લાલો 2 - પ્રકરણ 4 Kamejaliya Dipak દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લાલો 2 - પ્રકરણ 4





દૈવી રથમાં બેસીને અવકાશની એ અદ્ભુત સફરમાં તેઓ પૃથ્વીથી ખૂબ દૂર આવી ગયા.

રસ્તામાં ભગવાન શ્રી કૃષ્ણ શ્યામને અલગ અલગ ગ્રહો, તારાઓ અને આકાશગંગાઓ વિશે જણાવતા રહ્યા.

કેટલાક ગ્રહો પર અજાણી પ્રકાશમય જીવસૃષ્ટિ વસતી હતી… તો ક્યાંક અંધકાર સિવાય કંઈ જ નહોતું.

તેઓ અનેક અજાણી દુનિયાઓમાં ગયા.
ઘણા અંતરિક્ષવાસીઓ સાથે વાત પણ કરી… પરંતુ કોઈને સ્વર્ગના માર્ગ વિશે કંઈ ખબર નહોતી.
કેટલાક ગ્રહો એટલા સુંદર હતા કે શ્યામ ત્યાંથી પાછો જ આવવા માંગતો નહોતો… જ્યારે કેટલાક સ્થળો એટલા ભયાનક હતા કે ત્યાં એક ક્ષણ રોકાવું પણ મુશ્કેલ લાગતું હતું.

પરંતુ…

આટલી લાંબી સફર પછી પણ સ્વર્ગની કોઈ ભાળ મળી નહોતી.

છેલ્લે તેઓ એક અદ્ભુત સુંદર અને રમણીય જગ્યા પર પહોંચ્યા.
જ્યાં નજર જાય ત્યાં સુધી હરિયાળી જ હરિયાળી હતી.

વિશાળ વૃક્ષો, લીલાછમ વનસ્પતિઓ અને દૂર સુધી ફેલાયેલા જંગલો… આખી જગ્યા જાણે જીવંત લાગતી હતી.

પરંતુ અજુગતી વાત એ હતી કે ત્યાં કોઈ વસતું હોય એવું લાગતું નહોતું.
ન કોઈ ઘર… ન કોઈ અવાજ… ન કોઈ અંતરિક્ષવાસી.

શ્યામ આશ્ચર્યથી આસપાસ જોવા લાગ્યો.
“પ્રભુ… આપણે અહીં કેમ આવ્યા છીએ?”
ભગવાન શ્રી કૃષ્ણ બસ શાંતિથી મલકાયા.

શ્યામે ફરી આસપાસ નજર ફેરવી.

એ આખો ગ્રહ જાણે આકાશમાં તરતો કોઈ વિશાળ ટાપુ હતો.
કદમાં બહુ મોટો નહોતો — લગભગ એક નાના ગામ જેટલો.

પરંતુ તેની સુંદરતા અદ્ભુત હતી.

એવું લાગતું હતું જાણે સ્વર્ગનો કોઈ ટુકડો બ્રહ્માંડમાં આવીને અટકી ગયો હોય.
દૂર ઊંચા ડુંગરો દેખાતા હતા.
જમીન પર લીલોતરી એવી ફેલાઈ હતી જાણે કોઈએ આખા ગ્રહ પર વૃક્ષોની લીલી ચાદર પાથરી દીધી હોય.

અને સૌથી અજુગતી વાત…
એવું લાગતું હતું જાણે દરેક ક્ષણે અહીંની હરિયાળી વધી રહી હોય.

પરંતુ અચાનક…

શ્યામની આંખો સામે એક ભયાનક દૃશ્ય બનવા લાગ્યું.
જંગલના વૃક્ષો એક પછી એક સળગવા લાગ્યા.
ધડાકા સાથે આગની જ્વાળાઓ ઊંચી ઊઠવા લાગી.

શ્યામ ગભરાઈ ગયો.

“દાવાનળ…?”

