જાદુગરે પોતાનો જાદુઈ દંડ જમીન ઉપર ફટકાર્યો એમાં આખી ગુફા ધ્રુજી ઊઠી.
હવે જમીન પર લીલા રંગને બદલે કાળા રંગનો ધુમાડો ફેલાવા લાગ્યો.
પળવારમાં જ શ્યામના હાથપગ પર કાળા દોરડા વીંટાઈ ગયા.
તેને લાગ્યું જાણે જીવતા સાપ તેના શરીર પર લપેટાઈ ગયા હોય અને તેના શરીરને લગભગ દરેક દિશાએથી જકડી રહ્યા હોય.
શ્યામ બહારથી શાંત દેખાવાની કોશિશ કરી રહ્યો હતો, પરંતુ અંદરથી તેના શરીરમાં ડર ધીમે ધીમે વધતો જઈ રહ્યો હતો.
જાદુગરની આંખોમાં અજબ વિશ્વાસ હતો.
“હિંમત રાખ મિત્ર…” ભગવાન ધીમેથી બોલ્યા.
જાદુગરે શ્યામને ઊંધો લટકાવી દીધો. થોડી જ ક્ષણોમાં તેનું માથું ભારે થવા લાગ્યું. લોહી ધીમે ધીમે પગ સુધી પહોંચતું બંધ થવા લાગ્યું. આંખો આગળ સહેજ અંધારું છવાવા લાગ્યું.
જાદુગર હવે આનંદમાં પાગલની જેમ હસી રહ્યો હતો.
“આજે… આજે મને વર્ષો સુધી ચાલે એટલો આત્મારસ મળશે…! હવે મને કોઈ મારી નહિ શકે… કોઈ નહિ…!” તેની ગર્જના આખી ગુફામાં ગુંજી રહી હતી.
પરંતુ એ જ સમયે ભગવાન શ્રી કૃષ્ણનો શાંત અવાજ ફરી સંભળાયો.
“મહર્ષિ વેદભટ્ટાચાર્ય… એક પ્રશ્ન પૂછું?”
જાદુગર ચિંતાભર્યા ચહેરે થોડીવાર માટે અટક્યો.
“આટલા વર્ષોથી તમે કાળી વિદ્યા કરો છો, નિર્દોષ જીવોની હત્યા કરી છો અને તેમાંથી આત્મારસ બનાવીને પોતાની બેમતલબ જિંદગી જીવ્યા… પરંતુ ક્યારેય મનને શાંતિ મળી?”
જાદુગરના ચહેરા પરથી હાસ્ય ધીમે ધીમે ગાયબ થવા લાગ્યું.
ભગવાન આગળ બોલ્યા, “જે દિવસે તમે ઈર્ષ્યાને પોતાના મનમાં સ્થાન આપ્યું, એ દિવસે તમે મહર્ષિમાંથી રાક્ષસ બની ગયા.”
“ચુપ…!” જાદુગર ગુસ્સાથી બૂમ પાડી ઊઠ્યો. “ચુપ રહો…!”
પરંતુ હવે તેના અવાજમાં પહેલાની જેમ તાકાત નહોતી. તેમાં ગુસ્સા કરતાં વધુ ભય હતો.
અચાનક ભગવાને શ્યામ તરફ જોઈને કહ્યું, “લાલભાઈ, યાદ છે મેં શું કહ્યું હતું…? પશ્ચાતાપ અને કુરબાની દરેક શ્રાપનો અંત લાવે છે.”
શ્યામ ઊંધો લટકેલો હોવા છતાં તેમની વાત સાંભળીને અંદરથી મજબૂત થવા લાગ્યો.
હવે શ્યામ પેલા બાળકોની જેમ જ ઉલટો બંધાયેલો બેભાન થઈ રહ્યો હતો.
પેલા બાળકો માંડ બચ્યા એમ વિચારીને અને પેલા જાદુગરથી ડરીને ભગવાનને એકદમ ચીપકીને તેમના પગ પાસે ઉભા હતા.
ભગવાને પેલા બાળકોને પોતાના હાથમાં ઉપાડી લીધા, અને શ્યામની સામે જોઈને થોડુંક મુસ્કુરાયાં.
શ્યામે પણ છેલ્લીવાર પોતાની આંખોની પલક જબકાવીને પોતાની ખુશી વ્યક્ત કરી.
હવે પેલો જાદુગર વધારે આત્મારસ મળશે એની લાલચમાં અને ખુશીમાં પોતાની બીજી તૈયારીઓ કરવા લાગ્યો. ક્યારેક તે ભગવાન તરફ તો વળી ક્યારેક શ્યામ તરફ એક નજર કરી લેતો.
