લાલો 2 - પ્રકરણ 14 Kamejaliya Dipak દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લાલો 2 - પ્રકરણ 14




હવે તેઓ ઓસ્ટ્રોમેટ પાસે જવા માટે રવાના થયા. રસ્તામાં શ્યામે ભગવાનને પૂછ્યું, 
"તમે મને જીવતો કર્યો, સાચુંને પ્રભુ." 

ભગવાન મારી સામે જોઈને હસ્યા અને પછી બોલ્યા, "ના, તને પાછો લાવવામાં મારો કોઈ જ હાથ નથી મિત્ર. તેં પોતે જ પોતાને બચાવ્યો છે.."

"તુ સાચે જ ખુબ હોશિયાર અને બહાદુર છે. મને તારી બહાદુરી પર ગર્વ છે લાલા." 

શ્યામને કાઈ જ સમજાઈ નહોતું રહ્યું એટલે તે આશ્ચર્ય સાથે બોલ્યો,"પ્રભુ, કૃપા કરીને મને થોડુંક સમજાવશો..?"

ભગવાન શ્યામ સામે મલક્યા અને કહેવા લાગ્યા. 

"જયારે મહર્ષિ દિવ્યદગ્ધીએ તેમની તપસ્યા ભંગ થવાના લીધે મહારાજ અમીરાજ અને તેમની સેનાને શ્રાપ આપ્યો ત્યારે બધા ખુબજ વિનંતી કરવા લાગ્યા કે અમને ક્ષમા કરી દયો, કેમ કે આ પાપમાં તેમનો કોઈ જ પ્રકારનો સ્વાર્થ નહોતો." 

"તેઓ તો તેમની પ્રજા અને રાજ્યની પેલા મદમસ્ત હાથીથી રક્ષા કરવા માટે અને ગુરુ વેદભટ્ટાચાર્યના કહેવા મુજબ જ આ કામ કર્યું હતું." 

"એટલે મહર્ષિ દિવ્યાદગ્ધીને તેમના પર દયા આવી."

"ત્યારે તેમને કહ્યું કે તેઓ પોતાનો શ્રાપ તો પાછો ના ખેંચી શકે પરંતુ તે શ્રાપમાંથી મુક્ત થવાનો એક ઉપાય જરૂર બતાવશે." 

"ઉપાય બતાવતા મહર્ષિએ કહેલું કે જ્યારે તેમના બચાવ માટે કોઈ પોતાની આત્માનો ત્યાગ કરશે ત્યારે જ તેઓ આ શ્રાપમાંથી મુક્ત થશે."

"વાહ, તો મે કરેલા ત્યાગથી એ ઓસ્ટ્રોમેટ અને તેની ઉપર રહેતા અમીન લોકો પેલા મહર્ષિએ આપેલા શ્રાપમાંથી મુક્ત થશે એમ જ ને." એક ખુશી સાથે શ્યામે કહ્યું. 

"હા મારા લાલા..એ શ્રાપમાંથી મુક્ત કરવાનો બધો જ શ્રેય તને જાય છે.." ભગવાને પોતાના હાથે ઈશારો કરીને આ સમગ્ર કાર્યનો શ્રેય શ્યામને આપતા કહ્યું.

"પરંતુ પ્રભુ… જો મેં ખરેખર મારી આત્માનો ત્યાગ કર્યો હતો… તો હું પાછો જીવિત કેવી રીતે થયો…?" શ્યામે વિસ્મય સાથે પૂછ્યું.

ભગવાન થોડું મલકાયા.

પછી ધીમેથી બોલ્યા—
“જાદુની દુનિયામાં એક પ્રાચીન કહેવત છે લાલભાઈ…"-

"જયારે કોઈ નિસ્વાર્થ રીતે પોતાની આત્મા સમર્પિત કરે…
ત્યારે જાદુ પોતે જ તેના ત્યાગનું ઋણ ચૂકવે છે."

એમ કહી ભગવાન શ્યામને જાદુની દુનિયાની એ કહેવત નો અર્થ સમજાવવા લાગ્યા.

"પરંતુ, મહર્ષિ વેદભટ્ટાચાર્ય આ કહેવતથી અજાણ છે એટલે જયારે તેં સામેથી આત્મારસ માટે પોતાની જિંદગી દાવ પર લગાવી અને તેમને તેં કરેલો સોદો ગમ્યો." 

"ત્યારે જ હુ સમજી ગયો હતો કે હવે મારે તને અને અમીન લોકો સાથે ઓસ્ટ્રોમેટને આ જાદુગરની કેદમાંથી બચાવવા માટે કોઈ જ મેહનત કરવી નહી પડે." 

