આજ વાંસળીનાં સૂર ન સંભળાયા એનું કારણ જાણ્યા વગર ધરા રહી ન શકી.આમ પણ મળેલ જિંદગીએ એને બહુ દુઃખ દર્દ આપ્યું હતું,એટલે એને એ કિંમતી લાગતી ન હતી. "જે હું છુ એ પ્રભુનો જ પ્રસાદ છું."એમ વિચારી જિંદગીની પરવા કર્યા વગર સોમનાથ મહાદેવનાં મંદિરના પાછળનાં ભાગેથી નીકળી ધરાએ સમુદ્રમાં ઝંપલાવ્યુ હતું.
ત્યાં ઉભેલા હરકોઈને એમ જ થયું કે,વધું પડતાં દુઃખોથી એ ઘેરાયેલી હતી એટલે જીવ આપી દીધો.પરંતુ એનું આમ કરવા પાછળનું કારણ મને તો જુદું લાગતું હતું.
પચંડ વેગથી પવન ફુંકાવા લાગ્યો.એક વંટોળીયો ચારે દિશામાંથી વેગ વધારતો આગળ વધીને ત્યાં મંદિરનાં પટાંગણમાં બેઠેલ બાબા આર્દની ફરતે વીટળાવા લાગ્યો હતો.એવુ લાગી રહ્યું હતું કે,આવેલો વંટોળિયો આ બાબાને પણ સાથે લઈ ને જ જશે.ત્યાં ઉભેલા લોકો એ વંટોળિયાની આસપાસ આશ્વર્ય ચકીત નજરે ગોઠવાઈ ગયા હતા.ભુખ તરસ વગરનું એનુ શરીર સાવ સળી જેવું સુકલકડી થય ગયું હતું, તેથી બધાને ડર હતો કે ક્યાંક બાબાને આ વંટોળિયામાં કંઈ થય ન જાઈ! પરંતુ એ વંટોળિયો કોઈ હેતુસર ત્યાં આવ્યો હતો.એટલે કોઈ ને એનાથી નુકસાન થયું ન હતું.
આટલા વંટોળિયા વચ્ચે બાબા હજું એમ જ
ધ્યાન મગ્ન જ દેખાય રહ્યા હતાં.થોડી ક્ષણોમાં જ એ વંટોળિયો વીખાઈ ગયો. એ વંટોળ સાથે આવેલી ધૂળ ધીમે ધીમે બાબા આર્દ પર પથરાઇ ગઈ હતી.આમ થતાં ધૂળથી એનું નખશીખ શરીર ડુબી ગયું હતું.પરંતુ એને પોતાનું સ્થાન હજું સુધી છોડ્યું ન હતું.
આમ થતાં એ સાધુને અલૌકિક દષ્ટિ મળી ગઈ હતી.હમેશા ધ્યાનમાં લીન રહેતા બાબા આર્દે આજ શરીરની એ ઘૂળ પોતાનાં હાથથી હટાવી,અને તેનાં સ્થાનેથી પહેલીવાર ઉભા થતાં દેખાઈ રહ્યા હતાં.એને આમ અચાનક ધ્યાનસમાધીમાંથી નીકળેલાં જોઈને ત્યાં રહેલાં લોકો આશ્ચર્યમાં પડી ગયા હતા.
હવે એ નિલક્રિષ્નાનાં અમિત તેજસ્વી ભાવને પુર્ણ રૂપે ઓળખી ગયા હતાં.તેથી,પોતાનાં સુકલકડી શરીરને થોડું જોર લગાવી એ ઉભા થયા,ને બધા લોકો વચ્ચે આવીને પોતાના મુખેથી સરવાણી સેરવતા કહ્યું કે,
" હે ગ્રામજનો ! તમે જોયુંને કે,આ વંટોળિયો કેવો ગોળ ગોળ ફરતો હતો.એમ જ સૌની દષ્ટિ ભ્રમીત થઇ ગઇ છે.તેથી સત્યને હરકોઈ પામી શકતું નથી."
બાબાની વાતમાં ધણું ઉંડાણ હતું,આ વાત હરકોઈ માટે સમજવી અઘરી હતી.આગળ હજું વધારે કહેતા એણે કહ્યું કે,
"હું જોઈ રહ્યો છું,ધરા તો અંનતનાં છેડે સ્પર્શી રહી છે.આમ એ મૃત્યુ નહીં પામે...! એનાં દુઃખ હરવા સ્વયં મોરલી મનોહર આવશે! હજું તો એ ઘણાં બધાં કષ્ટો પડતા પણ જીવશે.જો એનું અહિત કરવાંનું હવે કોઈ વિચારશે, તો એને ધરા રૂપી બનેલી દુઃખોની ચટ્ટાન સામે ટકરાવુ પડશે. માણસ હંમેશાં બહાર જ શોધે છે શાંતિ! એટલે જ બધાના જીવનની ઉર્જા બહાર વહી ગઈ છે.સુકૂનની દોડમાં શક્તિ વપરાય જાય છે.
