મારા અનુભવો - ભાગ 2 Tr. Mrs. Snehal Jani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મારા અનુભવો - ભાગ 2

ધારાવાહિક:- મારા અનુભવો
ભાગ:- 2
શિર્ષક:- જય અન્નપૂર્ણા
લેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદ
રજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાની

મારા અનુભવો…

પ્રકરણઃ૨ …

સ્વામી શ્રીસચ્ચિદાનંદજી.

“જય અન્નપૂર્ણા !”

હું ગુરુની શોધમાં નીકળ્યો હતો અને મારે કુંભમેળામાં જવું હતું. કુંભમેળાને હજી ત્રણેક મહિનાની વાર હતી. મારી યોજના એવી હતી કે સુરત ટાપ્ટીવેલી રેલવેના પાટે પાટે ભુસાવળ થઈને પ્રયાગરાજ પહોંચવું. પ્રયાગરાજ પહોંચવા ત્રણ મહિના પર્યાપ્ત હતા. મેં સાંભળ્યું હતું કે કુંભમેળામાં લાખો સાધુઓ ભેગા થાય છે. મને આશા હતી કે આમાંથી કોઈ નો કોઈ મને સદ્ગુગુરુ મળી રહેશે. મારું ધ્યેય માનવજીવનનું એકમાત્ર લક્ષ્ય – મોક્ષ હતું.મોક્ષ ના મેળવી શકાય તો જીવન વ્યર્થ છે. મોક્ષના માર્ગમાં કાંચન અને કામિની આ બે મુખ્ય અડચણરૂપ વિઘ્નો છે. તેને ત્યાગ્યા વિના મોક્ષ મળે નહિ – આવા વિચારોની સાથે, પગમાં જોડા નહિ પહેરવા, પૈસા પાસે રાખવા નહિ, મિષ્ટાન્ન જમવું નહિ, એક દિવસથી વધુ કોઈ ગામમાં રોકાવું નહિ અને ચોવીસ કલાકમાં માત્ર એક જ વા૨ જમવું વગેરે કઠિન નિયમો લઈને હું નીકળ્યો હતો.

ભિખારીઓની સાથે રાત વિતાવીને હું રેલવે સ્ટેશને આવ્યો અને નળ ઉપર નાહ્યો. હજી સૂર્યોદયને ઘણી વાર હતી. ટાપ્ટીવેલી રેલવે લાઇન ઉ૫૨ પહોંચવાનો માર્ગ મેં કોઈને પૂછ્યો, અને તેણે દૂધ આપવા આવેલાં ગ્રામીણોની સાથે મને કરી દીધો. એ બધાં દૂધ આપીને પાછાં પોતપોતાના ગામ જઈ રહ્યાં હતાં. ભીનાં કપડાં થેલામાં ભરીને હું સૌની સાથે ઈશ્વરસ્મરણ કરતાં કરતાં ચાલી રહ્યો હતો. પોતપોતાનું ગામ આવતાં એક પછી એક સૌ જુદાં થઈ ગયાં. હવે હું, પેલી રેલ-લાઇન અને પરમાત્મા – એમ ત્રણ જ હતાં. રેલ-લાઇન મેં એટલા માટે પસંદ કરેલી કે કોઈને માર્ગ પૂછવો ન પડે.

પૂર્વ દિશામાં સૂર્યનારાયણે ડોકિયું કર્યું. હું તેમના જ ત૨ફ જ્ઞાનપ્રકાશની આશાએ જઈ રહ્યો હતો. વાતાવરણ અત્યંત ખુશનુમા હતું. કાર્તિક મહિનાનો શુક્લ પક્ષ ઊતરવાની તૈયારીમાં હતો. ચારે તરફ ખેતરોની હરિયાળી,પ્રાતઃકાલીન પ્રાણવાયુની સભરતા, તન અને મનમાં ઉત્સાહ, વૈરાગ્ય અને ચાલનો વેગ મને ધસમસતા નીરની માફક આગળ ધકેલી રહ્યો હતો. મનમાં નામસ્મરણનો એકતારો ચાલી રહ્યો હતો. જોકે ભૂખ્યો હતો. સવારના નાસ્તાનો ટાઇમ થઈ ગયો હતો અને છેલ્લા તેર દિવસથી ખાસ કાંઈ ખાવાનું ન હતું – છતાં આનંદ અને ઉત્સાહમાં કશી પરવા કર્યા વિના પવનવેગે માર્ગ કાપી રહ્યો હતો. બસ એક જ ધ્યેય હતું – ક્યારે કુંભમેળામાં પહોંચું. અને ક્યારે કોઈ સદ્ગુરુની શરણાગતિ સ્વીકારું.

