Love Letter books and stories free download online pdf in Gujarati

લવ લેટર

લવ લેટર

-વિપુલ રાઠોડ

ટીંગ...ટોંગ...

કલ્પક સોફા ઉપર બેઠાંબેઠાં સવારની પહેલી ચાની લહેજત માણવા સાથે છાપા ઉપર નજર ફેરવી રહ્યો હતો. તેની આ મજામાં ખલેલ ન પડે એટલે ટીફિન બનાવી રહેલી કલ્પના ડોરબેલ વાગતાં સાથે જ ફટાફટ રસોડામાંથી બહાર દોડી આવીને ફ્લેટનો દરવાજો ખોલે છે. તેણે સામે થોડો જાણીતો ચહેરો ઉભેલો જોયો. હસતા ચહેરે દરવાજે ઉભેલો ટપાલી એક કવર કલ્પનાનાં હાથમાં થોભાવીને ઉતાવળમાં હોય તેમ ત્યાંથી રવાના થઈ જાય છે. કલ્પના પણ રસોડામાં જવાની ઉતાવળનાં કારણે એ કવરને કલ્પકની સામે રહેલી આવેલી ટીપાઈ ઉપર મુકીને જતી રહે છે.

એક હાથમાં છાપું અને બીજા હાથમાં ચાનાં કપ સાથે કલ્પક પોતાનાં ચશ્માની ઉપરથી નજર કરતાં આ બધું જોતો હોય છે. થોડીવાર સુધી તેનો જીવ છાપામાં પરોવાયેલો રહે છે પણ પછી કવરમાં શું આવ્યું એ જાણવાની જીજ્ઞાસા સાથે તે છાપુ અને ચાનો કપ ટીપાઈ ઉપર મુકતાં કવર ઉપાડે છે. કવરની કિનારી ફાડીને તે અંદરથી રંગીન કાગળ બહાર કાઢે છે અને ઉભો થઈને એક ખુણામાં પડેલી કચરા ટોપલીમાં ફાટેલું કવર ફેંકતાં પત્ર ઉપર નજર મારી ત્યાં તો તેની આંખો પહોળી થઈ ગઈ. પ્રિયાને સંબોધીને લખાયેલા એ પત્રની પહેલી બે-ચાર લીટી વાંચતા જ તેનાં મોતિયા મરી ગયા. ફટાફટ આખો પત્ર વાંચીને ચિંતા સાથે ગુસ્સે ભરાયેલો કલ્પક બૂમ મારે છે... 'કલ્પના...' !

સામાન્ય રીતે આવા રોષભર્યા સૂરમાં ક્યારેય પોતાનું નામ નહીં સાંભળવા ટેવાયેલી કલ્પનાને ફાળ પડી અને પોતાના બધા કામ પડતાં મૂકીને બહાર દિવાનખંડમાં દોડી આવી. કલ્પના સામે આવતાં સાથે જ કલ્પક એ રંગીન કાગળિયો તેની સામે ઘા કરે છે. મુંજાયેલી કલ્પના નીચે પડેલા એ કાગળને ઉઠાવીને વાંચવાની શરૂઆત કરે છે અને તેનાં કપાળ ઉપર પણ ચિંતાની કરચલીઓ ઉપસી આવી.

