસર દર્શન કરીને પાઠશાળામાં નવી નવી ધાર્મિક ગાથાઓ શીખી લઈને નવરા ધૂપ થઈ જઈને અંધારામાં થપ્પો રમતાં.. છેક અંદર અંદર અંધારિયા ખૂણામાં છુપાઈ જવાનું…થોડી બીક લાગે પણ પકડાઇ જવાની શરમે એ બીક સહન થઈ જાય.

આ બધી ધમાલો પછી બધા ભેગા થઈને અમારી કામવાળી બાઈ જેને ‘ગોલણ’ કહેતા હતા ( ખંભાતમાં આવી ગોલણો ઠેર ઠેર પગના અંગૂઠા અને પહેલી આંગળી વચ્ચે લોખંડ્નો પતલો ડંડો ભરાવી અને એના ટોચકા પર બીજા હાથે લાકડાની જાડી સળીના છેડે લોખંડનો ટુકડો ભરાવી હથોડી જેવા શેઈપના ડંડાથી અકીકના પથ્થરો ટાંચી ટાંચીને અકીકને શેઈપ આપતી નજ્રરે પડે..એનું ધ્યાન ચૂકવીને મેં પણ એવા અખતરા કરી લીધેલા છે…એક પણ ટુકડો આંખમાં ગયો તો આંખો ગુમાવવા સુધીની ઇજા પહોંચી શકે.. પણ એવા જોખમોની સામે કંઇક નવા અખતરા –રોમાંચ આ બધાંનુ એ સ્મયે વધુ મહત્વ) એના ઘરે અડ્ડો જમાવીએ.. ઉનાળાની સિઝનમાં રોજ રસ તો હોય જ…સવારે ખાધેલી કેરીઓના ગોટલાં એ ગોલણને આપી રાખીએ.. જેને એ પોતાની સાંજની રસોઈ પછી ઠરતાં જતાં ચૂલ્હામાં શેકી આપે અને અમે અણીદાર પથ્થરથી એને તોડી ર્તોડીને અંદરથી ગોટલી કાઢીને એનો ઢગલો કરીએ..

બધું ય કામ પતાવી અને નાનાના ત્રણ માળના મોટા ઘરમાં બીજા માળે આવેલા એક વિશાળ રુમમાં વચ્ચે વચ્ચ આવેલા હીંચકા પર આખીય ટોળી મોટા મોટા હીંચકા ખાતા ખાતા એ ગોટલી સરખા ભાગે વેચીને ખાઇએ..કોઇને વધુ જાય તો ઇર્ષ્યા – ગણત્રી નહીં કે ઓછું આવે એનો રંજ નહીં..બસ મજ્જ્જ્જાની લાઈફ..એમાં ય પાછો કોઇના મગજમાં વિચારનો ફણગો ફૂટે તો એક બારકસ હીંચકાની નીચેની બાજુ આમથી તેમ જમીનસરસો થઈને લસરે.. મગરની જેમ ..હીંચકો કોઇ પણ ભોગે ચાલુ રહેવો જ જોઇએ એ શરતે દાવ આપનાર અમારા પગને ના સ્પર્શી જાય એનું ધ્યાન રાખતા રાખતા અમારે અમારા પગ ઉપર લઈ લેવાના..એક હીંચકો..૭- ૮ જણની અમારી ટુલ્લર..હોહા..ઘમાલ મસ્તી …નવાઇની વાત તો આટલી ધમાલો પછી પણ હીંચકા પર બેલેન્સ રહી જ જાય.. ક્યારેય કોઇ એક્સીડન્ટ નથી થયો..

એવામાં નાનીની બૂમો પડે..

‘ચાલો હવે..બહુ મોડું થયું..સૂવાનો સમય થઈ ગયો.’

એટલે બધાંયના મૉઢા વિલાય..બાળપણી જીવને ક્યારેય રમતથી સંતોષ થયો છે આમે..! આંખો ને આંખોમાં ઈશારાઓ થાય..સળંગ ઘરોના સળંગ ધાબા..વચ્ચે એક નાની શી પાળી જ હોય..બધાં ય ધાબે સૂવાનો પ્લાન ઘડે અને પછી નાનીને સૂવા જવાનું કહીને ધાબે જવાનું..ત્યાં અગાશીની બહાર આવેલ જૂનું લાકડાનું કબાટ ખોલી આપણી મનપસંદ પથારી કાઢી લેવાની. અગાશીમાં ઍ પથારી પહોળી કરી એના પર ચાદર પાથરી ઓશિકુ અને ઓઢવાનું સરખું એની જગ્યાએ મૂકીને આપણી ટુલ્લર ચાતક નજરે રાહ જોતી હોય એ અગાશીમાં પહોંચી જવાનું. એક ખટપટીયો જીવ ક્યાંકથી બલ્બ સળગાવવાની વ્યવસ્થા કરી લાવે અને પછી ચાલુ થાય અમારી પત્તાની ગેમ…

નાના- નાની પણ પછી તો આવીને અમને રમતાં જોઇને કંઇ બોલે નહીં.

