બોલો કોને કહીએ SUNIL ANJARIA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બોલો કોને કહીએ

હમણાં એક મેરેજ કાઉન્સેલર ની પોસ્ટ વાંચી કે  આજે છોકરાં છોકરીના લગ્ન માટે પાત્ર જલ્દી નથી મળતું.

મેં જવાબ લખ્યો કે -

"બધું બરાબર હોય, પૂરો આત્મવિશ્વાસ હોય અને એકલી.મુલાકાત વખતે કોઈ અણછાજતું વર્તન ન કર્યું હોય તો પણ ક્યારેક છોકરી વાળા બીજે ક્યાંક વાત ચાલતી હોય એની રાહ જોવામાં સમય કાઢી નાખે છે. છોકરી ને ઘેર મુલાકાત દરમ્યાન કોઈ વધુ પડતો સ્પષ્ટવક્તા ન જ બને. આ બધું એક નાતમાં એક રીતે વિચિત્ર છે તો બીજી જ્ઞાતિઓમાં બીજી રીતે.

છતાં, જેને જોવે એને હા જ પાડી દેવી બે માંથી એકેય પક્ષે હિતાવહ નથી. આખી જિંદગી કાઢવાની છે. ખાલી તૈયાર થઈ રિસેપ્શન માં ઊભી ને હનીમૂનમાં જઈ આવવાનું નથી. આજનાં  શિક્ષિત છોકરા છોકરીઓ એ રીતે પૂરાં મેચ્યોર હોય છે. પછી એક બે વર્ષમાં ડાઇવોર્સ થઈ જાય એ કરતાં સામસામો દેખાવ, પુરુષની કમાણી અને ફ્યુચર, સ્ત્રીની એડજેસ્ટ થવાની શક્યતા, બેય કુટુંબ ની રહેણી કરણી એ બધું જોવું પડે. નહીતો આજથી 75, 80 વર્ષ પહેલાં ગોર બાપાઓ કરાવી દેતા એમ લાકડે માંકડું વળગાડી દેવાનું થાય.

હા, ક્યારેક કુટુંબ કે છોકરી બિનજરૂરી અપેક્ષાઓ રાખે છે એ બેય પક્ષે નડે. પણ એ માટે ન બહુ સમય જવા દેવાય કે ન ઝટ દઈને જે પહેલી છોકરી જોઈ એને હા પાડી દેવાય."

છતાં પાત્રો કે એનાં  માં બાપો ની કોઈ ખોટી હઠ કે વિચારસરણી ને કારણે ક્યારેક રમુજી સ્થિતી પેદા  થતી હોય છે. એ વખતે જે થાય છે, બોલો કોને કહીએ?

લગ્ન ખુદ એક સમસ્યા બની રહી છે. પણ લગ્ન માટે યોગ્ય પાત્ર શોધવું એવી જ વિકરાળ સમસ્યા બની રહી છે. અનેક સૂફીયાણી સલાહો સહુ આપશે પણ માથે પડે એ સંયોગો દરેક વ્યક્તિએ ભિન્ન ભિન્ન હોય છે. ઘણીવાર એક હાથે તાલી ન પડે એમ કહીએ પણ સીધો બીજાના એક હાથનો તમાચો જ પડે છે. કલ્પના બહારના સંયોગો દરેક વ્યક્તિ સમજુ હોવા છતાં અરસ પરસ ઓચિંતું ગંભીર સ્વરૂપ લઈ લે છે એથી એની ચર્ચા કુશળ કાઉન્સેલરો પર છોડી દઈ લગ્ન માટે પાત્રની શોધ કેવી સમસ્યા લાગે છે એના કેટલાક લોકોના અનુભવો વિશે અત્રે કહીશ. દરેક પ્રસંગ સત્ય હોઈ જે વાંચે અને એને સ્પર્શતો હોય તો હાર્દિક ક્ષમાયાચના. એમની દ્રષ્ટિએ એ જ સાચું હતું. આજે એ સમસ્યાઓની  વાતો પર હસવું આવે છે. તો તમે પણ હસો.

એક તો ગ્રહ અને જ્યોતિષ. મારી પેઢીએ ત્રણ દશકા પહેલા જોયેલું એથી એ વધ્યું છે, ઘટ્યું નહીં.જમાનો આગળ ગયો અહીં આપણે  પાછળ.ગુણ  મળે તો શનિ મંગળ (જે પહેલા જોવા પડે), એ ઠીક તો બિયાબારું, ષડાષ્ટક,નવપંચક ને એવું. એ કોઠો પાર  તો નાડીનો  કરો વિચાર.  નાડી દોષ પછી ભકૂટ દોષ  ને એથી પણ કદાચ અનંત વાંધા વચકા  મૉટે ભાગે ના પાડવાના શસ્ત્રો.. હજુ ગોત્ર ,નવનાતરાં.. અને સામેનું પાત્ર ગમે તો બધું મળી જાય. ગમે તેમ કરી. જ્યોતિષ પરનો આધાર અંગત બાબત છે પણ “અરે રે.. 26 ગુણ તો ઓછા કહેવાય” અને એથી વિપરીત,“33 ગુણ તો છે પછી બીજું કેમ જુઓ છો?” 

 બે અલગ સોફ્ટવેરમાં અલગ ગુણ  મળે. એક માં 17.. ના મળે , બીજામાં 18.5.. મળે. ક્યાંક ઓછા હોય તો પણ વિધિ કરી મેળવો!

એક સમસ્યા ગામ,શહેર અને “તમે ક્યાંના નાગર”. “એ લોકો વિસનગર બાજુના છે? પહેલા સૌરાષ્ટ્રના વડનગરા જોઈએ. નહીતો ઠીક. જોશું.” 

 “બેંગ્લોર કે હૈદરાબાદ કે ચેન્નાઇ.. બહુ દૂર. છોકરી પિયર નજીક હોય તો સારું.“

“ દિલ્હી  સેફ નથી. આ બાજુ નોકરી લઇ લો તો?”( એ પછી દિલ્હી તો ઠીક, વિશ્વના બીજા છેડે લગ્ન કરી ગયાં !!) 

મુંબઈની છોકરી અમદાવાદી છોકરાને ના પાડે, પેલો વતન છોડી બીજા મેટ્રોમાં હોય તો પણ.”અમારું મુંબઈનું કલ્ચર જ અલગ”. 

કોઈએ કહ્યું કે મલાડની છોકરી થાણા કે મુલુન્ડ ના પાડે - રેલ્વે લાઈન ફરી જાય એટલે તકલીફ પડે. 

મુંબઈમાં પણ “આખરે બધા વરો એક જેવા, સાસરાં સરખાં જ હોય.. એક જેવા ફ્લેટમાં એક જેવું કુટુંબ. તો અંધેરી થી સાન્તાક્રુઝ  ના પરણાય.“  

“ફોરેન જવાના હો તો ભલે અમે ના પાડી, હવે હા. ચાલો મળીએ.“ 

“ગ્રીનકાર્ડ તો છે પણ પાછો છોકરાને ત્યાં સેટલ કરશે?“

“પીયર આવવા ટ્રેનમાં કેટલા ને પ્લેનમાં કેટલા કલાક થાય?”

એક આ કબડ્ડી કબડ્ડી જેવું. પહેલા એ લોકો ફોન કરે એની રાહ જુઓ. નહીતો આપણને ગરજ છે એવું લાગશે. (બંને બાજુ ફોનની રાહ જોતા રહી ગયા) 

 “ગમે તો છે પણ કચ્છ બાજુ છોકરીવાળા ને સૌરાષ્ટ્ર બાજુ છોકરાવાળા માંગુ કરે. એથી વિરુદ્ધ તો નહિ મળતું હોય એવું લાગે” 

“ આપણે  ટાઈમ માંગી લઈએ. સરાધીયા, કમોરતા , કોઈ કઝીન કે બાપના કઝીનનું ત્રણ મહિના પહેલાં મૃત્યુ… કોઇપણ કારણ આપી દો..”  

“પેલા.. નો જવાબ આવવા દો.  (પેલો પણ બીજા, બીજો ત્રીજા.. એમ જવાબોની  રાહ જોતો હોય ને દસ જગાએ એક સાથે વાત ચાલુ હોય) .. 

કોઈ કિસ્સામાં રજામાં  છોકરી બોલાવી એક મુરતિયો બપોરે અઢી વાગે બીજો ચાર ત્રીજો સાડાછ એ બોલાવેલો. રસ્તો ભૂલતાં  કે કોઈ કારણે એકને આવતા ને ઉઠતાં  વાર થઇ. બીજાનો આવી ગયા છીએ ફોન આવી ગયો ને પેલા ઉઠતા નહોતા!!

લોકોની માન્યતાઓ.  “છોકરીને છોકરો જોવા રેસ્ટોરાંમાં  એકલો ના મળે. એના ભાઈ ભાભી સાથે આવશે”

 “ ઈંડાં  તો નોનવેજ કહેવાય!...જે સ્પષ્ટ કહે કે મહિને એક વાર ઈંડાં ખાઉં છું એના ને  દારૂ પીતામાં કઈ ફેર ના કહેવાય”...

“નવરાત્રીમાં ગમેતે થાય, એ લોકો રોજ કપડાં ધુએ છે ને દાઢી કરે છે. એની સાથે નહિ જામે”.

 “વહુ સસરાની બાજુમાં ટીશર્ટ, લેગીન્સ  પહેરી બેઠેલી. હાય રે કલ્ચર …”

“ટેટુ ચીતરાવેલી છોકરી  વિચિત્ર લાગે”. એની સામે કોઈ છોકરીએ “આઈ એમ માય પાપઝ ડીયર ડોલ” મોટા અક્ષરે ચીતરાવેલું  ટેટુ..

“કઈંક બીજે જોઈએ તો ખબર પડે. પહેલે ઘાએ હા પાડીએ તો સારું ગુમાવીએ.”...

“ હું જો મારી કુર્તી પસંદ કરવામાં અર્ધો દિવસ લેતી હોઉં તો છોકરો જોવામાં આઠ દસ છોકરા જોઉં એમાં ખોટું શું?”...

 “ છોકરાની હાઈટ કેટલી? આશરે? માપીને કહોને?”... “ પાંચ પાંચ? મારી છોકરી પાંચ સાડાપાંચ  છે. અડધા  ઇંચ નીચાને  તો કેમ પસંદ થાય?” ( એમણે છોકરીની હાઈટ બીજાને વળી પાંચ ચાર, કોઈને પાંચ સાત હાઈટ પણ કહેલી!!)

“છોકરો મિકેનિકલ, છોકરી કોમ્પ્યુટર એન્જીનીયર. છોકરો નીચી લાઈનનો છે. ના પાડો.”..

“એની મા  બહુ ફોરવર્ડ ( કે બેકવર્ડ) લાગે છે. તેથી એ છોકરાને હા નહિ પાડું.“.. 

“જોજો કહું છું ભલા! તરત હા ના પાડો. કોઈ વાત ન હોય તો પણ એ લોકોને સહેજ  એટલે કે મહિનો જવા દઈને હા પાડો”... 

“ મને આમ તો થોડું ઘણું પસંદ છે, પણ આમ થોડું ઘણું નથી. બે મહિના થયા વિચાર કરું છું, થોડું ઘણું શું કરવું.“

“છોકરો કે છોકરી ચશ્માં પહેરે છે. એટલે પસંદ નથી. (ભલે નં. સામાન્ય હોય)..

“તમે ભલે પ્રોફેશનલ પ્રેક્ટિશનર હો, પરણીને પાર્ટ ટાઈમ નોકરી કરો. મારે તો હું ઘેર આવું એટલે ગૃહિણી હાજર જોઈએ.” (ભાઈ ક્લાર્ક હતા)

આમાં જુગતે જોડી મેળવવાનું ભગવાનનું પણ કામ નહીં.

આ બધાં  વાક્યો સંપૂર્ણ  સાચાં  છે. હસવું આવે. આવી સમસ્યાઓ લગ્નમાટે ઉભી થાય. બોલો કોને કહીએ?

**