પયાના ઓટો મ્યુઝિયમ, મૈસૂર SUNIL ANJARIA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પયાના ઓટો મ્યુઝિયમ, મૈસૂર

કર્ણાટક તરફ જતા લોકો લગભગ બેંગલોર જોઈ મૈસુર જાય જ છે. હવે નવો એક્સપ્રેસ હાઈવે થતાં બેંગલોર થી મૈસૂર બે કલાકથી ઓછા સમયમાં પહોંચાય છે. ગુજરાતની દ્વારકા જતી બધી ટ્રેન ઓખા ટર્મિનેટ થાય એમ બેંગલોરની ટ્રેનો મૈસૂરથી આવે છે. એ રીતે મૈસૂરને બેંગલોરનો નાનો ભાઈ કહી શકો.

અમે બેંગલોર અમારે ઘેર ગુંજૂર થી 8 વાગે નીકળી એક નાસ્તાના હોલ્ટ સાથે 10.30 સુધીમાં મૈસૂરની શરૂઆતમાં શ્રીરંગપટ્ટમ ના વળાંક નજીક આવેલ  પાયાના કાર મ્યુઝિયમ પહોંચ્યાં.  

પાયાના એ કન્નડ શબ્દ છે, જેનો અર્થ સફર થાય છે. અહીં આપણી ઓટોમોબાઇલ અને અન્ય વાહન વ્યવહાર ક્ષેત્રે શરૂઆતથી આજ સુધીની શોધો અને ઉપયોગમાં લેવાતાં મોડલો બતાવ્યાં છે.

ત્યાં એન્ટ્રી પર જ વિશાળ ટાયર આડું  મૂક્યું હોય તેવું ધ્યાનાકર્ષક  રૂફ બનાવેલ છે. 

એ ભારતનું સહુથી મોટું કાર મ્યુઝિયમ કહેવાય છે. 23 એકર જમીનમાં ફેલાયેલું છે અને છેલ્લાં સવાસો વર્ષની ઓટોમોબાઇલ ક્રાંતિ નું દર્શન કરાવે છે.

અંદર જાઓ એટલે પહેલાં  લાકડાનાં પૈડાં સાથેનાં બળદગાડાંથી શરૂ કરી આજની બુલેટ ટ્રેનનાં મોડલ આવે. પછી એક પછી એક જૂની ચકચકિત રંગોમાં 1902 થી શરૂ કરી 2025 સુધીના મોડલો, એની વિશેષતાઓ વગેરે જોવા મળે. 

છેક 1925 ની ફિયાટ 501 જોઈ. એ સાથે રીતસર લાકડાની કેબિન નીચે સાઇકલ જેવાં મોટાં પૈડાંઓ સાથેની કાર જોઈ. વર્લ્ડ વોર 2 માં વપરાયેલ જીપો  જોઈ.

મૈસૂરના મહારાજા વાપરતા એ ડેમ્લેર 36 કાર જોઈ. તેમાં સોને મઢેલી લાઈટો ને જરીના  કાપડના કવર વાળી લેધરની સીટ હતી. પગથીએ પગ મૂકી ચડવાનું.

જૂની ફિલ્મોમાં દેખાય છે એવી આગળ પાછળથી લાંબી ઇમ્પાલા, વૈભવી મર્સિડીઝ, હાથેથી ગિયર બદલવાના તેવી ફિયાટ જે ટેક્સીઓમાં દસ વર્ષ અગાઉ સુધી વપરાતી, ફોર્ડ અને ડોજ મોટર, જુની જીપો  વગેરે જોતાં દોઢેક કલાક સહેજે નીકળી જાય.  એ વખતે અને છેક 1990 - 95 સુધી રાજકારણીઓ અને સરકારી બાબુઓની ઓળખ એવી એમ્બેસેડર પણ સફેદ, કાળી, લીલી જોવા મળી.