‘બહુ મોડું ના કરતાં દીકરા’ના બે ચાર વાક્યો કહીને સૂઇ જાય..અને આપણે મનના રાજા… ૨-૩ વાગ્યે આંખો બંધ થવા લાગે ત્યારે બીજા દિવસનો પ્રોગ્રામ ઘડીને કમને છૂટા પડીએ..તે સીધી બીજા દિવસની સવાર..!

બંસીકાકા..નાનાની દુકાનમાં કામ કરતા બંસીકાકા હજુ યાદ છે. તાડફળી ખાવાનો મૂડ આવે ત્યારે ખંભાતની સારામાં સારી તાડફળી શોધીને લાવી આપવાની જીદ સાથે ખંભાતની ગલીઓમાં સાઈકલ પર એમને બહુ દોડાવ્યાં હતાં. એ લાવી આપે એટલે પ્રેમથી પાછા એમાંથી એમના હિસ્સારુપે બે એક તાડફળી શોધીને એમને આપતાં પણ ખરા અને એનો એ બહુ જ પ્રેમથી સ્વીકાર પણ કરતાં..હવે તો એ બંસીકાકા પણ હયાત નથી.

ખંભાત જઈએ ત્યારે મને પીવના પાણીની બહુ મોટી તકલીફ પડે. ત્યાંનું ખારું ખારું પાણી તો ઉલ્ટી થઈ જાય એટ્લું ખારું..મોટાભાગે દરેક ઘરમાં એક ‘ટાંકું’ જોવા મળે..(આવા ટાંકા તો પિકચરોમાં જ જોયેલા હોય એટલે આપણને તો એની ભારે નવાઈ અને ઉત્સાહ-રોમાંચકારી કામ લાગે ) એમાં પિત્તળનો ચકચકાટ ઘડૉ દોરડું બાંધીને ઉતારીને એમાંથી મીઠા પાણી ખેંચવાની મજા જ અનેરી..પણ તકલીફ એ કે એ પાણે જરા વિચિત્ર રીતે જ મીઠું લાગે….છેલ્લા ઉપાય તરીકે હું ખારુ અને મીઠું બેય પાણી મિક્સ કરીને પી લઊં..હજુ એ સમયે કુવામાં મોઢું નાંખીને મોટે સાદે અમારા નામ બોલીને એના સાંભળેલા પડઘા કાનમાં ગૂંજે છે..

એ ત્રણ માળનું ઘર અત્યારે મને આકર્ષી રહેલું..મને ત્યાં જવાની તીવ્ર ઇચ્છા થઈ પણ ત્યાં તો એ ઘરમાંથી હાથમાં દાતણ અને બીજા હાથમાં લોટૉ લઈને બ્રશ કરવાની તૈયારી સાથે એક કાકા ઓટલે ડોકાયા અને મગજમાં એક તીવ્ર સબાકો વાગ્યો..આ ઘર હવે કયાં આપણું..જેની દિવાલે દિવાલે મારા નાજુક ટેરવાંની છાપ પડેલી, લાદી-લાદીએ મારા પગની પાનીના ટહુકા વેરાયેલા…આખે આખું ઘર મારી ધમાલ મસ્તીથી ભરચક, હાસ્યની છોળોથી રંગાયેલુ એ ઘર અમારું ક્યાં ..એ તો નાના નાનીના મૃત્યુ પછી વેચાઈ ગયેલું..મારે તો હવે એને દૂરથી જોઇને જ સંતોષ માનવો રહ્યો.જ્યાં શૈશવની અમૂલ્ય પળો વિતાવેલ હોય એ જગ્યા હવે પારકી થઈ ગઈ હોય એનો રંજ દિલને અંદરોઅંદર કોતરી રહેલો. ઈંટ, માટી, ચૂનાના બનેલા ઘર સાથે પણ માનવીને કેવો લગાવ થઈ જાય છે એનો અનુભવ કર્યો. ખડકીમાંથી બજાર,સીમંધર સ્વામીનું દે’રું..થુભનું દે’રું..ચોકસીની પોળ, કાછિયાપાડ, લાલ દરવાજા, , સક્કરપુર, દેવાનનગર, માદળાના તળાવની ભૂતાવળી કહાની,હલવાસન- પાપડનું ચવાણું -સુતરફેણી… જેવા નામના પડઘા પડી રહેલા અનુભવ્યા.

અને આંખોમાં આંસુ સાથે જે પગથિયે ઉભા રહીને અનેકો વરઘોડાઓ જોવાનો આનંદ માણેલો એ પગથિયાંને નજરસ્પર્શ કરીને માસીના ઘરની દિશામાં ગાડીને હંકારી.

બાજુમાં બેઠેલો મારો સમજુ દીકરો ચૂપ-ચાપ મને આશ્ચર્યથી નિહાળી રહ્યો.

સ્નેહા પટેલ

sneha_het@yahoo.co.in