મારા અનુભવો - ભાગ 4 Tr. Mrs. Snehal Jani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મારા અનુભવો - ભાગ 4

ધારાવાહિક:- મારા અનુભવો
ભાગ:- 4
શિર્ષક:- પ્રથમ પ્રવચન
લેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદ
રજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાની



મારા અનુભવો…

પ્રકરણઃ…4

સ્વામી શ્રીસચ્ચિદાનંદજી.



“પ્રથમ પ્રવચન”

જેને ચિરસ્મરણીય અનુભવો કરવા હોય, તેણે હિંમતપૂર્વક સાહસ કરવું. ઘરના કે ગામના ખૂણામાં આખી જિંદગી સબડનાર અને અંતે કફના લોચા કાઢતાં કાઢતાં પગ ઘસી ઘસીને મરી જનારને જીવનના રોમહર્ષણ અનુભવો નથી થતા હોતા. ખાધું-પીધું અને રાજ કર્યું. જેવું ભલેને રાજમહેલનું જ જીવન હોય પણ ખાવાપીવાની સલામતીની દૃષ્ટિવાળું જીવન હોય તો તે હજાર વર્ષનું લાંબું જીવન હોય તોપણ અર્થહીન છે.



પ્રબળ લક્ષ્યની પ્રાપ્તિ માટે જીવનને કઠોરમાં કઠોર માર્ગ ઉપર પટકી દેનાર કાં તો ફના થઈ જાય છે, કાં તો આબાદ થઈ જાય છે. સામાન્ય રીતે દુઃખી નહિ એવા રળતા-કમાતા જીવનમાંથી ઇચ્છાપૂર્વક જાણી કરીને – અકિંચન દશામાં હું મુકાયો હતો. કઠોર નિયમો મેં જ મારી જાતે સ્વીકાર્યા હતા. કોઈ ધાર્મિક કે સામાજિક દબાણ ન હતું. આ નિયમોને પાળવામાં અપાર અડચણો હતી પણ તેનો એક અનેરો આનંદ પણ હતો.



હું જે ગામમાં જતો તે ગામ મારાથી પ્રભાવિત થઈ જતું. એક તો એકવીસ વર્ષની નાની ઉંમર અને પૂર્ણ ત્યાગ. સાથે સાથે બે શબ્દોની વાત કરી શકું તેટલી ક્ષમતા. આ બધાથી લોકો પ્રભાવિત થતા. ગામડામાં મોટા ભાગે ઉઘરાણાં કરનારા, કાળી રોટી ને ધોળી દાળ આરોગનારા તથા અંધશ્રદ્ધા ફેલાવી અંધશ્રદ્ધાના અંધારામાં પોતાનું તરભાણું ભરનારા બાવાઓ વધુ આવતા હોય છે. હું જાઉં ત્યાં પ્રથમ દૃષ્ટિએ મને તેમાંનો જ માની લેતા, પણ પછી આખો અભિગમ બદલાઈ જાય. જ્યાંથી પણ વિદાય થાઉ ત્યાં લોકો અત્યંત ભાવવિભોર થઈને વિદાય આપે. લોકો પૈસા, બૂટ, વસ્ત્રો વગેરે આપવા માગે પણ હું લઉં નહિ. ત્યાગનો અત્યંત પ્રભાવ તરત જ જણાય.



મને બરાબર યાદ નથી પણ ચોથા કે પાંચમા દિવસે મઢી પહોંચ્યો. ગામ વચ્ચે સામાન્ય એવું રામજી મંદિર, ઘરબારી કોઈ બ્રાહ્મણ પૂજા કરે. મંદિરની ચારે તરફ પ્રદક્ષિણાનો ગાળો, માણસ સૂઈ જઈ શકે તેટલો પહોળો અને તે પતરાથી ઢાંકેલો. કદાચ અહીં જ સાધુસંતો (બાવાઓ) આવીને વિશ્રામ કરતા હશે. લોકોએ જ મને આ મંદિર ઉતારા માટે બતાવેલું.



ભગવાનને નમસ્કાર કરીને હું પેલી પ્રદક્ષિણાવાળી રવેશીમાં મારો થેલો મૂકતો હતો ત્યાં પૂજારીજીએ બૂમ મારીઃ “ઓ મહારાજ, ઇધર રહને કા નહીં હૈ.' મેં પૂજારી સામું જોયું. તેઓ મારી નજીક આવ્યા અને થોડા કરડાકીભર્યા સ્વરમાં એ જ વાક્યનું પુનરાવર્તન કર્યું. સૂર્ય આથમવાને થોડી જ વાર હતી. સાંજે હું જમતો નહિ, માત્ર સૂવાનો જ પ્રશ્ન છે. પણ પૂજારી તો અદ્ધર શ્વાસે હું ફરી ઝટ દઈને થેલો ઉપાડીને ચાલતો થાઉં તેની રાહ જોઈ રહ્યા છે. મેં તેમને પૂછ્યું, “ઔર કોઈ સ્થાન રાત કાટને જૈસા હૈ ?” તે થોડા વધુ કઠોર થઈને બોલ્યા, “આપ કહીં ભી જાઓ, યહાં રહને કા હુકમ નહીં હૈ.' પૂજારીના આવા વલણ માટે પૂજારી દોષી ન હતો. ગાંજો, ભાંગ, ચરસ વગેરેનો ઉપયોગ કરનારા, જબરદસ્તીથી ઉઘરાણાં કરનારા, અર્ધનગ્ન અને બીભત્સ શબ્દો બોલનારા બાવાઓ અહીં અવારનવાર આવતા હશે. તેમના ત્રાસથી આ બાળબચ્ચાંવાળો પૂજારી સાધુમાત્રને બાવા સમજીને ઘૃણા કરતો થઈ જાય તે સ્વાભાવિક છે.



હું થેલો ઉપાડીને રામજી મંદિરની બહાર નીકળતો જ હતો, ત્યાં એક વૃદ્ધ સજ્જન આવી ગયા. મને બરાબર નામ યાદ નથી પણ કદાચ તેમનું નામ ડાહ્યાભાઈ પટેલ હતું. તે કવિ હતા. આવતાં જ તેમણે મારી સાથે ધર્મચર્ચા શરૂ કરી દીધી. પ્રશ્નો અને ઉત્તર, પ્રશ્નો અને ઉત્તર થતા રહ્યા. પોણો કલાક અમે એ રવેશીમાં ઊભા ઊભા ચર્ચા કરી. પેલા પૂજારી પણ સાંભળતા હતા. ચર્ચાના અંતે જ્યારે હું વિદાય થવા લાગ્યો ત્યારે પૂજારીજી જ બોલ્યા, નહિ....નહિ... મહારાજ, જાશો નહિ. અહીં ખુશીથી રાત રહો.' અમારી ચર્ચા સાંભળવાથી તેમનું વલણ બદલાયું હતું. તેમને જે બાવાઓની ઍલર્જી થઈ ગઈ હતી તેમાંનો હું નથી તેની ખાતરી થઈ ગઈ હતી. થેલો રવેશીમાં જ રહેવા દઈને, નજીકની જ એક નાની નદીએ હું સાયં સ્નાન કરવા ગયો અને સ્નાન કરીને ત્યાં જ સંધ્યા કરી અંધારું થયે પાછો રામજી મંદિરે આવ્યો.



સંધ્યા-આરતી થઈ ચૂકી હતી, માણસો વીખરાઈ ચૂક્યાં હતાં. ત્યારે વીજળી આવેલી નહિ, એટલે કોડિયાના દીવાનું મંદ મંદ અજવાળું મંદિરના પ્રાંગણને અજવાળી રહ્યું હતું. પૂજારીએ ખૂબ આગ્રહથી જમવાનું કહ્યું પણ સાંજે જમતો ન હોવાથી અને આખા દિવસના પ્રવાસથી થાકેલો હોવાથી હું સૂવાની તૈયારી કરતો હતો, ત્યાં પેલા ડાહ્યાભાઈ કોઈની પાસે પેટ્રોમેક્સ ઉપડાવીને મંદિરના આંગણામાં પ્રવેશ્યા. તેમને જોઈને મને આનંદ થયો. આ માણસની જોડે જો ચર્ચા ન થઈ હોત તો કદાચ આ પૂજારી મને અહીં રાત રોકાવા ન દેત. પણ થોડી નવાઈ પણ લાગી. પેટ્રોમેક્સ કેમ લાવ્યા હશે ?



મને સૂવાની તૈયારી કરતો જોઈને તે નજીક આવીને હસ્યા, “અત્યારથી સૂવાનું હોય ? તમારે પ્રવચન કરવાનું છે. શ્રોતાજનો આવી રહ્યા છે.” તે બોલ્યા. હું ચમક્યો. પ્રવચન...! મારે....! મેં તો કદી પ્રવચન કર્યું જ નથી. મને કાંઈ આવડતું નથી....હું શું બોલું ? મારાથી બોલાઈ ગયું. ડાહ્યાભાઈએ મને ચિંતામાં નાખી દીધો. મને પૂછ્યાગાછ્યા વિના જ ગામના પ્રતિષ્ઠિત માણસોથી લઈને સૌને તે આમંત્રણ આપી આવ્યા હતા. તે વખતે મઢી નાનું ગામ હતું. ઘંટડી લઈને બે છોકરાંને ફેરવો એટલે પ્રચાર થઈ જાય. અને ગયા ચાતુર્માસમાં એક સંન્યાસી અહીં રહી ગયા હતા, એટલે તેમની કથાના સંસ્કાર લોકોમાં હતા જ. ધીરે ધીરે લોકો આવવા લાગ્યા તથા મંદિરના પ્રાંગણમાં યથાયોગ્ય ગોઠવાવા લાગ્યા. મારી ચિંતાનો પાર ન હતો. રહી રહીને હું પેલા દોઢડાહ્યા ડાહ્યાભાઈ ઉપર મનમાં ને મનમાં દાંત કચકચાવતો હતો.



આ લોકોને ક્યાં ખબર છે કે આજે મને ગૃહત્યાગ કર્યાને માત્ર ચોથો કે પાંચમો જ દિવસ થયો છે ? મને કશી ગતાગમ નથી અને આ ત્રણસો માણસો સામે મને કહે છે કે પ્રવચન કરો ! જે માણસ પ્રથમ મને સારો લાગતો હતો, તે જ અત્યારે ત્રાસરૂપ લાગવા માંડયો. કશી જ તૈયારી વિના હું શું બોલીશ ? કાંઈક બોલીશ અને બોલતી બંધ થઈ જશે તો ? કશું નહિ સૂઝે તો ? અરે, અત્યારે જ કશું સૂઝતું નથી. ગીતાના પ્રથમ અધ્યાયમાં અર્જુનની જે દશા થઈ હતી, તે જ દશા અત્યારે મારી થઈ રહી હતી. આ ડોસાએ મને પહેલાં સૂચના આપી હોત તોય કાંઈક ગોઠવી કાઢતાં મને કશો જ અનુભવ નથી. હે પ્રભુ, હવે શું થશે ? ચિંતામાં મારું ગળું સુકાઈ રહ્યું હતું. જેમ જેમ ક્ષણો વીતવા લાગી તેમ તેમ મને લાગ્યું કે મારાથી અવાજ જ કાઢી શકાશે નહિ.



શ્રોતાઓમાંથી બહેનો કોઈ ભજન ગાઈ રહ્યાં હતાં. એક વાર તો મને થયું કે પૂજારીએ અહીં રહેવા ન દીધો હોત તો સારું હતું. પણ હવે શું કરવું ? આ ડોસાએ તો ઘરે ઘર ફરીને મારા માટે અત્યંત રંગોળી પૂરીને વાતો કરેલી “શુકદેવ છે. શુકદેવ”, “બધાં શાસ્ત્રો મોઢે છે”, “પૂર્વનો કોઈ પ્રબળ યોગી લાગે છે', વગેરે વગેરે. આમાંનું મારામાં કશું ન હતું. પણ લોકો તો ડાહ્યાભાઈથી પણ સવાઈ આશા લઈને આવ્યા હતા અને ક્યારે આ શુકદેવ(!)ના મુખમાંથી વચનામૃત ટપકે તેની ઉત્કંઠાથી રાહ જોઈ રહ્યા હતા. મને ખાતરી જ હતી કે ફિયાસ્કો જ થવાનો છે. અંતે એ ઘડી આવી ગઈ, જેનાથી હું ડરી રહ્યો હતો. ગાદી વગેરે પથરાઈ ગઈ હતી, ડાહ્યાભાઈએ પ્રાર્થના અને આદેશ બન્ને સ્વરોમાં કહ્યું, “ચાલો...

