વડનગર પુરાતત્વ મ્યુઝિયમ SUNIL ANJARIA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વડનગર પુરાતત્વ મ્યુઝિયમ

વડનગર હાટકેશ્વર મંદિર વિશે અત્રે લખી ગયો છું. ટૂંકમાં ફરી કહું તો હવે વડનગર જવા છેક સુધી ફોર લેન રોડ્સ છે, લોકશક્તિ અને વલસાડ વડનગર જેવી સુપરફાસ્ટ ટ્રેનો છે.હાટકેશ્વર નાગરોના ઇષ્ટદેવ છે તેનું ત્યાં મોટું મંદિર છે.મંદિર ફરતેની કોતરણીમાં એ વખતનું જીવન, યોદ્ધાઓ, નર્તકીઓ, વાદ્યો, કેટલીક ખજુરાહો જેવી કામશાસ્ત્રની મુદ્રાઓ બધું ખૂબ સુંદર છે.મંદિરમાં પૂરતું મોટું પાર્કિંગ અને એટેચ બાથ, ટોયલેટ વાળા એસી નોન એસી રૂમો સહિતનું સ્વચ્છ ગેસ્ટહાઉસ છે, કેન્ટિન ચા નાસ્તો અને ગુજરાતી થાળી સબસિડાઇઝ જેવા દરે  આપે છે. પૂજા ઓફિસમાં જ લખાવી રિસિટ  બતાવી ત્યાંથી પણ મળતો પૂજાપો લઈ ગર્ભગૃહમાં તેમનો જ પુરોહિત કરાવે છે જે હવે બપોરે 3.30 સુધી થઈ શકે છે. પૂજા માટે અબોટિયું કે પીતાંબર ફરજિયાત છે, એ ભાડે ત્યાંથી મળે અને તમારું હોય તો ચેન્જિંગ રૂમ પણ છે.  બહેનો માટે ખાલી ફુલ ડ્રેસ જોઈએ, સલવાર કમીઝ કે જીન્સ પણ ચાલે.સમૂહને બેસવા પણ જગ્યાઓ છે.હોટલમાં ખાવું હોય તો હાઈવે ટચ ફૂડ પેરેડાઇઝ હોટલ સારી લાગી.હવે રાત્રિરોકાણ કરવું હોય તો રાત્રે મંદિરમાં અને શર્મિષ્ઠા તળાવ પર લેસર શો પણ થાય છે. મંદિર નજીક જ માંડ અર્ધો કિમી દૂર  કીર્તિ તોરણ  આવેલું છે.આટલું ફરીથી કહ્યા પછી વડનગરનું એક નવું, ચૂકવા જેવું નહીં એવું આકર્ષણ થયું છે એના વિશે કહું. આર્કિઓલોજી મ્યુઝિયમ.મંદિરથી દોઢ કિમી દૂર, એન્ટ્રી 50 રૂ. છે અને સિનિયર સિટીઝન કે સ્કૂલ દ્વારા આવતાં બાળકો માટે 10 રૂ. છે. એમાં ગાઇડ પણ સામેલ છે. એ બધો વખત સાથે રહે છે. એક ગ્રુપ આગળ જાય પછી બીજું ગ્રુપ એક એન્ટ્રી લે છે. ખાવાપીવાનું બહાર જ મુકાવી દે છે.મને  ચાલુ દિવસે બપોરે 12.30 ના એન્ટ્રી લઈ બહાર નીકળતાં 3 એમ અઢી કલાક થયેલ. આમ સમય જરૂર માગી લે.અંદર એ કહેવાયું કે વડનગર છ વખત નાશ પામ્યું અને એ અવશેષો પર ફરી ઊભું થયું. આ સાતમું નગર છે. ચમત્કાર પૂર, આનર્તપુર, આનંદપૂર,સ્કંદપુર, વૃદ્ધનગર (વૃદ્ધિ નગર), વડનગર.છ વખત  દટાઈને ઊભું થયું એટલે ત્યાં માટી, ટેરાકોટા ના સિક્કાઓ, વાસણો, રસોઈની જગ્યાઓ, અનાજની કોઠીઓ બારી બારણા, ઘરેણાં  વગેરે સાફસફાઈ કરી નવાં જ હોય એમ રાખ્યાં છે.  