વ્યક્તિની પાસે દૃઢ ધ્યેય તથા પ્રબળ ઉત્સાહ હોય તો તે હજારો કષ્ટોને ફૂલની માફક સહી શકે છે. જે માણસ સવારના નાસ્તામાં થોડુંક મોડું થાય તો આકુળવ્યાકુળ થઈ જતો તે જ માણસ નાસ્તાને ભૂલીને સડસડાટ પવન સાથે હોડ કરી રહ્યો છે. રહી રહીને મને વિચાર આવતો – બપોરે જમવાનું મળશે ? કોણ જમાડશે ? કદાચ નાયે મળે. નહિ મળે તો ? આ વિચાર આવતાં થોડી ઢીલાશ આવી જતી. પણ પછી પેલો સંકલ્પ યાદ આવતો – નહિ મળે તો ભૂખે મરી જઈશ. વળી પાછું એક મહા-અવલંબન ઈશ્વરસ્મરણ.... અતૂટ શ્રદ્ધા હોય, માથા ઉપર થોડી આપત્તિ હોય અને માણસ એકાકી પગપાળા યાત્રા કરતો હોય તો ઈશ્વરસ્મરણ બહુ સરસ થાય. માર્ગ ઉપરનાં વૃક્ષો, વાડનાં ઝાંખરાં અને સૌ કોઈ જાણે ઈશ્વર થઈને ઊભાં હોય અને આશ્વાસન આપતાં હોયઃ ચિંતા ના કર, બધું થઈ રહેશે.

નવ વાગ્યા હશે અને મને જોઈને એક ખેતરમાંથી એક ખેડૂત દોડતો આવ્યો. એ મહારાજ, ઊભા રહો... ઊભા રહો....' હું ઊભો રહ્યો. ખેતરની વાડની આ તરફ આવવાનું છીંડું ન હતું એટલે પેલી તરફ ઊભા રહીને તેણે મને નજીક બોલાવ્યો. પ્રૌઢ ઉંમરનો તે દોડવાથી હાંફતો હતો, પણ તેના ચહેરા ઉપર સાત્ત્વિકતાની કેટલીય રેખાઓ તેના અંતરની શુદ્ધતાની છડી પોકારતી હતી. મેલા અને મીંઢા માણસો ગમે તેવાં ઊજળાં કપડાં પહેરીને બેઠા હોય પણ તેમની સ્વાર્થની રમત રમતી આંખો ચાડી ખાઈ જ જાય.

પેલા ખેડૂતે હાથ જોડ્યા, સારું થયું બાપજી, સવારના પો’૨માં તમારાં દર્શન થયાં,' તે બોલ્યો. મને સમજાયું કે હું હવે દર્શન કરવાને યોગ્ય થયો છું. આપણા દેશમાં તો હજારો, ક્દાચ લાખ્ખો માણસો દર્શન દેવાનું કામ કરવામાં રોકાયેલાં રહે છે, પણ સામાન્ય રીતે પ્રદર્શનનું દર્શન કરવાની ટેવવાળા આપણે સાચા દર્શનથી મોટા ભાગે વંચિત રહી જઈએ છીએ. અને આ દર્શન દેનાર પણ કંઈ ઓછા ખેલાડી નથી હોતા. તેમણે પ્રથમ જ નિયમ બનાવ્યોઃ ખાલી હાથે દર્શન ન થાય. પેલા ખેડૂતે સાંકડા ગજવામાં હાથ નાખ્યો, એક કાણો પૈસો કાઢ્યો. હાથ લાંબો કર્યો અને અત્યંત ભાવથી બોલ્યો, લ્યો, બાપજી, ફૂલ નહીં તો ફૂલની પાંખડી ' અમારા બન્ને વચ્ચે વાડ હતી, તોપણ એકબીજાના લંબાયેલા હાથ એકબીજાને પહોંચી શકે તેમ હતું. હું મનોમન હસ્યો. લક્ષ્મીનો ત્યાગ કર્યો છે અને પહેલા જ દિવસે લક્ષ્મીની બોણી થઈ રહી છે. વ્યાપારીઓ બોણીને બહુ મહત્ત્વ આપે. મારા માટે તો આ પૂરા સાધુજીવનની બોણી હતી.

