મારા અનુભવો - ભાગ 3 Tr. Mrs. Snehal Jani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મારા અનુભવો - ભાગ 3

ધારાવાહિક:- મારા અનુભવો
ભાગ:- 3
શિર્ષક:- અતિથિ દેવો ભવ
લેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદ
રજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાની

મારા અનુભવો…

પ્રકરણઃ…3 "અતિથિ દેવો ભવ:"

🕉️ સ્વામી શ્રીસચ્ચિદાનંદજી.

મને બરાબર યાદ નથી. કદાચ ક્રમમાં અવળા-સવળાપણું થઈ ગયું હોય, પણ એટલું યાદ છે કે તે દિવસે હું ખૂબ ચાલેલો. થાકીને લોથ થઈ ગયેલો. સૂરજ આથમવાને હજી થોડી વાર હતી ને મેં બારડોલી ગામમાં પગ મૂક્યો. મારી સામે બે જ પ્રશ્ન રહેતા : એક તો બપોરે એક વાર સાદું ભોજન જમવાનો અને બીજો રાત્રે કોઈ જગ્યાએ સુઈ જવાનો. બીજી કોઈ જરૂરિયાત ન હતી. ઈશ્વરસ્મરણ કરતાં કરતાં હું આખો દિવસ લગભગ ચાલ્યા કરતો. પદ્માસન વાળીને નામસ્મરણ કે ધ્યાન કરવા કરતાં એકાંતમાં એકલા ચાલવાથી ઈશ્વરમાં વધુ મન લાગે છે.
આજુબાજુની વનરાજ તમારી સાથે ‘રીધમ’ (લય-સંવાદ) મેળવે છે. પ્રત્યેક છોડમાંથી જાણે કે પ્રભુ ઝાંખી રહ્યો છે, હસી રહ્યો છે, અરે શાબાશ...શાબાશ...' બોલીને પીઠ થાબડી રહ્યો છે, તેવો ભાસ થયા કરે છે. એક જગ્યાએ ન રહેતાં ભ્રમણ કરતા રહેવા ઉપર સંતોએ ભાર મૂક્યો છે તેનાં કેટલાંય કારણો છે. કબીરે ઠીક જ કહ્યું છે કે “બહતા પાની નિર્મલા, બંધા સો ગંદા હોય.' જોકે કબીર સ્વયં કાશીમાં વધુ સમય સ્થિર થઈને રહ્યા હતા, પણ ભ્રમણ કરનારો વર્ગ માત્ર ઉઘરાણાં કરવા કે સ્વાર્થ માટે ભમતો રહે અને લોકોને પજવતો રહે તો તેવું ભ્રમણ પીંઢારા પણ કરતા. સંતોનું ભ્રમણ પરમાર્થ માટે હોય.


બારડોલીના ધૂળવાળા માર્ગ ઉપર હું ચાલ્યો જતો હતો. “ભૂતનું ઠેકાણું આંબલી' એમ અમારા જેવા માટેનું ઠેકાણું કોઈ મંદિર-મહાદેવ. કોઈ મંદિરની ધૂનમાં હું જઈ રહ્યો હતો, ત્યાં કાને અવાજ આવ્યો “મહારાજ.... ઓ મહારાજ.... અહીં આવો, આવો.... અહીં આવો.....' જમણા હાથ તરફથી અવાજ આવતો હતો ત્યાં મારી દૃષ્ટિ ગઈ. એક દેશી નળિયાંની પડાળીમાં એક વૃદ્ધ પુરુષ હોટલ માંડીને ઊભા છે ને મને હાથ વતી બોલાવી રહ્યા છે. હું ગયો. “આવો....આવો... બાપજી... ચા પીતા જાઓ.' કશી ઓળખાણ-પિછાણ વિના પણ એમની આંખોમાંથી ભાવનાનું અમી વરસી રહ્યું હતું. મેં કહ્યું, 'હું ચા નથી પીતો.' એક સમય હતો જ્યારે હું ચા પીતો, પાન ખાતો, સિગારેટ પણ પીતો, પણ એ બધું તો એક જ દિવસે છોડી દીધું હતું. આજે તે વાતને બે વર્ષ વીતી ગયાં હતાં. વ્યસનોને છોડવાં બહુ કઠિન હોય છે. વ્યસન તો બેધારી તલવાર છે. એક તરફ એ તમારું આરોગ્ય તથા લક્ષ્મીને કાપે છે, તો બીજી તરફ તમારા મનોબળને પણ કાપે છે. આ ત્રણે વ્યસનો કેવી રીતે છોડ્યાં તેનો મારી પાસે માત્ર એક જ જવાબ છે, ‘ઈશ્વરકૃપાથી'. પાનનો ચસકો તો એટલો બધો કે જેટલો કાથો તેટલો જ ચૂનો અને તમાકુ તો ખરી જ. જમ્યા પછી, ચા પીધા પછી પાન તો જોઈએ જ. આ બધું એક જ દિવસે, એક જ ઝટકે છૂટી ગયું હતું. મારા કરતાં ય લોકોને નવાઈ લાગતી હતી. મેં કદી ઈશ્વરનાં દર્શન નથી કર્યાં, પણ તેની કૃપાનાં દર્શન અસંખ્ય વાર કર્યાં છે. તેની જ કૃપાનું આ બધું પરિણામ છે, નહિ તો મારી રાખ પણ અત્યારે ના હોત.


