નિલક્રિષ્ના - ભાગ 46 કૃષ્ણપ્રિયા દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નિલક્રિષ્ના - ભાગ 46

પૃથ્વીનાં ગર્ભમાં રહેલ દૈત્ય પુત્રએ દેવી પુત્ર સાથે કટાક્ષો કરી પૃથ્વીનાં ગર્ભમાં જ દબાવી દેવાની કોશિશ શરૂ કરી.

દૈત્ય પુત્ર:  "તું શા માટે તારી જાતને છૂપાવે છે? તું તો નિરાકાર છો ? હું દૈત્ય પુત્ર તને ઓળખી ગયો છું, તું તો દેવ છે...! તું આ પૃથ્વીનું રક્ષણ કરવા જન્મ લેવાનો છો. અને હું આ પૃથ્વીનો વિનાશ કરવા માટે બહાર નીકળી રહ્યો છું. હું અત્યારે જ તારો નાશ કરવા માટે સમર્થ યોદ્ધા છું. પરંતુ મેં વિચાર્યું કે, નિર્બળને શું મોત આપવું...! આમ, પણ બહાર નીકળ્યા પછી પણ તું મારું કહીં જ બંગાડી નહીં શકે. તું માનાં ગર્ભમાં તારું રક્ષણ કરી નથી શકતો, તો તું વિશ્વનું રક્ષણ શું કરવાનો હતો?
તું જે આશા રાખીને જન્મે છે. એ તારા છેલ્લા શ્વાસ સુધી મટવાની નથી. અત્યારે તું અંતર્ધ્યાન થયો છો. એ બરાબર નથી." 

દેવ પુત્ર :   "તારાં મનમાં નકરા વિકાર જ ભર્યો છે. તારી મનોકામનાઓ પૂર્ણ કરવા એ તને આડે આવ્યે રાખશે.  એ વિકારોને લીધે તું અંધારી રાતોમાં જ ભટકતો રહીશ. તને ક્યારેય અજવાળું પ્રદાન થશે જ નહીં. તારા આ વિકારોને મારનાર હું તારો કાળ તારી હારે જ જન્મ લેવાનો છું. ખોટું અભિમાન ન કર, શત્રુને નિર્બળ સમજવો એ તારાં માટે હાનિકારક સાબિત થશે. એક દિ' કાળ સમીપ આવશે અને તારું અભિમાન ચૂર ચૂર કરી નાખશે. તારો બાકીનો સમય તું આ વિકારોમાં જ વેડફી નાંખીશ. આવો જ રહીશ તો તારો નાશ કરતાં મને શું વાર લાગશે?"

આમ પૃથ્વીના ગર્ભમાં નવ મહિના સુધી શબ્દ યુધ્ધ ચાલતું રહ્યું. 

આજ પૃથ્વી બહું ખુશ હતી કેમ કે, પૃથ્વીના અંતરમાં આ ક્ષણે જે આનંદની સરિતા વહેતી હતી, એવો આનંદ એણે પહેલાં ક્યારેય અનુભવ્યો નહોતો. એના ખોળામાં એક નહીં, પરંતુ બે જુડવા પુત્રોએ જન્મ લીધો હતો.
માતૃત્વના એ પ્રથમ સ્પર્શે એનું સમગ્ર અસ્તિત્વ સુગંધિત કરી નાખ્યું હતું. એના થાકેલા ચહેરા પર પણ અદભુત તેજ ઝળહળતું હતું. આંખોમાં અશ્રુ હતાં, પરંતુ એ દુઃખના નહીં, અનંત સુખના અશ્રુ હતાં. એ બંને શિશુઓને હૃદયસરખાં વળગી રાખીને પૃથ્વી વારંવાર એમનાં નિર્દોષ મુખડાં નિહાળી રહી હતી. એને લાગતું હતું કે, જાણે સૃષ્ટિએ પોતાનો સર્વોત્તમ આશીર્વાદ એની ઝોળીમાં મૂકી દીધો હોય.

