મારા અનુભવો - ભાગ 9 Tr. Mrs. Snehal Jani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મારા અનુભવો - ભાગ 9

ધારાવાહિક:- મારા અનુભવો

ભાગ:- 9

શિર્ષક:- પંચગૌડ નહિ, પંચ દ્રવિડ.

લેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદ

રજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાની





મારા અનુભવો…

પ્રકરણઃ…9. "પંચગૌડ નહિ, પંચ દ્રવિડ"

🙏 સ્વામી શ્રીસચ્ચિદાનંદજી.



હિન્દુ પ્રજા માત્ર વર્ણવ્યવસ્થા દ્વારા જ ચાર ભાગમાં વહેંચાયેલી નથી, પણ પ્રત્યેક વર્ણમાં અનેક ઉપવર્ણ તથા ઉપજ્ઞાતિઓમાં પણ વહેંચાયેલી છે. હું ગુરુની શોધમાં નીકળ્યો હતો. મને કોઈ જ્ઞાતિબાધ ન હતો. મારે તો કાંચન- કામિનીના ત્યાગી ગુરુ જોઈતા હતા, પછી તે ગમે તે જ્ઞાતિના હોય. સામાન્ય રીતે સાધુસમાજમાં જ્ઞાતિપ્રથા ન હોવી જોઈએ. એક કહેવત છે કે વાટ્યું ઔષધ તથા મૂંડ્યો જતિ તેની કશીયે ખબર ના પડે. સાધુ-સંન્યાસી કઈ નાત-જાતના છે તેની તકેદારી રાખવી ન જોઈએ. જોકે જ્ઞાતિપ્રથાનાં મૂળ એટલાં ઊંડાં છે કે લોકો આવી જિજ્ઞાસા કરતા જ હોય છે. તે પૂછતા હોય છે કે “મહારાજ, તમારું દૂધ શું ?” અર્થાત્ કઈ જ્ઞાતિ ? દૂર દેશાવરના સાધુ આ પ્રશ્નના ઉત્તરમાં જે કંઈ કહે તે સ્વીકારી લેવાનું હોય છે.



જ્ઞાતિપ્રથા  સાથે માન-અપમાન પણ સંકળાયેલાં હોય છે, એટલે જે જ્ઞાતિઓ સાથે અપમાનજનક વ્યવહાર સંકળાયેલો હોય છે તે જ્ઞાતિના સાધુઓ નિશંકભાવથી પોતાની જ્ઞાતિ બતાવી શકતા નથી હોતા, અથવા પછી તેમણે અસત્ય બોલવું પડતું હોય છે. વર્ણવ્યવસ્થાના પુનઃ સંસ્થાપક આદ્ય શંકરાચાર્યે માત્ર બ્રાહ્મણોને જ સંન્યાસનો અધિકાર માન્યો છે. તેમના શિષ્ય સુરેશ્વરાચાર્યે ત્રૈવર્ણિક સંન્યાસ માન્યો છે. અર્થાત્ બ્રાહ્મણની જેમ ક્ષત્રિય તથા વૈશ્ય પણ સંન્યાસ લઈ શકે. આવી માન્યતાઓ હોવા છતાં શંકરાચાર્યોની પીઠોમાં આજ સુધી એક પણ ક્ષત્રિય કે વૈશ્યને સંન્યાસ આપ્યો સાંભળ્યો નથી. માત્ર બ્રાહ્મણને જ સંન્યાસ અપાય છે અને બ્રાહ્મણો જ દંડી સંન્યાસી થાય છે. વાત જો આટલે જ અટકી હોત તો ઠીક હતું, પણ દંડી સંન્યાસીઓમાં પણ પંચદ્રવિડ તથા પંચગૌડ એમ બે ભેદ. હમણાં હમણાં એક ત્રીજો ભેદ થયો છે – ભૂમિહાર બ્રાહ્મણોનો. ઉપર કહ્યા તે બન્ને ભૂમિહાર બ્રાહ્મણોને બ્રાહ્મણ જ માનવા તૈયાર નથી. બીજી તરફ બન્ને પરસ્પરમાં એકબીજાને હલકા બ્રાહ્મણો માને છે. પંચગૌડમાં પણ કાન્યકુબ્જ – સરયુપારણ વગેરે અનેક ભેદ તથા તેના કારણે પક્ષાપક્ષી ખરી જ.