કલ્પનાએ હજી થોડી લીટીઓ વાંચી હશે ત્યાં જ કલ્પક બરાડ્યો, 'શું છે આ બધું?' કલ્પકનાં બરાડાથી ગભરાઈ ગયેલી કલ્પના ગળગળી થતાં જવાબ આપ્યો 'મને શું ખબર !' કલ્પક આગળ કશું જ બોલ્યા વિના પુત્રી પ્રિયાના ઓરડામાં ધસી જાય છે અને પહેલા તો સેટી ઉપરનાં ઓશિકા અને પછી ગાદલું ખસેડીને બધું ફંફોળવા લાગે છે. કલ્પના પણ તેની પાછળ દોડી આવી અને પ્રિયાના કબાટને ધડાકાભેર ઉઘાડીને શોધખોળ કરવાં લાગી. પતિ-પત્ની વચ્ચે કોઈ સંવાદ નથી થતો પણ બન્ને ઉશ્કેરાટ અને રઘવાટમાં કંશુક શોધવામાં વળગી ગયા. ઘડિકમાં કલ્પનાએ આખોય કબાટ નવો આવ્યો હોય તેમ ખાલીખમ કરી નાખ્યો. બીજીબાજુ કલ્પકે ગાદલા ઓશિકાની ખોળો પણ ફંફોળી લીધી. પછી ડ્રેસિંગ ટેબલ, માળીયું, દિવાલો ઉપર લટકાવાયેલી પ્રિયાએ બનાવેલા ચિત્રોની ફ્રેમ, કોમ્પ્યુટર અને રીડીંગ ટેબલથી માંડીને રૂમનો ખુણેખુણો બન્નેએ મળીને ફેંદી માર્યો. પ્રિયાએ લાયબ્રેરીની માફક સુંદર રીતે ગોઠવેલા પોતાના ચોપડા પણ ઘડીભરમાં તો પસ્તીની દુકાનની જેમ આડેધડ વિખેરાઈ ગયા. અડધોએક કલાકમાં આ રૂમની હાલત એવી થઈ ગઈ જાણે ઈન્કમટેક્સનાં દરોડા પછી કોઈ ઘર કે ઓફિસની હાલત હોય. દિવાળીને હજી ઘણું છેટું હોવા છતાં સાફસફાઈની ઝુંબેશ વખતે હાલત હોય તેમ બધું ખેદાન-મેદાન થઈ ગયું. જો કે આ તલાશીમાં દંપતિ હાથ કંઈ જ શંકાસ્પદ લાગ્યું નહીં.

કલ્પકનો ઓફિસ જવા રવાના થવાનો સમય થઈ ગયો હતો. જો કે તે લમણે હાથ દઈને કોઈ જ ઉતાવળ ન હોય તેમ સોફે બેઠો. કલ્પનાએ પણ તેને ઓફિસ જવાનું યાદ ન અપાવ્યું. કલ્પનાએ પણ પોતાના રસોડાનાં કામ પડતા મૂકીને રૂમમાં જઈ પોતાના પલંગ ઉપર પડતું મૂકીને પોતાની વ્યગ્રતા ઠારવા આંખ બંધ કરેલી પણ ચેન નહીં પડતાં તે કલ્પકની પડખે આવી બેઠી. બન્ને હવે વારે ઘડીએ ઘડિયાલ ઉપર નજર કરી લેતાં હતાં. પ્રિયાને હજી ઘેર આવવામાં ઘણો સમય હતો. થોડીવાર તો કલ્પકને તેની કોલેજે જઈને પ્રિયાની પૂછપરછ કરવાની ઉતાવળ પણ ફાટી નકળી હતી. પણ કલ્પકનાં ગુસ્સાને ધ્યાને રાખતાં કોલેજમાં ફજેતી થવાની ભીતિમાં કલ્પનાએ તેને ગમેતેમ કરીને પ્રિયા કોલેજેથી પરત આવે ત્યાં સુધી ઘરે જ વાટ જોવા મનાવી લીધો હતો. એક-એક મિનિટ કલાકો જેવી લાંબી લાગતી હતી. આ દરમિયાન કલ્પકે પ્રિયાની દિનચર્યાની રજેરજની વિગતો જાણવા માટે કલ્પનાની પણ પૂછપરછ કરી નાખેલી. પ્રિયા કોલેજેથી કેટલા વાગ્યે છૂટે, કેટલા વાગ્યે ઘેર પહોંચે, બપોરે શું કરે, દિવસ દરમિયાન મોબાઈલ ઉપર પ્રિયા કેટલીવાર વાતો કરે, રૂમમાં એકલી શું કરતી હોય, સાંજે ટયુશનમાં કેટલા વાગ્યે જાય - ક્યારે આવે વગેરે...વગેરે... જો કે આ તમામ સવાલોનાં કલ્પનાએ આપેલા જવાબોમાં કોઈ જ શંકાસ્પદ કે અસામાન્ય હરકતો ધ્યાને આવી ન હતી.

