ભીતરમન - 1 Falguni Dost દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભીતરમન - 1

એક સુંદર આલીશાન હવેલીના સુંદર બગીચામાં એક સરસ સાગના લાકડામાં હાથીદાંતની કોતરણીથી સુશોભિત હીચકામાં ઝૂલતા ઝૂલતા હું ચાની ચુસ્કી ભરી રહ્યો હતો. ચાના સ્વાદમાં ભૂતકાળની યાદો કંઈક એમ ભરી રહી હતી કે, એક એક ઘૂંટડે તુલસીની યાદ આજ મને વ્યાકુળ કરી રહી હતી. તુલસી એટલે મારી અર્ધાંગિની... તુલસીની યાદ આજ મારા મનમાં ખુબ ઉથલપાથલ મચાવી રહી હતી. આજ મારી પાસે બધું જ છે કોઈ જ વસ્તુની કમી નથી, જ્યાં આંગળી મુકું એ હું લઇ શકું છું સિવાય કે તુલસી... હા, હું તુલસી વિનાનું મારુ જીવન ખુબ જ એકલવાયું અનુભવું છું. હું મારા કર્મનું જ ફળ ભોગવું છું કે, મારે તુલસી વગર જીવન જીવવું પડે છે, આજ તુલસીને સ્વર્ગવાસ થયે છ વર્ષથી વધુ સમય વીતી ગયો છે, પણ હું તુલસીને પળે પળ યાદ કરું છું. ચાના ખાલી કપને ચુસ્કી ભરતાં હું ફરી વર્તમાનમાં આવ્યો અને આંખોમાં સહેજ ભીનાશ છવાઈ જવાના લીધે આખો બગીચો ધુંધળો દેખાવા લાગ્યો હતો. અને આ ધુંધળા દ્રશ્યમાં તુલસીનો ચમકતો ચહેરો દીપી રહ્યો હતો.


******* સત્તાવન વર્ષ પહેલા *********



"વિવેક.. દીકરા વિવેક.. ઊઠ તો!! સૂરજ ચઢી ગયો છે. મોડું થઈ જશે. ઘરના બધા સભ્યો તૈયાર થઈ ગયા છે. તારા બાપુ વહેલી પરોઢના તૈયાર થઈને ઘરમાં આંટા મારે છે. કેટલીય વાર મને તારા વિષે પૂછી લીધું. અત્યાર સુધી તો મેં વાતને સંભાળી લીધી છે પણ હવે એમનો ગુસ્સો ફાટે એ પહેલા ઉઠને દીકરા. તારી મા માટે થઈને આટલું પણ નહીં કરે!!" વીણાબહેન વિનંતીના સૂરમાં બોલ્યા..


મા ના છેલ્લા શબ્દો મને સ્પર્શી ગયા અને હું સહેજ સળવળ્યો હતો પણ હું કોઈનો આદેશ અમલમાં લઇ લઉં એ મારા સ્વભાવથી વિરુધ્ધ હતું. હું ક્યારેય કોઈના અંકુશમાં રહી શકતો નહોતો અને લગ્નજીવન એ મારે માટે એક બંધન જ હતું, જે ફરજીયાત પણે મારે સ્વીકારવું જ એ આદેશ મારા બાપુએ કર્યો હતો. હું ઝુમરીને પસંદ કરતો હતો પણ બાપુએ ઘોડિયા લગ્ન નક્કી કર્યા હોય મારે એમના વચનને ફરજીયાત પાળવાનું હતું. મનોમન થયું માને કહું કે, એ બાપુને એમના વચનને તોડવા કહે પણ મા આખું જીવન બાપુની નજરને જ જોઈને જીવી હોય સંવાદ વગરનું એમનું જીવન એ જીવ્યા, એ મારે માટે કેમ બોલી શકશે? મારા ભીતરમનમાં અનેક ભાવનાઓ વલખા મારી રહી હતી!


