Nilkrishna - 1 books and stories free download online pdf in Gujarati

નિલક્રિષ્ના - ભાગ 1

'જય શ્રી કૃષ્ણ' વાંચક મિત્રો,
આજ એક ન્યુ ધારાવાહિક નિલક્રિષ્નામાં પ્રવેશ કરવા જઇ રહી છું.વાંચક મિત્રો અહીં સુધી પહોંચવા માટે તમારો સાથ,સહકાર મને હંમેશા મળતો‌ રહ્યો છે.અને આગળ પણ મળતો રહે એવી અપેક્ષા સાથે મનમાં આશા ભરી થોડું આગળ વધી રહી છું.

આ વાર્તા પૂર્ણતઃ કાલ્પનિક છે.આ વાર્તામાં કોઈ જાતિ, ધર્મ,વ્યક્તિ,વસ્તુ કે સ્થાનનું નિર્દેશ કરવામાં આવ્યું નથી.આ વાર્તાનાં પુર્ણતહ કોપી રાઈટ ફક્ત મારાં હાથમાં જ છે.આ વાર્તાની કોઈએ કોપી કરવાની કોશિશ કરવી નહીં.

ભાગ-૧



सौराष्ट्रे सोमनाथं च श्रीशैले मल्लिकार्जुनम्।
उज्जयिन्यां महाकालं ओम्कारम् अमलेश्वरम्॥
परल्यां वैद्यनाथं च डाकिन्यां भीमशङ्करम्।
सेतुबन्धे तु रामेशं नागेशं दारुकावने॥

આજ પ્રાંત:કાળ સોમનાથ મંદિરમાં જળ,તેલ અને દૂધની ધારાઓથી શિવલીંગ પર અભિષેક કર્યાં બાદ, પુષ્પોનાં શણગાર પહેરાવી,અનેક સુગન્ધિત દ્રવ્યો છાંટીને મહાદેવને અલંકૃત કરવામાં આવી રહ્યાં હતાં.વહેલી પરોઢના કામકાજ હજું તો બાકી હતાં,તા ઝાઝ મંજીરા, મૃદંગ, શંખ,ભેરી,ઢોલ,નગારા,શૃંગવાદ્યો ને વાજીંત્રોની ધ્વનિથી આખું આકાશ ગુંજી ઉઠ્યું હતું.

આજ થોડો વહેલો સોમનાથ મંદિરમાં મહાદેવની આરતીનો ઘંટનાદ સંભળાવવા લાગ્યો હતો.આ વાજીંત્રોનો અવાજ વાતાવરણમાં એટલો ગુંજી ઉઠ્યો કે,એની હરકોઈ ને જાણ થવા લાગી હતી.આમ થતાં બધાં જ ગામલોકો સઘળાં કામકાજ છોડીને મંદિર તરફ જવા માટે રવાના થઇ રહ્યાં હતાં.આ વાજીંત્રોની ગૂંજ સાથે એક વાંસળીનો મધુર સૂર એજ તાલે વાતાવરણમાં એવો ગુંજ્યો હતો કે,એ તરફ જલ્દી પહોંચવાની લગન સાથે ધરા ઉતાવળી ચાલી રહી હતી.

આજ‌ ઘરથી મંદિર સુધી પહોંચતાં ધરાને એવું લાગતું હતું કે, "આંખો પરથી કોઈ ધૂમાડાયુક્ત માયાજનિત આવરણ દૂર થઇ રહ્યું હોય,ને બંધી ઈન્દ્રિયો પર સંયમ રાખી મન પરમાત્મામાં લીન જાણે વાંસળીનાં નાદ છોડતું હોય."એમ મગ્ન થય જતું ધરાનું મન આ સૂર પાછળ ઘેલું થઇ દોડી રહ્યું હતું.

એ સૂર સાથે લીન‌ થયેલી ધરા ચાલતાં ચાલતાં મંદિરમાં દર્શન માટેની લાઈનનાં છેડે અડીને ઉભી રહી ગઈ. હજું પણ એ આગળ જવા માંગતી હતી,પરંતુ ભીડના‌ કારણે એ આગળ વધી શકી નહીં.