બપોરે પોણો વાગવા સાથે જ પ્રિયાનાં આગમનનું કાઉન્ટ-ડાઉન શરૂ થઈ ગયું હતું. સાડા બાર પછીની એક-એક ક્ષણ જાણે પ્રિયા ઘરે આવવામાં મોડું કરી રહી હોય તેમ ભારે બનતી જતી હતી. કેટલીયવાર કલ્પકે પત્નીને પુછી લીધું હતું કે 'હવે ક્યારે આવશે?' દર વખતે કલ્પનાનો એક જ જવાબ હતો 'બસ, આવતી જ હશે !' પ્રિયા આવે એટલે તેના ઉપર તૂટી પડવા માટે બન્નેએ મનોમન કમર કસી લીધી હતી.

બન્ને વાટ જોતા હતાં પણ પ્રિયાને ઘરે પહોંચવામાં મોડું જ થશે તેવું પણ ધારીને બેઠા હતાં. જો કે ત્યાં જ ડોરબેલ રણકી. ત્વરાએ કલ્પના ઉભી થઈ અને ફ્લેટનો દરવાજો ખોલ્યો. પોતાની ગેરહાજરીમાં બનેલી ઘટનાથી અજાણ પ્રિયા હેબતાઈ જાય તેવી ત્રાડ નાખતાં કલ્પનાએ કહ્યું 'કેમ આટલું મોડું થયું?' પ્રિયા કંઈ સમજે તે પહેલા જ તેની નજર તેના પપ્પા ઉપર ગઈ. તેઓ કેમ આજે ઓફિસ નહીં ગયા હોય તેવો સવાલ તેના મનમાં ઉદભવે તે પહેલા જ કલ્પક પણ લાલચોળ બનતા બોલ્યો, 'શું માંડ્યું છે? આબરું કાઢવાની છે અમારી?'

ગભરાઈ ગયેલી પ્રિયા અકળામણ સાથે વળતો સવાલ કરે છે કે 'પણ થયું શું છે?'

'એમ... તને નથી ખબર કે શું થયું? તને આટલી છૂટ આપી તેનો ગેરલાભ લીધો અને અમને પુછે છે કે થયું શું !' આટલું બોલીને કલ્પક હાથ ઉગામતાં સોફા ઉપરથી ઉભો થયો પણ જુવાન દિકરી ઉપર રોષ ઠાલલવા ઉભા થયેલા બાપને કલ્પનાએ ગમેતેમ ઝાલીને અટકાવી દીધો. કલ્પકે પોતાના હાથમાંનો કાગળીયો પ્રિયા તરફ ઉલાળતા ચીસ પાડી 'લે આ તારા વિશ્ર્વાસઘાતનો પુરાવો.'

પ્રિયાએ કાગળ ઉઠાવીને વાચતી હતી ત્યારે બીજીબાજુ કલ્પના કહેતી હતી 'આ ખોટું થયું છે પ્રિયા. તારી પાસેથી મને કે તારા પપ્પાને આવી અપેક્ષા કયારેય નહોતી. તેનાથી પણ વધુ અમારાથી જૂઠ બોલીને, છુપાવીને તું કયારેય કંઈ કરી શકે તેવી પણ અમને કલ્પના નહોતી.' જો કે પ્રિયાનું ધ્યાન તેની મમ્મીનાં એકેય શબ્દોમાં નહોતું. તેણે ધ્યાનથી આખો પત્ર વાંચ્યો અને તેને ફંગોળીને જોરથી રાડ પાડી 'આ મારો લેટર નથી'. આટલું બોલીને તે પોક મુકતા તે પોતાના રૂમમાં દોડી ગઈ. ત્યાં જોયું તો પોતે ખુબ જ ચાહથી શણગારેલો રૂમ ચારેકોર વેરવિખેર હાલતમાં... હવે પ્રિયાની અસહ્ય પીડા મોટા આંસૂ બની બહાર આવી રહી હતી. તેણે પોતાના રૂમમાંથી જ રડતા અવાજે બૂમ પાડી 'મમ્મી... પપ્પા...' કલ્પક અને કલ્પના તેના રૂમ પાસે પહોંચ્યા કે તરત જ પ્રિયાએ હવે આંસૂડા લૂછતાં-લૂંછતા બન્ને ઉપર આક્રોશ ઠાલવવાની શરૂઆત કરી...' તમે આ વાંચીને મારા વિશે ભલે જે વિચાર્યુ હોય એ... પણ ખરેખર તો મને ય ક્યારેય એવો વિચાર નથી આવ્યો કે મારા ઉપર શંકા કરીને તમે બેય મારા રૂમમાં આમ તલાશી લેશો. તમને મારા ઉપર ભરોસો ન હોય તો મને પુછવાની વાટ પણ ન જોઈ ? હું આટલી નાલાયક છું કે તમારે મારી પાછળ મારા રૂમમાં આમ તપાસ કરવી પડે?' પોતાના ઉપર આળ મુકનારા મા-બાપને કેમ મનાવવા એ વ્યથામાં પ્રિયા પોતાના રૂમનાં એક ખુણામાં ચોધાર આંસૂએ રડતી બેસી ગઈ... જો કે આવેશમાં મમ્મી-પપ્પા આજે તેને સાંત્વના આપવા માટે પણ આગળ ન આવ્યા. બન્નેને હજી પ્રિયાનાં જવાબથી રત્તિભાર પણ સંતોષ ન હતો.