એના મનમાં એક જ ઉત્સુકતા ધબકતી હતી, આ સુખના સમાચાર સમુદ્રકને કેમ ને કેટલી ખુશીઓ સાથે આપવા એ વિચારી રહી હતી કે, જ્યારે સમુદ્રક પોતાના બંને પુત્રોને જોશે, ત્યારે એની ખુશીનો કોઈ પાર નહીં રહે. એ કલ્પનામાં જ સમુદ્રકના હર્ષભર્યા ચહેરાને નિહાળી રહી હતી.

હર્ષ અને ઉત્સાહથી ભરાયેલા પગલાં લઈને પૃથ્વી સમુદ્રક તરફ આગળ વધવા લાગી. એ ક્ષણે એ સંપૂર્ણપણે પોતાના આનંદમાં ડૂબેલી હતી. પરંતુ એના અજાણતાં એક ભયંકર શાંતિ જન્મ લઈ રહી હતી.

સમુદ્રક ધીમા અને છુપાયેલા પગલાંથી પાછલી દિશાથી ત્યાં આવ્યો. એના ચહેરા પર ગહનતા સ્પષ્ટ દેખાય રહી હતો. એણે આસપાસ નજર ફેરવી, અને પૃથ્વીનું ધ્યાન બીજી તરફ હોવાની ખાતરી કરી.

પછી કોઈ અવાજ કર્યા વગર એણે બંને નવજાત પુત્રોને પોતાના હાથોમાં ઉપાડી લીધા. એ નાનકડાં શિશુઓ અજાણ હતાં કે, એમને માતાના ખોળેથી દૂર લઈ જવાઈ રહ્યા હતાં. એમના નિર્દોષ શ્વાસો હજુ પણ શાંત હતા.

સમુદ્રક ખૂબ સાવધાનીથી આગળ વધ્યો. એના દરેક પગલાંમાં એક રહસ્ય છુપાયેલું હતું. એવી પણ ક્ષણ આવી નહીં કે, પૃથ્વીને પાછળ કંઈક બની રહ્યું છે એવી શંકા થાય.

પૃથ્વી તો હજુ પણ આનંદમાં તરબોળ થઈ સમુદ્રકને વધામણી આપવા આગળ વધી રહી હતી. એને વિશ્વાસ હતો કે, હવે એમનું જીવન પૂર્ણ બની ગયું છે. પરંતુ એ વિશ્વાસની પાછળ એક નિર્દય વિયોગ જન્મ લઈ રહ્યો હતો.

સમુદ્રક ધીમે ધીમે ત્યાંથી દૂર નીકળી ગયો. એણે એટલી ચતુરાઈથી આ બધું કર્યું કે, પૃથ્વીને એની ભણક પણ ન લાગી. ક્યારે એ એકલી પડી ગઈ, ક્યારે એના બંને પુત્રો એની નજરથી દૂર થઈ ગયા, એનો અહેસાસ પણ એને થયો નહીં‌.

થોડા ક્ષણ પહેલાં જે સ્થાન માતૃત્વના આનંદથી ઝળહળતું હતું, એ જ સ્થાન હવે અજાણતાં વિયોગની છાયામાં ડૂબી રહ્યું હતું. અને પૃથ્વ હજુ પણ એ જ ભોળા વિશ્વાસ સાથે સમુદ્રકને શોધવા આગળ વધી રહી હતી.

સમુદ્રાકાર બનેલી પૃથ્વીના અંતરંગમાં સંયોગ હતો. અને બહિરંગમાં સમુદ્રકનો વિયોગ હતો. એટલે કે એ બંન્ને આત્માથી જોડાયેલા જ હતાં. તેથી એ જાણતી હતી કે, સમુદ્રક આમ એને તરછોડીને ક્યાંય જાય નહીં. તે દરિયાની એક એક જગામાં સમુદ્રકને શોધવાં લાગી ગઈ હતી. ક્યાંય પણ નજર ના આવવા છતાં પણ સમુદ્રકનો આત્મા પોતાની નજીક હોય એવું એ અનુભવી રહી હતી. આખી સૃષ્ટિમાં ચક્કર લગાવી એ કહેતી રહી,

"સમુદ્રક, સમુદ્રક તમે ક્યાં છો? 