નર્મદાથી દક્ષિણ ભાગમાં આવેલા બ્રાહ્મણોને પંચદ્રવિડ કહેવાય અને તેનાથી ઉત્તરમાં આવેલા બ્રાહ્મણોને પંચગૌડ કહેવાય. શંકરાચાર્ય વગેરે મુખ્યતઃ દ્રવિડ દેશથી આવેલા દ્રવિડ બ્રાહ્મણો હતા, એટલે તથા ખાનપાનાદિમાં દ્રવિડ બ્રાહ્મણો વધારે પ્રમાણમાં છૂતાછૂત માનતા હોવાથી તથા ઉત્તરના કેટલાક બ્રાહ્મણો માંસાહારી હોવાથી પણ દ્રવિડ બ્રાહ્મણો ઉત્તરના બ્રાહ્મણોને હલકી નજરે જોતા રહ્યા છે.



હું જે મઠમાં રહ્યો હતો તે ગૌમઠ ગૌડ પરંપરાનો મઠ હતો. પેલા સ્વામીજી મને કહે કે “જો બેટા, મારું જીવન તો ભ્રષ્ટ થઈ ગયું છે, પણ મારે તારું જીવન ભ્રષ્ટ થવા દેવું નથી.' તેમની વાતથી મને નવાઈ લાગી. સંન્યાસી થવાથી કાંઈ ભ્રષ્ટતા થોડી આવવાની હતી ? એ જીવન માટે તો હું લાલાયિત હતો. સાધુ જીવન જ ખરું જીવન છે. એમ હું માનતો હતો. મારી જિજ્ઞાસાનું સમાધાન કરવા તેમણે વાતને આગળ ચલાવી.



મેં જ્યારે દીક્ષા લીધી હતી ત્યારે મને ખબર નહિ ને અજાણતાં આ ગૌડ લોકોમાં દીક્ષિત થઈ ગયો. પછી ખબર પડી કે આપણાથી ગૌડ લોકો પાસે દીક્ષા ન લેવાય. પણ હવે શું થાય ? ખેર, મારાથી ભૂલ થઈ તો થઈ પણ હવે મારે તને ભ્રષ્ટ નથી થવા દેવો. મારે તને પંચદ્રવિડમાં જ દીક્ષિત કરાવવો છે. 'બ્રાહ્મણી વિધર્મીના ઘરમાં રહી ગઈ હોય અને પશ્ચાત્તાપ કરે તેમ તેમના ચહેરા ઉપર ગ્લાનિ દેખાતી હતી. મારા માટે પંચગૌડ અને પંચદ્રવિડ બંને શબ્દો નવા હતા, તેનો અર્થ પણ હું પૂરેપૂરો સમજતો ન હતો. મારા માટે દ્રવિડ કે ગૌડનું કશું જ મહત્ત્વ કે ભેદ ન હતો. મારે તો સદ્ગુરુ જોઈતા હતા, ભલે તે ગમે તે ન્યાતના હોય. પણ ખાસ સમજણ ન પડવાથી હું માથું હલાવ્યે રાખતો. આગળ શું થાય છે તે જોતો રહેતો. મારે કાશીમાં રહેવું હતું, ભણવું હતું અને તે માટે આવાસની જરૂર હતી. તેમની વાતોનો છેડો આવ્યો કે મારે પંચદ્રવિડનો મઠ જાની-મઠ છે ત્યાં જવું. ત્યાં એક વૃદ્ધ સંન્યાસી માત્ર એકલા રહે છે. કોઈ ઉત્તરાધિકારી નથી. તેમની પાસે સારો  એવો પૈસો બેંકમાં છે. અને કોઈ ઉત્તરાધિકારીની શોધમાં છે.



સાંજે મને ત્યાં પહોંચાડ્યો. આ દંડી સ્વામી પણ વૃદ્ધ અને ભારે શરીરના હતા. વર્ષોથી કાશીમાં આવીને વસેલા ગુજરાતી બ્રાહ્મણોમાંથી તે હતા.. જીવનભર શિક્ષકની નોકરી કરીને પત્નીના અવસાન પછી પુત્રાદિ ન હોવાથી સંન્યાસી થયા હતા. તેમની પાસે પોતાની અને મઠની સારી મિલકત હતી. જોકે મઠ નાનો જ હતો, તો પણ તેના ઉત્તરાધિકારીની ચિંતા હતી. આ દંડી  સ્વામીજી પણ મને સમજાવવા લાગ્યા કે, સારું થયું તું પંચગૌડમાં દીક્ષિત ન થયો, આપણે પંચદ્રવિડ કહેવાઈએ, આપણે તો દ્રવિડ મઠોમાં જ દીક્ષા લેવાય. તું બચી ગયો, ભગવાનનો આભાર માન. મારા ગળે આ વાત ઊતરી નહિ, પણ હું ચૂપ રહ્યો.




આભાર.

સ્નેહલ જાની