ચા નહીં તો દૂધ પીઓ, પેલા વૃદ્ધ બોલ્યા. મેં કહ્યું કે ના... ના. દૂધ પણ નહિ.. પણ પેલા વૃદ્ધ માન્યા નહિ. તેમણે ચા બનાવવા રાખેલા દૂધમાંથી એક કપ દૂધનો મને પિવડાવી જ દીધો. મને આ વૃદ્ધની ભાવુકતા પ્રત્યે માન થયું. ભારતમાં ધનની દરિદ્રતા છે, પણ ભાવની દરિદ્રતા નથી. તે વૃદ્ધે મને બતાવ્યું કે આ જ માર્ગ ઉપર એક સ્વામીજીનો આશ્રમ છે. ત્યાં રાત રોકાજો, મને શાન્તિ થઈ. ચાલો, રાત રોકાવાનો હવે કોઈ પ્રશ્ન નહિ રહે. વૃદ્ધની વિદાય લઈને હું પહોંચ્યો પેલા આશ્રમે. મને જોતાં જ એક ભગવાં વસ્ત્રધારી મહારાજે કહ્યું, “ઇધર નહિ... ઇધર નહિ…. હું સમજી ગયો, અહીં રાત રોકાવાનું શક્ય નથી લાગતું. મેં કહ્યું કે “મારે સ્નાન કરવું છે, સંધ્યા કરવી છે. પછી કોઈ સ્થળે ચાલ્યો જઈશ.' તેમણે અનિચ્છાએ કૂવ બતાવ્યો. બે-ચાર ગૃહસ્થો પણ હતા. કૂવા ઉપર જઈને મેં પાણી ખેંચીને સ્નાન કર્યું. સંધ્યા કરી. વાતો ઉપરથી જાણવા મળ્યું કે આ આશ્રમના મહારાજ માંદા પડ્યા હોવાથી હૉસ્પિટલમાં ભરતી થયા છે. આ કોઈ અખાડાના સાધુને આશ્રમ સંભાળવા રાખ્યો છે.


મેં જોયું કે વહેલામાં વહેલો સંધ્યા કરી વિદાય થાઉં તેની તેમને ઉતાવળ હતી. કારણ કે તે જમવા બેસવા માગતા હતા. તેમને ખબર ન હતી કે હું સાંજે જમતો નથી. મેં મારો થેલો ઉપાડયો અને ગૃહસ્થોને પૂછ્યું કે “રાત રોકાઈ શકાય તેવી બીજી કોઈ જગ્યા છે ?” તેમણે કહ્યું, “હા.. ગામના છેવાડે એક રામજી મંદિર છે... પણ.... પણ... ત્રણ-ચાર દિવસ પહેલાં સાધુના વેશમાં ચોર આવેલા અને રાત રોકાયેલા, પછી ચોરી કરીને ચાલતા થયા.... એટલે તમારે જવું હોય તો જાઓ…પણ મહંતજી હવે કોઈ અજાણ્યાનો વિશ્વાસ કરતા નથી.' પેલા ભાઈ બોલ્યા.



સાધુના વેશમાં કેટલું કેટલું છુપાયેલું છે ! એક તરફ આમાં ઉત્તમમાં ઉત્તમ સંતો પડ્યા છે, તો બીજી તરફ અધમમાં અધમ નરાધમો પણ આમાં ભળ્યા છે. કોનું પ્રમાણ વધારે છે તે કહેવાની જરૂર નથી.



અંધારું થઈ ચૂક્યું હતું. રામજી મંદિર જવાનો કોઈ અર્થ નથી. મહંતજી મને પેલા ચોરનો ભાઈ સમજશે. ત્યારે હવે રાત ક્યાં વિતાવવી ? મેં નક્કી કર્યું કે ગામ બહાર જઈને કોઈ વૃક્ષ નીચે સૂઈ જવું. ભિખારીઓની સાથે સુવાનો અનુભવ તો મળ્યો છે. પણ હજી આખી રાત અજાણ્યા વૃક્ષ નીચે સુવાનો અનુભવ મળ્યો નથી. ચાલ, આજે ઈશ્વરની એ અનુભવ કરાવવાની ઇચ્છા લાગે છે.

હું આશ્રમની બહાર નીકળ્યો. પેલા મહારા

જે ઝટ દઈને દરવાજા બંધ કર્યાં. જે રસ્તે આવ્યો હતો તે જ રસ્તે પાછો ફરવા હું મુખ્ય માર્ગ ઉપર આવ્યો. બરાબર મોઢું પણ સૂઝે નહિ તેવો અંધકાર હતો. માર્ગ ઉપર આવીને હું ચાલતો જ હતો, ત્યાં પાછળથી અવાજ આવ્યો : મહારાજ !" મેં પાછળ જોયું. અરે, આ તો પેલા વૃદ્ધ, હોટલવાળા! દૂધ લઈને આવી રહ્યા હતા. તેમણે જ મને પૂછ્યું, 'કેમ આશ્રમમાં ન ઊતર્યા ? મેં કહ્યું, “ના...ત્યાં ઊતરવા નથી દેતા.' તેમણે તેમની સુરતી ભાષાનો નમુનો પેશ કરતાં આક્રોશપૂર્વક કહ્યું. ...મને ખબર જ હતી.... મરવા દો સા... ને’. મેં ગામ બહાર જઈને કોઈ વૃક્ષ નીચે રાત રહેવાની ઇચ્છા બતાવી, તો તેમણે કહ્યું, “ના..ના... ચાલો આપણે ત્યાં.' અને એ વૃદ્ધ ડોસા ફરી પણ મને એ જ પડાળીએ લઈ ગયા. ચા પીનારા ગ્રાહકોના બાંકડા ઉપર હું બેઠો. મેં જોયું કે તેમને ખાસ ઘરાકી ન હતી. કોઈ રડ્યુંખડયું માણસ ચા પીવા આવતું. વૃદ્ધ પંખાવળી કોલસાની સગડી પર ચા કરી આપતા. થોડી ખાંડ, થોડી ચા, અને થોડા દૂધથી તે ધંધો ચલાવી રહ્યા હતા, કારણ કે આવેલા પૈસાથી શેર, અડધો શેર ખાંડ લેવા જતા મેં તેમને જોયા. પડાળીને અડીને જ એક ઓરડી હતી, જેમાં આ વૃદ્ધ તથા તેમનાં પત્ની રહેતાં હતાં. ત્રીજું કોઈ ન હતું. ઓરડી માટીના લીંપણવાળી અને કાંઈ રાચરચીલા વિનાની હતી. પ્રથમ દૃષ્ટિએ જ, સર્વત્ર અનાવૃત્ત ગરીબાઈ ડોકિયું કરી દેતી હતી.



મારી અનિચ્છા છતાં પેલા વૃદ્ધે મને બીજી વાર દૂધ પિવડાવ્યું. થોડો સત્સંગ કરી, રાતના દસ વાગ્યે અમે સુઈ ગયાં. હું એ જ પડાળીમાં બાંકડા ઉપર સૂઈ ગયો અને વૃદ્ધ દંપતી ઓરડીમાં સુઈ ગયાં. નાના સરખા ઝૂંપડા જેવા મકાનમાં કેટલી દિલાવરી હતી ! સુતાં સુતાં મેં નક્કી કર્યું કે વહેલી સવારે ઊઠીને કહ્યા વિના જ વિદાય થઈ જવું છે. જો આ વૃદ્ધ જાગી જશે તો જવા નહિ દે, તથા ફરી પાછો દૂધ પિવડાવશે. આવા ગરીબ માણસને હવે વધુ નુકસાન પહોંચાડવું બરાબર નહિ. વૃદ્ધ પ્રત્યેના અહોભાવથી અભિભૂત થઈને હું ઘસઘસાટ સુઈ ગયો. પરોઢિયાના ચાર વાગ્યે ઊઠ્યો, જરાય શબ્દ ન થાય તેવી રીતે થેલો તૈયાર કર્યો અને ખભે ભેરવીને જેવો ચાલવા જાઉં છું ત્યાં તો કિચુડ... કરીને બારણું ખૂલ્યું. એ જ વૃદ્ધ. તેમને જોઈને હું ચમક્યો. પકડાઈ ગયો હોઉં તેવો ભાવ થયો.