આખો દિવસ ચાલ ચાલ કરવાથી જેટલો થાક મને નહોતો લાગ્યો તેટલો થાક અત્યારે આ પ્રવચન કરવાની વાતથી લાગી ગયો હતો. અનિચ્છાએ હું ઊભો થયો અને ગાદી ઉપર આવ્યો. સૌ શ્રોતા મને અહોભાવથી જોઈ રહ્યા હતા. તેમને જોઈને મારા મોતિયા મરી રહ્યા હતા. પાસે જ બેઠેલા ડાહ્યાભાઈ મને ઝેર જેવા લાગી રહ્યા હતા.



ભાંગ્યાનો ભેરુ ભગવાન મેં આંખ મીંચીને પ્રભુને ભાવથી યાદ કર્યા.મને બરાબર યાદ નથી કે મંગલાચરણ માટે કોઈ શ્લોક બોલ્યો કે કેમ, આંખ ઉઘાડી અને કાંઈક બોલવા લાગ્યો. જ્યારે બોલવાનું બંધ કર્યું ત્યારે એક કલાક વીતી ગયો હતો. હું શું બોલ્યો તેનું મને ભાન ન હતું. શરીરે શિયાળામાં પણ – પરસેવો થઈ ગયો હતો. પ્રવચન-સમાપ્તિની જ્ય બોલાવી ત્યારે લોકો ભાવવિભોર થઈને જયજયકાર કરી રહ્યા હતા. લોકો ઊઠવા તથા વીખરાવા તૈયાર ન હતા. આવતી કાલે પોતપોતાને ત્યાં જમવા લઈ જવા ઘણા રકઝક કરી રહ્યા હતા. સૌ વીખરાયાં. પ્રવચન પાર પડ્યું તેની સફ્ળતાનો મને અનહદ સંતોષ હતો તથા આ પરમાત્માની કૃપાથી જ થઈ શક્યું તેવી પ્રતીતિ થવા લાગી.



સૌના વીખરાયા પછી પૂજારીજી ઘરમાંથી બે ગરમ ધાબળા લઈ આવીને મને ઓઢવા-પાથરવા આગ્રહ કરી રહ્યા હતા. તેમના ધાબળાનો સ્વીકાર કરીને મેં જ્યારે લંબાવ્યું ત્યારે પૂજારીજી પગ દબાવી આપવા હઠ કરી રહ્યા હતા. બાપજી, આખા દિવસના થાકીને લોથ થઈ ગયા હશો. લાવો, થોડા પગ દબાવી આપું.' મેં તેટલી જ દઢતાથી વિરોધ કર્યો. હું કોઈને અડવા દેતો નથી.' છતાં પૂજારી બેઠા હતા. થોડે જ દૂર તેમનાં પત્ની અડધું બારણું ઉઘાડીને અડધાં ઘરમાં અને અડધાં બહાર રહીને અમને જોયા કરતાં હતાં. તેમણે જ પૂજારીને ધાબળા લઈને મોકલ્યા હતા તથા તેમણે જ પગચંપીની સેવા કરવા સમજાવ્યા હતા. કારણ...કારણ..... કે તેમને બેબીઓ જ બેબીઓ હતી. એક બાબાની લાલસા હતી. “આટલાં વર્ષોથી અહીં રહીએ છીએ પણ આવા સંત નથી આવ્યા’ તેવું સમજીને તે આશીર્વાદની અપેક્ષા રાખતાં હતાં.



સાંસારિક લાલસાઓ માણસને કેટલો દુઃખી તથા કેટલો લાચાર કરી મૂકે છે ! જેની પાસે કશું જ નથી એવા મારી પાસેથી તે કેટલી મોટી અપેક્ષા રાખે છે ! ‘હું તો પામર જીવ છું.' તેવું વારંવાર કહેવા છતાં પૂજારીજી ખસતા જ ન હતા. તે વારંવાર બોલતા હતાઃ “બાપુ, તમે તો ભગવાન છો.’



પહેલાં ડાહ્યાભાઈનો ત્રાસ અને હવે આ પૂજારીનો ત્રાસ ! સાધુ થયે પણ ક્યાં શાંતિ છે ? માંડ સમજાવીને પૂજારીને વિદાય કર્યા. જીવનમાં પ્રથમ વાર અને તે કલાક સુધી પ્રવચન કર્યું તેથી હું પોતે જ નવાઈમાં ડૂબી ગયો હતો.



મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિમ્ ।
યત્કૃપા તમહં વન્દે પરમાનંદમાધવમ્ ॥


આભાર

સ્નેહલ જાની