અસુરરાજ કેતુક : "તું ચિંતા ન કર વૃજા. આપણું મગશદ એક જ થયું. અસુર પુત્ર ને પૃથ્વી ની કોખે જન્મતા કોઈ રોકી નહીં શકે. હવે તો આપણા હાથમાં વિજય જ વિજય છે."
વૃજાનાં હોઠો પર એવી ભયંકર સ્મિત ફેલાઈ ગઈ કે આસપાસ ઊભેલા દૈત્યોનાં ચહેરા પણ ક્રૂર આનંદથી ચમકી ઊઠ્યાં. અસુર લોકમાં અંદર સળગતી અગ્નિજ્વાળાઓ અચાનક વધુ પ્રચંડ બની. ત્રિનવર્ત ધીમે ધીમે આગળ વધ્યો. એની આંખોમાં કાળો ધુમાડો તરતો દેખાતો હતો. એ બોલવા લાગ્યો,
ત્રિનવર્ત : "જ્યારે એ દૈત્યપુત્ર જન્મ લેશે. ત્યારે પૃથ્વીનું સંતુલન જ તૂટી જશે. એ બાળક માત્ર દૈત્ય નહીં હોય. એ તો અસુરશક્તિઓનું જીવતું કેન્દ્ર હશે. એની અંદર હજારો બલિદાનોથી જન્મેલી શક્તિ ધબકતી હશે.
આમ એનાં બોલતા જ અચાનક આકાશમાં વીજળીના ભયંકર કડાકા ગૂંજવા લાગ્યા. પવનમાં અજાણી સીસકારીઓ ભળવા લાગી. જાણે પ્રકૃતિ પોતે જ આ અમંગળ સંકેતોને અનુભવતી હોય.
એ જ સમયે દૈત્ય લોકમાં ઉભેલી વૃજા ફરી વિકરાળ હાસ્ય કરવા લાગી.
વૃજા : "જ્યારે મનુષ્ય પોતાનાં હૃદયમાંથી પ્રેમ ગુમાવી દેશે. ત્યારે એ સરળતાથી દૈત્ય બની જશે. પછી યુદ્ધ કરવાની જરૂર જ નહીં રહે. મનુષ્ય પોતે જ પૃથ્વીને નર્ક બનાવી દેશે.".
અસુરરાજ કેતુકે પોતાનો વિશાળ હાથ આકાશ તરફ ઊંચો કર્યો..
અસુરરાજ કેતુક : "અમે માત્ર શરીરો પર નહીં. મન પર કબજો કરવા માગીએ છીએ. એકવાર મનુષ્યની અંદર અસુરવૃત્તિ જાગી જશે. પછી દેવતાઓની પૂજા કોણ કરશે...? મંદિરો ખાલી થઈ જશે. અને દરેક મનુષ્ય પોતાના સ્વાર્થ માટે જીવશે. એ દિવસથી પૃથ્વી પર દૈત્યોનું શાશ્વત સામ્રાજ્ય શરૂ થશે.".
આ શબ્દો સાથે આખો અસુરલોક ભયંકર ગર્જનાથી ધ્રુજી ઉઠી. દિવાલોમાંથી કાળો ધુમાડો બહાર આવવા લાગ્યો. જમીન પર બનેલા યજ્ઞચક્રમાંથી લોહી જેવી લાલ પ્રકાશરેખાઓ ફાટી નીકળવા લાગી. ભયંકર શક્તિ પૃથ્વીના ગર્ભમાં જાગવા જઈ રહી હતી.
અને એ બધાની વચ્ચે અસૂરરાજ કેતુક શાંત ઊભા હતા. એની આંખોમાં અહંકારની અગ્નિ સળગી રહી હતી. કારણ કે એને વિશ્વાસ હતો કે. હવે કોઈ દેવતા. કોઈ ઋષિ કે કોઈ દિવ્યશક્તિ એનાં માર્ગમાં ઊભી રહી શકશે નહીં.
આ બાજુ દેવલોકમાં દેવો એકત્રિત થવા લાગ્યા.
મહાદેવ ને પોતાની વાતો જણાવવા લાગ્યા.
"આપણે હારી ગયા પ્રભુ! આપણે હારી ગયા!"