મા એ પ્રેમથી માથા પર હાથ ફેરવ્યો અને ફરી બોલ્યા, દીકરા! તું એકવાર તુલસીને તારા જીવનમાં પ્રવેશ તો આપ, પછી તું ક્યારેય તારા બાપુના વચનને ખોટું ઠરાવીશ નહીં! તારા બાપુ પણ મારા જીવનમાં મારા દાદાના વેણથી જોડાયા હતા. દીકરા.. તું જલ્દી તૈયાર થઈ ને આવ, હું નથી ઈચ્છતી કે તારા બાપુ એમના આપેલ સમય કરતા મોડા પહોંચે! હું તુલસીને આપવાના ઘરેણાં ભરી એને આપવાની થેલી તૈયાર કરું છું.


મા તો કહીને જતી રહી પણ હું મા ની એક એક વાતને વાગોળતો રહ્યો, અને ઝુમરી સાથે કરેલ વચન પર આવી હું અટકી ગયો હતો. મારુ મન ઝુમરી સાથે વિતાવેલ સમય પર જ અટકી ગયું હતું. સીમની ભાગોળે પ્રથમ વખત જયારે એને મળ્યો હતો અને એના હાથનો કોમળ સ્પર્શ... અચાનક એનું શરમાઈને હાથ ને છોડાવવું અને મારુ વાસ્તવિકતામાં આવવું... મા ની લાગણીને માન આપી ઝડપભેર હું ઉભો થયો અને ઉતાવળે તૈયાર થઈને હું બાપુ પાસે પહોંચી ગયો હતો.


બાપુએ તરત જ તીરછી નજરથી મારી સામે જોયું અને કહ્યું, "અઢારમા જન્મદિવસની ભેટ રૂપે તુલસીને અને એની જવાબદારીને તને સોંપું છું. ખુબ મોજ કરી હવે મારી જવાબદારી પણ હળવી કરજે!"


"હા બાપુ!" આટલું તો પરાણે હું બોલી શક્યો હતો.


બાપુએ મા ને અવાજ કરતા કહ્યું, "રાજકુમાર આવી ગયા છે. તારે હજી કેટલું મોડું કરવું છે?"


મા તરત જ હાથમાં લાલ રંગની થેલી કે, જે સુંદર ભરતકામથી સુશોભિત હતી એ લઈને આવી ગઈ હતી. આ થેલી મા એ જાતે જ બનાવી હતી. માનો ચહેરો આજે ખુબ ખુશ જણાઈ રહ્યો હતો. આમ તો બધા ખૂબ જ ખુશ હતા, સિવાય કે હું!


બાપુ પણ મને ખુબ જ લાડ કરતા હતા. એકનો એક હું પુત્ર હતો, આથી પાણી માંગુ તો દૂધ હાજર થઈ જતું હતું. જીવનમાં તકલીફ શું એ મેં હજુ અનુભવ્યું જ નહોતું! કદાચ અતિ લાડના લીધે જ હું જિદ્દી બની ગયો હતો. મારા જીવનમાં મારા ૧૮ વર્ષની ઉંમરમાં તકલીફ કોઈ આવી હોય તો એ હતી આ તુલસી! અને હવે આજે તુલસી સાથે મારુ સગપણ થવાનું હતું. એના ઘર તરફ થતું મારુ પ્રયાણ એ મારા જીવનની મોટી આફતને હું નોતરું આપતો હોવ એવો કડવો અનુભવ હું પરાણે મારે ગળે ઉતારતો હું બાપુ સાથે અમારી એમ્બેસેડર ગાડીમાં બેસી ગયો હતો. મારુ ગામ ખંભાળિયા હતું. ગામમાં એમ્બેસડર ગાડી અમુક જ દેખાતી હતી, એમાની એક ગાડી મારા બાપુની હતી. અમારી ગાડી ધુળની ડમરીને ચીરતી તુલસીના ગામ દ્વારિકા તરફ આગળ વધી રહી હતી.



***********************************



દાદુ તમે શું ખાલી ચા નો કપ લઈને બેઠા છો? ચાલો એ મુકો અને મને જલ્દી જલ્દી ચોકલેટ આપો! આજ તો તમારો જન્મદિવસ છે ને દાદુ!


મારા સૌથી નાના દીકરા રવિનો પુત્ર અપૂર્વં એટલે કે મારો પૌત્ર મને મારી ભુતકાળની યાદ માંથી બહાર ખેંચી લાવે છે.