ભગવાન હજી પેલા અમીન બાળકો સાથે ત્યા જ ઉભા હતા.
થોડો સમય જતા હવે શ્યામને તેના પગ સાવ મહેસૂસ થતાં બંધ થઈ ગયા.. થોડું ખાલી ખાલી જેવુ લાગવા લાગ્યું.
નીચેથી લોહી હવે ઉપર જવાને બદલે નીચે ખેંચાતું હોય એવુ લાગી રહ્યું હતું.
આંખો સાથે માથુ પણ ભારે થઈ રહ્યું હતું.
આ ગ્રહની ગુરુત્વકર્ષણ શક્તિ હવે તેના પર હાવી થઈ રહી હોય તેવું લાગી રહ્યું હતું.
ધીમે ધીમે ચક્કર આવી રહ્યા હતા અને એવુ લાગી રહ્યું હતું કે હમણાં તે બેભાન થઈ જશે.
ભગવાન આ બધું જોઈ રહ્યા હતા.
ધીમે ધીમે ભગવાનનો ચહેરો અને બાકીનું બધું દેખાવાનું જાંખું થવા લાગ્યું.
આંખે અંધારા આવવા લાગ્યા અને અંતે તે બેભાન થઈ ગયો.
(અમુક સમય પસાર થયા બાદ)
શ્યામની પીઠમાં કંઈક ચુભી રહ્યું હતું. તે અચાનક જ હોશમાં આવી રહ્યો હતો અને તેને પીડાનો અનુભવ થઈ રહ્યો હતો.
તેણે ધીમે રહીને પીઠ નીચે હાથ ફેરવ્યો તો તેના હાથમાં કંઈક લાકડી જેવું આવ્યું.
તેણે જોયું તો તે કોઈ લાકડી નહોતી પરંતુ અમીન બાળકોના હાડકા હતા તેમાંનું એક નાનકડું હાડકું હતું.
તેણે આજુબાજુ નજર કરી તો તેને પેલો જાદુગર દેખાયો.
તે ખુશ હતો, ખુબ જ ખુશ. ભરપૂર માત્રામાં તેને આત્મારસ જો મળ્યો હતો.
ભગવાન હજી પણ ત્યા જ ઉભા હતા જ્યા શ્યામે તેમને બેભાન થતા પહેલા જોયા હતા.
તેમના હાથમાં હજી પણ ડરેલા અને સહેમેલા અમીન બાળકો હતા. કદાચ તેઓ રાહ જોઈ રહ્યા હતા કે હવે આગળ શું થવાનું હશે..
શ્યામ પાસે જ તેનું બેગ પડ્યું હતું જેમાંથી અમુક વસ્તુઓ બહાર આવી ગઈ હતી.
કદાચ તેના શરીરમાંથી જ્યારે બધુજ લોહી કાઢી લેવામાં આવ્યુ હશે ત્યારબાદ તેને બેગ સાથે જ ફેંકી દીધો હશે.
પરંતુ શ્યામના મનમાં અત્યારે તે જીવતો કઈ રીતે બચ્યો એ બહુ મોટો પ્રશ્ન હતો.
તેમ છતાં હવે પેલા જાદુગરને હરાવવો ખુબ જ જરૂરી હતો.
શ્યામે તેનું બેગ ધીમેથી હાથમાં લીધું, અંદર હાથ નાખ્યો તો તેના હાથમાં પેલું ચાકુ આવ્યું જે તેણે ઘરેથી નીકળતા પહેલા બેગમાં મૂક્યું હતું.
જરાય પણ અવાજ ના થાય એ રીતે તેણે પેલું ચાકુ ખોલ્યું અને આગળ વધ્યો.
પેલા અમીન બાળકો તેને જોઈને ખુશીમાં જ ભગવાનના હાથ પર કૂદવા લાગ્યા.
ભગવાન તેની સામે જોઈને થોડું મલકાયા અને ગરદન નમાવીને તેને પેલા જાદુગર સાથે લાડવા માટેની પરવાનગી આપી.
જરા પણ સમય વેડફ્યા વિના શ્યામ પેલા જાદુગરની સામે આવીને ઉભો રહ્યો.
જાદુગર તેને જોઈને એકદમ ભોચક્કો રહી ગયો, તેની આંખો એકદમ પહોળી થઈ ગઈ અને તરત જ બરાડ્યો,
"અસંભવ, તુ જીવિત કઈ રીતે બચી શકે..? આ બની જ ના શકે. મે તારા શરીરમા એક બુંદ પણ લોહી બચવા નહોતું દીધું તો તુ જીવતો કેવી રીતે બચી ગયો?"