આ રોજનું થયું,મંદિરમાં આ સમયે લોકોનાં ટોળાંઓ સાથે બહું ભીડ જામેલી જ રહેતી.બધાને સવાર સવારમાં મહાદેવના સાનિધ્યમાં પહોંચવાની ઉતાવળ રહેતી જ હતી."ઉતાવળ કેમ ન રહે પ્રભુ ચરણનો સ્પર્શ કરવામાં વ્યાકુળ થય જવું એજ‌ જીવ ને શિવનુ સાચું મિલન!ભલે થોડીવાર પુરતું ધ્યાન,પણ છે તો એ પ્રભુમય જ ને...!"

આ ધક્કામુક્કીમાં લાઈન આગળ વધી રહી હતી.દર્શન ખુલતાની સાથે જ ધરા પણ આગળ ચાલ્યા વગર જ આપોઆપ એ ધક્કામુક્કીમાં આગળ ધકેલાય રહી હતી. એનું ધ્યાન આમાં ક્યાંય હતું જ નહીં.એની નજર અને કાન બંને આરતી સમાપ્ત થય જવા છતાં એ સાંભળેલાં સૂરને શોધી રહ્યા હતા.મંત્રોચ્ચાર ને ધૂન-ભજનથી બધાં સાધુસંતો,મહા તપસ્વીઓ ને મનુષ્યો થોડા સમય માટે;વિવિધ વિષયોની તૃષ્ણા નષ્ટ કરી આ પ્રભુ ચરણમાં નતમસ્તક થય રહ્યાં હતાં.આ દ્રશ્ય ધરાના સ્મૃતિપટ પર રોજ છવાયેલું રહેતું હતું.એને પ્રભુમય વાતાવરણ વચ્ચે બહું આનંદ મળતો હતો.આ પ્રભુમય ક્ષણ બધાં માટે દર્શન પુરતી જ સીમિત રહેતી હતી.દર્શન પછી બધાં પોતપોતાનાં કામમાં ફરી પરોવાઈ જતાં હતાં.પરંતુ ધરા એમ જલ્દીથી સંસારની માયામાં અટવાઈ જતી ન હતી.વારંવાર એ એનાં જ મનને પુછ્યાં કરતી હતી કે,

"કેમ હું કોઈ વસ્તુમાં મોહ રાખી શકતી નથી?"

મનને સંસારમાં રાખવા માટે કેટલીયે વાર પ્રયત્ન કરતી હતી. એ એનાં મનની સાથે કટુ કટાક્ષ કરીને પણ વારંવાર પ્રભુમાંથી વિચલિત રાખવાની કોશિશ કરતી હતી. છતાં, પણ એ લગીરેય ચલિત થતું ન‌ હતું.

દર્શન પુરાં થવાથી હવે ધરાને કોઈ મંદીરમાં દેખાઈ રહ્યું
ન હતું.આજ ઘરે જવાનું મન તો એને બીલકુલ થતું જ ન હતું.છતાં પણ, એણે મન પર થોડો દબાવ કરી ઘર તરફ જતાં રસ્તે જવાની કોશિશ કરી.વારંવાર પાછળ ફરીને એ જોઈ રહી હતી કે,"એકેય ગલી‌ નાકામાં કે પોતાની આસપાસ કોઈ વાંસળી વગાડવા વાળો દેખાતો નથી ને !"

એમ‌ બધી દિશાઓમાં જોતાં જોતાં એ ઘરે પહોંચી ગઈ.ઘરનો દરવાજો ખોલ્યો અને અંદર પ્રવેશી ત્યાં જ એક પુરજોશથી ધગધગતા કોલસાનો ઘા એની તરફ આવ્યો.એ ઘા એનાં માથાંમાં જ ટચ થવાનો હતો ત્યાં જ થોડે દૂર એ સ્થિર રહી નીચે પડી ગયો.એમ થતાં એ વીચારમાં પડી ગઈ કે,

"મારાં શરીરને તો આવાં ધગધગતા ઘા સહેવાની આદત છે.ને આજ અચાનક એક ઘા ઓછો કેમ પડ્યો.
હર હર મહાદેવ...!"