"દાદુ શું વિચારો છો? આપો ને ચોકલેટ!" નખરાળી અદાથી પોતાની જીદ્દ પુરી કરવામાં એ બિલકુલ મારા પર જ ગયો હતો! મેં મારા કોર્ટમાં એના માટે રાખેલ ડેરીમિલ્ક સિલ્ક કાઢી અને એને આપી. એ ખુશ થતો મારા ખોળામાં બેસી ગયો હતો. આ આઠ વર્ષનો અપૂર્વ જ આખા ઘરમાં બધાને પોતાના નખરાંથી હસાવ્યા કરતો હતો અને ઘરમાં જીવંતતાની સાબિતી આપ્યા કરતો બાકી આ આખી હવેલીમાં એક ટાંચણી પડે તો પણ અવાજ આવે એવી નીરવ શાંતિ હંમેશા રહેતી હતી.


"લો દાદુ પહેલો ચોકલેટનો કટકો તમે ખાવ! આજ તમારો જન્મદિવસ છે ને!"


"ના તું ખા બેટા!" આટલું તો હું માંડ બોલી શક્યો હતો.


"અરે દાદુ! કુછ મીઠા હો જાયે.." એમ કરી પરાણે મારા મોઢામાં ચોકલેટ મૂકતા એ બોલ્યો હતો."


હું એની નિર્દોષ લાગણીના પ્રવાહમાં પલળી ગયો અને આંખમાં છવાઈ ગયેલ આંસુના ઉભારને પાંપણની આડશમાં સાચવતા બોલ્યો, "બેટા તું પણ ખા."


"હા, દાદુ." એમ કહી એ ફટાફટ ચોકલેટ ખાવામાં મશગુલ થઈ ગયો અને ચોકલેટ ઓગળે એ પહેલા જ પુરી કરી ગયો!


"દાદુ, તમારે શું ગિફ્ટ જોઈએ છે? તમે પણ મને કાયમ ગિફ્ટ આપો છો ને! તો હું પણ તમને જે જોતું હોય એ આપું."


હું અપૂર્વની વાત સાંભળી એકદમ ભાવુક થઈ ગયો મનમાં થયું કે, કાશ! હું તુલસીને મારા જીવનમાં લાવી શકું.


હું હજુ એને કઈ કહું એ પહેલા જ અપૂર્વને એના મમ્મીએ એટલે કે, મારી પુત્રવધુ પૂજાએ બાલ્કનીમાંથી બૂમ પાડી બોલાવ્યો, "બેટા અપૂર્વ જલ્દી આવ. તૈયાર થઈ જા બેટા."


"ઓહ! દાદુ આપણે પછી વાત કરીએ હું જાવ! નહીં તો મોમ ગુસ્સે થઈ જશે!"


અપૂર્વ ખોળામાંથી એકદમ જલ્દી ઉતર્યો અને હવેલી તરફ દોડ મૂકી, સહેજ આગળ ગયો અને ફરી દાદુ પાસે આવ્યો અને એમના ગાલ પર હળવું ચુંબન કરી "લવ યુ દાદુ" કહી સડસડાટ હવેલીમાં જતો રહ્યો અને હું પ્રત્યુત્તરમાં લવ યુ ટુ કહું એ શબ્દો મારા ભીતર જ પડી રહ્યા! આંખની પાંપણે રોકાયેલ આંસુ હવે સરકીને ગાલને સ્પર્શ કરવામાં સફળ રહ્યા અને હું ફરી એ જ જૂની યાદ સાથે હિંડોળા પર ઝૂલતા મારી તુલસીને અતીતમાંથી શોધવા લાગ્યો હતો.


કેમ અતીતમાંથી નીકળવું હવે?

કેમ સત્યથી અળગું થવું હવે?


વિવેકના જીવનમાં આવનાર ઉતારચઢાવને જાણવા જોડાયેલ રહો ભીતરમન સાથે... મિત્રો ફરી મળશું નવા પ્રકરણ સાથે તો ત્યાં સુધી જય શ્રી રાધેકૃષ્ણ🙏.