લાલો 2 - પ્રકરણ 8 Kamejaliya Dipak દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લાલો 2 - પ્રકરણ 8




રાત હવે ધીમે ધીમે વધુ ગાઢ બનવા લાગી હતી.
આકાશમાં અસંખ્ય તારાઓ ચમકી રહ્યા હતા.
પરંતુ ઓસ્ટ્રોમસનું આકાશ પૃથ્વી જેવું નહોતું.
અહીં તારાઓ માત્ર ચમકતા નહોતા…

તેઓ રંગ બદલતા હતા.
કોઈ જાંબલી પ્રકાશથી ધબકતું હતું… કોઈ વાદળી… તો કોઈ લીલા રંગમાં ઝબૂકતું હતું.

દૂર દૂર અજાણી આકાશગંગાઓ ધીમે ધીમે ફરતી દેખાઈ રહી હતી.
આખું આકાશ જાણે જીવંત હતું.

શ્યામ તંબુની બહાર બેઠો બેઠો એ અદભૂત દૃશ્ય નિહાળી રહ્યો હતો.

થોડે દૂર ઓસ્ટ્રોમેટ શાંતિથી જમીન પર સૂઈ ગયો હતો.

તેના વિશાળ શરીર પર હજારો નાનકડાં પ્રકાશ ઝગમગી રહ્યા હતા.
કદાચ અમીનલોકોએ પોતાના ઘરોમાં દીવડાં પ્રગટાવ્યાં હશે.

દૂરથી જોતા એવું લાગતું હતું જાણે કોઈ આખું નગર જીવંત પહાડ પર વસેલું હોય.

થોડા સમય પછી શ્યામે ધીમેથી પૂછ્યું —
“પ્રભુ… શું ઓસ્ટ્રોમેટને પોતાના ભૂતકાળની બધી વાતો યાદ હશે?”

ભગવાન શ્રી કૃષ્ણ થોડું મલકાયા.
“હા લાલભાઈ…”
“શ્રાપ માણસની યાદોને ક્યારેય મરવા નથી દેતો.”
“અને એ જ એની સૌથી મોટી સજા હોય છે.”

શ્યામ ફરી ઓસ્ટ્રોમેટ તરફ જોવા લાગ્યો.
હવે તેને એ પ્રાણી પહેલા જેટલું ભયંકર લાગતું નહોતું.

તેના અંદરના એકલાપા અને પીડા હવે શ્યામ અનુભવી શકતો હતો.

એ જ સમયે…

અચાનક એક ઠંડો પવનનો ઝોકો પસાર થયો.
આસપાસના વૃક્ષો ધીમે ધીમે હલવા લાગ્યા.

શ્યામને ફરી એવું લાગ્યું…
જાણે કોઈ અંધકારમાં છુપાઈને તેમને જોઈ રહ્યું હોય.

આ વખતે તેણે તરત જ પાછળ ફરીને જોયું.

દૂર…

એક વૃક્ષની પાછળ કોઈ કાળો આકાર ક્ષણભર માટે દેખાયો.
અને પછી તરત જ અંધકારમાં ગાયબ થઈ ગયો.

શ્યામના શરીરમાંથી ઠંડી લહેર પસાર થઈ ગઈ.
“કદાચ મારો ભ્રમ હશે…”
તેણે મનમાં વિચાર્યું.

પછી તે ફરી તંબુમાં આવીને સૂઈ ગયો.

ભગવાન શ્રી કૃષ્ણ આંખો બંધ કરીને શાંતિથી બેઠા હતા.

તેમની આસપાસ આછો વાદળી પ્રકાશ ફેલાઈ રહ્યો હતો.

ધીમે ધીમે શ્યામની આંખો ભારે થવા લાગી.

પરંતુ…

અચાનક જ તેને એક અજીબ અવાજ સંભળાયો.

“ટક… ટક… ટક…”

જાણે કોઈ લાંબા નખ વડે તંબુની બહારની જમીન ધીમે ધીમે ખોદી રહ્યું હોય એવો અવાજ.

શ્યામની આંખો તરત જ ખુલી ગઈ.
તેનું હૃદય જોરથી ધબકવા લાગ્યું.
તેણે તરત ભગવાન તરફ જોયું.
તેઓ હજુ પણ શાંતિથી બેઠા હતા.

પરંતુ હવે…

તેમની આંખો ખુલ્લી હતી.
તેઓ સીધા તંબુની બહાર જ જોઈ રહ્યા હતા.

“લાલભાઈ…”
ભગવાન ખૂબ જ ધીમા અવાજમાં બોલ્યા.
“કોઈ આપણને જોઈ રહ્યું નથી…”

શ્યામની અંદર ભયની લહેર ફરી વળી.
“તો…?”

ભગવાન શ્રી કૃષ્ણની આંખોમાં હવે ગંભીરતા આવી ગઈ.
અને પછી તેઓ ધીમેથી બોલ્યા —
“કોઈ આપણને શોધી રહ્યું છે…” 

અડધી રાત થઈ હશે કદાચ, અચાનક જ ભૂકંપની જેમ ધરતી ધ્રુજવા લાગી. 

ભગવાન સફાળા બેઠા થઈ ગયા. શ્યામને સમજતા વાર ના લાગી કે ઓસ્ટ્રોમેટના પગ જમીન પર મુકવાના લીધે આ ધ્રુજારી આવી રહી છે, પણ આમ અડધી રાત્રે કેમ? તેને વિચાર આવ્યો. 

તેઓએ ઝડપથી તંબુની બહાર આવીને જોયું તો ઓસ્ટ્રોમેટ ગુસ્સામાં આમથી તેમ દોડી રહ્યો હતો. તરત જ ભગવાન ઓસ્ટ્રોમેટ પાસે ગયા, અને તેને શાંત કર્યો. 

શ્યામ ઓસ્ટ્રોમેટ પર રહેલી પ્રજાતીને નીરખીને જોવા લાગ્યો. તેને એ નાનકડા લોકોને જોવામાં મજા આવતી, પરંતુ આજે કાલ કરતા કંઈક અલગ જ દ્રશ્ય હતું. 

તેઓમાં અમુક સ્ત્રી ઓ  દુઃખ અને ગુસ્સામાં જ રોતી-કકળતી ઓસ્ટ્રોમેટ પર જ આમથી તેમ દોડી રહી હતી. 

પુરુષો જેમ મજબુર હોય તેમ ઉદાસ થઈને શ્યામને કંઈક વિનંતી કરી રહ્યા હતા.
 
ભગવાન ઉદાસ ચેહરે શ્યામ પાસે આવ્યા અને કહેવા લાગ્યા. 
"લાલભાઈ, આ આત્મભક્ષક જાદુગર જાદુ કરવા માટે અને પોતાનું જીવન લંબાવવા માટે આત્મારસનો ઉપયોગ કરે છે."
"આત્મારસ મેળવવા માટે તે અમીનલોકોના બાળકોનું અપહરણ કરીને લઈ જાય છે અને તેમનો આત્મારસ કાઢે છે." 
"અત્યારે જ તે જાદુગરે છ બાળકોનું અપહરણ કર્યું છે."

શ્યામને એ વાત સાંભળીને ખુબ જ દુઃખ થયું અને સાથે સાથે પેલા જાદુગર પર ખુબ ગુસ્સો આવ્યો. 

તેનું ધ્યાન ઓસ્ટ્રોમેટ પર રોઈ રોઈને પોતાની હાલત ખરાબ કરી નાખેલી અપહરણ થઈ ગયેલા બાળકોની માતાઓ પર પડી. 

અત્યારે સાચે જ તેમની દયનિય પરિસ્થિતિ હતી. 

શ્યામની આંખો સામે રડતી એ નાનકડી માતાઓ જોઈને તેનું હૃદય ભારે થઈ ગયું.

તેમના જીણા અવાજો ભલે સ્પષ્ટ સંભળાતા નહોતા…

પણ એક માતાની પીડા સમજવા માટે ભાષાની જરૂર ક્યાં પડતી હોય છે…?

ઓસ્ટ્રોમેટ પણ બેચેન થઈને વારંવાર ગર્જના કરી રહ્યો હતો.

તેની વિશાળ આંખોમાં ગુસ્સા સાથે લાચારી પણ દેખાઈ રહી હતી.

હજારો વર્ષથી જીવતો એ વિશાળકાય જીવ…આજે ફરી પોતાના લોકોનું દુઃખ જોઈને તૂટી રહ્યો હતો.

શ્યામ ધીમે ધીમે એક રડતી માતાની નજીક ગયો.
તે નાનકડી સ્ત્રી પોતાના બંને હાથ જોડીને શ્યામ સામે કંઈક વિનંતી કરી રહી હતી.

ભલે તેની ભાષા સમજાતી નહોતી…

પણ તેની આંખો માત્ર એક જ વાત કહી રહી હતી..
“મારા બાળકને બચાવી લો…”

એ દ્રશ્ય જોઈને અચાનક જ શ્યામના મનમાં બાળપણની એક જૂની યાદ જીવંત થઈ ગઈ.

તે ભગવાનને કહેવા લાગ્યો,  

"ત્યારે હું કદાચ સાત-આઠ વર્ષનો હોઈશ. ગામમાં દર વર્ષે મોટો મેળો ભરાતો."

"એ દિવસે હું મમ્મીનો હાથ છોડીને રમકડાં અને જાદુના ખેલ જોવા ભાગતો ફરતો હતો."

"બધું જ મને નવાઈ લાગતું હતું. ક્યાંક રંગીન ફુગ્ગા, ક્યાંક બંગડીઓ, ક્યાંક ભમરડા અને ક્યાંક મીઠાઈની દુકાનો."

"એમાં જ હું રમકડાં જોતા જોતા એટલો આગળ નીકળી ગયો કે મને ખ્યાલ જ ના રહ્યો કે મમ્મી ક્યાં રહી ગઈ."

"જ્યારે અચાનક પાછળ ફરીને જોયું…"

"મમ્મી ક્યાંય નહોતી." 

"મારા પગ નીચેની જમીન સરકી ગઈ હોય એવું લાગ્યું."

"આસપાસ હજારો લોકો હતા… પરંતુ એ ક્ષણે હું એકલો પડી ગયો હતો."

"હું રડવા લાગ્યો. ગભરાઈને આમથી તેમ દોડવા લાગ્યો. દરેક સ્ત્રીમાં મને મારી મમ્મી દેખાતી હતી. હું લોકોના કપડાં પકડીને પૂછતો..!"

“મારી મમ્મી ક્યાં છે…?”  

"કદાચ અડધો કલાક વીતી ગયો હશે. પરંતુ મારા માટે તો જાણે આખી જિંદગી પસાર થઈ ગઈ હતી."

"પછી અચાનક જ કોઈએ મને પાછળથી બાહોમાં ઉઠાવી લીધો."

"મેં પાછળ ફરીને જોયું…"

"મારી મમ્મી હતી."

"તેમની આંખોમાં આંસુ હતાં. તેમણે મને છાતી સાથે એટલો જોરથી ચાંપ્યો કે જાણે ફરી ક્યારેય મને પોતાથી દૂર જવા નહિ દે."

"એ દિવસે પહેલી વાર મને સમજાયું હતું કે…"

"બાળક ખોવાય ત્યારે જેટલો ડરે છે,  
એની મા કદાચ એના કરતાં હજારો ગણી વધારે ડરતી હોય છે."

શ્યામની આંખો સામે ફરી અમીન સ્ત્રીઓના રડતા ચહેરા આવી ગયા.  

ભગવાન શ્રી કૃષ્ણ શ્યામ સામે જોઈને ધીમેથી બોલ્યા—  

“લાલભાઈ, બ્રહ્માંડમાં સૌથી મોટું દુઃખ સંતાન ગુમાવવાનું હોય છે. દેવ હોય કે માનવ… એ પીડા બધાને સમાન રીતે સળગાવે છે.”  

એટલામાં જ ઓસ્ટ્રોમેટે ફરીવાર ભયંકર ગર્જના કરી.  

 આખી જમીન ફરી ધ્રૂજી ઉઠી.  

તેની આંખોમાંથી અગ્નિ જેવા આંસુ વહેવા લાગ્યા અને આસપાસના જંગલના ઘણા વૃક્ષોમાં આગ લાગી ગઈ. 

અમીન લોકો વધુ ગભરાઈ ગયા. ઘણા લોકો ઓસ્ટ્રોમેટના શરીર પરના નાના ઘરોમાંથી બહાર આવીને આકાશ તરફ કંઈક પ્રાર્થના કરવા લાગ્યા.  

શ્યામે મુઠ્ઠી ભીંસીને ભગવાન તરફ જોયું.  

“પ્રભુ… આપણે એ બાળકોને બચાવી લઈશું ને?”  

ભગવાન શ્રી કૃષ્ણની આંખોમાં આ વખતે કરુણા નહોતી…  

ભયાનક ક્રોધ સળગી રહ્યો હતો.

“હા લાલભાઈ,” તેઓ ધીમેથી બોલ્યા,  
“આ વખતે કોઈ માતાની ગોદ ખાલી નહિ રહે.”  




ક્રમશઃ

Dr Dipak kamejaliya 
"શિલ્પી"