લાલો 2 - પ્રકરણ 2 Kamejaliya Dipak દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લાલો 2 - પ્રકરણ 2






એક દિવસ… શ્યામ પોતાની રિક્ષા લઈને દ્વારિકાની ગલીઓમાં ફરી રહ્યો હતો.
સવારથી જ તેનો મૂડ ખરાબ હતો.
ઘરેથી નીકળતા પહેલાં પણ તેની પોતાની માતા સાથે ભારે ઝઘડો થયો હતો.

“આખી જિંદગી બસ પપ્પાની વાતો જ કર્યા કરો છો તમે…!
ભગવાનના મિત્ર હતા… ભગવાનના મિત્ર હતા…!
જો એટલા જ ખાસ હતા તો આજે જીવતા કેમ નથી?!"

એમ કહીને જ તે ગુસ્સામાં ઘરેથી નીકળી ગયો હતો.
હજી પણ રિક્ષા ચલાવતા ચલાવતા એ જ ગુસ્સો તેના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો.
પાછળ બેઠેલા બે પેસેન્જર પણ તેની રિક્ષા ચલાવવાની બેફામ ઝડપ જોઈને ગભરાઈ ગયા.

“અરે ભાઈ, ધીમે ચલાવો…!”
“ઉપર પહોંચાડવાનો ઇરાદો છે શું?!”

પરંતુ શ્યામે કોઈ જવાબ આપ્યો નહિ.

ત્યારે જ…

અચાનક તેનું ધ્યાન રસ્તાની બીજી બાજુ ચાલતા એક વ્યક્તિ પર પડ્યું. અને બસ… એ ક્ષણે જાણે સમય ધીમો પડી ગયો.

પીળા પીતાંબર…
માથે મોરપીછ…
ચહેરા પર અદભુત શાંતિભર્યું સ્મિત…

શ્યામની આંખો પહોળી થઈ ગઈ.
“ના…
આ શક્ય નથી…”

તેણે તરત જ પૂરી તાકાતથી બ્રેક મારી.

ચીઈઈઈઈઈઈ…!!

રિક્ષાના ટાયર રસ્તા પર ઘસડાઈ ગયા.

પાછળ બેઠેલા પેસેન્જર આગળની સીટ સાથે અથડાઈ પડ્યા.

“અલ્યા ઓ પાગલ…!”
“મારવો છે શું?!”
“આમ કોઈ રિક્ષા હાંકતું હશે?!"

પરંતુ… તેમની વાત સાંભળવા માટે શ્યામ હવે રિક્ષામાં નહોતો.

તે તો રસ્તાની વચ્ચે એકદમ સ્તબ્ધ ઊભો હતો.
તેનું હૃદય જોર જોરથી ધબકી રહ્યું હતું.
કારણ કે…
સામે ઊભેલો માણસ એ જ હતો… જેને તેણે જૂના ફોટાઓમાં જોયો હતો.

ભગવાન શ્રી કૃષ્ણ.

શ્યામના મનમાં હજારો વિચારો એકસાથે દોડવા લાગ્યા.

“શું હું સપનું જોઈ રહ્યો છું…?”
“આ ખરેખર એ જ છે…?”

તે ધીમે ધીમે ભગવાન શ્રી કૃષ્ણ તરફ આગળ વધવા લાગ્યો.

અને ભગવાન… હંમેશાની જેમ બસ શાંતિથી મલકાઈ રહ્યા હતા.. ભગવાન શ્રી કૃષ્ણ શાંતિથી શ્યામને જોઈ રહ્યા હતા.

તેમના ચહેરા પર હળવું સ્મિત હતું… પરંતુ આંખોમાં વર્ષો જૂની યાદોની છાયા તરવરી રહી હતી.

કારણ કે પોતાના પ્રિય મિત્ર અને ભક્ત એવા લાલાને ભગવાન કેવી રીતે ભૂલી શકે?

અને આજે… એ જ ચહેરો લઈને શ્યામ તેમની સામે ઊભો હતો.

એક ક્ષણ માટે જાણે સમય પાછો ફરી ગયો.
એ જ આંખો…
એ જ ચહેરો…
એ જ ઊભા રહેવાની ઢબ…

પરંતુ ફરક એટલો હતો કે — લાલાની આંખોમાં પ્રેમ અને નિર્દોષતા હતી…
જ્યારે શ્યામની આંખોમાં ગુસ્સો અને વર્ષોથી દબાયેલા સવાલો હતા.

