અચાનક..
ભગવાન શ્રી કૃષ્ણની આંખોમાં તેજ ચમક્યું.
તેમણે માત્ર એક આંગળી આગળ કરી.
અને એ જ ક્ષણે…
ગુફામાં વાંસળીનો મધુર સૂર ગુંજી ઊઠ્યો.
ભયંકર દેખાતા એ બધા જીવ અચાનક પીડામાં ચીસો પાડવા લાગ્યા.
તેમના શરીરમાંથી કાળો ધુમાડો નીકળવા લાગ્યો.
પરંતુ…
એમાંથી એક જીવ બાકીનાથી અલગ હતો.
તે ભગવાનના સૂરથી જરાય પ્રભાવિત નહોતો થયો.
ધીમે ધીમે તે અંધકારમાંથી આગળ આવ્યો.
અને પહેલીવાર…
શ્યામે તેની આંખો જોઈ.
એ આંખો માનવ જેવી હતી.
માણસની આંખ ધરાવતું જીવ શ્યામની નજીક આવ્યું ત્યાં જ ભગવાન શ્રી કૃષ્ણના શરીરનો વાદળી પ્રકાશ તે જીવ ઉપર પડ્યો. આ પ્રકાશના લીધે તે જીવ ત્યાં જ વાદળી આગમાં બળી ને રાખ થઈ ગયું.
પેલો જીવ હવામાં જ રાખ થઈને ઊડી ગયો, એ જોઈને શ્યામને થોડી રાહત થઈ.
થોડીક વાર સુધી શ્યામ આ અણધારી ઘટનાના લીધે ખૂબ જ ડરી ગયો.
તેણે ધીમે ધીમે બેગમાંથી ટોર્ચના સેલ કાઢ્યા અને ટોર્ચ ચાલુ કરી.
તેણે અજવાળામાં પોતાને સંભાળ્યો અને તેઓ ધીમે ધીમે આગળ વધ્યા.
હવે શ્યામનું ધ્યાન નીચે જમીન પર ઓછું અને ગુફાની દીવાલો પર વધારે રહેવા લાગ્યું.
તેઓને આગળ જતાં અચાનક એવુ લાગ્યું જાણે અજવાળું ઘટવા લાગ્યું અને અંધારું વધી રહ્યું હોય.
શ્યામને અચાનક લાગ્યું કે તેને પાછળથી કોઈકે પકડી લીધો. તેણે પાછળ ફરીને જોયું તો ભગવાને તેને રોકી રાખવા માટે પકડ્યો હતો.
ભગવાને ઈશારાથી નીચે રસ્તા ઉપર જોવા માટે કહ્યું. શ્યામનું ધ્યાન હવે સામે રસ્તા પર ગયું, ત્યારે તેને ખ્યાલ આવ્યો કે ગુફા તો પુરી થઈ ગઈ છે અને ગુફાના છેડે ખુબ જ ઊંડો કૂવો હતો.
તેનો એક પગ જમીન ઉપર અને બીજો પગ એ કુવામાં પડવા માટે ઊંચકાયો હતો. જો ભગવાને તેને પાછળથી ના પકડ્યો હોત તો તે સીધો કૂવામાં ખાબકી ગયો હોત અને તેનું એક હાડકું પણ ના મળેત.
તેણે ડરીને ઝડપથી પગ પાછો ખેંચી લીધો અને ભગવાનને બાથ ભરી લીધી.
ભગવાન હસવા લાગ્યા ત્યારે તેને ખ્યાલ આવ્યો કે અત્યારે તેની અંદર હિમ્મત ઓછી અને ડર વધારે ભરેલો છે.
તેણે એક ઊંડો શ્વાસ લીધો અને ભગવાન સામે આભાર વ્યક્ત કરતી નજરે જોયું. ભગવાને તેને આંગળી ચીંધીને ગુફાની ડાબી બાજુની દીવાલ પર કરેલું એક નિશાન બતાવ્યું, જેમાં અમીન ભાષામાં કંઈક લખેલુ હતું.
ભગવાને શ્યામને એનો મતલબ સમજાવતા કહ્યું, "આમ જોતા એમ લાગશે કે આ ગુફા અહીં પુરી થઈ ગઈ છે પણ એવુ છે નહી. આ જે નિશાન છે એનો અર્થ કે 'નીચે થી અંદર'."
