ભીતરમન - 9 Falguni Dost દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભીતરમન - 9

મારી અને ઝુમરી વચ્ચે બધી મનની વાત ખુલી રહી હતી. એ પણ એમ વર્તવા લાગી હતી જેમ કે, ઘણા વર્ષોની અમારી ઓળખ હોય! અગિયારસના એ ન આવી એનું કારણ એટલું સહજ રીતે એણે જણાવ્યું કે, મને ઘડીક એક છાતી સરસું તીર ભોંકાયું હોય એવું દુઃખ લાગ્યું! મેં મારી અધીરાઈ ન જળવાતા પૂછી જ લીધું તો તું આજ કેમ આવી?

"તારી જેમ મારા બાપુએ પણ મારા ઘોડિયા લગ્ન નક્કી કરી લીધા છે. બે મહિના પછી મારા લગ્ન પણ છે. મને અહીં મામીએ પાનેતરની પસંદગી કરવા અને રોકાવા એટલે જ બોલાવી હતી."

"આ તું શું કહે છે ઝુમરી?" ઝુમરીની અધૂરી વાતે જ હું બોલી ઉઠ્યો. આંખમાં દર્દની આગ છવાઈ ગઈ! ઝુમરી ઘડી ઘડી મારા પર ખંજર મારતી હોય એમ એના દરેક શબ્દ મારા દેહને દઝાડવાં લાગ્યા! મારુ સ્વપ્ન મારા મનની જ્વાળામાં જ સળગવાનું હોય એ મને મહેસુસ થવા લાગ્યું હતું.

ઝુમરીએ હજુ કહેવાનું ચાલુ જ રાખ્યું હતું. એ ગમગીન અવાજમાં કહી રહી હતી કે, "મારા બાપુએ મારે માટે પસંદ કરેલ છોરો મેં પણ જોયો નહોતો. મારી સગાઈ થઈ ત્યારે મેં લાજ કાઢી હતી. એ સમયથી મારે કાયમ સાસરીના લોકોની હાજરીમાં લાજ કાઢવાની હોય મેં એમનો ચહેરો હજુ પણ જોયો નથી. ઉંમરમાં પણ મારાથી દસ વર્ષ મોટા છે અને અનહદ દારૂની લત છે. મારા બાપુનું કહેવું છે કે, તને પરણી જશે પછી દારૂ પીવાનું મૂકી દેશે. બાપુની ઈચ્છાને માન આપી અમારે ફક્ત બધું સ્વીકારવાનું જ હોય એમ સમજી મેં પણ મારુ એ જીવન ખુશી ખુશી સ્વીકારી લીધું હતું. પણ.. "

"પણ.. શું?" હવે જાણવાની તલબ મને જાગી હતી. ઝુમરીની પરિસ્થિતિ જાણી પ્રેમની સાથોસાથ દયાનું પૂર મારા મનમાં હિલ્લોળા લેવા લાગ્યું હતું.

"પણ.. પણ..."

"પણ... શું બોલ ને!"

"પણ તારું અચાનક મારા જીવનમાં થયેલ આગમન મને ગમવા લાગ્યું! પ્રભુની તે દિવસે એટલે જ ઈચ્છા નહોતી કે, હું તને મળીને ના ન કહું કારણકે, પ્રભુ તો આપણી લેખાજોખી ના જાણકાર હોય ને! એ જાણતા જ હતા કે, એકવાર ના પાડી દીધા પછી ફરી એ ક્યારેય હા નહીં કહે! એકદમ શરમાતા અને ધીરા સ્વરે નીચી નજર રાખી ઝુમરી બોલી ગઈ! અંતે મારો પ્રેમ એણે સ્વીકારી જ લીધો હતો. 

હું ખુબ જ ખુશ થઈ ગયો હતો. જીવનમાં મારે જે જોતું હતું, એ બધું જ મને મળી ગયું હતું. મેં આખું જગ જીતી લીધું હોય એટલું મારુ મન શાંત થઈ ગયું હતું. મેં પૂછ્યું,"ફરી તો નહીં જાય ને?"

અગિયારસથી લઈને આજની ઘડી સુધી મેં ખુબ વિચાર કર્યો પછી જ હું તારી પાસે આવી છું. બાપુએ પસંદ કરેલ મારો થનાર પતિ મારા જીવનમાં છેલ્લા ત્રણ વર્ષથી છે. છતાં મને એના માટે ક્યારેય જન્મી નહીં એવી લાગણી તારે માટે થઈ હતી. મારી અત્યાર સુધીની એક એક પળમાં મારું મન તારા જ વિચારોમાં ખોવાયેલ રહેતું હતું. અથાગ પ્રયાસ છતાં તું મારા મનમાંથી હટ્યો જ નહીં! આપણી દરેક ક્ષણ જેમ કે, તારો એ પ્રથમ સ્પર્શ, અજાણતાંજ તારા ચહેરા પરથી ટપકેલ પાણીથી મને મળેલ અનોખી રોમાંચકતા, અને મંદિરમાં તારું અરીસામાં મારી તરફ એકધારું મને જોવું, હું તારા એ લાગણીના પ્રવાહમાં ખેંચાઈ ગઈ અને ક્યારે તું મારામાં ભળી ગયો એની મને ભાળ જ ન રહી. મેં મારા મનને સમજાવ્યું પણ ખરું કે, એક જ મુલાકાતમાં તું આટલી બાવરી બની છે તને તારા બાપુની, માની આટલા વર્ષોની લાગણી દેખાતી નથી? પણ મારા મનમાંથી એક જ જવાબ મળ્યો કે, શું મારા જીવનસાથીને શોધવાનો હક મારા મા અને બાપુ મને આપી એમની લાગણીને થોડી વધુ મારા પર ન્યોછાવર નહીં કરે? હા! હું ક્યારેય નહીં ફરું. ફરવાની ફરજ પડશે તો તારા નામે મારા શ્વાસ અર્પીશ." 

ઝુમરીના અંતિમ શબ્દો મને ગભરાવી ગયા અને મેં મારો હક સમજી એને મારી સમીપ ખેંચીને મારા આલિંગનમાં લઈ લીધી હતી. મંદિરના પટાંગણમાં અમારા પવિત્રપ્રેમનો એકરાર થયો હતો. એકબીજાની હુંફમાં બંને દુનિયાને ક્ષણિક ભૂલી ગયા હતા. થોડીવાર એ મને છાતી સરસી ચોટેલી જ રહી હતી. 

વાયરો અચાનક બદલવાથી પ્રાણીઓના અને પારેવાના અવાજ આવતા અમે બંને ભાનમાં આવી ગયા હતા. બંનેએ નક્કી કર્યું કે, આવતીકાલે હું ઝુમરીની સાથે એના બાપુને મળવા જઈશ અને કોઈ પણ હિસાબે એમને રાજી કરીશ જ! એમને મનાવી લીધા બાદ હું મારી માને મનાવીશ! મને એ પુરી ખાતરી હતી કે, મા મારી લાગણીને હારવા નહીં જ દે! અમે નક્કી કર્યા મુજબ આવતીકાલે સવારે આઠ વાગ્યે રેલ્વેસ્ટેશને મળવાનું વચન આપી હું અને ઝુમરી ફરી મળવાની આશા સાથે છુટ્ટા પડ્યા હતા.

હું ખુબ હરખાતો સીધો જ તેજા પાસે ગયો હતો. તેજાને મળીને કીધું કે, તારી વાત સાચી ઠરી! ઝુમરી મળવા આવી હતી. મેં એક પછી એક તેજાને બધું જ જણાવ્યું હતું. તેજો મારી ખુશીમાં ખુબ જ ખુશ થઈ ગયો હતો. આજે તેજાને મેં પણ મેણું મારવાનો મોકો ચુક્યા વગર હસતા સ્વરે કહ્યું,"તીખું મરચું ભલે રગરગમાં પ્રસરી જાય પણ ભેરુની મીઠાશને તીખી નહીં જ કરી શકે હો!"

મારા શબ્દ સાંભળીને તેજો ખડખડાટ હસતા મને ભેટી પડ્યો હતો. અમે અમારી જ ગેલમાં એ વાતથી અજાણ હતા કે, થોડે દૂર બાપુનો ચહીતો માણસ વજુ બધું જ સાંભળી ગયો હતો. મારા જીવનનું પૈડું હવે ઊંધું ફરવાનું હતું એ જાણ બહાર હું ને તેજો આ ક્ષણની મોજ કરતા ત્યાં જ કલાકો બેસી રહ્યા હતા.

વજુને બાપુ પાસેથી પોતાનું ખીસું ભારી કરવાની લાલચ તો આમ પણ રહેતી હતી. ને, મારી અને ઝુમરીની વાત એના કાને પડી હોય એનો એ ફાયદો ન લે એવું થોડી બને? વજુ તરત જ બાપુ પાસે પહોંચી ગયો હતો. એણે બાપુને અમારું આવતીકાલનું નક્કી કરેલ આયોજન પણ કહી દીધું હતું. બાપુ આ બધી જ જાણકારી મેળવીને સીધા જ મારી મા પાસે પહોંચી ગયા હતા.

બાપુનો ગુસ્સો ખુબ જ આકરા તાપ જેમ મા પર વરસ્યો હતો. એમણે મા પર ક્રોધે ભરાતા કહ્યું, તારા જ વિવેક માટેના વધુ પડતા લાડ આજે મારી પાઘડી ગામ વચ્ચે ઉછાડવા માટે જવાબદાર છે. તારે લીધે જ વિવેકને મારો પ્રેમ કે, મારી આબરૂરીની ક્યારેય કિંમત થઈ નથી. આજે વિવેકના જે ભવાડા મેં સાંભળ્યા એના કરતા કુદરતે મને મોત આપ્યું હોત હું ખુદને ભાગ્યશાળી સમજત! એક જ વારસદાર છે એ આપણો છોરો.. તે એને સારા સંસ્કાર ન આપ્યા! પાણો જણ્યો તે પાણો!" પોતાની  પાઘડીનો ઘરમાં ઘા કરતા ખુબ ક્રોધમાં બાપુ માને અપમાનિત કરતા બોલ્યા હતા.

મા બચારી બધી વાતથી અજાણ હતી. બાપુનો અચાનક આટલો ક્રોધ જોઈને એ ખુબ ડરી ગઈ હતી. શું થયું એ પૂછવાની પણ ક્યાં હિમ્મત માથી થવાની હોય! એમણે તો સીધા જ બાપુના ચરણોને પકડીને કહ્યું, "તમે વિવેક પર ગુસ્સે ન થશો! એની ભૂલ હશે હું સમજાવીશ! એને સાચે રસ્તે હું લાવીશ!"

બાપુએ માને પોતાના પગની લત મારતાં એમને દૂર હડસેલતા કહ્યું, "કાલે એ તારો લાડલો ગંગાની ભાણીને લઈને એના ગામ ન જવો જોઈએ. એ છોરી ઝુમરી સાથેની એની પ્રેમલીલાને તું અટકાવવામાં અફળ રહી તો મારી તલવાર અને તારા છોરાંનું માથું હશે!"

મા ફરી બાપુને શાંત પાડતાં બોલી, તમે ચિંતા ન કરો. આ મારુ વચન છે કે, "આપણો વિવેક આ ઘરની આબરૂને ક્યારેય દાવ પર નહીં લાવે!".

શું આવશે વળાંક વિવેકના જીવનમાં વિવેકની મા વીણાબેનના વચનથી?

વિવેકના જીવનમાં આવનાર ઉતારચઢાવને જાણવા જોડાયેલ રહો ભીતરમન સાથે... મિત્રો ફરી મળશું નવા પ્રકરણ સાથે તો ત્યાં સુધી જય શ્રી રાધેકૃષ્ણ.🙏