ભગવાન શ્રી કૃષ્ણ ધીમે ધીમે તેની નજીક આવ્યા અને શ્યામના હાથ પોતાના હાથમાં લીધા.
“તારો ગુસ્સો બિલકુલ તારા પિતા જેવો નથી…”
આ સાંભળતા જ શ્યામ ચોંકી ગયો.
“એટલે…
તમે ખરેખર મારા પપ્પાને ઓળખો છો…?”
ભગવાન શ્રી કૃષ્ણ હળવેથી મલકાયા.
“ઓળખું છું…?”
“એ મૂર્ખ તો મારો સૌથી ખાસ મિત્ર હતો.”
“તો પછી…
તમે તેમને બચાવ્યા કેમ નહિ?”

આ સવાલ સાંભળતા જ ભગવાનના ચહેરા પરનું સ્મિત ધીમે ધીમે ઓગળી ગયું.

આસપાસ લોકો ચાલી રહ્યા હતા…
ગાડીઓ પસાર થઈ રહી હતી…
પરંતુ એ બંનેની વચ્ચે જાણે સમય અટકી ગયો હતો.

શ્યામની આંખોમાંથી આંસુઓ છલકાવા લાગ્યા.

“તમે ભગવાન છો ને…?
તો પછી મારા પપ્પાને મરવા કેમ દીધા…?”

ભગવાન શ્રી કૃષ્ણ થોડા સમય સુધી મૌન રહ્યા.
તેમની આંખોમાં પહેલીવાર એક ઊંડી પીડા દેખાઈ.
અને પછી… ખૂબ જ ધીમા અવાજમાં તેઓ બોલ્યા —
“કારણ કે… કેટલાક વિયોગો ભગવાન પણ રોકી શકતા નથી, શ્યામ…”

આ સાંભળતા જ શ્યામે ગુસ્સામાં ભગવાન શ્રી કૃષ્ણનો હાથ ઝટકીને પાછળ પગલું ભર્યું.

“ના…!
આ ખોટું છે!”
તેની આંખોમાં વર્ષોથી દબાયેલો ક્રોધ હવે ધીમે ધીમે બહાર આવી રહ્યો હતો.
“તમે ભગવાન છો!
તમારા માટે શું અશક્ય હોઈ શકે?!”

રિક્ષામાં બેઠેલા પેસેન્જર આશ્ચર્યથી શ્યામને જોવા લાગ્યા. તેઓને સમજાતું નહોતું કે આ છોકરો રસ્તાની વચ્ચે ઊભો રહીને કોઈની સાથે વાત કરી રહ્યો હતો, ઝઘડો કરી રહ્યો છે. કોઈ આમ રસ્તા વચ્ચે પેસેન્જર ભરેલી રિક્ષા મૂકીને જતું હશે..?

પરંતુ એ વાતથી અજાણ શ્યામ ગુસ્સામાં બોલતો રહ્યો —

“મારી મમ્મી આખી જિંદગી પપ્પાની રાહ જોતી રહી…!
દરરોજ એમની વાતો કરતી રહી…!”
તેનો અવાજ ધીમે ધીમે તૂટી રહ્યો હતો.
“અને હું…
હું બાળપણથી બસ એ જ વિચારતો રહ્યો કે — મારા પપ્પા અમને છોડીને કેમ ચાલ્યા ગયા…”

ભગવાન શ્રી કૃષ્ણ શાંતિથી તેની દરેક વાત સાંભળતા રહ્યા.. શ્યામ હવે એકદમ ભાવુક થઈ ગયો હતો.

“તમે જાણો છો…?
હું નાનપણમાં દરરોજ ઘરની બહાર બેસીને રાહ જોતો હતો…”

તેણે હસવાનો પ્રયત્ન કર્યો…
પરંતુ આંખોમાંથી આંસુઓ વહેવા લાગ્યા.

“મને લાગતું હતું કે એક દિવસ પપ્પા પાછા આવશે…”
ગવાન શ્રી કૃષ્ણની આંખોમાં હવે ઊંડી કરુણા દેખાઈ રહી હતી.. શ્યામ ધીમે ધીમે જમીન પર બેસી ગયો.

“પણ તેઓ ક્યારેય આવ્યા જ નહિ…”

થોડા સમય માટે બંને વચ્ચે ગાઢ શાંતિ છવાઈ ગઈ.
પવન ધીમે ધીમે વહેતો હતો.

અને પછી…

ભગવાન શ્રી કૃષ્ણ પણ ધીમેથી તેની બાજુમાં જમીન પર બેસી ગયા.