મને તૈયાર થયેલો જોઈને તે બોલ્યા. બાપજી એમ જવાતું હશે, આ ગરમ પાણી અને આ દાતણ લ્યો. દાતણ તો કરો "રકઝક કરવાનો કોઈ અર્થ ન હતો. મેં થેલો પાછો પેલા બાંકડા ઉપર મૂક્યો, દાતણ લીધું અને ચાવવા લાગ્યો. દાતણ પૂરું થયું કે તરત જ નાહવાનું ગરમ પાણી હાજર થઈ ગયું. હું શું કરું ? મારે જવું છે પણ આ વૃદ્ધ જવા દે તો ને ! પેલા આશ્રમમાં રહેવું હતું પણ કોઈ રહેવા દે તો ને ! કેટલો મોટો વિરોધાભાસ ! જે સાધુઓને માટે રહેવા સર્જાયું છે તે રહેવા નથી દેતું અને જ્યાં સાધુઓને રહેવાનું ના હોય ત્યાંથી જવા નથી દેતું ! માણસ બદલાઈ ગયો લાગે છે. આ વૃદ્ધને પેલા આશ્રમમાં અને પેલા બાવાજીને આ ઘરમાં ગોઠવવાની જરૂર હતી ! પણ આવી ખોટી ગોઠવણીનું નામ તો સંસાર છે.


મેં સ્નાન કર્યું અને સંધ્યા કરવા બેઠો. સંધ્યા કરીને લગભગ આઠેક વાગ્યે વિદાય થવાની પ્રબળ ઇચ્છા બતાવી તો ગળગળા કંઠે વૃદ્ધ બોલ્યા, બાપજી, મેં શું પાપ કર્યા છે કે તમે મારા આંગણેથી ભુખ્યા જાઓ છો. જમાડ્યા વિના નહિ જવા દઉ બાપજી…દયા કરો…મારી આંખો પણ પલળી ગઈ. મારે શું કરવું ? આ વૃદ્ધ કોઈ હિસાબે માને તેવો નથી લાગતો. હું રોકાઈ ગયો.હું જે બાંકડે બેઠો હતો તેની એવી સ્થિતિ હતી કે ઓરડીનું આખું દશ્ય જોઈ શકાતું હતું. મેં જોયું કે પેલાં વૃદ્ધ ડોશીમા એક-બે ઘરમાં આંટા-ફેરા કરીને ક્યાંકથી લોટ લઈ આવ્યાં. રીંગણાંનું શાક કર્યું. સારું થયું કે મારે સાદું ભોજન જમવાનો નિયમ હતો, નહિ તો આ વૃદ્ધ લાડુ જ બનાવડાવત.



સાડા દશ વાગ્યે રીંગણાંનું શાક અને રોટલા તૈયાર થયા. મેં ત્રાંસી આંખે જોયું કે ત્રણ રોટલા તૈયાર થયા હતા. મનોમન નક્કી કર્યું કે અમે ત્રણ જણાં છીએ એટલે મારે એક જ રોટલો ખાવો. બાકીના બે આ વૃદ્ધ દંપતી માટે પડ્યા મૂકવા. હાથપગ ધોઈને મને જમવા બેસાડ્યો. પિત્તળની ગોબાવાળી થાળીમાં એક રોટલો અને શાક મૂક્યું, જેણે સંપત્તિના તો ઢગલા જોયા છે પણ ભાવનાના ઢગલા નથી જોયા તેણે કશું જ નથી જોયું. જીવન હૃદયમાં અંકુરે છે, અને હ્રદયમાં જ ભાવના અમૃતથી ફ્ળ-ફૂલે છે. જે સંપત્તિમાં કે માત્ર મસ્તિષ્કમાં જ જીવન શોધવા ભટકે છે, તે ભટકતા જ રહી જાય છે. જીવનની જગ્યાએ તેમના હાથમાં માત્ર મૃગજળ આવે છે. વ્યક્તિને જ્યારે ભાન થાય છે કે જીવન તો હૃદયની ઊંડી ગુફામાં ધબકારા લેતું હોય છે, બુદ્ધિની કર્કશતા કે સંપત્તિના અહંકારથી ઊગરવા ઊંડાણમાં તે સરી ગયું છે ત્યાં જ પરમાત્મા છે. તેને પામવાનું સાધન નિર્મળ ભાવના છે. અહંકાર અને બૌદ્ધિક કર્કશતા દૂર થાય એટલે તે આપોઆપ સપાટી ઉપર આવે છે. તેના સપાટી ઉપર આવતાં જ પરમાત્મા પણ સપાટી ઉપર આવે છે. બસ, આનું નામ જ ઈશ્વરદર્શન છે.



પેલાં વૃદ્ધ અને વૃદ્ધા-માં હું ઈશ્વર-દર્શન કરી રહ્યો હતો, કારણ કે તેમનું નિર્મળ હૃદય સપાટી ઉપર વિલસી રહ્યું હતું. પરમાત્મા પણ એ જ હૃદયને મહેલ બનાવીને સુખપૂર્વક હસી રહ્યો હતો. હજી હું રોટલો પૂરો કરું ત્યાં તો પેલા વૃદ્ધ બીજો લઈ આવ્યા. માનસિક નિશ્ચય પ્રમાણે મારે હવે બીજો રોટલો લેવાનો ન હતો. મારી ના........ના… છતાં વૃદ્ધે આંખ મીંચીને આખો રોટલો મારી થાળીમાં પધરાવી દીધો. હવે શું કરવું ? હવે તો માત્ર એક જ રોટલો આ બન્ને માટે રહી ગયો. બીજો રોટલો પણ હું જમી ગયો. ચોવીસ કલાકમાં એક જ વાર જમવાનું, જુવાન સશક્ત શરીર, આખો દિવસ ચાલવાનું એટલે ભુખ તો લાગે જ ને ? છેલ્લો ગ્રાસ પૂરો કરીને ઝટ દઈને હું ઊભો થઈ જવા માગતો હતો, ત્યાં તો ફરી પેલા વૃદ્ધ આવી પહોંચ્યા. મેં થાળી આડા હાથ કરીને તેમને રોક્યા. વૃદ્ધે જે શબ્દો કહ્યા તે હ્રદયમાં જડાઈ ગયાઃ

“બાપુ, તમે હજી ભૂખ્યા છો, તમારો ચહેરો કહે છે કે હજી તમે તૃપ્ત નથી થયા. ભાણા ઉપર બેસાડીને કોઈને ભૂખ્યો ઉઠાડવો એ મહાપાપ છે, બાપુ.... મને પાપમાં ના નાખશો.’


તેની વાત સાચી હતી, હું હજી થોડું જમી શકું તેમ હતો, પણ મારે પાછળનાં બે માણસોનો વિચાર કરવાનો હતો એટલે ના....ના... કહેતો હતો. જે માણસો પાછળના માણસોનો ખ્યાલ કરતા રહે છે તે પાછળના માણસોના પ્રિય થઈ જાય છે. શેઠ નોકરનો, પતિ પત્ની-બાળકોનો અને પત્ની કામવાળીનો ખ્યાલ રાખે તો તેને આપોઆપ પ્રિયતા પ્રાપ્ત થાય. સ્વાર્થી અને એકલપેટું માણસ કદાચ સિકંદર જેવું રાજ્ય તો મેળવી શકે પણ પ્રેમ નહિ મેળવી શકે.



અને આ માણસ તો ચહેરો વાંચે છે. મારા ચહેરા ઉપરથી તેને ખબર પડી ગઈ કે હું હજી ભૂખ્યો છું ! પોથાં વાંચનારા તો ઘણા હોય છે, પણ ચહેરો વાંચનારા અને તેથી પણ વધુ હ્રદય વાંચનારા તો બહુ જ થોડા હોય છે. જેને હૃદય વાંચનારો સાથી મળ્યો હોય તેણે જીભને બહુ શ્રમ આપવો નહિ પડે. જેને હૃદયના અક્ષરો વંચાતા નથી તે જ અભણ છે. તે ડોબું છે ડોબું. ભલે ને કોઈ વિશ્વવિદ્યાલયની ઉપાધિ લઈને ફરતું હોય. જો આવું ડોબું માથે પડી ગયું તો જન્મારો ધૂળ થઈ ગયો સમજવો. હા, બન્ને ડોબાં હોય તો વાંધો નહિ.



તેમણે ફરી અડધો રોટલો મૂકી જ દીધો. આતિથ્યની હવે હદ થઈ ગઈ હતી. આટલી ગરીબાઈમાં આટલો ત્યાગ સહસ્ર સૂર્યોની માફક ચમકી રહ્યો હતો. રોટલો અને શાકમાં જે સ્વાદ આવ્યો તે આજે પણ ભુલાતો નથી. મને યાદ છે, એક વાર કલકત્તામાં એક મારવાડી શેઠને ત્યાં એકસો ને આઠ પ્રકારની રસોઈ મને જમાડી હતી. બે મોટાં પતરાળાંમાં પીરસેલી અસંખ્ય વસ્તુઓમાંથી કેટલીયનાં નામ પણ હું જાણતો ન હતો. મને જમવામાં મજા ન આવી. અસંખ્ય વાનગીઓ જોઈને હું ગભરાઈ ગયો હતો, જેમ કોઈ આદિવાસી માણસ પ્રથમ વાર જ ફાઇવસ્ટાર હોટલમાં ઊતરે ને ગભરાઈ જાવ તેમ.પણ આ શાક અને રોટલામાં એટલો આનંદ આવ્યો કે હજી સ્વાદ રહી ગયો છે. એટલા જ માટે ભગવાનને વિદુરની ભાજી, કરમાબાઈનો ખીચડો અને શબરીનાં બોરાં ભાવ્યાં હશે. ભાવતાં ભોજન અને ભાવનાં ભોજન – આ બેમાં આકાશ-પાતાળ જેટલો ભેદ છે. અહીં તો ભાવતાં અને ભાવનાં એમ બન્ને તત્ત્વો ભોજનમાં ભળ્યાં. હતાં, બસ આનું નામ તો અમૃત.


હું જમ્યો તો ખરો પણ મનમાં થયા કરતું હતું કે હવે માત્ર અડધો જ રોટલો બાકી રહી ગયો છે. આ વૃદ્ધ દંપતી શું ખાશે ? દરિદ્રનો ત્યાગ (દાન) દીપી ઊઠતો હોય છે. મારા અંતરમાં આ બન્ને પ્રત્યે ભાવની સરિતા વહી રહી હતી. મને થયું, જો મારી પાસે લાખ રૂપિયા હોત તો લાખે અત્યારે આમને આપી દેત – પણ પાછો વિચાર આવ્યો, ખરેખર આ સ્વીકારત ખરાં ? કદાચ લીધા પછી આવાં ને આવાં ભાવવાળાં રહી શકત ખરાં ? કદાચ એ જ ભયથી ભગવાને એમને દરિદ્ર બનાવ્યાં હશે. ઐશ્વર્યની સાથે ભાવહીનતા પણ આવતી હોય તો ભાવસભર દરિદ્રતા શું ખોટી ?



હવે હું શીઘ્રાતિશીઘ્ર અહીંથી વિદાય લેવા માગતો હતો કારણ કે વૃદ્ધ મારા નિમિત્તે પાછો કોઈ ખર્ચ ના કરી બેસે. મેં મારો થેલો ખભા ઉપર મૂક્યો ત્યારે હાથમાં દક્ષિણાના રૂપમાં બે આનાનો સિક્કો લઈને તે આવ્યા. મેં કહ્યું કે લક્ષ્મીનો સ્પર્શ નહિ કરવાનો મારો નિયમ છે, એટલે પૈસા તો હું નહિ લઉં. વિદાય તો હું થયો પણ કેટલાય દિવસો સુધી આ વૃદ્ધ દંપતી મારા મસ્તિષ્કમાં છવાયેલું રહ્યું. વારંવાર મારા મનમાં ઉદ્ગાર નીકળતા, ‘હે પ્રભો ! આ વૃદ્ધને વૃદ્ધાવસ્થામાં તો દરિદ્રતાથી મુક્ત કર. વધારે નહિ તો તેમનો ઘરસંસાર સ્વમાનપૂર્વક ચાલે તેટલું તો આપજે જ.



કબીર માંગ્ માંગનો જામેં કુટુંબ સમાય,
મૈં ભી ભૂખા ના રહે સાધુ ભૂખા ના જાય.

🙏🕉️🙏




આભાર

સ્નેહલ જાની