માત્ર ટ્રાવેલ પેમ્ફલેટ્સ, ટીવી પર આવતી ટ્રાવેલ ચેનલ્સમાં ક્યારેક અને એક બે યુ ટ્યુબ વિડિઓ જોઈ ઓચિંતું કોઈ નવાં સ્થળે ફરવા જવા વિચાર્યું અને પસંદ કર્યું જબલપુર જ્યાં આ ચેનલો, લેખો ભેડાઘાટ, ધૂઆંધાર ફોલ્સ વિશે કહે છે.
અમદાવાદથી ડાયરેક્ટ ફ્લાઇટ જબલપુર નથી. ટ્રેઈન સોમનાથ જબલપુર દરરોજ છે પણ તે વીસ કલાક લે છે. અમદાવાદ પ્રયાગરાજ સુપરફાસ્ટ પસંદ કરી જે સાડી સોળ કલાક લે છે.
અમદાવાદથી ગુરુવારે સાંજે 16.35 ઊપડી જબલપુર શુક્રવારે સવારે 9.20 ના પહોંચે.
સવારે જબલપુર ઉતરી પ્લેટફોર્મ 6 પરથી બહાર નીકળતાં જ રિક્ષાવાળાઓ ઘેરી વળ્યા. મેં આગલાં સ્ટેશન પર થી જબલપુર રેલવે સ્ટેશનથી મારી હોટલ કેટલું થાય તે જોઈ લીધેલ. 6.7 કિમી અને 135 રૂ. એપ્સ બતાવતી હતી. એક રિક્ષાવાળાએ 250, બીજાએ 200 એમ કહ્યા, આખું ટોળું મારી પાછળ બહાર આવ્યું. આખરે એક રીક્ષાવાળો 150માં તૈયાર થયો.
હોટલમાં ચેક ઇન બપોરે 3 હતું પરંતુ તેમણે એલાવ કર્યાં એટલે ફ્રેશ થઈ બહાર આવી ઓલા, ઉબેર, બધી કેબ એક પછી એક કરવી શરૂ કરી. કોઈ સ્વીકારે નહીં કે આવે નહીં. એકે ઇન્ટરસિટી તરીકે પેકેજ પોતાનું લીધું જે એપ 1200 કહેતું હતી તે 2000 નું 4 કલાક વેઇટિંગ સાથે નક્કી કર્યું. છૂટકો ન હતો, સમય ભાગતો હતો. આખરે 11.15 વાગે નીકળ્યાં.
ભેડાઘાટ કહેવાય જબલપુર પણ તેનાથી 21 કિમી દૂર છે અને ઇન્ટરસિટી કેબસ પણ આવતી નથી, તેમની રીતે જ પેકેજ નક્કી કરવું પડે. લગભગ બાર વાગે ભેડાઘાટ પાર્કિંગ પહોંચ્યાં.
ભેડાઘાટમાં આરસપહાણના પર્વતો વચ્ચેથી નર્મદા પસાર થાય છે. સાંકડી જગ્યામાંથી ખૂબ ઝડપથી વહે છે. એ આગળ જતાં એકદમ શાંત થઈ વહે છે અને ત્યાં જ નૌકાવિહાર દ્વારા એકાદ કલાક ફરવાનું મહત્વ છે. પંચવટી ઘાટથી તેની ટિકિટ મળે છે.
નૌકાવિહાર 15 જુલાઈ થી 15 ઓક્ટોબર બંધ રહે છે. અમારે તેને બદલે એ વહેતી નર્મદા ની ઉપરથી એક થી બીજા છેડે રોપવે દ્વારા જવાનું હતું. એક વ્યક્તિની 145 ટિકિટ છે. પાંચ થી સાત મિનિટની રોપવે રાઇડ અફાટ વહેતી નર્મદા ઉપરથી એક થી બીજે કાંઠે સહેજ ત્રાંસી લઈ જાય અને પરત લાવે.