એમ કહી એ આગળ વધી અને પોતાનું બાકી રહેલા કામમાં નજર કરી ફટાફટ પુરું કરવામાં વ્યસ્ત થઇ ગઈ.

‌ ઘરે પહોંચ્યા પછી પણ એજ વિચાર એજ સૂર ઘરાના મનમાં ગુંજતા રહ્યા હતાં.કામ કરતાં કરતાં પાગલોની જેમ પોતાના કાન હાથથી દબાવીને એમાંથી એણે નીકળવાની વારંવાર કોશિશ કરી,છતાં પણ એ સૂર એકધારા ગૂંજતા જ હતાં.એને આ શું થય રહ્યું છે એ ખુદ પણ હવે સમજી શકતી ન હતી. આમ વિચારમાં ને વિચારમાં આખી રાત નિકળી ગઈ.વહેલી પરોઢે ઉઠતાં જ એને થયું હતું કે, "જે થાય છે એ બધો એક ભ્રમ છે."એમ માની થયેલું બધું રાતનું સપનું સમજી એ ભુલી જવાનું વિચારી રહી હતી.

અને એનું બીજું મન કહેતું હતું કે,

"ફટાફટ ઘરનાં કામ પતાવી આ ઘંટનાદ વાગે એ પહેલાં મંદિર તરફ પ્રયાણ કરી લઉં."

આ વિચાર સાથે જ એને એકાએક કામ કરવાનું શરૂ કરી દીધું હતું.

‌‌ ઘરકામ પૂર્ણ કર્યા પછી ધરા ધીમેથી ઘરનો દરવાજો ‌ખોલી બહાર નિકળી ગઈ.એ ઘરથી મંદિર સુધીનાં આખાં રસ્તે જોતી રહી હતી કે,

"પોતાનાં કાન સુધી પહોંચતાં એ સૂર ક્યાં કંઈ જગાથી આવે છે અને ક્યાંથી આવીને કાને અથડાઈ છે,"

જેનો જવાબ એને જોતો હતો એવું આખાં રસ્તે કંઈજ એને દેખાયું નહીં.ઘણો‌ રસ્તો પસાર કર્યા પછી એ આંખો ઉપાડી જમીન પરથી ઉંચી નજર કરી રહી હતી, ત્યાં જ સુર્યોદય થવાથી એની નજર સામે જ એક અલગ પ્રકાશનું અજવાળું મંદિરની દિશા તરફ પથરાતુ દેખાઈ રહ્યું હતું.

એ કંઈ વિચારે એ પહેલાં આ અજવાળાં સાથે જ પ્રાતઃકાળની આરતીનો ઘંટનાદ સંભળાવવા લાગ્યો.અને પહેલો વાંસળીનો સૂર એનાં કાને આજ ફરીથી અથડાવા લાગ્યો.

ત્યારે એ મંદિરનાં બીજે ખૂણે એ સૂરને શોધતી પહોંચી ગઈ હતી.એણે તરત જ પોતાની દિશા બદલી ને આવતા નાદની તલાશમાં ફરી આગળ વધવા લાગી. આમ,ધેલી બની એ મંદિરમાં દર્શન માટે પ્રવેશવાને બદલે એ સૂર સુધી પહોંચતાં તારે તારે ચાલવા લાગી ગઈ હતી.

સાંકળી ગલીનો રસ્તો પૂરો થતાં મંદિરનાં નિચાણવાળા ભાગમાં ઢાળ હતો.તેથી થોડુંક આગળ ચાલ્યા બાદ ધરાનાં પગ આપોઆપ જલ્દીથી આગળ ધપવા લાગ્યા હતાં.તેથી તેની ચાલવાની ગતિ આપોઆપ વધવા લાગી ગઈ હતી.એ ઢાળ ઉતરતાંની સાથે જ સામે અખાટ અરબ મહાસાગર પથરાયેલો હતો. છતાં પણ મનોમન એ ગુંજતા સ્વર સાથે દોડતી એનાં પગને વિશાળ સમુદ્રને ઓળંગતા પણ એ રોકી શકી નહીં.



