લાલો 2 - પ્રકરણ 1 Kamejaliya Dipak દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લાલો 2 - પ્રકરણ 1

ભગવાન શ્રી કૃષ્ણ સાથે થયેલી મુલાકાત પછી લાલો જૂનાગઢ છોડીને દ્વારિકામાં પોતાના પરિવાર સાથે વસી ગયો. પોતાના ભગવાનના ચરણોની નજીક અને શ્રી કૃષ્ણના સાનિધ્યમાં. અહી એકદમ શાંતિથી ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરતાં જીવન વિતાવી રહ્યો હતો. હવે પછીની તેની જીંદગી એકદમ કૃષ્ણમય બની ગઈ હતી.

ઉઠતા-બેસતા સૂતા-જાગતા તે બસ શ્રી કૃષ્ણના ગુણગાન ગાય. ઘણીવાર શ્રી કૃષ્ણ લાલભાઈના ઘરે આવીને તેમની સાથે મસ્તી કરતા. ભગવાન પણ પોતાના પ્રિય ભક્ત અને પ્રિય મિત્ર એવા લાલાને લાલભાઈ લાલભાઈ કહેતા નહોતા થાકતા.

દ્વારિકાના દરિયાના મોજાની જેમ જ લાલાની અને ભગવાન શ્રી કૃષ્ણની મિત્રતા અને ભક્તિભાવમાં રોજેરોજ વધારો અને ભરતી થતી રહેતી. પણ કહેવાય છે ને કે જેમ દરિયામાં ભરતી પછી ઓટ પણ આવે જ છે.. એમ જ અમુક સમય પછી અચાનક ભગવાને લાલાને મળવા આવવાનું ઓછું અને પછી એકદમ બંધ કરી દીધું. એનું શું કારણ હોઈ શકે એના વિશે લાલાને કોઈ જાણ નહોતી.

લાલાને આ એક ચિંતા ઘણા સમયથી સતાવી રહી હતી. તે રોજ વિચારે કે ભગવાન સાથે છેલ્લી મુલાકાત થયાને ઘણા દિવસો વીતી ગયા… છતાં પ્રભુએ તેને ફરી દર્શન આપ્યા નહોતા.

તેમ છતાં…

ઘણીવાર મધરાતે લાલાને એવું લાગતું કે જાણે કોઈ અદૃશ્ય શક્તિ તેને દૂરથી બોલાવી રહી હોય.ક્યારેક મંદિરની મૂર્તિ સામે બેસે ત્યારે પવન વગર પણ દીવો ધ્રૂજી ઊઠે…તો ક્યારેક તેને શ્રી કૃષ્ણની વાંસળીનો મધુર અવાજ સંભળાય…

પરંતુ બહાર નીકળીને જુએ તો આખી દ્વારિકા એકદમ શાંત હોય.અને બસ… એ જ વાત લાલાના મનમાં એક અજાણી બેચેની જન્માવી રહી હતી.

વળી, તે પોતાને સમજાવતો કે ભગવાનના તો મારા સિવાય પણ હજારો ભક્તો હશે.મને દર્શન આપવા અને મારી સાથે હાસ્ય-મસ્તી કરવા માટે તેઓ સાવ નવરા થોડા જ હોય.પરંતુ તેમ છતાં… તેના મનમાં વારંવાર એવો આભાસ થતો કે ભગવાન સાથે કંઈક અજુગતું બની ગયું છે.

ધીરે ધીરે સમય પસાર થતો ગયો.ભગવાનની કૃપાથી લાલાના ઘરે એક દિકરાનો જન્મ થયો. પોતાના પ્રભુના નામ પરથી લાલાએ પોતાના દિકરાનું નામ “શ્યામ” રાખ્યું.

લાલભાઈની ખુશી હવે ક્યાંય સમાતી નહોતી. પરંતુ આ ખુશી તે કોની સાથે વહેંચે?ખુશી વહેંચવા માટે તેના ભગવાન… તેના શ્યામસુંદર… અત્યારે તેની સમક્ષ નહોતા.તેમ છતાં, તે દોડતો-ભાગતો પોતાના બાળકને લઈને મંદિરની સીડીઓ પર જઈ બેસતો.

આવતા-જતા દરેક વ્યક્તિને આશાભરી નજરે જોતો રહેતો… કદાચ તેના ભગવાન ફરી પાછા આવી જાય.

ઘણીવાર મંદિરની સીડીઓ પર જ સવારથી સાંજ થઈ જતી…તો ક્યારેક સાંજથી સવાર પણ થઈ જતી…છતાં લાલો પોતાના પ્રભુ શ્રી કૃષ્ણના દર્શન પામી શક્યો નહિ.