નીચે વહેતી નર્મદા, બે બાજુ આરસના પથ્થરો અને સામે તેમજ નીચે જંગલની હરિયાળી જોવાની મઝા પડી. એ એક અવિસ્મરણીય અનુભવ છે.
નજીકમાં થોડે જ આગળ ધુંઆધાર ફોલ્સ છે. સાતપુડા પર્વતો પરથી ધસમસતી આવતી નર્મદા અહીં રસ્તો પહોળો થતાં ઉપરથી નીચે જોરથી પડે છે એના અનેક ધોધ નજીક નજીકથી પડે છે. એનાં સફેદ મોજાં દૂધની ધાર જેવાં દેખાય છે. કહે છે વહેલી સવારે નવ સાડાનવ સુધી અને સાંજે સાડાચારેક વાગ્યાથી લગભગ સૂર્યાસ્ત સુધી ક્ષિતિજે ત્રાંસો સૂર્ય એનાં કિરણો ફેંકે એટલે ધોધમાં અને ઉપર મેઘધનુષ્ય દેખાય છે. અમે તો શનિ રવિની ગિરદી નિવારવા અને ઉતરીને પહેલાં જ ગયેલાં એટલે બપોરે બારેક વાગેલા અને વાદળછાયું વાતાવરણ હતું એટલે ધોધ તો સોળે કળાએ ખીલેલો દેખાયો પણ મેઘધનુષ્ય નહીં. ત્યાં આ ધોધના છાંટા દૂર સુધી ઉડે છે. અમે વ્યુ પોઇન્ટ પર ઊભેલ ત્યાં પણ હળવી છાંટ સતત આવતી હતી. ધોધના આ છાંટા, છાલકો ઉપર ઉડે એટલે ધુમ્રસેરો જેવું લાગે એટલે જ નામ ધૂઆંધાર. ખડકો પાસે આ ધોધની ધારાઓનો ગર્જના કરતી અવાજ પણ અદ્ભુત હતો. ત્યાં હવે જે આઇકોનિક, આરસપહાણના ખડકો વચ્ચે
નૌકાવિહારના ફોટાઓ ને બ્લોગ્સ આવે છે એ તો 15 ઓક્ટોબર સુધી બંધ! એટલે રોપવે જતી વખતે જ્યાં ઉતારે ત્યાં જ ટાટા નેનો કે જૂની મારૂતિ વાન નું ઉપરનું બોડી કાઢી નાખી ખુલ્લી કારો ફરે છે, 500 રૂ. માં એ નૌકાવિહારના પેરેલલ રસ્તે દોઢ કિમી લઈ જાય. ત્યાં દરેક પોઇન્ટ પર થી નીચે સફેદ માર્બલ , પિંક માર્બલ, પીળાશ પડતા સોનેરી જેવા માર્બલ નાં દર્શન કરાવે.
સહેજ આગળ બંદરકુદ નામની જગ્યા એવી સાંકડી હતી કે વાંદરાઓ એક થી બીજે કાંઠે કૂદીને પહોંચતા હતા. નીચે 150 ફૂટ નીચે નર્મદા વહે જે કહેવાયું કે પચાસ થી બસો ત્રણસો ફૂટ ઊંડી હોય અને એનો વેગ પ્રચંડ હોય. હવે બેય બાજુના ખડકો ઘસાઈને જગ્યા પહોળી થઈ ગઈ છે અને રીસોર્ટ્સ, વસ્તી વધી જતાં વાનરો પણ ત્યાં નથી.
નજીકમાં એક ગ્લાસ બ્રિજ છે ત્યાં લગભગ સામે છેડે ચાલીને જવાય એટલે લગભગ વચ્ચે ઊભી નીચે નર્મદા વહેતી દેખાય. આ જગ્યાએ ઘણી ફિલ્મોનું શૂટિંગ થયું છે. અશોકા, ખૂન ભરી માંગ અને હમણાં ડુંકી ફિલ્મમાં શાહરૂખખાન ઝંપલાવે છે એ ખડકો યુએસ નહીં, આ ભેડાઘાટના છે.
