ભીતરમન - 32 Falguni Dost દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભીતરમન - 32

આદિત્ય એ ફોન તો મૂકી દીધો હતો, પણ એના ફોને મારા વિચારોમાં કાંકરીચારો કર્યો હતો. હું આદિત્યના વિચારોમાં તલ્લીન થઈ ગયો હતો. આદિત્ય પણ મારા જેમ જ લાગણીશીલ, માયાળુ તેમજ સ્વમાની અને જિદ્દી છે. અને હા! મારા જેવો જ જનુની પણ ખરો! હું આજે અનાયાસે આદિત્ય અને મારા સંબંધની સરખામણી મારા અને બાપુ સાથેના સંબંધ સાથે કરી બેઠો હતો. હા, મારામાં બાપુ જેવી ગદ્દારી બિલકુલ ન હતી. પણ જેમ બાપુ મારો પ્રેમ પામવા તરસતા રહ્યા એમ હું આદિત્યનો પ્રેમ પામવા તરસતો રહુ છું. 

મેં હંમેશા સાંભળ્યું છે કે કર્મનું ફળ ભોગવવું જ પડે છે બાપુએ એના કર્મના ફળરૂપે આજીવન મારા પ્રેમ માટે તરસવું પડ્યું હતું, જે એમણે કરેલ મારી સાથેના અન્યાયનું ફળ હતું. અને આજે હું આદિત્યના પ્રેમ માટે તરસું છું જે મેં બાપુના પ્રેમનો કરેલ અનાદરનું કર્મફળ છે. આજે મારી પાસે બધું જ છે છતાં પરિવાર માટે હું તરસું છું. બાપુના વેણે મારા વિચારો પર એટલો વાર કર્યો હતો કે, મનમાં અઢળક ધન કમાવાની ઘેલછા હતી. મેં ધન તો અઢળક કમાવ્યું પણ ખરી દોલત પરિવાર સુખ અને પરિવારનો સાથ ન પામી શક્યો કે ન આપી શક્યો! બાપુ જીવનના અંતિમ ક્ષણ સુધી મારા પ્રેમ માટે તરસતા રહ્યા હતા. જેમ બાપુ પોતાના પૌત્રને જોવા વલખા મારતા એમ જ આજે હું મારા પૌત્રોને જોવા વલખા મારી રહ્યો છું. જીવનની ખરી મિલકત પરિવારની હુંફ જ છે. હું જીવનના આ તબક્કે સમજ્યો કે, જીવનની ખરી દોલત પરિવારનો સાથ છે, મને આજે મારા જેટલો ગરીબ કોઈ લાગતું નથી! મારા જીવનમાં મે એવા ઘણા ગરીબ જોયા હતા જે રૂપિયાથી ભલે ગરીબ હોય પણ પરિવારનો ગમે તેટલી ખરાબ પરિસ્થિતિમા પણ સાથ આપતા મે એમના જેટલા અમીર કોઈ જોયા નથી. હું મારી જ નજરમાં આજ પડી ભાંગ્યો હતો. મારા વિચારો મારા જ વ્યક્તિત્વ પર હાવી થઈ રહ્યા હતા. મારા ભીતરમાં આજે લાગણીના ઉભરાનો અતિરેક થયો હતો. 

પ્રથમ વખત પિતા બનવાનું સૌભાગ્ય જ્યારે મને મળ્યું ત્યારે હું અત્યંત ખુશ થઈ ગયો હતો.

મેં આદિત્યના જન્મ સમયે કરેલ ધુવાણા બંધ જમણવાર મને યાદ આવી ગયો હતો. આદિત્ય નો જન્મ થયો ત્યારે હું વધુ સમય બહારગામ જ રહેતો હતો. હું ઘરે આવતો ત્યારે એ મને જોઈ એકદમ ખુશ થઈને ચોટી પડતો હતો. સમયની સાથે સાથે અંતર ક્યારે વધી ગયું ખબર જ ન પડી! અમારી વચ્ચે લાગણીનો સેતુ રચાયો જ નહીં. એને હંમેશા મારા માટે વધુ અસંતોષ રહ્યા કરતો હતો, એને મારો સાથ જોતો હતો અને હું આંખ બંધ કરીને રૂપિયા કમાવામાં જ વ્યસ્ત રહેતો હતો. વ્યસ્તતાને લીધે પરિવાર સુખ ભોગવી ન શક્યો! આજે મારી દરેક ભૂલ મને સમજાઈ રહી છે. પણ હવે એમાં ફેર થઈ શકે એ શક્ય જ નથી. આજે મારા બેચેન મનને શાંત કરવા મેં આદિત્યના બાળપણના ફોટા કાઢ્યા હતા. જુના ફોટાઓને જોઈને હું ખૂબ ખુશ થઈ રહ્યો હતો. બધા જ ફોટાઓ જોતા અચાનક વેજાનો ફોટો મેં જોયો! જેવો વેજાનો ફોટો મારી આંખ સામે આવ્યો એવો મને એના પર ખૂબ ક્રોધ ચડી ગયો હતો. હું ગુસ્સામાં લાલ પીળો થવા લાગ્યો હતો. મને એનો ચહેરો જોવો જ પસંદ નહોતો.  

વેજાનો ફોટો મને ભૂતકાળમાં કરેલા એના કપટને તાજા કરી ગયો હતો. ત્યારે જે કપટથી ઘા એણે કર્યો હતો સમય જતા અવશ્ય રુંજાઈ ગયો, પણ આજે બધું તાજુ થવા લાગ્યું હતું. 


************************************


તુલસી મારા જીવનમાં આવી ત્યારથી મને અત્યંત ધન સંપત્તિ જ મળી આવી હતી. એ ખરા અર્થમાં લક્ષ્મી જ રૂપે મારા ભાગ્યમાં આવી હતી. આથી જ્યારે પણ અનુકૂળતા જણાતી હું બેફામ ખર્ચા કરતો હતો. હું પિતા બન્યો એની ખુશી એટલી બધી હતી કે મેં આખા ગામનો જમણવાર મેં કર્યો હતો. બસ મારી આજ તરક્કીનો વેજાએ ફાયદો લેવાનું નક્કી કર્યું હતું. મારી પાસેથી મોટી રકમ આંચકી લેવા માટે વેજાએ એક કાવતરું નક્કી કર્યું હતું. 

હું મોટે ભાગે જામનગર જ રહેતો હતો. આથી મારી ગેરહાજરીમાં અહીં એ જ્યારે ઈચ્છે ત્યારે ઘરે આવી શકે એમ હતું. રૂપિયાનો ભૂખ્યો વેજો કંઈ પણ કરે એવી પ્રકૃતિનો હતો એ તો હું જાણતો જ હતો. એક રાત્રે જ્યારે હું ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે એણે મને રસ્તામાં રોક્યો હતો. ઠંડી નો સમય હતો અને મોડી રાત થઈ હોવાથી એ સમયે મારા અને વેજા સિવાય કોઈ જ ન હતું. એ જાણે મારી રાહ જોઈ રહ્યો હોય એવું મને લાગી રહ્યું હતું. મેં મારી ગાડી ઉભી રાખી હતી. મેં ગાડીનો કાચ નીચે કરી એની સાથે ગાડીમાં બેઠા બેઠા મેં ગાડી રોકવાનું કારણ પૂછ્યું, "કેમ તારે શું મારું કામ પડ્યું? કેમ મારી ગાડી ઉભી રખાવી?"

મારા ચહેરાના ભાવ એ વાંચી ચૂક્યો હતો. બાપુ સાથે કરેલ કપટમાં એણે ફાળવેલ સાથ મને એના માટે ગુસ્સો જ જન્માવતો હતો. હું જ્યારે જ્યારે એને જોતો મારી અંદર ક્રોધ લાવા રૂપે ઉકળવા લાગતો હતો. એ પણ બરાબર જાણતો જ હતો. આથી મારી સામે ક્યારેય આવતો જ નહીં! અત્યારે પણ મારા ચહેરે એ જ ગુસ્સો છવાઈ ગયો હતો.

"ઘરે જવાની બહુ જ ઉતાવળ લાગે છે?" પોતાના હોઠ પર એની આંગળી ઘસતા એકદમ ગંદા બિભસ્ત હાવભાવ સાથે મને સામો પ્રશ્ન એણે કર્યો હતો.

"તું તારી લિમિટ માં રહેતો જા! કામ શું છે એ બોલ બાકી તારું થોબડું જોવામાં મને જરાય રસ નથી." મેં પણ ખૂબ જ નફ્ફટાઈથી એને જવાબ આપી દીધો હતો.

"લોહી જરા ઠંડુ રાખ અને આ રૂપિયાની ગરમી થોડી ઓછી રાખ!" સામે વળતો જવાબ એણે પણ વળથી આપ્યો હતો. 

હું ગુસ્સામાં નીચે ઉતરી અને એના કાઠલામાં હાથ નાખતા બોલ્યો, "તું સુધરી જા! નહીતો માર ખાઈશ મારા હાથનો! એક વખત મેથીપાક મળ્યો હતો એ ભૂલી ગયો? તું તારી ઓકાતમાં રે!"

આજે એ પણ ઝઘડો કરવાના મૂડમાં જ હતો. એક જ ઝાટકે એના કાઠલા પરથી મારા હાથને હટાડતા એ બોલ્યો, "ચુપ રહેવાનું ઇનામ કેટલું આપીશ?"

મેં એની વાત ઊંડાણથી લીધા વગર હું બોલ્યો, "આખા દિવસમાં તારા જેવા ઘણાય આવતા હશે, આજે રોક્યો બીજી વાર રોકતો નહીં."

"એ ઘણાં તારા બાપુના કાવતરાને નહીં જાણતા હોય એ તારા બાપુનું કાવતરૂ હું જાણું છું એટલે હવે તું ઔકાતમા રહેજે. જો તું ઇચ્છતો હોય કે હું વીણામાં ને એ સત્યથી દૂર રાખુ કે, બાપુએ ઝુમરીનું ખૂન કર્યું હતું. તો પંદર દિવસમાં એક ખોખું તૈયાર રાખજે." મૂછ પર તાવ આપતા એ બોલ્યો હતો.

મારી કલ્પના બહારની વાત વેજાએ કરી હતી મારા અંદર રહેલી બધી આગ એકાએક ઠરી ગઈ હતી. મારું નામ સાંભળી લોકો ધ્રુજી જતા હતા, અને આ વેજો મને ધમકી આપી રહ્યો હતો. હું વેજાની વાતને સાંભળીને અવાચક થઈ ગયો હતો. કાપો તો લોહી ન નીકળે એવી મારી સ્થિતિ થઈ ગઈ હતી. મારા લીધે મા દુઃખી થાય એ મને ક્યારેય મંજુર ન હતું. એ તો કહીને જતો રહ્યો પણ એના એક એક શબ્દ મારા મનમાં મા માટે એક ફફડાટ પેદા કરી રહ્યા હતા.

શું વેજો પોતાના વિચારને અંજામ આપી શકશે?

આવેલ પરિસ્થિતિમાં વિવેક કયો નવો માર્ગ શોધશે?

વિવેકના જીવનમાં આવનાર ઉતારચઢાવને જાણવા જોડાયેલ રહો ભીતરમન સાથે... મિત્રો ફરી મળશું નવા પ્રકરણ સાથે તો ત્યાં સુધી જય શ્રી રાધેકૃષ્ણ.🙏