"એટલે જ તો હુ એકદમ ચુપચાપ એક જ જગ્યાએ કાંઈ પણ બોલ્યા વગર જ ઉભો હતો."

"જો તેં બીજો કોઈ પ્લાન બનાવ્યો હોત તો તને બચાવવા માટે મારે મહેનત કરવી પડેત પરંતુ તારો પ્લાન એકદમ પરફેક્ટ હતો." 

"એના માટે મારે તારો આભાર માનવો જોઈશે મિત્ર." એટલું કહી ભગવાને શ્યામના ખભે એક હાથ રાખ્યો અને તેની સામે જોઈને મુસ્કુરાયા.

"ઓહ, એમ છે. અરે એમાં કાંઈ આભાર માનવાની કોઈ જરૂર ના હોય પ્રભુ." 

"મને તો આમેય તમારા ઉપર પૂર્ણ વિશ્વાસ હતો કે કદાચ જો મને કંઈક થઈ જશે તો પણ તમે મને જરૂર બચાવી લેશો.."

"એટલે જ તો હુ કાંઈ પણ વિચાર્યા વિના જ મારું કામ કર્યે જતો હતો." એમ કહી શ્યામ પણ હસી પડ્યો.

હવે તેઓ આગળ ચાલ્યા. 

દિવસના અજવાળામાં હવે ચાલવામાં કે રસ્તો શોધવામાં કોઈ તકલીફ નહોતી થતી એટલે તેઓ ઝડપથી ઓસ્ટ્રોમેટ પાસે પહોંચી ગયા. 

ત્યા ગયા પછી ભગવાન શ્રી કૃષ્ણ એ સૌથી પહેલું કામ પેલા અમીન બાળકોને તેમની માતાઓને સોંપવાનું કર્યું. 

ત્યારબાદ તેઓ ઓસ્ટ્રોમેટ સાથે તેમની મૌન ભાષામાં કંઈક વાત કરવા માટે ચાલ્યા ગયા. 

શ્યામ પેલી અમીન માતાઓને પોતાના બાળકો પાછા મળી જવાની ખુશી સાથે રડતી જોઈ રહ્યો હતો. 

પેલા અમીન લોકો જે તેમને અહીંથી દૂર જવા માટે જે નારા લગાવી રહ્યા હતા એના બદલે હવે બે હાથ જોડીને તેમનો આભાર માની રહ્યા હતા. 

એ જોઈને શ્યામને ખુબ જ આનંદ થયો.
 
 થોડી જ વારમાં તેમની સામે જ જાણે ઓસ્ટ્રોમેટ અને તેની ઉપર રહેલા અમીન લોકોની એક અજીબ અને રહસ્યમય દુનિયા હવે ધીમે ધીમે ગાયબ થઈ રહી હતી. 

પહેલા તો પ્રકાશનું એક ધૂંધળું એવું ચક્ર બન્યું અને છેવટે તે અવકાશમાં વિલીન થઈ ગયું. 

ભગવાન એ દૃશ્ય જોઈને શ્યામની સામે જોવા લાગ્યા.
 
"શ્યામ, આજે તારા કારણે જ એક શ્રાપથી પીડાતા આ લોકો આઝાદ થઈ શક્યા. એના માટે તારો ખુબ ખુબ આભાર મારા લાલભાઈ." ભગવાને એમ કહ્યું અને તેની પાસે આવ્યા.
 
"ઓહ, યાદ આવ્યું, આ જાદુગર તો હજી શ્રાપમાંથી મુક્ત નથી થયો. હવે આપણે આ જાદુગરનું શુ કરીશું?" એમ કહી શ્યામે ભગવાનની સામે તેના હાથમાં રહેલો અને ગુસ્સાથી ભરેલો નાનકડો અમીન જાદુગર બતાવ્યો. 

"શ્રાપ માંથી મુક્તિ સારા કર્મ કર્યા હોય તેને મળે છે, જેણે હંમેશા ખરાબ કર્મ કર્યા હોય તેને નહી." 

"એટલે મહર્ષિ વેદભટ્ટાચાર્યને આપણે અહીં જ રહેવા દઈએ, જોઈએ કે એ પોતાના કાળા જાદુ વડે કેટલો સમય એકલા રહી શકે છે..?" એમ કહી ભગવાને પેલા અમીન જાદુગરને શ્યામના હાથમાંથી લઈને નીચે જમીન પર મુકી દીધો. 

નાનકડો અમીન જાદુગર એકલો જ ધીમે ધીમે પર્વતો તરફ ચાલવા લાગ્યો.