પોતાના જાદુ વડે શ્યામ ઉપર વાર કરવા માટે તેણે પોતાનો દંડ વાળો હાથ લાંબો કર્યો.
તે કોઈ હુમલો કરે તે પહેલા જ શ્યામે તેના હાથમા રહેલી છરીનો જોરથી ઘા કર્યો.
જાદુગરના મોઢેથી એક દર્દભરી ચીસ નીકળી કેમકે તેના જમણાં હાથની આગળની બે આંગળીઓ કપાઈને નીચે પડી હતી.
ચાકુ પેલા હાડકાના દંડમાં ફસાયેલું હતું. ચાકુ દંડમાં એ હિસ્સામાં જ વાગ્યું હતું જ્યાં તે જાદુગર જાદુ કરવા માટેનો આત્મરસ સંગ્રહ કરતો હતો.
દંડનો એ ભાગ ફાટતાની સાથે જ એક લીલા કલરનો જોરદાર ધમાકો થયો, જે કદાચ આખા ગ્રહ પર મહેસૂસ થયો હશે.
શ્યામ ગુફાની દીવાલ સાથે અથડાઈને જમીન પર પડ્યો.
ભગવાનના હાથમાં પેલા બાળકોએ નીચા નમીને પોતાનો બચાવ કર્યો.
અચાનક જ જાણે જમીન ધ્રુજવા લાગી, ગુફાની છત અને દીવાલો પડવા મંડી.
શ્યામને લાગ્યું કદાચ ઓસ્ટ્રોમેટ આ તરફ આવી રહ્યો હશે. પણ તેનું અનુમાન ખોટું હતું, આ પેલા જાદુગરના જાદુની અસર ખતમ થઈ રહી હતી.
તેણે જાદુથી બનાવેલી ગુફાઓનો અંત થઈ રહ્યો હતો.
શ્યામે જાદુગર તરફ નજર કરી તો તે નીચે પડ્યો હતો અને હવે તેનું કદ્દ અચાનક ઘટવા લાગ્યું હતું.
થોડીજ ક્ષણોમાં તે પેલા અમીનના કદ્દનો થઈ ગયો, સાવ ઘરડો એક અમીન માણસ જ જોઈ લો.
ભગવાને શ્યામને ભાગવા માટે ઈશારો કર્યો. તેણે તરત જ પેલા અમીન જાદુગરને હાથમાં ઉપાડીને ભાગવાનુ ચાલુ કર્યું.
આગળ ભગવાન અને એમની પાછળ શ્યામ, એમ તેઓ ઝડપથી પેલી ગુફાઓમાંથી બહારની તરફ ભાગવા લાગ્યા.
કઈ દિશામાં જઈ રહ્યા હતા એ તેમને ખ્યાલ નહોતો પરંતુ જે તરફથી ગુફાની છત કે દીવાલ નીચે પડતી એની બીજી તરફથી તેઓ ઝડપથી નીકળી જતા.
એમ ભાગતા ભાગતા તેઓ છેલ્લી ગુફાની દીવાલ પડે એ પહેલા જ બહાર એક ખુલા મેદાન જેવી જગ્યાએ આવી ગયા.
શ્યામે પાછળ નજર કરી તો પેલા પર્વતોની જગ્યાએ હવે કોઈ ગુફા કે કંઈ જ નહોતું દેખાતું.
તેને ઉડી રહેલી ધૂળમાં શાંત થઈ રહેલા અમુક રાક્ષસી ચહેરાઓ દેખાયા. એના પછી એકદમ ચોખા પર્વતો જ નજર આવી રહ્યા હતા જેની ઉપર હવે જીણું ઘાસ ઉગી રહ્યું હતું.
તેઓ ગુફાઓની બહાર આવી ગયા હતા. દૂર પર્વતોની જમણી બાજુએ સુરજ ઉગી રહ્યો હતો.
શ્યામે તેના હાથમાં જોયું તો પેલો અમિન જાદુગર એકદમ ગુસ્સામાં લાલપીળો થઈ રહ્યો હતો અને અમીન ભાષામાં કંઈક કહી રહ્યો હતો જે તેને સમજાતું નહોતું પણ જરૂર શ્યામને ગુસ્સામાં ગાળો જ આપી રહ્યો હશે કદાચ.
શ્યામે ભગવાન સામે જોયું તો તેઓ હસવા લાગ્યા, કદાચ તેઓ જાણતા હતા કે જાદુગર તેને શુ કહી રહ્યો હતો.
ક્રમશઃ
Dr Dipak kamejaliya
"શિલ્પી"