આમ કરતાં એ સમુદ્રની સાવ નજીક આવી પહોંચી હતી.એતો એ સૂર પાછળ એટલી ઘેલી થઈ ગઈ હતી કે તેને ખબર જ ન પડી કે, "પોતે જમીન પર નહીં હવે સમુદ્રમાં ચાલી રહી છે."

વાંસળીનાં નાદનાં ઉદભવ સ્થાન સુધી પહોંચવામાં એ સફળ તો થઇ ગઈ હતી.એની સાથે એનું મન પણ સમુદ્રમાંથી આવતા એ સુરને સ્પર્શવા લાગી ગયું હતું.એ નાદનું ઉદભવ સ્થાન મળતા હવે એનાં હૈયામાં સહેજ શાતા વળી હતી. સમુદ્રનાં વધું ઉંડાણે પહોંચતા એને ભાન થયું કે, "પોતે સમુદ્રમાં છે." આમ,ખબર પડવા છતાં પણ એ સમુદ્રની સપાટીની ગહેરાયોનું નિરીક્ષણ કરવા લાગી ગઈ હતી. કેમ કે, એ સૂર દરિયાઈ માર્ગે જતાં ક્યાં સ્થાનને અડે છે. એ હવે જાણવાની કોશિશ કરી રહી હતી.થોડાં જ સમયમાં એ જગાએથી એ પરત ઘર તરફ જવા નીકળી ગઈ હતી.

***********

આમ,રોજ પ્રાતઃકાળની આરતી પછી ધરા મંદીરના પટાંગણમાં એકાદ કલાક મનસ્થિર રાખી બેસી રહેતી હતી.ત્યાંથી દેખાતાં આ સમુદ્ર તરફ નજર રાખી એની લહેરોમાં ખોવાતી અને એ વાંસળીનાં નાદની ગહેરાયને માપતી રહેતી હતી.હવે તો દિવસો જતાં ધ્યાનથી સાંભળતા એ વાંસળીનો નાદનું ઉદભવ સ્થાન એનાં મનમાં નક્કી થઈ ગયું હતું.

આ મધૂર વાંસળીના સૂર ધરાને પ્રાતઃકાળ આરતીનાં સમયે સંભળાવા લાગતા જ હતાં.તેથી એ આ સૂરમાં મગ્ન થય એ અદ્શ્ય શક્તિનાં મુખ માધુરીનું નિરંતર પાન કરતી,દિવસેને દિવસે તૃપ્ત થતી જતી હતી.

આ મધૂર વાંસળીના સૂર પાછળનું ગૂઢ રહસ્ય ગોતવા હવે એ મનોમન મથવા લાગી ગઈ હતી.પરંતુ,ઘણી કોશિશ કરવા છતાં એ અંનત સુધી પહોંચી શક્તી ન હતી.

"કોઈ પણ વસ્તુની લગન હોય તો એ વસ્તુ આપણને એમનેમ બેસી રહેવાથી કોઈ પીરસી નહીં જાય, કોશિશ કરવી જરૂરી બને છે." એમ વિચારી ધરા રોજ રોજ એક એક ડગલું ભરીને,એ નાદ સુધી પહોંચવા પ્રયત્ન કરતી રહેતી હતી.

ધરા આંખો બંધ કરી ચિંતન દ્વારા એ અદ્રશ્ય સ્વરૂપ પોતાના મનમાં નીહાળવા લાગી ગઈ હતી.રોજ આમ કરવાથી થોડાં જ દિવસોમાં એક ચહેરો એની નજર સામે દેખાયો.

(ક્રમશઃ)

- હેતલ ઘેટીયા "કૃષ્ણપ્રિયા"✍️


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED