મારા અનુભવો - ભાગ 22 Tr. Mrs. Snehal Jani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મારા અનુભવો - ભાગ 22

ધારાવાહિક:- મારા અનુભવો

ભાગ:- 22

શિર્ષક:- બ્રહ્મચર્યદીક્ષા

લેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદ

રજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાની




🤷 મારા અનુભવો…



🙏 સ્વામી શ્રીસચ્ચિદાનંદજી



📚 પ્રકરણઃ…22. "બ્રહ્મચર્યદીક્ષા"



શ્રી ગંગાજીની રેતીમાં અડધો ઇંચ જાડી લોખંડની પ્લેટો દ્વારા બનાવેલી સડક ઉપર ચાલીને હું સાંજે કુંભમેળાના લગભગ બીજા છેડે, ગંગાજીના ઊંચા કિનારા ઉપર સ્થિત ચેતનદેવ કુટિયા પહોંચ્યો. બાજુમાં જ સાધુબેલા આશ્રમ, ગંગેશ્વરનંદજી, હંસદેવજી તથા અન્ય ઉદાસીન સંપ્રદાયના મહંતોના પણ આશ્રમો હતા. આમાંથી મોટા ભાગના સંતોનું કાર્યક્ષેત્ર સિન્ધ-પંજાબમાં હતું. ગુરુ નાનકદેવના પુત્ર દ્વારા પ્રચલિત આ સંપ્રદાયને પંજાબમાં અકાલી શીખોના ઝનૂનનો સામનો કરવો પડ્યો હતો. કારણ કે તેમનાં ધર્મસ્થાનોમાં ગુરુગ્રંથ સાહેબને પણ પૂજ્ય સ્થાન મળતું. ગુરુગ્રંથ સાહેબ જ્યાં હોય તે બધાં સ્થાનો શીખોનાં જ છે, તેવું માનીને કટ્ટરપંથી લોકોએ કેટલીક વાર રક્તપાત કરીને પણ સ્થાનો ઉપર કબજો કરી લીધો હતો.




આ બધાની અસર એ થઈ કે ઉદાસીન સંપ્રદાયમાં વસ્ત્રોના રંગમાં તથા ઉપાસનાપદ્ધતિમાં પરિવર્તન આવવા લાગ્યું હતું. સાધુઓ ભગવાં વસ્ત્રો તથા વૈદાદિ શાસ્ત્રો તથા રામકૃષ્ણાદિ દેવો તરફ વધુ દૃઢતાથી વળ્યા હતા. એટલું જ નહિ પોતે પ્રાચીન ઋષિમુનિઓથી સંબંધિત છે તેવું પણ સિદ્ધ કરવા પ્રયત્ન થવા લાગ્યો હતો. આ બધું એકંદરે લાભદાયી જ હતું. ઉદાસીન સંપ્રદાય સંતપરંપરાનો સંપ્રદાય હોવાથી ભોજનની ઉદારતા તથા માન અભિમાનની ન્યૂનતા એમાં સહેજે જોવા મળે છે. આચાર્ય-પરંપરાના સંપ્રદાયોમાં વર્ણવ્યવસ્થાની પ્રબળતા હોવાથી ઊંચનીચના ભેદ અભિમાનવૃત્તિ તથા સેવાભાવની ન્યૂનતા ખાસ જોવા મળતી હોય છે. ગુરુગ્રંથસાહેબમાં મુખ્યતઃ સંતોની વાણી સંકલિત છે એટલે સંતમહિમા ડગલે ને પગલે છે. આના કારણે સંતો પ્રત્યે આદરભાવનું વાતાવરણ ઉત્પન્ન થાય છે.




ચેતનદેવ કુટિયાના કૅમ્પમાં હું પહોંચ્યો અને સીધો કૅમ્પના અધ્યક્ષશ્રી બેઠા હતા ત્યાં ગયો. મારા મનમાં કાંચનકામિનીના ત્યાગની વાતો દૃઢતાથી ભરેલી હતી એટલે સામાન્ય રીતે મઠોના મહંતો પ્રત્યે મને બહુ આદરભાવ ન થતો. સારો ઉપદેશ પણ વિવેક વિના ગ્રહણ કરાયો હોય તો પૂર્વગ્રહોના સકંજામાં વ્યક્તિને ફસાવી દે તેનો મને ખૂબ અનુભવ છે. નહિ જેવા ગુલાબી રંગની અસરવાળાં વસ્ત્રો પહેરીને બેઠેલા મહંતજીને પ્રણામ કરીને હું બેઠો. તેમણે મને પ્રશ્નો પૂછ્યા. સંપ્રદાય પૂછ્યો. મેં કહ્યું કે હજી મેં દીક્ષા લીધી નથી. તેમણે યોગ્ય જગ્યાએ દીક્ષા લઈ લેવા આગ્રહ કર્યો. તેમની પાસે આવેલી થોકડાબંધ ટપાલ મારી પાસે વંચાવી અને પછી એક ઘાસની કુટિયામાં રહેવાની વ્યવસ્થા કરવા હુકમ કર્યો.