ઇનામ, બક્ષિસ તરીકે તાંબાના પતરાં પર તે વખતની બ્રાહ્મી લિપિમાં દસ્તાવેજ જોયા.એક તપ કરતા પુરુષનું હાડપિંજર પણ મળ્યું છે જેનું હાલ  મોડલ છે પણ ટૂંક સમયમાં આખું હાડપિંજર મૂકશે.અહીં અલગ અલગ મીની થિયેટર જેવી જગ્યાએ અર્ધગોળ પડદા પર વડનગરનો 2500 વર્ષથી  6 સમયગાળાઓ નો ઇતિહાસ બતાવે છે. ક્યારેક છેક મેસોપોટેમીયા સુધી વડનગરનો વેપાર હતો, ત્યારે ધોળકા પાસે ખંભાતના અખાત સુધી દરિયો હતો એથી એ માર્ગે દરિયાઈ વ્યાપાર પણ થતો.  એક વહાણનું મોડલ પણ જોયું.વડનગર ખાતે શંખની બનાવટોનો મોટો ઉદ્યોગ હતો. દ્વારકા કે આ ધોળકા પાસેથી દરિયાઈ શંખો લઈ તેને કાપી આકારો આપી પોલિશ  કરવાની પ્રક્રિયા બતાવી. સાચી , હાથીદાંતથી પણ વધુ ચમકતી શંખની બંગડીઓ અને ઘરેણાં જોયાં જે ત્યાં બનેલ.એક જગ્યાએ તમે ઊભીને હાથ હલાવો એટલે તમારી ઇમેજ બુદ્ધ સાધુની દેખાય. એમાં તમે જે મૂવમેન્ટ કરો એ મુજબ સાધુની કોઈ મૂવમેન્ટ જેવી કે સફાઈ, પ્રાર્થના, ખાવું વગેરે દેખાય.એક જગ્યાએ સેન્સર પર  અમુક નંબર પર પગ મૂકો એટલે એની સાથે કોઈ સ્થળ  અને તેનો ઇતિહાસ, મહત્વ સામે પરદા પર આવે.વડનગરમાં હિન્દુ, જૈન, બૌદ્ધ ધર્મોનું પ્રભુત્વ અલગઅલગ સમયે હતું. એની સંસ્કૃતિ પર ફિલ્મો અને એક્ઝિબિટ્સ પ્રકાશ પાડે છે. એમ  થિયેટર બદલાય અને  અલગ સમયખંડનો ઇતિહાસ કહે.એક બુદ્ધ જેવું મોટું સ્ટેચ્યુ. એની ઉપર લાઈટ બદલાય એમ બુદ્ધ, શિવલિંગ પર અભિષેક કરતો નાગર, સફેદ વસ્ત્રો ને કાને કુંડળ, ઘરેણાં ધારી સિદ્ધરાજ જયસિંહ રાજાને બતાવ્યા. એક શેરીનું મોડલ, કોઈ જગ્યાએ સાચા જેવા કૂતરા અને ગોઠણભર બેઠેલ માણસ જોયા. કહ્યું કે એ વરુઓ હતા, ગામમાં વસી કૂતરા થઈ ગયા! ઘરોની શેરીમાંથી ફિલ્મ દ્વારા લઈ જાય. ક્યાંક  અલગ અલગ સમયની બજારનું દ્રશ્ય બતાવ્યું. આમ વિવિધ ફિલ્મ અને પ્રદર્શન શો ગાઈડ સાથે ગ્રુપમાં ફરી જોયા.વડનગર નાગરોનું ધામ હતું. તેઓ વિદ્વાન બ્રાહ્મણો હતા. એક કિંવદંતી મુજબ શિવ પાર્વતીના વિવાહ માટે ઉત્પન્ન કરેલ. નાગર વિદ્વાનો ઉત્તમ શિક્ષકો ને શિક્ષણકાર હતા પણ એના માટે આર્થિક બદલો માગતા નહીં  એટલે રાજાઓએ તેમને જમીન આપી વસાવ્યા. નાગરો અનેક ભાષાઓ જાણતા. હિન્દુ ધર્મ ત્યાં એક નકશા મુજબ છેક  આફ્રિકા અને બ્રાઝિલ સુધી ફેલાવવા લોકો ગયેલ એમને માર્ગદર્શન પણ આપતા.  