ત્યાં જ આખા બે કિમી ના રસ્તે મકાઈવાળા, મેગી વાળા, શેરડીનો રસ, કાકડી , ગરમ ચા કોફી વગેરે નાસ્તા વેંચનારાના સ્ટોલ્સ છે.
સામે જ એક ટેકરી પર શિવમંદિર છે ત્યાં નર્મદા ટર્ન લે છે. કિંવદંતી છે કે શિવજીએ કહ્યું કે તું મારા પગ પાસેથી સહેજ દૂર જા એટલે નદીએ વહેણ બદલ્યું.
અહીં ત્રિશૂળ જેવો કે Y જેવો ફાંટો પડે છે ત્યાં વહેણથી જ ભારત દેશ જેવો નકશો બને છે. એ જ રોપવે માં પરત આવ્યાં.
બહાર પાર્કિંગ જવાને રસ્તે નર્મદામાંથી જ મળેલ પથ્થરોમાંથી બનાવેલ, આંગળીના વેઢાં થી માંડી મંદિરોમાં જોઈએ છીએ એવાં શિવલિંગો મળતાં હતાં અને અનેક નાની મોટી આરસની આઈટેમ્સ મળતી હતી. કોઈક સ્ફટિકનો ચમકતો શિવલિંગ પણ બતાવ્યો. નદીના વહેણમાં જ ઘસાઈને મળતા શાલિગ્રામ એટલે ચપટા લંબગોળ પથ્થરો પણ ખૂબ મળતા હતા.
ત્યાંથી નજીકમાં ચોસઠજોગણી મંદિર ગયાં. એ 150 પગથિયાં ચડી જવાનું છે. રેલીંગ સારી છે. ઉપર નંદી પર આરૂઢ શિવજી, પાર્વતી, બાજુમાં ગણેશ છે. ફરતે ગોળ પરસાળમાં એકદમ બારીક સુંદર કોતરણી વાળી ચોસઠ સ્ત્રી મૂર્તિઓ બેઠેલી, વાદ્ય વગાડતી , ત્રિભંગી માં ઊભેલી એમ અનેક મુદ્રાઓમાં હતી, કહેવાયું કે મુસ્લિમો અને મોગલોનાં આક્રમણો દરમ્યાન બધી ખંડિત કરી નાખવામાં આવેલી. કોઈનો ચહેરો, કોઈનું સ્તન, કોઈનો હાથ કાપી નંખાયેલા . ત્યાંથી ચારે તરફ ગોળ ફરતો નર્મદા નો નઝારો ખાસ જોવા ટ્રાવેલ લેખોમાં કહેવાયેલું પણ કોઈ કામ ચાલુ હતું એટલે પરિસર બહારના પ્રદક્ષિણા માર્ગ આડી બેરિયર હતી.
આ બધું ત્રણ સવાત્રણ કલાકમાં પતે. અમદાવાદથી એક જ સુપરફાસ્ટ ટ્રેન 22967 પ્રયાગરાજ સાડીસોળ કલાક લે છે અને સોમનાથ જબલપુર વીસેક કલાક. ગુજરાતથી ડાયરેક્ટ ફ્લાઇટ્સ નથી એટલે ગુજરાતીઓ ત્યાં ફરવા ઓછા જાય છે. ઓમકારેશ્વર ખંડવાથી જવાય જ્યાંથી જબલપુર છ કલાકનો રસ્તો છે. આ ભેડાઘાટ માર્બલ રોક વચ્ચેની બોટ રાઇડ 15.7 થી 15.10 બંધ રહે છે એટલે જવું હોય તેમણે 15.10 પછી માર્ચ એન્ડ સુધીમાં જવું. ગુજરાતીઓ માટે ઓછું ખેડાયેલાં આ સ્થળે એક વાર જરૂર જવા જેવું. જબલપુરનાં અન્ય સ્થળો હવે પછીના લેખમાં.
***