મારા અનુભવો - ભાગ 21 Tr. Mrs. Snehal Jani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મારા અનુભવો - ભાગ 21

ધારાવાહિક:- મારા અનુભવો

ભાગ:- 21

શિર્ષક:- ઠકુરોસે મરવાવે સાલે

લેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદ

રજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાની




નમસ્તે વાચકો.


ખૂબ જ ટૂંકા ગાળામાં  તમે આ ધારાવાહિકને પસંદ કરી એ બદલ આભાર. હું અગાઉ કહી ચૂકી છું એમ કે શ્રી સ્વામી સચ્ચિદાનંદજીનુ આ પુસ્તક એમનાં જ અનુયાયી પાસે પરવાનગી સાથે એક પણ શબ્દનો ફેરફાર કર્યા વગર રજુ કરું છું. 


આ પુસ્તક પૂર્ણ થયાં બાદ એમનાં અન્ય બે પુસ્તકો પણ રજુ કરીશ. આભાર.🙏





🤷 મારા અનુભવો…

🙏 સ્વામી શ્રીસચ્ચિદાનંદજી

📚 પ્રકરણઃ…21. "ઠકુરોસે મરવાવે સાલે"

કુંભમેળાની થોડી રૂપરેખા જોયા બાદ હવે મારા મુખ્ય મુખ્ય અનુભવોની ચર્ચા કરીશ.

અલ્લાહાબાદની કોઈ ધર્મશાળામાં આવીને હું રાત રોકાયો હતો. મને ખૂબ તાવ ચડ્યો હતો, એટલે ચુપચાપ એક ઓશરીમાં પડ્યો રહ્યો હતો. સવારે સ્નાનાદિ કરીને હું મારા આસન ઉપર બેઠો હતો, મારે અહીંથી કુંભમેળામાં જવાનું હતું. ધર્મશાળાના મૅનેજરને મારા પ્રત્યે સહાનુભૂતિ થઈ. તેણે જોયું કે અન્ય સાધુઓની માફક આ તમાકુ-ગાંજો પીતો નથી તેમ કોઈની પાસે કશું માગતો નથી. અગિયાર વાગ્યે આવીને તેણે મને જમવા વિષે પૂછ્યું અને કહ્યું, ‘ચાલો એક શેઠને ત્યાં, તમને જમાડી આવું.' અમે બન્ને ચાલ્યા. શેઠ મારવાડી હતા. તેમણે મારી તરફ ચાંદીનો રૂપિયો ફેંક્યો અને કહ્યું, “જાઓ મહારાજ, ઢાબેમે જીમ લેના.' ત્યારે ચાર-છ આનામાં જમી શકાતું. મેં કહ્યું કે, ‘મારે પૈસા નથી જોઈતા. માત્ર જમવાનું જોઈએ છે.' સવારથી સાંજ સુધી આવી રીતે અનેક સાધુઓને રૂપિયો રૂપિયો આપનાર શેઠને રૂપિયો ન લેનાર સાધુને જોઈને નવાઈ લાગી. તેનો ભાવ વધી ગયો. ધર્મશાળાના મૅનેજરે પણ મારાં વખાણ કર્યાં. એટલે પોતાના ઘેર મારી જમવાની વ્યવસ્થા કરી.

શેઠાણી બહુ જ ભલી બાઈ હતી. તેણે ખૂબ જ ભાવથી મને જમાડ્યો. સૌને મારી ઉંમરના કારણે વધુ લાગણી થઈ આવતી. હું ત્યાંથી જ સીધો કુંભમેળામાં આવવા નીકળ્યો. ઘણું લાંબું ચાલ્યા પછી ગંગાજી સુધી પહોંચ્યો. તાવને કારણે થાક લાગ્યો હતો. કુંભમેળા માટે બનાવેલા લોખંડનાં પીપો ઉપરના પુલને પાર કરીને હું પેલા કિનારે પહોંચ્યો. ત્યાં સૌપ્રથમ કૅમ્પો મળ્યા તે દંડી સ્વામીઓના હતા. કાશીમાં હું દંડી સ્વામીઓ સાથે રહેલો તે યાદ આવ્યું. સર્વપ્રથમ કૅમ્પમાં જેવો હું પ્રવિષ્ટ થયો તેવાં જ ઝૂંપડીમાં એક દંડી સ્વામીનાં દર્શન થયાં. હું અકળાયો અને તેમની પાસે ગયો. પ્રાણામાદિ કરીને બેઠો. ગુરુ સંબંધી વાત જાણ્યા પછી તે ભલા સ્વામીજીએ મને કહ્યું કે, ‘અહીં તારું કામ નથી. અહીંથી બે-અઢી માઈલ દૂર ચેતનદેવ કુટિયા નામનો કૅમ્પ છે ત્યાં જા. ત્યાં તને ઠીક રહેશે.' આ સંત સાથે થોડી વાર જ સત્સંગ થયો, પણ મને તેમની સાત્ત્વિકતા તથા નિઃસ્પૃહતા અસર કરી ગઈ. તે દંડી સંન્યાસી હોવા છતાં મને દંડીપણાથી મુક્ત રાખવા માગતા હતા. તેઓ તેમના ગુરુ પાસે મને લઈ ગયા. તેઓએ જ આ કૅમ્પ લગાવ્યો હતો. એક લાકડાની પાટ ઉપર આસન બિછાવીને તે બેઠા હતા તથા માલસામાન લઈને આવેલી નાવના નાવિક(મલ્લાહ)ને ધમકાવી રહ્યા હતા. બિહારથી આવતાં તેને કાંઈક વાર લાગી હતી. મલ્લાહ હાથ જોડીને કરગરી રહ્યો હતો, નહીં સરકાર, નહીં સરકાર માફ કર  દ…અ' સ્વામીજી બોલતા હતાઃ “ઠાકુરોંસે મરવાવૈં સાલે... (ઠાકોરો દ્વાર માર ખવડાવું સાલા....)

વર્ણવ્યવસ્થાના અન્યાયી સામાજિક ચોકઠામાં પિસાતી આ મહેનતુ અને સાહસી પ્રજા કાળી મજૂરી કરીને પણ પેટ ભરી શકતી ન હતી. ઠાકુરોનો રુઆબ ભારે અને એ ઠાકુરો “ગૌબ્રાહ્મણપ્રતિપાળ' એટલે ધર્મના પાયા તથા હાથા બન્નેનું કામ કરે. તેમનો ઉપયોગ આ મહેનતુ પ્રજાને ત્રાસ આપવામાં પણ થઈ શકતો તેની કોણ ના પાડશે ? વાસ્કો દ ગામા તથા કોલંબસ જેવા થવાની ક્ષમતાવાળી આ ખારવા પ્રજા રાષ્ટ્રીય, ધાર્મિક તથા સામાજિક પીઠબળ વિના માત્ર ગરીબડી પ્રજા થઈને રહી.

થોડી વાર બેસીને હું ચાલતો થયો.

આભાર

સ્નેહલ જાની