મેળા પૂરતી જ બનાવેલી ઘાસની કુટિયાઓમાં સંતો રહેતા હતા. બીજા ભાગમાં ગૃહસ્થો રહેતા હતા. અમારી ઝૂંપડીમાં બીજા ત્રણ ઉદાસીન સંત હતા. ત્રણે વૃદ્ધ હતા. તથા ખૂબ ભલા હતા. એક કાળાં કપડાં પહેરતા. હું નાનો છોકરો હતો અને અદીક્ષિત હતો તોપણ એ ત્રણમાંથી કોઈએ પણ પોતાનો શિષ્ય થવા કહ્યું નહિ. ત્રણેને મારા પ્રત્યે લાગણી હતી. પણ હું લક્ષ્મીને સ્પર્શ ન કરતો તે તેમને ગમતું નહિ. ઘણી વાર કોઈ સિંધી ભક્ત સંતોને પૈસા વહેંચવા આવે તો હું લેતો નહિ. ભક્તના ચાલ્યા ગયા પછી તેઓ મને સમજાવતા કે બે રૂપિયા હોય તો કામ આવે. પણ હું સમજતો નહિ, અને ખરેખર બન્યું પણ તેવું જ. હું ફરી તાવમાં પટકાયો ત્યારે ઉકાળો પીવાની જરૂર પડે ત્યારે પેલા સંતો પોતાના પૈસાથી મને ઉકાળો લાવી આપતા અને મીઠી સલાહ આપતાઃ પાસે પૈસા રાખ્યા હોત તો? પણ હું કાંઈ બોલતો નહિ.




ચેતનદેવ કુટિયામાં જમવાની વ્યવસ્થા સારી હતી. તેમ છતાં સંતોને બહારથી ભિક્ષા કરવાની પણ છૂટ રહેતી. આજુબાજુના આશ્રમોમાં જલેબી ગુલાબજાંબુ-લાડુ વગેરે રોજે થતાં એટલે સંતો ભિક્ષામાં લઈ આવતા.



ચેતનદેવ કુટિયામાં હું લગભગ વીસ દિવસ રહ્યો. મને મહંતશ્રી તથા અન્ય સંતો પ્રત્યે માન થયું. પણ કાંચનફામિનીવાળી વાતના કારણે ગુરુપદ માટે ક્યાંય મારું મન લાગતું નહિ.




મોટા ભાગે હું સવારથી સાંજ સુધી કુંભમેળાના જુદા જુદા ભાગોમાં ગુરુની શોધમાં ફરતો હતો. નવા નવા સંતો તથા મહાત્માઓ પાસે જઈને બેસતો, ચર્ચા કરતો પણ ગુરુ તરીકે કોઈને સ્વીકારી શકાય તેટલી શ્રદ્ધા થતી નહિ. ઘણી વાર હું એકલો બેસીને રડતો. મને મારામાં જ ત્રુટિ દેખાતી. આખી દુનિયા ખરાબ નથી પણ હું જ ખરાબ છું તેવું મને લાગ્યા કરતું. દિવસો વીતતા જતા હતા. કુંભમેળો તો જોતજોતામાં પૂરો થઈ જશે. પછી શું ? ગુરુની શોધમાં હું થાક્યો હતો. નિરાશાથી મન દુઃખી રહેતું હતું. તેવામાં એક દિવસ મારા કરતાં પાંચ-સાત વર્ષ મોટા એક કાશ્મીરી પંડિત મળી ગયા.




“કાશ્મીરી પંડિતનો મેળાપ”:-



તેઓ અંગ્રેજી તથા સંસ્કૃત ભણેલા હતા. તે પણ ગુરુની શોધમાં નીકળ્યા હતા. તેમને પણ સંન્યાસદીક્ષા લેવી હતી. તે પણ થાક્યા હતા તથા નિરાશ થવા લાગ્યા હતા. અમારા બંનેની પરિસ્થિતિ સરખી જ હતી. તેમણે મને સલાહ આપી કે હમણાં આપણે એક જગ્યાએ બ્રહ્મચારીની દીક્ષા લઈએ. પછી ગુરુની શોધ ચાલુ રાખીએ અને યોગ્ય પાત્ર મળે તે પછી સંન્યાસની દીક્ષા લઈશું. મને તેમની વાત ગમી. કારણ કે દીક્ષા વિના ભ્રમણ કરવામાં તકલીફ પડતી હતી. તેઓ જે કૅમ્પમાં ઊતર્યા હતા, તે કૅમ્પમાં ત્રીજા જ દિવસે તેમની બ્રહ્મચારીની દીક્ષા થવાની હતી. મને પણ તેમાં સંમિલિત થવા તેમણે આગ્રહ કર્યો. તેમનું કથન કે આ દીક્ષા કાયમી દીક્ષા ન કહેવાય. પાછળથી યોગ્ય પાત્ર મેળવીને સંન્યાસદીક્ષા લઈ શકાય.




હું બીજા દિવસે પેલા કૅમ્પમાં પહોંચી ગયો. અહીં ગુજરાતી વાતાવરણ હતું. ભક્તો ગુજરાતી હતા. સ્વામીજી માળવા તરફના હતા, પણ સ્થાન ગુજરાતમાં જ હતું.



ત્રીજા દિવસે અમારી દીક્ષાવિધિ થઈ ગઈ. પંડિતજીનું નામ ધર્માનંદજી તથા મારું નામ સત્યાનંદજી રખાયું. ગુજરાતી ભક્તોના મારા ગુજરાતીપણાથી આનંદ થયો. થોડી આત્મીયતા પણ થઈ, માત્ર એક જ દિવસના પરિચયથી પેલા પંડિતજીની સલાહથી તથા અદીક્ષિત દશા સારી નહિ તેવી અનેકોની શિખામણથી મેં આ દીક્ષા લીધી હતી.




આભાર


સ્નેહલ જાની