ભીતરમન - 7 Falguni Dost દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભીતરમન - 7

હું ઝુમરીના જવાબની પ્રતીક્ષા કરતો સમય પસાર કરવા લાગ્યો હતો. એક એક ક્ષણ મારી ખુબ બેચેનીમાં વીતી રહી હતી. મન અતિ વ્યાકુળ રહેતું હતું છતાં મનમાં રહેતો ગુસ્સો કોસો દૂર જતો રહ્યો હતો. બીડી ફૂંકી ધુમાડો કરી સુંદર વાતાવરણને પ્રદુષિત થતું મેં બંધ કરી દીધું હતું. મારુ મન ચિંતિત અવશ્ય હતું, છતાં એ ખાતરી મારા ભીતરમનને હતી જ કે, ઝુમરી મને પણ એના હૈયે સ્થાન આપી ચુકી છે. એ સમાજ સામે રહી મારો સ્વીકાર કરવાની હિંમત ક્યારે દાખવે છે એ ક્ષણની જ રાહમાં મારુ મન તડપી રહ્યું હતું.

પ્રેમની એકતરફી કબુલાતની પણ મજા કંઈક અલગ જ હોય છે. હું એ મજા અત્યારે ભરપૂર માણી રહ્યો હતો. તડપની સાથોસાથ મનમાં એક હાશકારો પણ હતો જે બેચેન મનને પણ ખુશ રાખી રહ્યો હતો. હું 

અચાનક મારા મનમાં આવેલ બદલાવને યાદ કરવા લાગ્યો હતો.

ગામની ધૂરિયાળ શેરી પણ મને વહાલી લાગી, તારા પગરવની જ્યાં મેં નિશાની ભાળી..

પંખીઓનો કલરવ પણ મીઠો લાગ્યો, સાદ તારો એમાં જયારે ભળવા લાગ્યો..

પાંચીકા, ચકરડાં, ટાયરની રમતોને વિરામ આપ્યો, હવે ફૂદરડીથી મળતો તારો સ્પર્શ મને પ્યારો લાગ્યો...

પતંગિયાનો હળવો સ્પર્શ, ભમરાનું ગુંજન ગમવા લાગ્યું, દીલડે પ્રીતનું અંકુરણ જયારે ફૂટવા લાગ્યું...

મારો આજનો દિવસ ઝુમરીના વિચારોમાં જ પસાર થઈ ગયો હતો. હું રાત્રે જેવો પથારીમાં આડો પડ્યો કે મનમાં એમ જ થતું હતું કે, ઝુમરી ક્યારે મારા પ્રેમને સ્વીકારશે? આજની આખી રાત ઊંઘ આવી જ નહીં. સવારે મારા ચહેરા પરના ઉજાગરાની અસર માને વર્તાઈ ગઈ હતી જે બાબત હું એમના ચહેરા પર વાંચી જ ચુક્યો હતો. સંબંધો દિલથી હોય ત્યારે સંવાદ જરૂરી રહેતો નથી. મા વધુ કાંઈ પૂછે એ પહેલા જ હું મંદિર તરફ જતો રહ્યો હતો. 