એમ કહી ભગવાન શ્રી કૃષ્ણ એ દીવાલ પર એક જગ્યા એ કોઈક નિશાન દબાવ્યું. એ નિશાન દબાવતાની સાથે જ પેલા કુવામાં ડાબી બાજુની દીવાલમાં એક દરવાજો ખુલી ગયો.
તેઓ વારાફરતી પેલા કુવામાંના પડી જવાય એનું ધ્યાન રાખીને પેલા ખુલેલા દરવાજામાં કૂદી ગયા. હવે તેઓ એક ગુફાની અંદર આવેલી બીજી ગુફામાં જઈ રહ્યા હતા.
ભગવાને શ્યામને ઉભો રહેવા ઈશારો કર્યો,
"જુઓ લાલભાઈ, આપણે જે કાર્ય માટે જઈ રહ્યા છીએ તે મુશ્કેલભર્યું જરૂર છે પણ અસંભવ નથી. તમારે હિમ્મત થી કામ લેવાનું છે."
"હુ હંમેશા તમારી સાથે જ છું. મારા ઉપર વિશ્વાસ રાખજે ભાઈ, ચિંતા ના કર. હુ તારા અને અમીન જાતિના લોકો માટે હંમેશા તૈયાર જ છું. જે થવાનું છે એ સારું જ થવાનું છે મિત્ર."
શ્યામના બંને ખભા પર તેમના બંને હાથ મૂકીને ભગવાને તેની હિંમત બાંધવા માટે કહ્યું.
તેજ ચાલી રહેલી શ્યામની ધડકન એકદમ શાંત થઈને ચાલવા લાગી. આખા શરીરે વળેલો પરસેવો જાણે તાકાત બની તેના શરીરની મજબૂતાઈમાં વધારો કરવા લાગ્યો.
શ્યામ એ તો ભૂલી જ ગયો હતો કે સ્વયં સર્જનહાર તેની સાથે છે તો તેને શુ થવાનું. પણ ભગવાને કહેલા એ શબ્દોએ તેની અંદર નવી હિંમત અને શક્તિનો સંચાર કર્યો.
તેના હાથમાં રહેલી ટોર્ચની પકડ મજબૂત કરીને તે આગળ ચાલવા લાગ્યો.
આગળ જતા કોઈક વાસણ ખખડવાનો અવાજ આવતો હોય એવુ શ્યામને લાગ્યું.
તેઓ પગનો અવાજ ના થાય એની કાળજી રાખીને ધીમે ધીમે આગળ વધ્યા. થોડે આગળ જતા જ હૈયું કંપી જાય એવુ દ્રશ્ય તેમને જોવા મળ્યું.
ગુફા પુરી થઈ અને તેઓ એક બંધ રૂમ જેવી જગ્યા પર આવી ગયા હતા, જ્યા ઉપર પર્વતની છતને કાપીને અંદરથી ગુંબજ જેવું બનાવવામાં આવ્યું હતું જેના કારણે રૂમની જગ્યામાં ખુબજ વધારો થયો હતો.
રૂમની અંદર અજાણી લીલાશ ભરેલો પ્રકાશ ફેલાયેલો હતો.
હવામાં બળેલી જડીબુટ્ટીઓ અને સડેલા માંસ જેવી ભયાનક દુર્ગંધ તરતી હતી.
તેઓ ગુફાના દરવાજા પાસે પડેલા લાકડાના એક ઢગલા પાછળ કોઈ જોઈ ના લે એવી રીતે છુપાઈને બેસી ગયા.
શ્યામે ટોર્ચ બંધ કરીને બેગમાં મુકી.
રૂમની અંદર માત્ર અગ્નિના ધીમા અજવાળાથી પ્રકાશ ફેલાઈ રહ્યો હતો.
ચારેબાજુ દીવાલો પર અગ્નિમશાલો સળગી રહી હતી, પરંતુ તેમનો રંગ સામાન્ય અગ્નિ જેવો પીળો નહોતો…
એ આગ લીલા અને વાદળી રંગમાં સળગી રહી હતી. આખું વાતાવરણ ભય અને અંધકારથી ભરાઈ ગયું હતું.
શ્યામ અને ભગવાન શ્રી કૃષ્ણ લાકડાના ઢગલાની પાછળથી ધીમે ધીમે અંદર જોવા લાગ્યા.