મનુષ્યોને ખતમ કરવામાં દૈત્યો ઉતીર્ણ થયા."
"હવે આપણું રાજ નહીં રહે...!"
"દૈત્યોની જીત થઇ ગઈ. શૈતાની તાકત જીતી ગઈ."
બધા દેવી દેવતાઓની શાંત કરતાં મહાદેવ અને વિષ્ણુ એક સાથે બોલ્યા,
"જ્યાં સુધી વાતાવરણમાં મનુષ્યોને બનાવવાનાં સેલ છે. ત્યાં સુધી મનુષ્યોની ઉત્પત્તિ કોઈ શૈતાન રોકી નહીં શકે. તમે નિશ્વિત થઈ જાઓ! ધરતી થોડા જ વર્ષોમાં ફરીથી મનુષ્યોથી હરીભરી થઈ જશે...! આ મિલન પછી જે વિનાશ સર્જાયું છે તે માટે અમે સૃષ્ટિના સર્જક બ્રહ્મા, વિષ્ણુ, મહેશ સૃષ્ટિ ને ફરી જીવંત કરવા શું કરવું એ વિચારી રહ્યા છીએ. અમે ક્યારેય નથી ઈચ્છતા કે, ધરતી ઉપર કોઈ આંચ આવે. એ માટે અમે કોશિશ કરી રહ્યા છીએ. અમારી કોશિશ કામયાબ થશે તો ધરતી ઉપર કોઇ આંચ નહીં આવે. અમે એ માટે જ અત્યારે યોજના બનાવી રહ્યા છીએ. અમારી આ યોજનામાં તમે બધાં દેવતાઓ પણ સાથ આપશો તો આ કાર્યમાં આપણે ચોક્કસ સફળ થઇ જશું."
દેવલોકની દિવ્ય સભામાં ગાઢ મૌન છવાયેલું હતું.
ચારેય દિશાઓમાં અજવાળું હોવા છતાં દેવતાઓના ચહેરા પર ચિંતા સ્પષ્ટ દેખાતી હતી. કારણ કે, શ્રીકૃષ્ણ એ સોમનાથમાં છુપાવેલુ સ્યામંતક મણી માત્ર દિવ્ય રત્ન નહોતું. એ આખી સૃષ્ટિના ભવિષ્યનું કેન્દ્ર હતું. એ મણિ નો ઉપયોગ પૃથ્વી પુત્ર કરી શકશે એ ભવિષ્ય કથન હતું. આ મણીમાં અપરિમિત શક્તિઓ સમાયેલ હતી.
એ સર્જન પણ કરી શકતું હતું અને વિનાશ પણ!
જેના હૃદયમાં ધર્મ, કરુણા અને સંયમ હોય, એના હાથમાં સ્યામંતક મણી આશીર્વાદ બની જતું.
પરંતુ જેના અંતરમાં અહંકાર, ક્રોધ અને અંધકાર વસતો હોય, એના માટે આ મણી પ્રલયનું કારણ બની શકતું હતું.
દેવતાઓ જાણતા હતા કે પૃથ્વી અને સમુદ્રકના સંયોગથી જન્મનાર દૈત્યપુત્ર અસાધારણ શક્તિઓનો માલિક બનશે. એના રક્તમાં સમુદ્રની ઉગ્રતા અને દૈત્યવંશની ક્રૂરતા વહેતી હશે. જો એના હાથમાં સ્યામંતક મણી આવ્યું, તો એ માત્ર રાજ્યો નહીં, પરંતુ આખી સૃષ્ટિના સંતુલનને ખંડિત કરી દેશે. એ દૈત્યપુત્ર પોતાની શક્તિ વધારવા માટે સમુદ્રોમાં તોફાનો જગાવશે, પર્વતોને ધ્વસ્ત કરશે અગ્નિને આકાશ સુધી પ્રચંડ બનાવી દેશે. માનવજાતિ ભયમાં જીવશે અને ધર્મ ધીમે ધીમે નષ્ટ થવા લાગશે.
પરંતુ દેવતાઓ માટે સૌથી મોટો પ્રશ્ન એ હતો કે,
"આ વિનાશને રોકશે કોણ?"