તાના, રીરી  કન્યાઓની વાત મુજબ મોગલ આક્રમણ, બળજબરીથી નાગરોનું સામુહિક ધર્મપરિવર્તન અને કત્લેઆમ, નાગરોની વડનગરથી સામુહિક હિજરત થયેલી. બતાવ્યું કે કોઈ કારણે મરાઠાઓને પણ નાગરો ગમતા નહીં. પોતાના રક્ષણ માટે નાગરો ગામના કિલ્લામાં વસ્યા અને મૂળ ક્યારેક હાટક  એટલે સોનાના બેઝ વાળું સ્વયંભૂ શિવલિંગ હતું એ હવે ગોળ કાળા આરસનું છે એ મંદિર ગામની બહાર રાખ્યું એટલે કહે છે ખુદ હાટકેશ્વરનો શ્રાપ લાગ્યો કે કોઈ નાગર વડનગરમાં સ્થાયી વસવાટ નહીં કરી શકે. નાગરો એ શોર્ટ ફિલ્મોમાં બતાવ્યા મુજબ હવે રાજસ્થાન, સૌરાષ્ટ્ર, કચ્છ, વડોદરા એમ બીજે બધે જ વસી ગયા છે એ બતાવ્યું. વડનગરની મોદીજી સિવાયની ઓળખાણ નાગરોનું મુખ્ય મંદિર છે.એ વખતની ગટર સિસ્ટમ, પ્લમ્બિંગ  જોયું. સાચા ખાળકુવા પણ છેલ્લે અવશેષોમાં રાખ્યા છે. ગાઇડના કહેવા મુજબ શર્મિષ્ઠા એ નરસિંહ મહેતાની દીકરી કુંવરબાઇની પુત્રી હતી એના નામ પરથી એ તળાવ છે. એમાં કોઈ રીતે અરવલ્લીથી પાણીનો સ્ત્રોત આવે છે અને નાનાં મોટાં 36 તળાવો એક બીજા સાથે સાંકળ્યાં  છે એટલે એ ઓવરફ્લો ક્યારેય થતાં નથી. શર્મિષ્ઠા તળાવ ફરતે ચાલવાનો વોકવે પણ છે. છેલ્લે  વીસ વર્ષની મહેનતે ઉત્ખનન કરેલ અવશેષો બતાવે છે. ક્યારેક અહીં બુદ્ધ ધર્મની પણ   વસાહતો હતી.ઉત્ખનનમાં મળેલ અવશેષો અને બાંધકામમાં એમાં એક ઉપર એક બધાં જ લેયરની ઈંટો જુદી જુદી દેખાય છે જેમ કે સોલંકી કાળની નાની અને લાંબી, મોગલોની તૂટ્યા ફૂટ્યા કટકાઓ, મરાઠા કાળની અલગ જ રંગ ને સાઈઝની, કોઈ કાળની મોટા પથ્થરો જેવી એમ. એક જગ્યાએ 60 ફૂટ ઊંડી દીવાલ બતાવી છે જે દરેક લેયર ધરાવે છે. એક સ્તૂપ પણ એ રીતે રાખ્યો છે.ત્યાં ટૂર પૂરી થાય છે. આખી ટુર ફરવી પડે છે, વચ્ચેથી છોડી શકાતું નથી.આમ આ એક સ્થળ વડનગરમાં મંદિર ઉપરાંત ત્રણેક કલાક કાઢી ચોક્કસ જોવું.હા, મંદિર સાથે આ જોવું હોય તો ખૂબ વહેલા જવું કે બપોરે બાર પછી પહેલાં જમી લઈ મ્યુઝિયમ જવું. કેન્ટિનમાં ગુજરાતી થાળી સારી મળે છે. બીજું હાઈવે પર કહી એ હોટલ. બપોરે અઢી ત્રણ પછી વડનગર અને વિસનગરમાં બધા ડાઇનિંગ હોલ બંધ થઈ જાય છે. અમારે પણ મ્યુઝિયમ છોડી વિસનગર પણ કશું ન મળતાં ક્યાંક ભજીયાં ખાઈ ચલાવવું પડેલ.***