પહેલાં હોર્ન પણ આગળ બ્યુગલ જેવું હોય એની ઉપર રબરનો ફુગ્ગા જેવો બોલ ચડાવ્યો હોય તે હાથેથી દબાવી ભોંપ.. ભોંપ.. વગાડવાનું હતું. હવે આજનાં ટીટ.. કે બીપ કરતાં અને સ્ટેરીંગ સાથેના હોર્ન  હોય છે. અમુક કારમાં ઘંટડી જેવાં હોર્ન પણ હતાં. ફાયર બ્રિગેડ ના બંબાઓ નીકળે ત્યારે ફાયરમેન હાથથી ઘંટ વગાડતા જતા! એ બધું જોયું.

એ સાથે જૂનાં  સ્ટીમ રેલ્વે એન્જિન અને આજના મેડ ઇન ઈન્ડિયા વંદે  ભારત જેવી ટ્રેનોનાં એન્જિનનાં મોડેલ પણ હતાં.

જૂની મોટર સાઈકલો અને સ્કૂટરોમાં 1940 નું ઇટાલી મેડ piaggio સ્કૂટર, આપણું જૂનું પ્રિયા સ્કૂટર, “હમારા બજાજ" અને એવાં સ્કૂટરોની એક લાઇન હતી.

આ બધી જ જગ્યાએ સેલ્ફી લેવા મુલાકાતીઓ ઊભતા  હતા. કોઈ તો રીલ પણ બનાવતા હતા. જગ્યા જ એવી હતી!

આ બધું જોતાં વાહન વ્યવહાર ક્ષેત્રે જે ક્રાંતિ થઈ એનો ખ્યાલ આવે.

એક પ્રદર્શન આખું જૂનાં વાસણો, કડછા,  નાનામોટા ચમચા, ઝારા અને રસોઈના વાસણોનું હતું. કેટલાંક કાંસાનાં તો કેટલાંક લાકડાના પણ જોયાં. રખરખાવ સારો હતો.

આમ તો આ પ્રકારનું એક મ્યુઝિયમ અમદાવાદમાં પહેલાં ગાંધીગ્રામ સ્ટેશન પાસે હતું જે કઠવાડા તરફ ખસેડાયું છે પણ એ નાનું છે. એમાં ખાલી મર્યાદિત સંગ્રહ છે જ્યારે આ થીમ બેઝ્ડ મ્યુઝિયમ છે. ક્રમશ: પૈડાંઓ, લાઇટની બનાવટ અને આકાર, પેટ્રોલની ટાંકી જે પહેલાં ગેલન માં આવતું અને હવે લીટરમાં છે તેનું સ્થાન, સ્પેર વ્હીલ જે 60 કે 70 ના દસકાની ગાડીઓમાં પાછળ સ્ક્રુ થી ફિટ કરેલું લટકતું હતું ને હવે કારની ડેકીમાં જ મેટ નીચે હોય છે, સીટ, ગિયર સિસ્ટમ બધું એક પછી એક થીમ મુજબ બતાવેલ. એ જ રીતે જંગલ સફારીમાં લઈ જતી વાર્નિશ  કરેલ ડબ્બા જેવી કાર, એકદમ રફ રસ્તાઓ માટે જ બનેલી તોતિંગ સફારી જીપ, લશ્કરી ઊંચી જીપ  અને અન્ય વાહનો , વૈભવી વાહનો એમ  ગ્રુપ હતાં. શિક્ષણ ઉપરાંત મનોરંજન શરૂ મળે.

મૈસૂર એટલે પેલેસ અને વૃંદાવન ગાર્ડન એવી જે વ્યાખ્યા બની ગઈ છે તેમાં આ જગ્યા જોવા જેવી છે. એ પછી મૈસૂરના  લીલા છમ, મધ્યમસરના ટ્રાફિક વાળા રસ્તાઓ  જુઓ ને બેંગલોરના અકલ્પનીય ટ્રાફિક સાથે સરખાવો  તો શહેરની મુલાકાત વસુલ થઈ જાય. એટલે જ મૈસૂરનાં અન્ય સ્થળો આગળના હપ્તામાં જોશું.

***