મારાં પુત્રો મને સોંપી દયો. હું પુત્રો વિયોગે એકલી જીવી નહીં શકું..!

પૃથ્વીનો આક્રંદ હવે માત્ર એક માતાનો રોદન નહોતો રહ્યો. એ આખી સૃષ્ટિના હૃદયમાં પડતી ચીર જેવી પીડા બની ગયો હતો. સમુદ્રની અસીમ તરંગો વચ્ચે પૃથ્વી એકલી ભટકી રહી હતી. એના વિશાળ નેત્રોમાંથી વહેતા અશ્રુઓ વરસાદ બનીને આકાશમાંથી વરસવા લાગ્યા હતાં. દરેક બુંદમાં એક જ પોકાર હતી.

“સમુદ્રક…!
મારા પુત્રો મને પાછા આપો…!”.

એની આ વ્યથા સાંભળી આકાશ પણ નિર્જીવ બની ગયું હતું. ચંદ્રની ચાંદની ધૂંધળી પડી ગઈ હતી. પવનમાં કરુણ ચીસો ભળવા લાગી હતી.

પૃથ્વી જ્યાં જ્યાં પગ મૂકતી ત્યાં ધરા ધ્રૂજી ઉઠતી હતી.
પર્વતોમાં ભંગાણ પડવા લાગ્યાં હતાં. કારણ કે, પૃથ્વીનું હૃદય જ તૂટી ગયું હતું. માતૃત્વનો વિયોગ સૃષ્ટિનું સૌથી ભયંકર દુઃખ કહેવાય છે. અને આજ એ દુઃખ પૃથ્વી સહન કરી રહી હતી.

એ જ સમયે સમુદ્રની અંદર અચાનક ભયંકર વાવાઝોડું ઊઠ્યું. સમુદ્રના જળમાં અજાણી કંપન ફેલાઈ ગઈ.
સમુદ્રક તરત સમજી ગયો કે.

“પૃથ્વીનુ રુદન હવે દેવલોક સુધી પહોંચી ગયું છે.”.

દેવલોકમાં પણ ચિંતા વધવા લાગી હતી.
ઈન્દ્ર દેવ ચિંતિત થઈ બોલ્યા.

ઈન્દ્ર દેવ : “પ્રભુ…!‌ પૃથ્વીનો શોક આખી સૃષ્ટિને અસ્થિર કરી રહ્યો છે. જો આ વ્યથા વધુ વધી તો પ્રકૃતિ પોતે જ વિનાશનું રૂપ ધારણ કરી લેશે.”

વિષ્ણુ ભગવાન ગંભીર સ્વરે બોલ્યા.

વિષ્ણુ : “માતાનું હૃદય સૌથી વિશાળ હોય છે.
પરંતુ જ્યારે એ જ હૃદય તૂટી જાય ત્યારે સર્જન પણ કંપી ઉઠે છે. સમુદ્રકે પ્રેમને સ્વાર્થમાં ફેરવી દીધો છે.
એણે પૃથ્વીના વિશ્વાસનો ભંગ કર્યો છે. અને વિશ્વાસઘાતનું પરિણામ હંમેશા ભયંકર જ હોય છે.”

સમુદ્રકના આમ કરવાનું કારણ કોઈ હજુ સુધી સમજી શક્યું ન હતું.

પૃથ્વી વ્યાકુળ બની આકાશ તરફ જોઈને પોકારી ઊઠી,
“સમુદ્રક…! મારી સામે પ્રગટ થાઓ. તમારા દર્શન વગર મારા હૃદયનો આ અગ્નિ શાંત નહીં થાય. હું અંતિમ શ્વાસ સુધી તમારી રાહ જોઈશ. તમે મુશ્કેલીમાં છો? તમારી લાગણી ખોટી હોઈ નહીં. તમારા વિયોગે હું સંપૂર્ણ એકલી પડી ગઈ છું. દેવતાઓનો વિરોધ કરીને મેં આ પ્રેમ સ્વીકાર્યો હતો. હવે મને સાંત્વના આપનાર પણ કોઈ નથી.”

પણ કેટલુંય રડવા છતાં સમુદ્રક ક્યાંય દેખાયો નહીં. અંતે પૃથ્વી આંસુઓ સાથે હિમાલય પર મહાદેવ પાસે પહોંચી.