તેને લાગ્યું કદાચ ગ્રહની ગરમીના કારણે જંગલમાં આગ લાગી હશે.

પરંતુ પછી તેને સમજાયું કે આ સામાન્ય આગ નહોતી.

કારણ કે… વૃક્ષો અસ્વાભાવિક ઝડપથી સળગી રહ્યા હતા.

જાણે કોઈ અદૃશ્ય શક્તિ આખા જંગલને જીવતું બાળી રહી હોય.

શ્યામે આશ્ચર્યથી ભગવાન શ્રી કૃષ્ણ સામે જોયું.
પરંતુ ભગવાન તો શાંતિથી મુસ્કુરાઈ રહ્યા હતા.

એ જ ક્ષણે…

આખી જમીન જોરથી ધ્રૂજવા લાગી.
જાણે ભયંકર ભૂકંપ આવ્યો હોય.

શ્યામ ગભરાઈ ગયો.

તેણે તરત ભગવાન શ્રી કૃષ્ણનો હાથ પકડી લીધો અને ડરીને થોડો તેમની નજીક ખસી આવ્યો.

અને પછી…

તેમની સામે જંગલના વિશાળ વૃક્ષો ધડાધડ તૂટવા લાગ્યા. જંગલના એ અંધકાર વચ્ચેથી એક અતિશય વિશાળકાય પ્રાણી બહાર આવ્યું.

શ્યામનો શ્વાસ અટકી ગયો.

એ પ્રાણી કદાચ આ આખા ગ્રહનો માલિક હોય એવું લાગતું હતું.

કદમાં તે ત્રણ મોટા હાથી જેટલું વિશાળ હતું.
તેના આખા શરીર પર શાહુડી જેવા તીક્ષ્ણ કાંટા હતા.

શરીરનો આકાર કોઈ પ્રાચીન ડાયનોસોર જેવો લાગતો હતો.

માથા પર બે વિશાળ શિંગડા હતા… અને તેની લાંબી પૂંછના છેડે ગદા જેવો ભારે ભાગ હતો.
કદાચ એ જ તેના શરીરનું સંતુલન જાળવતો હશે.

તેના મોઢામાંથી આવતી ભયાનક દુર્ગંધથી જ અંદાજ આવી જતો હતો કે તે થોડા સમય પહેલાં જ કોઈ જીવતું પ્રાણી ખાઈને આવ્યું હશે.

શ્યામના શરીરમાં ભયની ઠંડી લહેર ફરી વળી.
તેને લાગ્યું કે હવે આ પ્રાણી તેને અને ભગવાન શ્રી કૃષ્ણને એક જ ક્ષણમાં કચડી નાખશે.

પરંતુ પછી…

જે બન્યું એ જોઈને શ્યામ એકદમ સ્તબ્ધ થઈ ગયો.

એ ભયાનક પ્રાણી ધીમે ધીમે ભગવાન શ્રી કૃષ્ણની સામે નમ્યું…અને પછી એક પાલતુ પ્રાણીની જેમ પોતાની લાંબી જીભથી તેમના પગ ચાટવા લાગ્યું.

ભગવાન શ્રી કૃષ્ણ હળવેથી મલકાયા.
“ગભરાઈશ નહિ, લાલભાઈ… આ ઓસ્ટ્રોમેટ છે.
તે આપણને કોઈ હાની નહિ પહોંચાડે.”

શ્યામ હજુ પણ ડરીને એ વિશાળ પ્રાણી તરફ જોઈ રહ્યો હતો.

ભગવાન આગળ બોલ્યા —
“દેખાવમાં ભયાનક હોવા છતાં આ અત્યંત શાંત અને ભાવુક પ્રાણી છે.
તે માંસાહારી નહિ… પરંતુ સંપૂર્ણ શાકાહારી છે.”

શ્યામ આશ્ચર્યથી તેમની સામે જોવા લાગ્યો.

