કોટેશ્વર - પશ્ચિમનું કન્યાકુમારી? SUNIL ANJARIA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કોટેશ્વર - પશ્ચિમનું કન્યાકુમારી?

માતાનો મઢ, નારાયણ સરોવર, કોટેશ્વર

ઘણા લાંબા સમયથી કચ્છના અંતિમ છેડાઓ જોવાની ઇચ્છા હતી તે માટે રોડ ટુ હેવન એક બાજુ અને કોટેશ્વર બીજી તરફ જોવા અમદાવાદ થી રાત્રે ભુજ જવા નીકળી સવારે 

 

બને એટલા જલ્દી, 8.50 વાગે સ્ટાર્ટ થયા. હમીરસરની ધારેધારે દક્ષિણ તરફ આગળ વધી એક ગોગા ટી હાઉસની  લગભગ એકલા દૂધની ચા પીધી. સવારે 10 વાગે દેશલપર નાસ્તો કરવા ઊભા. ગરમાગરમ  ગાંઠીયા જલેબીનો નાસ્તો અને ત્યાંનાં વખણાતાં ખાજા, પેંડા  લીધા. અહીંનો માવો  વખણાય છે.

11.15 વાગે માતાનો મઢ આવ્યું.

માતાનો મઢ  એ આશાપુરા માતાજીનું સ્થાનક છે. ઘણી અટકોનાં કુળદેવી છે એટલે વાળ ઉતરાવવા, લગ્ન પછી છેડાછેડી છોડવા, નવજાત બાળકને પગે લગાડવા કે કોઈ માનતા માનવા તેમ જ પૂરી કરવા ઘણા લોકો અહીં દર્શને આવે છે.

માતાજીનું મંદિર વિશાળ કમ્પાઉન્ડમાં વચ્ચે આવેલું છે. આખું ગુલાબી પત્થરનું બનેલું છે. ઉપર મોટી ધજા લહેરાય છે. માતાજીની કોઈ સ્ત્રી સ્વરૂપે નહીં પણ આંખોની ત્રણ જોડ મૂર્તિ તરીકે છે. 

ચોખ્ખાઈ અને વ્યવસ્થા સારી છે.

કમ્પાઉન્ડની એક બાજુમાં જ ડાઇનિંગ હોલ છે જ્યાં સવારે 11.30 થી 2 વાગ્યા સુધી નિ:શુલ્ક જમવાનું પ્રસાદ તરીકે આપવામાં આવે છે. પીવાના પાણી માટે કૂલર છે.

મંદિરની બહાર પ્રસાદી, ચુંદડી વગેરેની દુકાનો છે. સાથે ભજિયાં, દાબેલી જેવા નાસ્તા પણ મળે છે.

પાછળ જ એક કેડી પર થી એક ટેકરી ચડી બીજાં આશાપુરા માતાનાં મંદિરે જવાય છે. હવે ત્યાં છેક સુધી કાર પણ જાય છે એટલે અમે કાર માં ગયાં. નહિંતર આશરે 200 પગથિયાં છે.

એ મંદિરની ચારે બાજુ ખૂબ દૂર સુધી સાવ ખુલ્લી જગ્યામાં પૂરતી ગતિથી પવનો વાય છે એટલે એ ટેકરી ચોતરફથી પવનચક્કીઓથી ઘેરાયેલી છે.

કહે છે કે સાચાં આશાપુરા મા આ છે. 

એ ટેકરી પરથી ચારે તરફ ખેતરો કે ખુલ્લી જગ્યામાં ઊગેલી ઝાડીઓને કારણે વ્યુ ખૂબ સરસ, નજર ચોંટી રહે એવો હતો. બપોરે પણ ઠંડો પવન આવતો હતો.

ત્યાંથી ઉતરી ગયાં નારાયણ સરોવર. એ ભુજ થી 152 કિમી, સાડા ત્રણ કલાક અને માતાના મઢ થી 60 કિમી, કલાક જેવો રસ્તો છે. રસ્તે ખાડીમાં સફેદ વિદેશી પક્ષીઓ જોયાં. 