સુકૂન બહારનાં કોઈ વ્યક્તિ, વસ્તુ કે પૈસાથી મળવું અશક્ય છે.સુકૂન પોતાની અંદર જ છે. ધરાએ આ સમુદ્રમાં નહીં પોતાના ભીતરમાં છલાંગ લગાવી છે.પુર્ણની વ્યાખ્યા કદાચ એ સમજી ચુકી છે...!"
ત્યાં ઉપસ્થિત લોકોમાંથી કોઈએ કહ્યું, "બાબા તમારી વાતો સાંભળી મારા મનની અજ્ઞાનતા દૂર થાય છે. પૂર્ણ એટલે શું ? એ જાણવા હું અધીર છું. બાબા શું સાચે જ ધરા જીવંત છે ?"
એ માણસનાં માથાં પર હાથ મૂકી આશીર્વાદ આપી બાબાએ એને પુર્ણની વ્યાખ્યા હળવેકથી સમજાવતાં કહ્યું કે,
" પુત્ર ! પુર્ણની વ્યાખ્યા બે રીતે થાય છે.એક કા તો બધું જ ખાલી થઈ જાય કંઈ જ ન બચે સાવ અવકાશ જ મળે એ પુર્ણ. બીજું તમામ વસ્તુઓ સમાવી લેવામાં આવે પાછળ કંઈ ન બચે એ પુર્ણ. ભીતરનો ઘડો કા સાવ ખાલી કરો, કા સાવ ભરી દો. પછી તમે પુર્ણ પુરૂષોત્તમને તમારી અંદર જ જોઈ શક્શો. કદાચ ધરાને પણ આ પુર્ણની પ્રાપ્તિ થઈ ચૂકી છે ! "
બાબા આમ પોતાની સરવાણી કહી ફરી ધ્યાનમાં લીન થઇ ગયા હતા.
****************
ગરીબીની રેખા નીચે રહેતી આ સોમનાથની ધરાની વાત દિવસે ને દિવસે અદ્ભૂત અને રહસ્યમયી બનતી જતી હતી.આવી દુઃખદ ધટના બન્યાં બાદ એજ વિષય સાથે લોકોમાં કોલાહલ રહેતો હતો.
ધરાનાં સમુદ્રમાં છલાંગ માર્યા બાદ આસપાસ મોજુદ લોકો એને બચાવવા પણ દોડ્યા હતા.પરંતુ એ હાથમાં ન આવી હતી.ફાયરબ્રિગેડનાં જવાનોએ રેસ્કયુ કરી એને સમુદ્રમાં જગા જગાએ શોધવાની કોશિશ કરી હતી.આ રેસ્કયુ વખતે ટીમનો એક જવાન પથ્થર પર ટકરાતાં એની લાઈફ બેંગનો બેલ્ટ તુટી ગયો,ને એની બેંગ પાણીમાં ગરકાવ થઇ ગઈ હતી.આમ થવાથી એની સાથે રહેલાં બીજા જવાને એની જાન બચાવી લીધી હતી. પરંતુ ધરાનો કોઈ અતો પતો નહોતો મળ્યો.રેસક્યુ કર્યા પછી પણ લાશ હાથમાં ન આવતાં એવું લાગ્યું કે,
"સમુદ્રની ગહેરાઈમાં એનો ગરકાવ થય ગયો હશે,અથવા તો કોઈ જળચર પ્રાણી એને ગળી ગયું હશે."
આમ કહીને મોટા રેસ્કયુ પછી ધરા ન મળતાં એને મૃતક સાબીત કરી દેવામા આવી હતી.
ગામ લોકોને એવું લાગતું હતુ કે, "દુઃખોથી ઘેરાયેલી હોવાથી એને કમોત કર્યું છે." પરંતુ હું જાણતી હતી કે ભલે ગમે તેટલુ દુઃખોથી ભરેલું એનું જીવન હોય એને ઓળંગવા એ રોજ નવો રસ્તો ગોતવાની કોશિશ કરતી જ હતી.અને એ કોઈ પણ સ્થિતિમાં જીવ્યે જતી હતી.
જ્યાં સુધી હું એને ઓળખતી હતી ત્યાં સુધી એ એવું કંઈજ કરી શકે એમ ન હતી.એને ઘણાં દુઃખો વચ્ચે પણ વિશ્વાસ હતો,
"આગળ ક્યાંક બહાર નિકળવાનો રસ્તો ખુલતો હશે."
એમ વિચારી પોતાની મળેલી કિસ્મતથી એ મક્ક્મ હતી.
"તો આજ એ આવું થોડું કરી શકે?"
આ નાદ જાણે એના દુઃખી જીવનમાં સંગીત ભરતો હોય એમ એનાં મનનાં છેડે સ્પર્શી ગયો હતો.
"એ નાદને પામવા જ કદાચ એણે સમુદ્રમાં ઝંપલાવ્યું હશે."
"શું એને મૃત્યુ તો નહીં ભેટી જાઈ ને?"
"ક્યાં,કેમ અને કંઈ રીતે ધરા એ બધાં પ્રશ્ર્નો ઉકેલી શકશે." આમ ધરા વીશે વધું વીચારતા હું કંપી ઉઠતી હતી.