“તારા પિતા છેલ્લી ક્ષણ સુધી તને ખૂબ પ્રેમ કરતા હતા, શ્યામ…”
શ્યામે તરત જ માથું ઊંચું કર્યું.
“તો પછી તેઓ ગયા જ કેમ?!”

ભગવાન શ્રી કૃષ્ણ શાંતિથી શ્યામ તરફ જોઈ રહ્યા હતા.
પછી ખૂબ ધીમા અવાજમાં બોલ્યા —

“કારણ કે, હે મિત્ર… તારા પિતાની ઈચ્છા આ મનુષ્ય દેહ છોડીને મારા ધામમાં આવવાની હતી.
અને તેની એ અંતિમ ઇચ્છા પૂર્ણ કરવા માટે મારે તેને છેલ્લીવાર મળવું જરૂરી હતું.”

એ શબ્દો સાંભળતા જ… શ્યામની આસપાસની દુનિયા જાણે ધીમે ધીમે અદૃશ્ય થવા લાગી.
અને પછી…

તેની આંખો સામે એક જૂનું દૃશ્ય જીવંત થવા લાગ્યું.
રાત્રિનો સમય હતો. દરિયાના મોજાં ધીમે ધીમે કિનારાને સ્પર્શી રહ્યા હતા.
લાલો પોતાની સામે ઊભેલા ભગવાન શ્રી કૃષ્ણને વારંવાર ઉપરથી નીચે સુધી જોઈ રહ્યો હતો… જાણે ખાતરી કરી રહ્યો હોય કે આ કોઈ સ્વપ્ન નથી.

“તમે સાચે જ આવ્યા છો ને…?
હું કોઈ સપનું તો નથી જોતો ને…?”

ભગવાન શ્રી કૃષ્ણ હળવેથી હસ્યા.
“જો સપનું હોત… તો હું તારી આટલી બધી ફરિયાદો શા માટે સાંભળત?”

લાલાની આંખો ભીની થઈ ગઈ.

“તમે બહુ ખરાબ છો પ્રભુ…”

“એવું હવે મેં શું કર્યું?”

“આટલા દિવસ ક્યાં હતા તમે? તમને ખબર છે હું કેટલો રાહ જોતો હતો તમારી?
દરરોજ મંદિરે જતો… દરરોજ આશા રાખતો કે આજે તો મારા સખા આવશે…
પણ તમે આવ્યા જ નહિ…”
થોડા સમય માટે લાલાનો અવાજ ધીમો પડી ગયો.
“એક વખત… માત્ર એક વખત દર્શન આપી દીધા હોત તો શું બગડી જાત તમારું…?”

ભગવાન શ્રી કૃષ્ણ શાંતિથી તેની વાતો સાંભળતા રહ્યા.
તેમની આંખોમાં અદભુત કરુણા અને મિત્રતા દેખાઈ રહી હતી.
પછી ધીમેથી બોલ્યા —

“અરે મૂર્ખ મિત્ર… હું તારી પાસેથી ગયો જ ક્યારે હતો?”

લાલો ચોંકીને તેમની સામે જોવા લાગ્યો.

“જ્યારે તું સવારે આંખો બંધ કરીને મારું નામ લેતો હતો… ત્યારે તારી સામે બેઠેલો હું જ તો હતો.”
“જ્યારે તું ભજન ગાતો હતો… ત્યારે સૌથી પાછળ બેસીને સાંભળનાર પણ હું જ તો હતો.”
“અને જ્યારે તું રાત્રે એકલો બેસીને મને યાદ કરીને રડતો હતો…”
શ્રી કૃષ્ણ હળવું સ્મિત કરીને બોલ્યા —
“ત્યારે તારા આંસુ લૂછનાર પણ હું જ તો હતો, મિત્ર…”

આ સાંભળતા જ લાલોની આંખોમાંથી આંસુઓ વહેવા લાગ્યા.

તે ફરી એકવાર ભગવાન શ્રી કૃષ્ણને ભેટી પડ્યો.
એ ક્ષણે… જાણે લાલાનું આખું બ્રહ્માંડ તેની બાહોમાં સમાઈ ગયું હતું.

અને પછી… 

પોતાના પ્રિય સખાના દર્શન કરતાં કરતાં જ લાલોએ શાંતિથી પોતાના પ્રાણ ત્યજી દીધા.

અંતે ભગવાનની કૃપાથી તેના આત્માને મુક્તિ પ્રાપ્ત થઈ.


ક્રમશઃ

Dr Dipak kamejaliya 
"શિલ્પી"