ત્યારે બ્રહ્માંડના અંતરમાંથી એક દિવ્ય વિચાર પ્રગટ થયો. વિનાશને માત્ર વિનાશથી નહીં, પરંતુ સમતુલાથી રોકી શકાય. અંધકાર સામે લડવા માટે પ્રકાશને પણ પૃથ્વી પર અવતરવું પડશે.કહેવત છે ને કે,"શેર સામે સવા શેર!"એવું જ કાવતરું હવે દેવોએ રચ્યું. પૃથ્વી અને સમુદ્રકનો દૈત્ય પુત્ર એ મણિનો ઉપયોગ કરી વિનાશ નોતરશે, તો દેવ પુત્ર એ વિનાશ સામે લડવા એ મણિનો ઉપયોગ કરી દૈત્યો તરફ એ તોફાન વાળી દેશે. આમ નક્કર વિચાર કર્યા પછી દેવો એ પૃથ્વીનાં ગર્ભમાં એક દેવ પુત્રનો શક્તિશાળી અંશ મુકવો એવું નક્કી કર્યું.
આ વિચાર સાથે દેવોએ નિર્ણય કર્યો કે, પૃથ્વીનાં ગર્ભમાં એક એવા દેવપુત્રનો અંશ સ્થાપિત કરવામાં આવે, જે સ્યામંતક મણીની સાચી શક્તિને સમજી શકે.
જે માત્ર શક્તિશાળી જ નહીં, પરંતુ ધર્મનિષ્ઠ અને સંયમી પણ હોય. જે પોતાના ક્રોધને નિયંત્રિત કરી શકે અને જરૂર પડે ત્યારે સમગ્ર સૃષ્ટિ માટે પોતાનું સર્વસ્વ ત્યાગી શકે.
ત્યારબાદ દેવતાઓએ પોતાના તેજનો એક અતિશય દિવ્ય અંશ એકત્રિત કર્યો. એ તેજ એટલું પ્રચંડ હતું કે, સ્વર્ગના દ્વાર કંપી ઉઠ્યાં. ચંદ્રની શીતળતા, સૂર્યનો પ્રખર તેજ, અગ્નિની જ્વાળા, વાયુની ગતિ અને સમુદ્રની ઊંડાઈ આ બધું એ દિવ્ય શક્તિમાં સમાઈ ગયું.
દેવીય શક્તિ એકઠી કરી વિષ્ણુ, મહેશ બન્ને એક થયાં. ધીરેથી હરિહર પૃથ્વીનાં ગર્ભમાં સમાયા. જ્યારે એ શક્તિ પૃથ્વીનાં ગર્ભમાં પ્રવેશી, ત્યારે સમગ્ર ધરતી ધ્રુજી ઉઠી. નદીઓની ધારા ક્ષણભર માટે થંભી ગઈ.આકાશમાં અજાણી ગર્જનાઓ સંભળાઈ, અને પૃથ્વીના હૃદયમાં એક નવી ચેતનાનો જન્મ થયો.
દેવતાઓ જાણતા હતા કે, હવે સમય આવતાં બે શક્તિઓ આમને સામને આવશે. એક તરફ દૈત્યપુત્ર હશે, જે સ્યામંતક મણીનો ઉપયોગ કરી પ્રલય સર્જવા માંગશે અને બીજી તરફ દેવપુત્ર હશે, જે એ જ મણીની શક્તિથી એ વિનાશને પાછું વાળી દેશે.
આગળનાં ભવિષ્યમાં આ યુદ્ધ વિરમન્યુ ને શિવમન્યુ બે યોદ્ધાઓ વચ્ચેનું નહી. આ ધર્મ અને અધર્મ વચ્ચેનું યુદ્ધ બનવાનું હતું. પ્રકાશ અને અંધકાર વચ્ચેનો અંતિમ સંઘર્ષ બનવાનું હતું. અને કદાચ આ જ યુદ્ધ નક્કી કરવાનું હતું કે સૃષ્ટિ બચશે કે ફરી અંધકારમાં સમાઈ જશે.
- હેતલ ઘેટીયા 'કૃષ્ણપ્રિયા' ✍️