“જ્યારે પણ ઓસ્ટ્રોમેટ કોઈ બીજા જીવંત પ્રાણીને જુએ છે… ત્યારે તે અત્યંત ભાવુક થઈ જાય છે.”
ભગવાન શ્રી કૃષ્ણે સળગતા જંગલ તરફ નજર કરી.
“અને તેના આંસુ જ્યારે આ વાતાવરણના સંપર્કમાં આવે છે… ત્યારે ત્યાં અગ્નિ પ્રગટ થાય છે.”

શ્યામની આંખો પહોળી થઈ ગઈ.

“એટલે હમણાં જંગલમાં જે આગ લાગી હતી…”
“હા.”
ભગવાન શ્રી કૃષ્ણ ધીમેથી બોલ્યા.
“એ તેના આંસુઓના કારણે જ લાગી હતી.”
“અને થોડા સમય પહેલાં જે ભૂકંપ જેવું થયું હતું… એ તેના પગ જમીન પર મૂકવાના કારણે.”

ભગવાને તેની લાંબી પૂંછ તરફ ઈશારો કર્યો.
“તેની પૂંછના છેડે રહેલો આ ગદા જેવો ભાગ એટલો મજબૂત છે કે એક જ ઘામાં વિશાળ વૃક્ષોને જમીનદોસ્ત કરી શકે.”

પછી તેમણે આસપાસ નજર ફેરવી.

“આ ગ્રહનું નામ ઓસ્ટ્રોમસ છે.
અને આ આખા ગ્રહ પર ઓસ્ટ્રોમેટ એકલો જ રહે છે.”

“એકલો…?”
શ્યામ આશ્ચર્યથી બોલી પડ્યો.

ભગવાન શ્રી કૃષ્ણે ધીમેથી માથું હલાવ્યું.
“આ ગ્રહ અત્યંત જડપી અને અસ્થિર છે.
એટલે અહીં બીજું કોઈ મોટું સજીવ જીવી શકતું નથી.”

શ્યામ ધીમે ધીમે ઓસ્ટ્રોમેટની નજીક ગયો.
તેના મનમાં હવે ડર કરતાં ઉત્સુકતા વધુ હતી.
તેણે એ વિશાળ પ્રાણીને સ્પર્શ કરવા માટે હાથ આગળ વધાર્યો…

પરંતુ ભગવાન શ્રી કૃષ્ણે તરત જ તેને રોકવાનો ઈશારો કર્યો.

શ્યામે તરત પોતાનો હાથ પાછો ખેંચી લીધો.

પછી તેણે ધ્યાનથી ઓસ્ટ્રોમેટના શરીર તરફ જોવાનું શરૂ કર્યું.
અને એ જ ક્ષણે… તેને જોરદાર ઝટકો લાગ્યો.

કારણ કે ઓસ્ટ્રોમેટના વિશાળ શરીર પર અસંખ્ય નાના જીવ દોડતા દેખાઈ રહ્યા હતા.
તેમની ઊંચાઈ એક ઇંચથી પણ ઓછી હતી.
આકારમાં તેઓ માણસ જેવા લાગતા હતા… પરંતુ તેમના ચહેરા પર ભયંકર ગુસ્સો દેખાતો હતો.
તેઓ ચીસો પાડી રહ્યા હતા… હાથ હલાવી રહ્યા હતા… અને જાણે હુમલો કરવાની તૈયારી કરી રહ્યા હોય એવું લાગતું હતું.

તેમની ભાષા એકદમ અજાણી અને વિચિત્ર હતી.

શ્યામ તેમની એ ભાષામાં કંઈ સમજી શકતો નહોતો…

પરંતુ કદાચ તેઓ તેમને ત્યાંથી જવા માટે કહી રહ્યા હતા.

તેમના ચહેરા પરનો આક્રમક ભાવ જોઈને શ્યામ થોડો પાછળ ખસી ગયો.

તેઓ સંખ્યામાં હજારોમાં હતા… પરંતુ તેમના અતિ સૂક્ષ્મ કદના કારણે પહેલી નજરે દેખાયા નહોતા.