સવાર-સાંજની આરતી અને શંખનાદમાં તેને અદભુત શાંતિનો અનુભવ તો થતો…પરંતુ ભગવાન સાથેની મુલાકાતો અને તેમની સાથેનો હાસ્યભર્યો વાર્તાલાપ તેને સતત યાદ આવતો રહેતો.

ભલે તેને પ્રભુનો દિદાર નહોતો થતો, છતાં તેની શ્રદ્ધા અને ભક્તિમાં જરાય ઘટાડો આવ્યો નહોતો.  તેના મનમાં બસ એક જ દુઃખ હતું — પોતાના વહાલા પ્રભુ શ્રી કૃષ્ણના દર્શન ન થવાનું.

લાલો પોતાના જીવનના અંતિમ દિવસોમાં ખૂબ જ શાંત થઈ ગયો હતો. તેના ચહેરા પર અજબનો થાક અને આંખોમાં પોતાના પ્રભુને ફરી મળવાની તીવ્ર ઝંખના દેખાતી હતી.

એક રાત્રે, જ્યારે આખી દ્વારિકા નિંદ્રામાં ડૂબેલી હતી અને દરિયાના મોજાં ધીમે ધીમે કિનારાને સ્પર્શી રહ્યા હતા, ત્યારે અચાનક લાલાને દૂરથી શ્રી કૃષ્ણની વાંસળીનો મધુર અવાજ સંભળાયો.તે ધીમે ધીમે ઊભો થયો અને કંપતા પગલે ઘરની બહાર આવ્યો.

તેની આંખોમાં અચાનક અજાણી ચમક આવી ગઈ. સામે… દૂર અંધકાર વચ્ચે કોઈ દિવ્ય આકૃતિ ઊભી હતી.. પીળાં વસ્ત્રો… માથે મોરપીછ… અને હોઠ પર એ જ દિવ્ય સ્મિત.

લાલાની આંખોમાંથી આંસુઓ વહી નીકળ્યાં.. તે કંપતા અવાજે માત્ર એટલું જ બોલી શક્યો —

“પ્રભુ… તમે આવી ગયા…”

અને એ જ ક્ષણે તેના ચહેરા પર અદભુત શાંતિ પ્રસરી ગઈ.. પોતાના પ્રિય ભગવાનના દર્શન કરતાં કરતાં જ લાલાએ અંતિમ શ્વાસ લીધો.

લાલભાઈનો દિકરો શ્યામ બાળપણથી જ અજીબ સ્વભાવનો હતો.. તેની આંખોમાં હંમેશાં ગુસ્સો ભરેલો રહેતો અને વાતવાતમાં તે પોતાનો કાબૂ ગુમાવી બેસતો.. નાની નાની બાબતોમાં પણ તે પોતાની માતા તુલસી ઉપર ચીડાઈ જતો.

ઘણીવાર તો તુલસી પ્રેમથી સમજાવતી, છતાં શ્યામ ઉલટાનો ઊંચા અવાજે જવાબ આપીને ઘરની શાંતિ બગાડી નાખતો.. પોતાની મોટી બહેન ખુશી સાથે પણ તેનો વર્તાવ સારો નહોતો.

ખુશી પોતાના ભાઈને ખૂબ પ્રેમ કરતી, તેની દરેક જરૂરિયાતનું ધ્યાન રાખતી… છતાં શ્યામ ક્યારેય તેની સાથે પ્રેમથી વાત નહોતો કરતો.

ઘણીવાર કોઈ કારણ વગર જ તે ખુશી પર ગુસ્સે થઈ જતો અને પછી કલાકો સુધી ઘરમાં ભારેખમ શાંતિ છવાઈ જતી.

દિવસોને વીતતાં ક્યાં વાર લાગે છે..! દિવસે ને દિવસે શ્યામ મોટો થવા લાગ્યો. હવે શ્યામ યુવાન થઈ ગયો હતો. તે પોતાના પિતાની રિક્ષા ચલાવવાનું કામ કરતો હતો.

આખો દિવસ શહેરમાં રિક્ષા ફેરવતો, પરંતુ સાંજે ઘરે પાછો ફર્યા પછી પણ પોતાના કમાયેલા પૈસામાંથી ઘરમાં એક રૂપિયો આપતો નહોતો.

તુલસી અને ખુશી નાનું-મોટું કામ કરીને ઘર ચલાવતા, જ્યારે શ્યામ પોતાના પૈસા મિત્રો અને ખરાબ આદતો પાછળ ખર્ચી નાખતો.

ઘણીવાર તુલસી રાત્રે એકલી બેઠી બેઠી વિચારતી કે એક જ ઘરમાં ઉછરેલા બે બાળકોમાં આટલો ફરક કેમ?