રૂમના મધ્યભાગમાં એક વિશાળ કાળો યજ્ઞકુંડ હતો. તેમાં કોઈ અજાણ્યું લીલું પ્રવાહી ઉકળી રહ્યું હતું.
તેમાંથી ધુમાડા નીકળતા હતા અને એ ધુમાડામાં ક્યારેક ચહેરા જેવા આકાર દેખાઈ જતા. જાણે કોઈ આત્માઓ પીડાથી ચીસો પાડી રહી હોય એવું લાગતું હતું.
રૂમની આસપાસ મોટા મોટા કાચના પાત્રો રાખેલા હતા, જેમાં કોઈક અજાણી ચીજો તરતી હતી.
ક્યાંક આંખો જેવી વસ્તુઓ, ક્યાંક હાડકાં, ક્યાંક નાના નાના જીવતા પ્રાણીઓ બંધ હતા.
એ બધું જોઈને શ્યામનું આખું શરીર ધ્રુજી ઉઠ્યું.
ત્યાં જ…
“મ…મારે ઘરે જવું છે…”
એક નાનકડા બાળકનો રડતો અવાજ સંભળાયો.
શ્યામની નજર તરત જ રૂમના ખૂણામાં ગઈ. ત્યાં લોખંડના પાંજરામાં છ અમીન બાળકો બંધ હતા.
ઓસ્ટ્રોમસ ગ્રહની અસર તેમના ઉપર દેખાઈ રહી હતી જેના કારણે તેઓનું કદ અત્યારે એક ઈંચથી વધીને ત્રણથી ચાર ઈંચ જેટલું થઈ ગયું હતું.
તેમને જોઈને આંખોમાં આંસુ આવી જાય એવી દયનીય તેમની હાલત થઈ ગઈ હતી.
કોઈ રડી રહ્યું હતું, કોઈ ડરના કારણે એકબીજાને વળગી પડ્યું હતું.
એક નાનકડી બાળકી તો કદાચ સતત રડવાના કારણે બેભાન જેવી થઈ ગઈ હતી.
એ દ્રશ્ય જોઈને શ્યામની મુઠ્ઠીઓ ભીંસાઈ ગઈ.
ભગવાને પોતાનો હાથ શ્યામની ભીંસાયેલા મૂઠી ઉપર મૂક્યો અને તેને થોડીવાર શાંત રહેવા માટે કહ્યું.
ત્યાં જ અચાનક રૂમના બીજા છેડેથી કોઈના લાકડી ટેકવીને ચાલવાનો અવાજ આવવા લાગ્યો.
“ઠક… ઠક… ઠક…”
ધીમે ધીમે એક કાળો આકાર અજવાળામાં આવ્યો.
શ્યામની આંખો ફાટી ગઈ.
એ જાદુગર હતો.
તેનો ચહેરો એટલો ભયંકર હતો કે એકવાર જોનાર માણસ રાતો સુધી ઊંઘી ના શકે.
અડધો ચહેરો દાઝેલો હતો. એક આંખ સંપૂર્ણ સફેદ હતી જ્યારે બીજી આંખ લીલા પ્રકાશથી ચમકી રહી હતી.
લાંબી દાઢી જમીન સુધી લટકી રહી હતી. શરીર પર કાળા ફાટેલા વસ્ત્રો અને હાથમાં માણસના હાડકાંથી બનેલો દંડ હતો.
જાદુગર ધીમે ધીમે પાંજરા તરફ આગળ વધ્યો.
બાળકો ડરના કારણે જોરજોરથી રડવા લાગ્યા.
જાદુગર ભયંકર અવાજમાં હસ્યો.
“હાહાહાહા… રડો…! જેટલું રડશો એટલો તમારો આત્મારસ વધારે શક્તિશાળી બનશે…!”
એ સાંભળીને શ્યામની અંદરનો ગુસ્સો ભડકી ઉઠ્યો.
તે ઊભો થઈને એની ઉપર તૂટી પડવા જતો હતો ત્યાં ભગવાને તેનો હાથ પકડી લીધો.
ભગવાનનો ચહેરો શાંત હતો… પરંતુ તેમની આંખોમાં હવે ક્રોધ ધગધગી રહ્યો હતો.
તેમણે ધીમેથી શ્યામના કાનમાં કહ્યું—
“હજી નહિ લાલભાઈ… સાચી ક્ષણ આવવા દે…”
ક્રમશઃ
Dr Dipak kamejaliya
"શિલ્પી"