તેઓ ઓસ્ટ્રોમેટના વિશાળ શરીર પર જ પોતાની દુનિયા બનાવીને રહેતા હતા.

ક્યાંક પાંદડાં અને ડાળીઓથી બનેલા નાનકડાં ઘર હતા… તો ક્યાંક પથ્થરના ટુકડાઓ જોડીને વસાહતો ઉભી કરવામાં આવી હતી.

શ્યામ આશ્ચર્યથી એ દૃશ્ય જોતો રહ્યો.

એ નાના લોકોના હાથમાં સૂક્ષ્મ ભાલા, તીરકામઠાં અને અજાણી ધાતુના હથિયારો હતા.
તેઓ સતત ચીસો પાડી રહ્યા હતા… જાણે કોઈ પણ ક્ષણે હુમલો કરી દેશે.

એ જ સમયે…

તેમની ભીડમાંથી કોઈ એક આગળ આવ્યું.
કદમાં ભલે એક ઇંચ જેટલો હતો… પરંતુ તેની આંખોમાં નેતૃત્વની જ્વાળા દેખાઈ રહી હતી.
તેણે પોતાના હાથમાં રહેલો સોનેરી ભાલો સીધો ભગવાન શ્રી કૃષ્ણ અને શ્યામ તરફ તાકી દીધો.

પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ તો શાંત ચહેરે તેને જોતાં રહ્યા.

પછી ધીમેથી તેમણે પોતાની બંસરી હોઠો સુધી લઈ જઈ એક મધુર સૂર વગાડ્યો.

અને એ સૂર કાનમાં પડતાં જ… આખું વાતાવરણ બદલાઈ ગયું.

સળગતા જંગલની આગ ધીમે ધીમે શાંત થવા લાગી.

ઓસ્ટ્રોમેટની લાલ આંખોમાં રહેલી બેચેની ઓછી થઈ ગઈ.

અને એ નાનકડાં લોકો… તેઓ પણ અચાનક શાંત થઈ ગયા.

જાણે કોઈ અદૃશ્ય શક્તિએ તેમના ક્રોધને સ્પર્શીને શાંત કરી દીધો હોય.

પછી એ નાનકડો નેતા પોતાની અજાણી ભાષામાં કંઈક બોલ્યો.
આ વખતે તેના અવાજમાં ગુસ્સો નહોતો… પરંતુ આશ્ચર્ય હતું.

ભગવાન શ્રી કૃષ્ણે શ્યામ તરફ જોઈને કહ્યું —
“લાલભાઈ… તેઓ પૂછે છે કે હું કોણ છું.
કારણ કે હજારો વર્ષોથી અહીં કોઈ બહારનો જીવ આવ્યો નથી.”

“તો તેમને કહી દો ને કે તમે ભગવાન છો!”
શ્યામ ઉત્સાહથી બોલી પડ્યો.

ભગવાન શ્રી કૃષ્ણ હળવેથી મલકાયા.
“દરેક દુનિયામાં ભગવાનનો અર્થ અલગ હોય છે, મિત્ર…
ક્યાંક લોકો મને સર્જનહાર માને છે… ક્યાંક માત્ર એક કથા… અને ક્યાંક તો લોકો ભગવાનમાં માનતા જ નથી.”

પછી તેમણે ફરી એકવાર બંસરી વગાડી.
આ વખતે ઓસ્ટ્રોમેટ ધીમે ધીમે જમીન પર બેસી ગયું.

તેના વિશાળ શરીર પર વસેલા એ નાના લોકો હવે ડરતા ડરતા ભગવાનની નજીક આવવા લાગ્યા.
અને અંતે…

તેમના નેતાએ પોતાના બંને હાથ જોડીને ભગવાન શ્રી કૃષ્ણને નમન કર્યું.


ક્રમશઃ

Dr Dipak kamejaliya 
"શિલ્પી"