ખુશીના સ્વભાવમાં જ્યાં પ્રેમ અને સંસ્કાર હતા… ત્યાં શ્યામના મનમાં જાણે અજાણી આગ સળગી રહી હતી.

અને સૌથી મોટું દુઃખ તો એ હતું કે શ્યામમાં પોતાના પિતા લાલાની ભક્તિ કે સૌમ્યતાનો અણસાર પણ દેખાતો નહોતો.

શ્યામના આ ગુસ્સા પાછળનું સૌથી મોટું કારણ તેના પોતાના પિતા જ હતા.

તેના મનમાં હંમેશાં એક જ પ્રશ્ન સળગતો રહેતો —

“મારા પિતા ક્યાં ગયા…? કેમ ગયા…?”

લોકો કહેતા કે લાલભાઈ તો ભગવાન શ્રી કૃષ્ણના સૌથી પ્રિય ભક્ત અને મિત્ર હતા. પરંતુ જો એ સાચું હતું… તો પછી તેમના ઘરમાં આટલું દુઃખ કેમ હતું?

આ જ વાત શ્યામને અંદરથી તોડી નાખતી.તેના મિત્રો અને આસપાસના લોકો ઘણીવાર તેના પિતાની વાતો કરીને તેની મજાક ઉડાવતા.કોઈ કહે,

“ભગવાનના ભાઈબંધનો દીકરો હોવા છતાં હાલત જો…”

તો કોઈ હસતાં હસતાં લાલભાઈની ભક્તિ ઉપર જ પ્રશ્ન ઉઠાવતું. આવી વાતો શ્યામના મનમાં ઝેરની જેમ ઉતરતી જતી.

અને પછી એ જ ગુસ્સો બનીને ઘણીવાર તેની માતા તુલસી અને પોતાના સ્વર્ગસ્થ પિતા ઉપર બહાર આવતો.

ધીમે ધીમે શ્યામના મનમાં ભગવાન પ્રત્યે પણ અવિશ્વાસ જન્મવા લાગ્યો હતો.

શ્યામ દેખાવમાં એકદમ પોતાના પિતા લાલા જેવો જ લાગતો હતો.એ જ આંખો… એ જ ચહેરો… અને એ જ ચાલવાની ઢબ.

ઘણીવાર તો તુલસીને શ્યામને જોતા એવું લાગતું જાણે લાલો ફરી પાછો તેની સામે ઊભો હોય.

પરંતુ પછી જ્યારથી શ્યામ બોલતો… ગુસ્સે થતો… કે ઘરમાં કડવી વાતો કરતો… ત્યારે તુલસીનું હૃદય અંદરથી તૂટી જતું.

તે ઘણીવાર એકલી બેઠી બેઠી વિચારતી —“એક જ ચહેરો… એક જ લોહી…તો પછી સ્વભાવ આટલો અલગ કેમ..?”

જ્યાં લાલાના મનમાં પ્રેમ, ભક્તિ અને શાંતિ હતી…ત્યાં શ્યામના મનમાં ગુસ્સો, અવિશ્વાસ અને અજાણી આગ સળગી રહી હતી.

એક દિવસ ગુસ્સામાં શ્યામ ઘરના જૂના સામાનને ઊથલપાથલ કરી રહ્યો હતો..

ગુસ્સામાં તેણે કબાટનો સામાન નીચે ફેંકી દીધો.

એ જ સમયે અંદરથી એક જૂની ફાઇલ નીચે પડી ગઈ.

ફાઇલ ખુલતા જ ઘણા જૂના ફોટા જમીન પર ફેલાઈ ગયા.

શ્યામ પહેલા તો ગુસ્સામાં જ ફોટાઓ ઉઠાવવા ગયો…

પરંતુ અચાનક તેની નજર એક ફોટા પર અટકી ગઈ.

તેની આંખો પહોળી થઈ ગઈ.ફોટામાં તેનો પિતા લાલો હતો…અને તેની બાજુમાં ઊભેલી એક અજાણી દિવ્ય આકૃતિ.

પીળાં વસ્ત્રો… માથે મોરપીછ… અને ચહેરા પર અદભુત શાંતિભર્યું સ્મિત.

ફોટો થોડો ઝાંખો હતો… છતાં એ માણસને જોતા શ્યામના શરીરમાં અજીબ સિહરન ફરી વળી.

“આ… આ કોણ છે…?”

તે ઝડપથી બધા ફોટા લઈને પોતાની માતા તુલસી પાસે પહોંચ્યો.

“શું ખરેખર ભગવાન મારા પપ્પાના મિત્ર હતા…?” શ્યામના મનમાં એક જ સવાલ વારંવાર ઘૂંટાઈ રહ્યો હતો..


ક્રમશઃ


Dr Dipak Kamejaliya 

"શિલ્પી"