મહાદેવનો ક્રોધ ભયંકર હતો, એ બોલ્યાં,
“આ બધું દૈત્યોની ચાલ હતી, તારો માત્ર ઉપયોગ થયો છે. તારી એક ભૂલે દેવતાઓનું ભવિષ્ય જોખમમાં મૂકી દીધું. તું પ્રેમને ઓળખી ન શકી અને પોતાની જ હાથે વિનાશનો માર્ગ પસંદ કર્યો.”

ક્રોધમાં મહાદેવે પૃથ્વીને પાતાળમાં જવાનો શ્રાપ આપ્યો.
“તું ફરી સ્વર્ગમાં પાછી આવી શકશે નહીં. અને પાતાળમાં પહોંચતાં જ તું આ બધું ભૂલી જઈશ.”

આ સાંભળીને પૃથ્વીનું માતૃત્વ તૂટી પડ્યું,
“પ્રભુ… મેં બે પુત્રોને જન્મ આપ્યો છે. મને મારા સંતાનો સુધી પહોંચવા દયા કરો. જો હું બધું ભૂલી જઈશ, તો મારા બાળકો પર મમતા કોણ વરસાવશે?”

પણ મહાદેવનો નિર્ણય અડગ રહ્યો.

આ બધું જોઈ પાર્વતીજીનું હૃદય દ્રવી ઉઠ્યું, એક માતાની પીડા બીજી માતાથી ક્યાં સહન થાય? તેમણે પૃથ્વીના આંસુઓમાં એક વિખૂટી પડેલી માની તડપ જોઈ.

પૃથ્વી રડતાં રડતાં બોલી,
“મને ખબર જ ન હતી કે દૈત્યો મારા મનને ચલાવી રહ્યા હતા. હું તો માત્ર સમુદ્રકને પ્રેમ કરતી હતી.”

મહાદેવે ગંભીર સ્વરે કહ્યું,
“પ્રેમ અંધ હોઈ શકે, પરંતુ દેવીનું કર્તવ્ય અંધ ન હોવું જોઈએ. તું ધરતી મા છે! ભવિષ્યમાં અબજો મનુષ્યોનો ભાર તારે વહન કરવો છે. જો તું વારંવાર મોહમાં પડીશ, તો દરેક યુગ વિનાશમાં ફેરવાઈ જશે.”

પૃથ્વી હવે તૂટી ચૂકી હતી,
“હા મહાદેવ…! હું મારી ભૂલ સ્વીકારું છું.દેવી પદ મળ્યા પછી પણ હું તેની ગરિમા સમજી શકી નહીં. સમુદ્રના પ્રેમમાં હું એટલી વહેતી ગઈ કે પોતાનું અસ્તિત્વ જ ગુમાવી બેઠી. દુઃખો ભૂલવા ગઈ હતી, પરંતુ બદલામાં બેવફાઈ મળી! સમુદ્રકે મને જીવતી જ ડૂબાડી દીધી.”

થોડું થંભીને એ ફરી બોલી,
મહાદેવ મને માફ કરી દો, ‘છોરું કછોરું થાય, પરંતુ માવતર કમાવતર ન થાય.’ 

આટલું કરગરવા છતાં પણ મહાદેવ એકના બે ન થયા.

પૃથ્વી : "આજે મને સૌથી વધુ અફસોસ એ વાતનો છે કે હું એક સારી માતા બની શકી નહીં. પૃથ્વીવાસીઓ મારાં બધાં સંતાનો ને મેં મોતના મુખમાં પહોંચાડ્યા. તો મારું કેમ સારું થાય, એટલે જ હું મારા જ સંતાનોને ખોઈ ‌બેઠી.

મહાદેવ:  "કોઈ વાતનો શોક કર્યા વગર તું અહીંથી સીધી પાતાળલોકમાં જા! તું વિલંબ કર્યા વગર જલ્દી અહીંથી હવે નીકળી જા...!"

(ક્રમશઃ)

- હેતલ ઘેટીયા 'કૃષ્ણપ્રિયા'✍️