ટીંગ...ટોંગ...

ઘરમાં ફેલાયેલી અશાંતિ વચ્ચે ફરી ડોરબેલ રણકી. ચહેરાનાં હાવભાવ સરખાં કરતાં આ વખતે કલ્પક દરવાજો ખોલવા આગળ વધ્યો. કલ્પનાએ પણ અનાયસે પોતાની ભીની થયેલી આંખ સાફ કરતાં ચહેરો વ્યવસ્થિત કરવાનો પ્રયત્ન કર્યો. કલ્પકે દરવાજો ખોલ્યો અને જોયું તો સામે આવેલા ટપાલીએ એકપણ ક્ષણ વેડફ્યા વગર કહ્યું, 'સોરી, સવારે ભૂલથી હું બાજુંની વિંગનો એક લેટર ભૂલથી તમને પહોંચાડી ગયો છું. એ આપશો !'

'હેં !'

કલ્પકનાં ચહેરા ઉપર વિચિત્ર ભાવો સર્જાઈ ગયા. પોતાની શંકાનાં આક્રમણથી સર્જાયેલું ઉગ્રતાનું વાવાઝોડું ફંટાઈ જતાં હળવાશ સાથે દિકરી સાથે સમજયા વિચાર્યા વિના કરેલા વ્યવહાર બદલ છોભીલાપણું પણ અનભવતાં કલ્પકે ટપાલીને કહ્યું, 'ભૂલ તો મારાથી પણ થઈ છે.' તેનું આ વાક્ય પોતાની દિકરી અને ટપાલી, બન્નેને લાગુ પડતું હતું. તેણે આગળ કહ્યું, 'મે પણ સરનામું જોયા વિના જ એ કવર ખોલી નાખ્યું હતું.' આવી જ રીતે શરમીંદગી અનુભવતી કલ્પના ભણી કલ્પક કહે છે 'જરા કચરાટોપલીમાંથી આ લેટરનું કવર કાઢી લે અને આમને પરત આપ..' કલ્પના એ કવર કચરા ટોપલીમાંથી બહાર કાઢી બીજાનું સરનામુ વાંચીને રાહત અનુભવે છે અને કવર કલ્પકનાં હાથમાં આપે છે. કલ્પક પત્રને કવરમાં નાખી પરત કરતાં કહે છે 'સોરી...'

ટપાલી કંઈપણ પ્રતિક્રિયા આપ્યા વગર ત્યાંથી રવાના થાય છે અને તેની રવાનગી ઉપરથી નજર ફેરવીને કલ્પક અને કલ્પના પ્રિયાનાં રૂમ તરફ જુએ છે. ત્યાં દરવાજે જ ઉભેલી દિકરી પોતાના ઉપરથી ઘાત ટળી હોવાની રાહત છતાં રડી રહી હતી. કલ્પક તેની નજીક જતાં કહે માંડમાંડ અને દબાયેલા સૂરમાં કહે છે... સોરી...

કલ્પના દોડીને દિકરીને વળગી પડી...

.........................................

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED