ધરા આંખો બંધ કરીને ચિંતન દ્વારા એ અદ્રશ્ય સ્વરૂપ પોતાના મનમાં નીહાળવા લાગી ગઈ હતી.રોજ આમ કરવાથી થોડાં જ દિવસોમાં એક ચહેરો એની નજર સામે સ્પષ્ટ રીતે દેખાવા લાગ્યો હતો.એ આ પરમાનંદ સાગરમાં ધીમે ધીમે ડૂબી રહી હતી.તેની સર્વ ઇન્દ્રિયો જાણે એનાં પ્રાણને મળવા જઈ રહી હોય એમ, એ દેખાતાં સુંદર સ્વરૂપને વારંવાર પકડીને પોતાની હ્દય સાથે ચાંપવાની કોશિશ કરી રહી હતી.
નિલક્રિષ્નાના ઐશ્વર્યનું સાક્ષાત દર્શન થતાં જાણે એને બહારની વિસ્મૃતી થઇ ગઈ હોય એમ, એનું મન ભાવવિભોર થઇ રહ્યું હતું.ધરાના ચહેરાનાં ભાવો જોઈને એવુ લાગી રહ્યું હતું કે,"અત્યંત દુર્લભ હોય એવી વસ્તુ એનાં આત્માને હુબહુ મળી રહી છે." એવું એનુ રોમે-રોમ આનંદથી ખીલીને ગદગદ થઇ ઉઠ્યું હતું.વધારે સુખની અનુભૂતિ થતાં ધરાની આંખોમાંથી હરખનાં આસુ વહેવા લાગ્યા હતા.નિલક્રિષ્નાનું આ અલૌકિક સ્વરૂપ હરકોઈનાં મનને સ્પર્શી લે એવું અદ્ભૂત હતું.
"ગુલાબી હોઠો સાથે ફુલની કળી જેવું નિલક્રિષ્નાનું સુંદર મુખકમળ હળવા સ્મિતથી કેવું શોભી રહ્યું હતું.બુધ્ધીથી ધારણા કરવામાં પણ પાછાં પડીએ એવું બુધ્ધી ચાતૃર્ય મનમાં ભરી અનંતના છેડે એ ફરકી રહી હતી.કંઠથી સુરીલા સૂર સંભળાવવા માટે, ઉત્સુક હોંઠ પર રાખેલી વાંસળી કેવી થનગની રહી હતી.જાણે સર્વ વિશ્વમાં પ્રેમનાદ બજાવી મનુષ્યો પર એ કૃપાવર્ષા કરવાં આવી હોય,એવાં શુધ્ધ હ્દયસ્પર્શી ભાવો એનાં ચહેરામાં હૂબહૂ દેખાઈ રહ્યા હતાં.
વારંવાર નિહાળવાનું મન થાય એવું સૌથી સુંદર સ્વરૂપ નિલક્રિષ્નાનું લાગી રહ્યું હતુ.સુર્ય જેવું તેજ ભરીને જાણે આખાં બ્રહ્માંડનો અંઘકાર દૂર કરી રહ્યો હોય એમ,એનાં કપાળે કરેલો ડાયમંડ આકારનો ચાંદલો એટલો તેજસ્વી દેખાઈ રહ્યો હતો. દેખાવમાં માનવ જેવું જ લાગતું આ સ્વરૂપ પોતાની અંદર જાણે ઘણા રાજ છુપાવી રાખ્યા હોય એવું લાગી રહ્યું હતું."
ભાવપૂર્ણ મનથી ધરા આ નિલક્રિષ્નાના અલૌકિક સ્વરૂપને પોતાની આંખોમાં સમાવી,એનાં ઉપર કોમળ પાંપણો બીછાવીને ઢાંકવાની કોશિશ કરી રહી હતી. અંતરની આંખોથી એનું આ માધૃર્ય સ્મિત જોઇ,ધરાનું આ શરીરરૂપી આખું જગત નિમગ્ન થઈ રહ્યું હતું.આ સૂરમાં લીન થઈ જતો એનો જીવાત્મા ભાવથી નિવૃત્ત થય સધળા ક્લેશો છોડી રહ્યો હતો.આમ માયાનો પડદો હટતા એની શ્રધ્ધા વધુ દ્ઢ થઇ રહી હતી...
આમ રોજ થવાથી ત્યાં ઉપસ્થિત બધાને આ નાદ સંભળાઈ રહ્યો છે કે નહીં,એ જાણવા માટે ધરાએ એક પછી એક બધાં લોકોને પુછવાનું શરૂ કરી દીધું.હરકોઈ પાસેથી એને નકારમા જ જવાબ મળતાં હતાં કે,
"એ નાદ પ્રાતઃ આરતીનો જ છે.તું ખોટું ઉંડુ ઉતરી રહી છે. છોડી દે તું આ પ્રભુ પ્રભુ કરવું ! જીવને કામકાજમાં પરોવીને રાખ ને...!"
આમ નિરાશાભર્યા જવાબો મળતાં એ મનથી દુઃખી થય ગઈ હતી.ધીમે ધીમે લથડતા પગે એ આજ ઘર સુધી પહોંચી તો ગઈ હતી,પરંતુ ઘરે પહોંચતાં ફરી એજ સૂર સંભળાઈ રહ્યા હતા.હવે આની પાછળનું પૂર્ણ સત્યને જાણવુ એનાં માટે ખૂબ જરૂરી બની ગયું હતું.કાલની સવાર જવાબ લઈને ઉગશે! એજ વિચાર સાથે એને આખી રાત ફાનસની વાટ ધીમે ફૂલ કરતાં કાઢી નાખી હતી...
સવાર થતાં એ જ નિત્યક્રમ મુજબ એ મંદિર તરફ જઈ રહી હતી. ત્યાં અચાનક એ બાબા આર્દ પાસેથી પસાર થઇ રહી હતી,ત્યારે એનાં ઉદ્ભવતા સવાલોનો કોઈ જવાબ પુરતું હોય એવો એનાં મનને ભાસ થયો.
વર્ષોથી બાબા આર્દ સોમનાથ મંદિર પર તપસ્યા કરી રહ્યા હતાં.આવતા જતાં બધા લોકોનું ધ્યાન એના તરફ જતું હતું.ધણાં લોકો એનું ધ્યાન સમાધીમાંથી વિચ્છેદ કરવા માટે કંઈને કંઈ અખતરાઓ કરતાં રહેતાં હતાં,પરંતુ પ્રભુમાં મગ્ન એનું ધ્યાન છુટતુ ન હતું."ચેનચાળા કરવા એતો મનુષ્ય સહ સ્વભાવ જ છે." બાબાને હેરાન કરનારની એનાં પર કોઈ કારી ફાવતી ન હતી. બાબા આર્દ ધણાં વર્ષો પહેલા જ વૈદિક પદ્ધતિથી દિક્ષા ગ્રહણ કરી મહાદેવનું નિરંતર સ્મરણ કરતાં ધ્યાન સમાધિ લઈ ચૂક્યા હતાં.એ માત્રને માત્ર એકાદશીનાં દિવસે જ થોડીવાર પુરતું ધ્યાન છોડતાં હતાં.એ સમયે એની આસપાસ કોઈ હાજર હોય તો એ પોતાના મુખેથી સરવાણી કહેતાં હતાં.એ દ્વારા ત્યાં ઉપસ્થિત માણસોને એ થોડી વાતો કહીં શ્રધ્ધાપૂર્વક જ્ઞાન ધર્મનો છંટકાવ કરતાં રહેતાં હતા.
દેખાવે સાવ સુકલકડી; એક ફૂંકથી ઉડી જાય એવી બાબા આર્દની કાયા હતી.એમાંય રોજ રોજનાં વાતાવરણની અસરથી એની ત્વચા તાર્મવર્ણી દેખાઈ રહી હતી.વર્ષો વીતતાં બાબા આર્દને મોટી લાંબી ડાઢી આવી ગઇ હતી.એના મુખ પરની ચામડી એ ડાઢી પર લપસી ગઈ હોય એવો એનાં ચહેરાનો દેખાવ બેડોળ થઈ ગયો હતો.જોતાં એવું લાગી રહ્યું હતું કે,વૃધ્ધાવસ્થા પાર કરી એ લગભગ ૧૦૦ વર્ષની વયે પહોંચવા આવ્યાં હતાં. એની ડાઢી એટલી લાંબી થઇ ગઈ હતી કે,ત્યાં વસ્તુઓ વેચનારા એ બાબાની ડાઢીમા પ્રસાદ કે અન્ય કોઈ વસ્તુ વીંટીને અહીંથી તહીં ઘા કરતા દેખાતાં હતા.આ ડાઢી જ એનાં માટે આંધી વ્યાધિ ને ઉપાધી હતી.એનો તો એણે ક્યારનો મોહ છોડી દીધો હતો.એટલે જ તો આ મનુષ્યના કોઈ અખતરાઓથી એના ધ્યાનમાં વિચ્છેદ પડતો ન હતો.એ હંમેશા આમ જ મહાદેવમાં મગ્ન રહેતા હતા.
જ્યારે ધરાને ખબર પડી કે, "આ વાંસળીના સૂર એને એક ને જ સંભળાય રહ્યા છે." ત્યારે એ મંદિરનાં પટાંગણમાં બેઠેલ આ બાબા પાસે આવીને વિચારી રહી હતી કે,
"આ નાદ જરૂર આ બાબાને પણ સંભળાઈ રહ્યા હશે...!પરંતુ લોકોની આટલી બધી છંછેડગતીથી પણ એની ધ્યાનસમાધિ કોઈ તોડી શકતું નથી,તો એ ધ્યાનમાં જ ડુબેલા મારી વાત કેમ કરીને સાંભળી શકશે."
આમ વિચારતી હોવા છતાં પણ આગળ ચાલતા ચાલતા એ બાબા આર્દ જ્યાં બેસેલા હતાં ત્યાં એની સાવ નજીક આવી પહોંચી હતી.તેની નજીક જતાં જ એનાં અંતરની વાત જાણે બાબાએ સાંભળી લીધી હોય એમ એ બોલી ઉઠ્યા,
" પુત્રી, જે વાત સમજવી તને અસંભવ લાગે છે, એ બધું જ સંભવ છે...! તું કોઈ સામાન્ય સ્ત્રી નથી. તારી સમક્ષ આખી ઘટના દેખાઈ જશે ત્યારે, તારાં વિશેની સાચી હકિકત તને પણ સમજાય જશે. ઈશ્વર નિરાકાર સ્વરૂપે સર્વત્ર રહેલો છે.જેવી ભક્તોની ભક્તિ એવો ભક્ત એને આકાર આપે છે.જે સ્વરૂપ તને મનમાં ભાસે છે એ તારી ભક્તિએ આપેલો આકાર છે. પ્રભુ ને કોઈ પાસે જવા આવવાનો સમય નથી.પરંતુ આપણું મન આપણો આત્મા ગતિ કરે છે અને આપણે એ જગ્યાએ પહોંચી જાય છીએ, જ્યાં પરમ કૃપાળુ પરમાત્મા નિષ્ક્રિય રૂપે ચોતરફ રહેલો છે.જે તારી સાથે થય રહ્યું છે એ બધી જ પરમાત્માની લીલા છે."
બાબા આર્દનું આટલું કહેતાં જ જાણે ધરા બધું જ સમજી ગઇ હોય એમ ખુશીથી ઝૂમતી ઘર તરફ જવા રવાના થઇ ગઈ.એનું મન બાબાએ આપેલાં જવાબથી પૂર્ણ વિશ્વાસ કરી ગયું હતું કે, "હું જે સૂર સાંભળું છું એ સત્ય છે.આ કોઈ અલૌકિક શક્તિ છે.જે મને જ મળી છે...!"
હવે તો ધરા માટે આ નિત્યક્રમ બની ગયો હતો.આ વાંસળીનાં સૂર સાંભળ્યાં પછી રોજ એની સવારથી સાંજ કેમ પડી જતી એ એને ખબર પણ ન પડતી.સધળા કામ એ સૂરના તાલે જ થય જતાં.સવારની રાહે આખો દિવસનો થાક પણ કયાં ગાયબ થઈ જતો એ ખબર ન પડતી.અને એનાં દુઃખો તો એને રતિભાર પણ યાદ ન આવતાં.
****************
આ રીતે ઘણા મહિનાઓ વર્ષો વીતવા લાગી ગયાં.
ધરા રોજ રોજ સમુદ્રમાં ડુબકી લગાવી સમુદ્રમાંથી આવતા એ સૂર સુધી પહોંચવાની કોશિશ કરતી રહેતી.
ધરાની ઉંમર પણ હવે ચાલીસે પહોંચવા આવી હતી.પરંતુ
એને ઘણા દુઃખો વચ્ચે પણ આ અદ્શ્ય પરમાનંદનો આનંદ મળ્યો હતો,એ વાતની એણે ઘણી ખુશી હતી.
અચાનક એક દી' સવારે ઉઠતાં જ ધરાને વાતાવરણમાં થોડો ફેરફાર દેખાય રહ્યો હતો.રોજની જેમ આરતીનો સમય થયો ને સૌ મંદીરે જવા નીકળી ગયા હતાં.એ ધક્કા મુકી સાથે ધરા પણ મહાદેવના સાનિધ્યમાં પહોંચી ગઈ હતી.પરંતુ આજ એને ન કોઈ વાંસળીનાં સૂર સંભળાયા ન કોઈ આકાશમાર્ગે દેવતાઓ દેખાયાં.
એ સૂરને ફરી સાંભળવાની કોશિશ કરી પરંતુ દૂર દૂર સુધી કાન ધરવાથી પણ એ ક્યાંય નહોતાં સંભળાય રહ્યા.
ધરાને મનોમન એનું ચિંતન થવા લાગ્યું.અચાનક એને નિલક્રિષ્ના કોઈ કારણસર દુઃખી હોય એવું ફીલ થયું.
આમ થવાથી એને ખબરપડી કે,
"એ હવે આ નાદથી વધુને વધુ નજીક જઇ રહી છે."
કેમ કે, ધરાનું મન એટલું દુઃખોથી ઘડાઈ ગયું હતું કે હવે એને હરકોઈનું દુઃખ જલ્દી જ ફીલ થઇ જતું હતું.
રોજની જેમ ધક્કા મુક્કીમાં એ મહાદેવ સમક્ષ પહોંચી ગઈ. હાથ જોડી નમન કરી,એનાં મનમાં ચાલતી એ સૂરનો સ્વર ન સંભળાવાની ગડમથલનો જવાબ મહાદેવ પાસે એ માંગી રહી હતી.પરંતુ મહાદેવ પણ એને કોઈ ઉતર ભરી રહ્યા ન હતા.કદાચ એટલે જ કે એ ધરાને સક્ષમ માનતા હતા.આ પ્રશ્નનો ઉકેલ શોધી કાઢવા માટે યોગ્ય અને શક્તિશાળી માનતા હતા.
આરતી પુરી થયાની થોડી ક્ષણો બાદ,અચાનક મંદિરનાં પાછળનાં ભાગમાંથી કોઈ એ સમુદ્રમાં ઝંપલાવ્યું હોય એવો અવાજ સંભળાયો.
( ક્રમશઃ)
- કૃષ્ણપ્રિયા✍️