ધરાનાં મતે મૃત્યુ જીવનનો અંત નથી, એ મને ખબર જ હતી.અનેક દુઃખોના ભારામાં ગમે તે પરિસ્થિતિમાં મૃત્યુ સામે ઝઝુમી રહેતી એ હંમેશા મને કહેતી હતી કે,
"આજ હારીને મૃત્યુને ગળે લગાવીશું,તો બીજા જન્મમાં ત્યાંથી જ ફરી એકળો ઘૂંટવો પડશે.એટલા માટે કોશિશ કરી ગમે તે સ્થિતીમાં આગળ ડગ માંડી જીવતાં રહેવું જોઈએ. જીવનનાં રસ્તા ક્યાંય અટકતા નથી ને ક્યારેય કોઈને અટકવવા દેતાં પણ નથી.જો માણસનું મન પોતે બાંધેલી દિવાલ તોડી આગળ વધવાની કોશિશ કરે તો કંઇ જ અશક્ય નથી.બસ,રસ્તાઓ બદલવા માટે હિંમત આપણી ખુદની હોવી જોઈએ.કોશિશ કર્યા પછી પણ હાર મળે તો એ કિસ્મત ! કિસ્મતથી લડીને જીવવું એજ જીવનની સાર્થકતા."
આવાં દ્ઢ વિચારો ધરાવતી સ્ત્રી કોઈ કારણોસર આવું કરી જ શકે નહીં.બધાએ ગમે એટલું કહ્યું પરંતુ હું માની જ નહીં કે,કોઈ દિવસ એ આવું કરે જ નહીં, આમ કરવા પાછળનું એનું કારણ હું સમજી ગઈ હતી.એ નાદ જ એને આ દરિયામાં ખેંચી ગયો હતો.સાચુ જ કહ્યું હતું પહેલાં સાધુબાબાએ કે, "એને મૃત્યુ આમ ન આવે.મોરલી મનોહરને મળી ને જ આવે."
હાલક ડોલક થતી ધરાની નાવ અને શુન્ય અસ્તિત્વ છતાં શિખર પર પહોંચતી આશાઓ.આ બધું મારા મનને પણ સ્પર્શી રહ્યું હતું.
હતો રસ્તો એક માર્ગીય છતાં એમાં પસાર થવાનો રસ્તો ગોતી રહી હતી.હું હવે બાબા આર્દની ગહન વાતોથી સમજી ગઈ હતી કે,
"ધરા જીવે છે.પરંતુ મનને એક જ સવાલ કોરી ખાતો હતો કે નિલક્રિષ્ના એનાં મનનું કાલ્પનિક પાત્ર જેણે ધરાએ જોયું પણ ન હતું. અને એનાં માટે એ પોતાનાં જીવની લેશમાત્ર પરવા કર્યા વગર, એ આવી છલાંગ કેમ લગાવી શકે ?
એ વાત સમજવી મને અઘરી લાગતી હતી.જો કે હું આ બાબા જેવી જ્ઞાની ન હતી.એટલે કદાચ મારા માટે સમજવું અધરું પડતું હતું.
"એકબીજાને જાણ્યાં,જોયા વગર સાવ કેવાં અજાણ આ બન્ને પાત્રો,છતાં લાગણીઓની આ અનોખી ધારે છે જોને કેવી પ્રેમની રસધાર."
નિલક્રિષ્ના અને ધરા વચ્ચેનો લગાવ જાણવા માટે મારી જ અંદરનાં વમળોમાં ખોવાઈ જતી હતી.
આખરે મને કોઈ રસ્તો ન મળતાં ધરા સુધી પહોંચવા માટે, ફરી હું એ બાબા આર્દ પાસે જ આવી પહોંચી. બાબાએ મને ધરા સુધી પહોંચવા માટે ધ્યાન લગાવવાનું કહ્યું. પરંતુ કોઈ કારણોસર વારંવાર મારું ધ્યાન હટી જતું હતું.
બાબા સમજી ગયા અને મને સમજાવવા માટે ધ્યાનનું આખું લીસ્ટ ખોલ્યું અને કહેવા લાગ્યા કે, " ધ્યાન ૧૦૮ પ્રકારનાં છે. એમાંથી ક્યું ધ્યાન તમને અનુકૂળ છે એ જાણીને જ કરવું જોઈએ.આ બંધી વાતો પર ચિંતન કરીને પ્રથમ તમારી પોતાની પ્રકૃતિ ઓળખી ધ્યાનની પસંદગી કરવી જોઈએ.સાચું ધ્યાન લાગે તો જ સાચો માર્ગ દેખાઈ, નહીં તો નુકસાન થાય."
બાબા આર્દનાં કહેવા પ્રમાણે મેં મારી પ્રકૃતિ ઓળખી પછી ધ્યાન લગાવ્યું.સાચું ધ્યાન લાગતા જ મેં જોયું કે,
( ક્રમશઃ)
- કૃષ્ણપ્રિયા ✍️