નારાયણ સરોવર આવતાં જ  ઊંચો વિશાળ ગેટ તમારું સ્વાગત કરે છે. અહીં બેય બાજુ  દરિયાની ખાડીનું ભૂરું પાણી દૂર સુધી દેખાય છે. વચ્ચે ટાપુની જેમ જમીન વચ્ચે આ જગ્યા અને તેમાં નારાયણ એટલે વિષ્ણુ મંદિર સાથે એક સરોવર આવેલું છે. તેનો ઘાટ પગથિયાં સાથે સારી હાલતમાં હતો પણ સરોવર લીલાં પાણી વાળું, ગંદુ જણાતું હતું. અંદર પાર વગરની નાની માછલીઓ કિનારા પાસે હતી. કોઈ પવિત્ર પીપળો હતો. કહે છે ગુપ્ત નદી સરસ્વતીનું જળ અહીં  તળાવ ભરે છે અને અહીં દરિયાને મળે છે.  આ સરોવર હિંદુઓના પાંચ ખૂબ પવિત્ર સરોવરોમાંનું એક છે. એ સરોવરો એટલે માન સરોવર, બિંદુ સરોવર, પંપા સરોવર, પુષ્કર અને આ નારાયણ સરોવર.

નારાયણ સરોવરના મંદિરોમાં  આદિનારાયણ વિષ્ણુ, લક્ષ્મીજી, ત્રિવિક્રમરાયનાં મંદિરો છે જે હવેલી શૈલીનાં છે. મંદિરો એક કિલ્લાની અંદર છે.

કહે છે કે નજીકમાં ચિંકારા હરણનું અભયારણ્ય છે જ્યાં ટિકિટ લઈ જઈ શકાય છે.

નારાયણ સરોવર ટ્રસ્ટનું પણ ફ્રી જમાડતું રસોડું છે. એ સિવાય માતાનો મઢ મૂકો એટલે એક પણ ઢાબો કે ચા ની ટપરી ન દેખાય.

માતાનો મઢ થી આગળ જવું હોય તો ત્યાં જ ખાઈ પી લેવું અને પાણી તથા સરખો નાસ્તો સાથે  જરૂર રાખવાં.

નારાયણ સરોવરથી માત્ર 4 કિમી દૂર દરિયા કાંઠે અને ભારતની જમીનના સાવ પશ્ચિમ છેવાડે કોટેશ્વર શિવમંદિર છે ત્યાં ગયાં. કોટેશ્વર મંદિરમાં 30 જેવાં પગથિયાં ચડીને જવાનું છે. સામે નીચે અફાટ દરિયો એની ખારી પણ ઠંડી લહેરો તમારી તરફ વીંઝે છે. દર્શન કરી નીચે ઉતરી છેક દરિયાની વચ્ચેની પટ્ટી પર ચાલી આગળ જઈ શકાય છે.  ત્યાંથી છેક નજર પહોંચે ત્યાં સુધી ભૂરા, લીલા સમુદ્રનાં જ દર્શન થાય. નજીકમાં થોડું બ્રાઉન પાણી એટલે ખંડીય છાજલી જે દસ થી એંસી ફૂટ જ ઊંડી હોય. અને આગળ એકદમ લીલું ભૂરું પાણી જે કેટલું ઊંડું હોય એનો તાગ ન પામી શકાય. હું જાણે દરિયાને નજરથી પીતો જ રહ્યો. ઠંડી લહેરો મારા ગાલ પર રમી રહી, વસ્ત્રો ઉડાડતી રહી. 

એને હું પશ્ચિમનું કન્યાકુમારી કહીશ. સમુદ્ર અને આકાશ મળતી ક્ષિતિજ સામે જોયા જ કરીએ એમ થાય. જગ્યા છોડવાનું મન ન થાય.

ત્યાં BSF ની ચોકી છે અને એની હદથી આગળ કોઈને જવા દેતા નથી. બાઈનોક્યુલર હોય તો પાકિસ્તાનની સરહદ જોઈ શકો, રાતે કરાંચીના દીવા દેખાય વગેરે કહેવામાં આવ્યું. 

ત્યાં કેટલાક ભેળ, સેવ મમરા વેંચતા ફેરિયા પાસે બળીયાના બે ભાગ જેવું હતું તેથી ભૂખ્યા જ જગ્યા છોડી ત્યાં બપોરના સવા ત્રણ વાગેલા. 

તરત જવા નીકળ્યા લખપત. ત્યાં કિલ્લો, કાળું રણ, ગુરુદ્વારા તથા 18મી સદીમાં બંધાયેલું હાટકેશ્વર મંદિર જોવાનાં હતાં જે અન્ય લેખમાં.

***