સંસારની વિચિત્રતા તો જુઓ ! જે નથી જોઈતું હોતું તે સામું આવે છે અને જે જોઈતું હોય છે તે સંતાકૂકડી રમાડે છે. મેં પેલા ખેડૂતને થોડાક ગર્વ સાથે કહ્યું : “હું પૈસાને અડતો નથી. મારે પૈસો નથી જોઈતો.' ત્યાગની પણ ખુમારી હોય છે. આવી ખુમારી ધીરે ધીરે અહંભાવમાં પણ બદલાઈ જતી હોય છે. કોઈ પણ ગુણ ઝટ દઈને દોષમાં રૂપાંતર થઈ જતાં વાર નથી કરતો. ઈશ્વરકૃપા હોય તો જ સભાનતા રહે, નહિ તો ગુણો પણ વ્યક્તિને બેભાન બનાવી મૂકે.

પૈસાનો અસ્વીકાર કરવાથી પેલા ખેડૂતની શ્રદ્ધા ખૂબ જ વધી ગઈ.આ દેશમાં ત્યાગનો કેટલો બધો મહિમા છે ! તેની વધેલી શ્રદ્ધા જ મારા ત્યાગનું સંબલ બની ગઈ. ‘હું બરાબર છું—હું ઉત્તમ છું” તેની પ્રતીતિ કરાવતી તે શ્રદ્ધા ના હોય તો કદાચ મારો ત્યાગ શિથિલ થઈ જાય.

તેની વિદાય લઈને હું પાછો રેલવે લાઇન ઉપર આવ્યો અને ચાલવા લાગ્યો. એક વિચાર આવી ગયો. એક પૈસાના સિંગ-ચણા લીધા હોત તો ટેકો થઈ જાત. ત્યારે એક પૈસાની પણ ખાસ્સી વસ્તુ આવતી. પણ વળી પાછો ખ્યાલ થતાં જ મનોમન હસ્યો. “તો ઘેર જ રહેવું હતું ને ! કોણે તને જબરદસ્તીથી ઊંડા પાણીમાં ઉતાર્યો છે !" આપણી ઇચ્છા હોય કે ના હોય, મનમાં અસંખ્ય વિચારો આવ્યા જ કરતા હોય છે. તેમાં પણ અનિશ્ચિતતાની દશામાં તો – શું થશે ? શું થશેના વિચારો આવ્યા કરે. અનિશ્ચિતતામાં જ ઈશ્વરવિશ્વાસ નિશ્ચિતતા જન્માવતો હોય છે. નહિતર વિશ્વાસ સિવાય મારી પાસે કશું જ ન હતું. આજ સુધી ઈશ્વરની બહુ જરૂર પડી ન હતી. કારણ કે હું રળતો-કમાતો અને મારી જરૂરિયાતો મેળવી લેતો. પણ આજે પ્રથમ દિવસે બધું જ અનિશ્ચિત હતું. એટલે આજે ઈશ્વરવિશ્વાસની ઓથ બહુ ભારે બળ બનીને ટેકો આપી રહી હતી. પ્રભુની ઓથ અને હૂંફ જેને હોય તે કપરું જીવન પણ હસતાં હસતાં પૂરું કરી શકે છે.

લગભગ અગિયાર વાગ્યા સુધી મેં ચાલ ચાલ કર્યું હવે થાક્યો હતો,અને ભૂખની તો વાત જ શી કરવી ? રેલવેની નજીક જ એક મધ્યમ કક્ષાનું શિવાલય દેખાયું. મારા પગ આપોઆપ તે તરફ વળી ગયા. શિવાલયમાં શિવજી અને તેમના પોઠિયા સિવાય કોઈ ન હતું. મેંદીની વાડ ઉપર મારાં ભીનાં કપડાં સૂકવી હું પોઠિયા પાસે બેસીને ગીતાનો પાઠ કરવા લાગ્યો.અહીંથી અડધો કિલોમીટર દૂર નાનું સરખું ગામ દેખાતું હતું….

કોઈએ ઠીક જ કહ્યું છે કે ભૂખે ભજન ના હોય ગોપાલા.' એક કલાક સુધી ગીતાજીનો પાઠ કર્યો હશે. બાર વાગ્યા પણ કોઈ માસી જમવા બોલાવવા તૈયાર ન હતી. મનોમન કહી રહ્યો હતો, લે, લેતો જા, સાધુ થવાની મજા.'પણ એવામાં એક વૃદ્ધ પટેલ આવ્યા. તેમને જોઈને મને થોડી આશા બંધાઈ. વિપત્તિમાં માણસ પણ ક્યાં જોવા મળે ? તેમણે આવતાં જ મને પૂછ્યું, 'ક્યાંથી આવો છો, મહારાજ આ પ્રશ્નનો જવાબ આપવાની મારી તૈયારી ન હતી. કારણ કે તેનો સાચો જવાબ તો એ જ થાય કે, ઘેરથી આવું છું અને આજે જ સાધુ થયો છું.' અને આવા જવાબથી તો ગૂંચવાડો ઊભો થાય. મારી નાની ઉંમર લોકોને કુતૂહલમાં નાખી દે. અનેક પ્રશ્નો ઊભા થાય. પણ પ્રશ્નનો જવાબ ના આપવાથી પણ ક્યાં શાંતિ હતી ? પેલાને વધુ કુતૂહલ થાય. પરમાત્માએ જ મને સુઝાયું :’આ રેલે રેલે આવું છું.’ પેલા વૃદ્ધનું સમાધાન થઈ ગયું. તેણે બહુ પૂછ્યું નહી.મારા જેવા કેટલાયે સાધુઓ આ રેલે રેલે આવતા હશે અને આ મહાદેવમાં પોરો ખાવા બેસતા હશે.

મારા હાથમાં પુસ્તક જોઈને તે બોલ્યો, “શું વાંચો છો?" મેં કહ્યું કે ‘ગીતા.’’ એમ ! સારું ત્યારે સંભળાવો ગીતાજી.' તે બોલ્યા. ગીતા સાંભળવાની તેમની ઇચ્છા મને સારી લાગી અને મેં બરાબર એક કલાક એટલે કે એક વાગ્યા સુધી ગીતા સંભળાવી. તે ઊભા થયા અને બોલ્યા, ‘સારું ત્યારે લ્યો....બેસો. હું તો હવે જાઉં છું.' આટલું કહીને ચાલતા થયા. હું તેમને જતા જોઈ રહ્યો. હવે ફરીને ગીતા વાંચવામાં મન લાગતું ન હતું. આજે પ્રથમ દિવસ હતો, એક વાગી ગયો હતો. પેટમાં એક દાણો પણ પડ્યો ન હતો. ‘કીડીને કણ અને હાથીને મણ'ની વાતમાં વિશ્વાસ ડગમગ ડગમગ થઈ રહ્યો હતો.

થયું કે લાવ આ પોઠિયા પાસે થોડીક વાર સૂઈ જાઉં, પણ સૂતાં પહેલાં ઊભો થયો, મહાદેવ બહાર નીકળી સુકાવા નાખેલાં કપડાં ઠીકઠાક કર્યાં. પાછો મંદિરમાં આવ્યો. બે-ચાર આંટા માર્યા, એક-બે ભજનની એકાદ કડી ગણગણ્યો.

દોઢ વાગ્યો હશે અને મંદિરનો ગોસ્વામી પૂજારી આવી પહોંચ્યો. ગામના ટેકરા ઉપર તેનું ઘ૨ અને ત્યાંથી મહાદેવ દેખાય. તે પણ ખેતીવાળો માણસ. ખેતરેથી આવીને જમીપ૨વા૨ીને આરામ કર્યા પછી ઊઠ્યો અને તેની નજ૨ મેંદીની વાડ ઉપર સુકાતાં મારાં કપડાં ઉપર પડી. મહાદેવમાં કોઈ આવ્યું લાગે છે,’ એમ સમજીને તે આવ્યો. આવતાં જ પૂછ્યું : ‘ક્યાંથી આવો છો મહારાજ ?” હવે મારી પાસે ઉત્તર હાજર હતો : આ રેલે રેલે.’ જમ્યા કે નહિ ?” મેં ડોકું ધુણાવીને ના પાડી. ચાલો ત્યારે મારી સાથે ગામમાં સીધું અપાવું.’ પ્રત્યેક ગામમાં બે-ચાર ઘર તો અતિથિસત્કાર કરનારાં રહેતાં જ હોય છે. આવાં ઘર આવતા-જતા સંત-સાધુ-ભગત ભિખારી-વટેમાર્ગુ વગેરે સૌને આશ્રય આપતાં હોય છે. મંદિર-મહાદેવના પૂજારીને કહી રાખ્યું હોય છે કે કોઈ સંત-સાધુ આવે તો આપણે ત્યાં લઈ આવજો. જોજો હોં, આપણા ગામમાંથી કોઈ ભૂખ્યું ન જાય ! આવાં ઘરો જ ગામની શોભા થતાં હોય છે, ભલે તે દેશી નળિયાંવાળાં હોય.

મેં કહ્યું, ના ભાઈ, મારે સીધું નથી જોઈતું, કોઈને ત્યાં તૈયા૨ ભોજન હોય તો ચાલશે.’ તેને નવાઈ લાગી. તેણે કહ્યું, મારા ઘેર તમે જમશો ?' મેં હા પાડી. આનંદમાં આવી જઈ તે બોલ્યોઃ ‘તો તો ચાલો ને, દાળ ને રોટલો તૈયાર જ છે.' અમે બન્ને ચાલ્યા તેના ઘર તરફ. રસ્તામાં મને વિચાર આવતા રહ્યા. અહીં અવારનવાર સાધુઓ આવતા હશે. સંસારીઓથી તે અભડાઈ જતા હોવાથી સીધું લઈને પોતાની મેળે રસોઈ બનાવી જમતા હશે. ઊંચી કોમોની તો ઠીક પણ ગોસાઈ જેવી અણઘડ કોમને ત્યાં જમવાની કોણ હા પાડે ? જે ધર્મમાં આદિથી અંત સુધી આભડછેટ પેસી ગઈ હોય ત્યાં લોકોનો જેમ તમે વધુ ને વધુ તિરસ્કાર કરો તેમ વધુ પૂજ્ય થતા જાઓ. એટલે જ પેલા ગોસ્વામીને નવાઈ લાગી હતી. ગોસ્વામીની ભાવિક પત્નીને પણ નવાઈ લાગી. તેમાં પણ મારા વર્ગથી તો તેને ખાતરી થઈ જ ગઈ હતી કે હું કોઈ ઊતરતી જ્ઞાતિનો નથી. આવી ઊંચી જ્ઞાતિના મહાત્મા પણ મારા ઘેર જમવા આવ્યા, તેનો તેને આનંદ હતો. વારંવાર તે બોલતી હતીઃ બધું ચોખ્ખું છે હો મહારાજ.' અને પેલો ગોસ્વામી તકેદારીપૂર્વક આદેશ આપતો હતો, 'પેલા તાંબાના ઘડામાંથી પાણી આપજે. સમજી ને હું જમવા બેઠો. દાળ અને રોટલો બન્ને ટાઢાં થઈ ગયાં હતાં, પણ અત્યારે તો મારા માટે ગરમાગરમ ઉષ્મા આપી રહ્યાં હતાં. અન્નનું જીવનમાં શું સ્થાન છે તેની ખબર શ્રીમંતાઈમાં આળોટીને મોટા થનારને ન હોય. મારી આંખમાં ઝળઝળિયાં આવી ગયાં. પ્રભુ, થોડું મોડું તો થયું, પણ આગળ આગળ જ તેં વ્યવસ્થા કરી મૂકી હતી. ગોસ્વામીના ઘરમાં કોઈ બાળક ન દેખાયું, કદાચ સંતાન ના પણ હોય.

પેલી બહેન મને અત્યંત લાગણીથી જમાડી રહી હતી, તથા ટગર ટગર મારા સામું જ જોયા કરતી હતી. ધીરે રહીને તેણે મને પૂછ્યું, “મહારાજ, તમારું દૂધ કયું ? કોઈ પણ સાધુની જાત પૂછવા માટેનો આ ‘કોડવર્ડ' છે. દૂધ એટલે જાત. અર્થાત્ તમે કયું દૂધ ધાવીને મોટા થયા છો ?

આપણી સમાજવ્યવસ્થામાં નવા પરિચય કે સંબંધમાં જ્ઞાતિ કે જાતિ વિશેની સ્પષ્ટતા અનિવાર્ય થઈ જતી હોય છે. હું પોતે આવા ભેદોનો ત્યારે પણ વિરોધી હતો, પણ હવે જવાબ શો આપવો ?

વળી પાછો પરમાત્મા જીભ ઉપર આવી ગયો. મારાથી બોલી જવાયું : ‘તમારું.’ આ શબ્દે તેને અનહદ આનંદ આપ્યો. ‘અમારું....? તમે પણ ગોસાંઈના બાળક છો ?" હું કશું બોલ્યો નહિ, માત્ર સ્મિત જ કરતો રહ્યો.

મારા જવાબથી બન્ને પતિ-પત્ની ગેલમાં આવી ગયાં. માણસને પોતાની જ્ઞાતિ પ્રત્યે કેટલો રાગ હોય છે ! કેટલી આત્મીયતા આપોઆપ થઈ આવતી હોય છે...! પેલી બહેન બોલી : 'મહારાજ, તો તો... અમારા ત્યાં જ રહી જાઓ ને ! આમની હવે ઉંમર થવા આવી છે, અને મહાદેવની પૂજા કરે તેવું કોઈ નથી. આમ રખડવા કરતાં અહીં રહેજો ને પૂજા કરજો.’ એકી શ્વાસે તે બોલી ગઈ. પેલા ગોસ્વામીનો ચહેરો પણ હું હા પાડું તેની ઉત્કંઠા સાથે મારી તરફ જોઈ રહ્યો હતો. હું મૂંઝાયો. મારા જવાબથી આમની લાગણી દુભાશે જ, પણ શું કરું? મેં કહ્યું, 'બહેન, મારે તો કુંભમેળામાં જવું છે. પગે ચાલતાં ચાલતાં ઠેઠ પ્રયાગરાજ પહોંચીશ. ફરી કોઈ વાર આ તરફ આવીશ તો જેવી હિરઇચ્છા હશે તેમ કરીશ.' તે બન્ને નિરાશ થઈ ગયાં. મને મૂકવા બન્ને જણાં મહાદેવ આવ્યાં. પેલાં મારાં કપડાં થેલામાં ભરીને સાંજના ચાર વાગ્યે હું વિદાય થયો. બન્નેની લાગણીભરી આંખો મને જોતી રહી. ઢળતી અવસ્થામાં ઓથ વિનાનાં માણસો ઓથ શોધે છે. ગમતી ઓથ મળે અને તે છટકી જાય તે કોને ગમે ?

ફરી પાછા રેલવેની સડક ઉપર મારા પગ ગતિ કરવા માંડ્યા. હવે સાંજ પડે ત્યાં રાત રોકાવાનું છે. જમવાની તો ચિંતા નથી કારણ કે એક વાર જમવાનો નિયમ છે તે પૂરો થઈ ગયો. પેટમાં અન્ન પડ્યા પછી જે સ્ફૂર્તિ, શક્તિ, તાજગી અને નિશ્ચિતતા અનુભવાય છે તે અનુભવતો અનુભવતો ગોસ્વામી દંપતીના ચહેરાઓ સાથે ઈશ્વરસ્મરણ કરતો કરતો આગળ વધી રહ્યો છું. અચાનક ઉર્દૂનો એક શેર યાદ આવી ગયો.

ખુદા ખાનાબદોોં કી કરે ખુદા ખાનસામાની,
નયા ફરોજા, નયા દરવા, નયીમંજિલ, નયા પાની.

કોઈ સૂફી ફકીરે આ શેર લખ્યો છે. એનો ભાવ છે કે અમારા જેવા ખાનાબદોશ એટલે કે રખડતા-ભટકતા (અનિકેત) ફકીરોની પરમાત્મા પોતે જ રસોઇયો થઈને મહેમાનગીરી કરે છે. સંસારી માણસોને તો રોજ રોજ એનું એ જ મકાન, એ જ વાસણો, ઘર અને એ જ પાણી મળે છે. પણ અમારો અલ્લાહરૂપી રસોઇયો તો અમને રોજે રોજ, નવા દરવાજા, નવી મંજિલ અને નવાં નવાં પાણી દ્વારા નવી નવી રસોઈ કરીને જમાડે છે.

કેટલી મસ્તીભરી છે આ શેરમાં!
મારે હવે રોજ આ શેર પ્રમાણે નવું નવું જ અનુભવવાનું છે ને !

- સ્વામી સચ્ચિદાનંદજી

આભાર

સ્નેહલ.જાની