હું સમય કરતા વહેલો જ મંદિર પહોંચી ગયો હતો. મંદિરના દ્વારે પૂજારી અને મારા સિવાય હજુ કોઈ જ આવ્યું નહોતું. ધીરે ધીરે ભક્તોનો ઘસારો થવા લાગ્યો હતો. હું એ દરેક ચહેરામાં ઝુમરીને શોધી રહ્યો હતો. સમય આજ પસાર થતો જ નહોતો. એક એક પ્રહર ખુબ લાંબો લાગી રહ્યો હતો. હું કાગડોળે ઝુમરીની પ્રતીક્ષા કરી રહ્યો હતો. મંદિરના પટાંગણમાં રહેલ ઝાડવાના પડછાયા પણ હવે સાવ નાના થવા લાગ્યા હતા જે મધ્ય બપોર થઈ ગઈ હોવાનું સૂચવી રહ્યા હતા. મનમાં છતાં એ આશા હતી કે, ઝુમરી કદાચ બપોરે કોઈ ન હોય એમ વિચારી આવશે! મારી તડપ બપોરના તડકાની માફક ખુબ અકળામણ આપી રહી હતી. સવારથી અન્નનો દાણો તો ઠીક પણ પાણીનો ઘૂંટ પણ મેં પીધો નહોતો. સાંજની વેળા થતી હોય હું ખેતરે પણ ચક્કર મારી આવ્યો કે, ઝુમરીને ખેતરે કામથી જવું પડ્યું હોય અને એને મંદિર આવવું મુશ્કેલ બન્યું હોય! મારો એ ભ્રમ પણ ખોટો ઠર્યો હતો. મારુ મન ક્યાંય ચોંટતું નહોતું અનેક વિચાર મારા મનમાં ધમાલ મચાવી રહ્યા હતા. હું સવારથી ભૂખ્યો બહાર ઝુમરી માટે ભમી રહ્યો હતો. સંધ્યાએ સમગ્ર ધરતીને પોતાની છાયામાં રાહત આપી દીધી હતી, પણ મારુ મન સમય વધતાની સાથે બેચેનીની સીમા પાર કરી ચૂક્યું હતું.

મને ઝુમરીના સમાચાર મેળવવા માટે એક તેજો જ આખરી વિકલ્પ દેખાઈ રહ્યો હતો. એવું નહોતું કે હું નનકાના ઘરે જઈ શકું એ શક્ય નહોતું પણ હું ઝુમરીની ઈજ્જતને કોઈ આંચ ન આવે એની તકેદારી રાખવા ઈચ્છતો હતો. મેં તેજાનો સંપર્ક કર્યો, "એને મારી બધી જ હકીકત જણાવી હતી. અત્યાર સુધી જે બના બની એ પણ કહ્યું હતું." મેં તેજાને ઝુમરીના શું સમાચાર છે એ  જાણવાની મારી ઈચ્છા જણાવી હતી.

તેજો આ બધું જાણીને ખુબ જ હરખાઈ ગયો હતો. એ એટલો ખુશ થઈ ગયો કે, એણે મને હરખમાં પીઠ પર એક જોરથી ધબ્બો મારી કહ્યું, બસ ને ભેરુ! છોરી મળી એટલે લંગોટિયો ભેરુ ભૂલી ગયો ને? હજુ તો મરચું હાથમાં જ આવ્યું ત્યાં તારી દોસ્તીમાં તીખાશ ચડી ગઈ... એમ કહી એ હસતાં હસતાં મને ભેટી પડ્યો હતો. એનું આમ અચાનક મને ભેટવું મારા મનને ઘણી રાહત આપી ગયું હતું.

તેજાએ મારી સામે પાણી ધર્યું અને મજાક કરતા કહ્યું કે, "ઝુમરીના નામનો નકોરડો તોડ પહેલા, પછી ઝુમરીની ભાળ મેળવવા હું જાઉં!"

"હું ન પી શકું! ઘરેથી એમનેમ જ નીકળ્યો છું, મા ચિંતા કરતી હશે. મા મારી વેદના તરત પારખી લે છે. માને ચિંતામાં મૂકી હું કેમ ગળે પાણીની એક બુંદ પણ ઉતારી શકું? ઝુમરીને મળવાની તડપમાં અજાણતાં જ માને પણ દુઃખી કરી છે. ઝુમરીના પ્રેમ સામે મા માટેનો પ્રેમ એટલો જ છે અને આજીવન રહેશે જ!"

મારી વાત સાંભળીને તેજો ખુબ જ ગળગળો થઈ ગયો હતો. તેજાની આંખમાં છવાયેલ ભીનાશ એને મારી લાગણી સ્પર્શી ગઈ હોવાની સાબિતી હતી. 

"તું ઘરે મા પાસે જા! શાંતિથી વાળું કરીને આવ ત્યાં સુધી હું ઝુમરીની ભાળ મેળવી રાખું છું."

વિવેકને આંગણાંમાં આવતો જોઈને મા તરત બોલી, "ત્યાં જ ઉભો રહે દીકરા!"

હું ડેલી પાસે જ ઉભો રહી ગયો હતો. મા એક પાણીનો લોટો લાવી અને મારા પગથી માથા સુધી એ લોટને પોતાના પાલવથી ઢાંકીને સાત વાર મારા પરથી ઉતારીને એ પાણી ચાર રસ્તે ઢોળી આવી હતી. મા ઘરમાં આવીને હાથ મોઢું ધોઈને તરત જ પોતાની આંખનું કાજળ આંગળીમાં સહેજ લઈને મારા કાનની પાછળ ટીલું કરતા બોલી, "મારી જ તને નજર લાગી ગઈ હશે! તું બે દિવસ બાપુ સાથે ખેતરે ગયો હતો, તો હું ખુબ તને જોઈ હરખાઈ ગઈ હતી." મા એટલું તો માંડ બોલી શકી ત્યાં સુધીમાં તો એનો અવાજ ગળામાં જ રૂંધાય ગયો હતો અને આંખમાંથી ચોધાર આંસુ સરવા લાગ્યા હતા. 

"અરે મા! શું તું પણ... તું બધું તારા પર જ ઓઢી લે છે. તને કીધું છે ને કે તારે મારી ચિંતા ન કરવી!"

"તું તો એમ જ કહે ને દીકરા! પણ મા એનું સંતાન દુઃખી હોય તો મા કેમની શાંત રહી શકે? ચાલ છોડ બધી વાત અને વાળુ કરી લે. હું તારી રાહ જોતી હતી કે, તું આવ પછી વાળું કરું."

"તારે બાપુ ભેગું વાળું કરી લેવાઈ ને!"

મા ઝડપથી થાળી પીરસીને આવી અને મને કોળિયા ભરી ખવડાવા લાગી હતી. માની નિર્દોષ લાગણી મને ખુબ જ ખુશ કરી ગઈ હતી. આખા દિવસનું વ્યાકુળ મન મા પાસે આવી શાંત થઈ ગયું હતું. મા ફક્ત મને જ જમાડી રહી હતી. એણે હજુ એક પણ કોળિયો ખાધો નહોતો, મેં એક કોળિયો એમના મોઢામાં આપ્યો અને હરખના આંસુ માની આંખ માંથી છલકવા લાગ્યા હતા. 

અદભુત દ્રશ્ય મા અને દીકરાની લાગણીથી સર્જાયું હતું. કહેવાય છે ને કે, ખુદ પ્રભુને પણ માની મમતા અને પ્રેમ પામવા આ દુનિયામાં મનુષ્ય અવતાર લઈને જન્મવું પડ્યું હતું. માનો પ્રેમ દરેક પ્રેમ કરતા વિશેષ છે. મા પોતાના બાળકને ક્યારેક ખીજાય છે તો પણ બાળકની લાગણી દુભાવા કરતા પોતાની લાગણી જાજી દુભાઈ છે કે, આજ એને પોતાના બાળકને ખિજાવું પડ્યું!

હું વાળું પતાવીને ચબુતરા પાસે જઈને બેસી ગયો હતો. બીજા મિત્રો અને અમુક લોકો ટોળું બનાવી પોતપોતાની વાતોમાં મશગુલ હતા. મારી નજર નનકાને અને તેજાને જ શોધી રહી હતી.

શું મળશે ઝુમરીના સમાચાર? 

વિવેકને ઝુમરી તરફથી શું જવાબ મળશે?

વિવેકના જીવનમાં આવનાર ઉતારચઢાવને જાણવા જોડાયેલ રહો ભીતરમન સાથે... મિત્રો ફરી મળશું નવા પ્રકરણ સાથે તો ત્યાં સુધી જય શ્રી રાધેકૃષ્ણ.🙏