પહેલી વાર તેની આસપાસ તેના કોઈ અનુયાયી કે તેના આદેશનું પાલન કરનાર સેવકો નહોતા…કે તેની પાસે નહોતી કોઈ શક્તિ… હતી તો માત્ર અનંત એકલતા.
 
"મને લાગે છે કે હવે જ મહર્ષિ વેદભટ્ટાચાર્યની સાચી સજા ચાલુ થઈ છે, હવે આપણું અહીં કોઈ કામ નથી એટલે હવે આપણે અહીંથી રવાના થઈ જવું જોઈએ." એમ કહીને ભગવાને શ્યામને બધો સમાન પેક કરવા માટે ઈશારો કર્યો. 

"ઓહ હા, જરૂર." તે બધું જ સમેટવા લાગ્યો. 

થોડી વારમાં તેઓ હવે જવા માટે તૈયાર થઈ ગયા હતા. એક વાર ફરીથી તેઓ પેલા દૈવી રથમાં સવાર થઈને આ ઝડપી ગ્રહ છોડીને ચાલતા થયા. 

થોડા જ ક્ષણોમાં દૈવી રથ આકાશમાં ઊંચો ઉઠવા લાગ્યો.

પાછળ ઓસ્ટ્રોમસ ધીમે ધીમે ધૂંધળો થતો ગયો…

અને શ્યામ સમજી ગયો—
કેટલીક દુનિયાઓ માત્ર જોવા માટે નથી હોતી…
કેટલીક દુનિયાઓ માણસને હંમેશા માટે બદલી નાખવા માટે બનેલી હોય છે.

તેઓ જ્યારે તે ગ્રહ છોડીને જઈ રહ્યા હતા ત્યારે શ્યામે દૈવી રથમાંથી નીચે નજર કરી.

અને પછી…

તેની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ.

શ્યામ જોતો હતો તેમ આખા ગ્રહ પર ઝડપથી હરિયાળી ફેલાવા લાગી. સુકાઈ ગયેલી ધરતી પર લીલાછમ વૃક્ષો ઉગી રહ્યા હતા. 

કાળા પડેલા પહાડો ફરી જીવંત બની રહ્યા હતા. નદીઓ ચમકી ઊઠી હતી.

થોડી જ ક્ષણોમાં આખો ઓસ્ટ્રોમસ કોઈ સ્વર્ગથી ઓછો નહોતો લાગતો.

શ્યામના મનમાં અચાનક એક સવાલ ઉઠ્યો—
“શું આ જ સ્વર્ગ છે…?”

તે ભગવાનને પૂછવા જતો હતો ત્યાં જ તેઓ સહેજ મલકીને બોલ્યા—
“ના લાલભાઈ… આ સ્વર્ગ નથી.”

પછી તેઓ તેની સામે જોઈને હસ્યા.
“અહીંના રમણીય દ્રશ્યો અને રોમાંચક ઘટનાઓને જોઈને તો તું એ પણ ભૂલી ગયો કે આપણે ક્યાં કાર્ય માટે નીકળ્યા હતા… કેમ લાલભાઈ?”

શ્યામ અચાનક ભાનમાં આવ્યો.
“હમમ…” તે એટલું જ બોલી શક્યો.

ભગવાન હળવેથી હસવા લાગ્યા.

આજનો દિવસ કદાચ શ્યામ ક્યારેય ભૂલી નહિ શકે.

આ રહસ્યમય સફર… ઓસ્ટ્રોમસ જેવી અદભુત દુનિયા… ઓસ્ટ્રોમેટ… અમીનલોકો… અને ભગવાન શ્રી કૃષ્ણ સાથે વિતાવેલી દરેક ક્ષણ…

શ્યામની યાદોમાં હંમેશા જીવંત રહેવાની હતી.

શ્યામ મનમાં વિચારવા લાગ્યો—
“જો માત્ર આવી અજાણી દુનિયાઓ જોઈને જ તેને આટલો આનંદ મળી રહ્યો છે… તો પછી જ્યારે સાચું સ્વર્ગ જોશે ત્યારે શું અનુભવ થશે…?”

પરંતુ…

સ્વર્ગની શોધમાં ચાલુ થયેલી તેમની સફર હજુ અધૂરી હતી.

તેઓ હવે સ્વર્ગની શોધમાં ફરી ફરીને થાકી ગયા હતા…

પણ 

સ્વર્ગની કોઈ ભાળ હજુ સુધી મળી નહોતી.



ક્રમશઃ

Dr Dipak kamejaliya 
"શિલ્પી"