હું ઝુમરીના વિચારોમાં મગ્ન હતો અને બાપુએ મારી વિચારોની દુનિયાને છંછેડતાં હોય એમ સાદ આપતા કહ્યું, "વિવેક તે આરામ કરી લીધો હોય તો આવ હેઠો, ઘરે જવાનું ટાણું થઈ ગયું છે."
"હા બાપુ!" બોલતા જ હું નીચે આવી ગયો હતો.
મારે બાપુ સાથે કામ પૂરતી જ વાત થતી હતી. બાપુ થોડા ગરમ મિજાજના અને એમની વાણીમાં થોડી સ્વમાની સ્વભાવની ઝલક દેખાતી એજ સ્વભાવ મને વારસામાં મળ્યો હતો.
હું નીચે ઉતર્યો કે બાપુએ એમના ગુસ્સાથી મને પોંખી લીધો હતો. હમેંશા એવું જ થતું બાપુ ક્યારેય મને મારો ખુલાસો આપવાની તક આપતા જ નહીં. એનું પરિણામ એ આવ્યું કે મારા અને બાપુ વચ્ચે એક વાળ સરીખી તિરાડ સંબંધને કાચો કરવામાં ભાગ ભજવી ગઈ હતી. હું એમ દુઃખી થતો કે, જો હું નાની ઉંમરે બધું સમજી શકું તો બાપુ કેમ મને ન સમજવાનો ડોળ કરતા હશે? આ વાત મને એટલી હદે દુઃખી કરતી કે હું મારુ ધ્યાન ફેર કરવા મિત્રો સાથે બહાર જ રહેતો હતો. નવ ધોરણનો અભ્યાસ પૂરો કર્યા બાદ ગામના પાદરે જ મિત્રો સાથે લટાર માર્યા કરતો હતો. મને ન ઘરમાં કે ન ખેતરે રહેવું ગમતું. બાપુ મને ખુબ ગુસ્સો કરતા અને હું એમને ગુસ્સો આવે એ માટે એક પણ મોકો છોડતો નહીં. હું બોલીને ક્યારેય બાપુનું અપમાન ન કરતો કારણ કે મા દુઃખી થાય એ મને ગમતું નહીં, પણ બાપુ જે વાત પર મને ટોકતા હું એ વાત વારંવાર મારા જીવનમાં દોરાવતો રહેતો અને બાપુની સામે મારો આક્રોશ જુદી જ રીતે રજુ કરતો હતો. બાપુ પણ જાણી જ ગયા હતા કે હું એમના કહ્યામાં જરા પણ નથી, અને મને એ વાતનું જરા પણ દુઃખ નહોતું. હું થોડો અલગ સ્વભાવનો જ હતો. મને મારી રીતે જ જીવવું ગમતું હતું. રોકટોક જરા પણ ગમતી નહોતી. જવાબદારી કોઈ જ નિભાવતો નહોતો. હા, હું એક માત્ર સંતાન હતો એટલ બાપુની મિલકત વાપરવામાં હું મારો હક વટથી લેતો અને જો બાપુ ના પડે તો મા મને ક્યારેય દુઃખી ન જ કરે એ પુરી ખાતરી મને રહેતી હતી. ટૂંકમાં કહું તો માનો લાડકો દીકરો હતો અને બાપુ માટે હું એમનો એકનો એક વારસદાર! બસ, હું એમ જ એ બંનેની લાગણીને અનુરૂપ એમની સાથે જીવતો હતો.
ખેતરેથી ઘરે આવ્યા બાદ હું સીધો જ મા પાસે પહોંચી ગયો હતો. મા ગાય અને ભેંસના દુજાણા કરીને હજુ રોટલા ઘડવા બેસતી જ હતી. એમને ચૂલાને આગ ચાંપી અને હું એમની સમીપ જઈ બેઠો હતો. હું જયારે માનું સાનિધ્ય ઈચ્છતો ત્યારે એ કામ કરતી હોય છતાં એની પાસે જઈને બેસી જતો હતો. મા લાગણીસભર સ્વરે બોલી,"દીકરા આજ થાકી ગયો હશે ને ખેતરે ગયો હતો તો.. ચાલ રોટલો માંડું છું, ખીચડી થઈ ગઈ છે અને દૂધમાં ઉભરો આવે એટલે તારી તાંસળી ભરી આપું, આજ તારા બાપુને નહીં તને પહેલા વાળું કરવા બેસાડું!"
"ના મા તું બાપુને જ પહેલા બેસાડી દે, હું તારી સાથે બેસીસ."
મા કામ કરતી હતી એટલે એની નજર મારા ઉપર નહોતી પડી પણ મારો જવાબ સાંભળી એમણે મારી તરફ જોયું, એક નજરે જોયા બાદ બોલ્યા, "કેમ આટલી ખુશી તારા ચહેરે છલકાય છે?"
માનો પ્રશ્ન પૂછવો અને દૂધના ઉભરાની સાથોસાથ મારા મનમાં પ્રણયનો જે ઉભરો ઉફાણ મચાવી રહ્યો હતો એ મારા ચહેરે સ્મિતરૂપે છવાઈ રહ્યો હતો. હોઠ સુધી ઝુમરીનું નામ આવી મનમાં રમ્યા કરતુ હતું પણ કોણ જાણે કેમ મા પાસે આજ મન ખોલીને જે વાત કરવી હતી એ કરવાને બદલે હું બોલ્યો, "હા મા આજ ખેતરે ગયો હતો ને! ત્યાં મને ખુબ ગમ્યું આથી હું ખુબ જ ખુશ છું."
"બેટા! આજ તું ત્રણ વર્ષે ખેતરે ગયો, તારા બાપુ તને એ દિવસે ખિજાયા ત્યારથી તું ખેતરે જવાનું ટાળતો જ હતો. જોયુંને બેટા! આજ તને ખેતરે જવાથી કેટલી ખુશી મળી છે! બેટા હવે તું સમજણો થયો છે થોડો બાપુનો ભાર પણ ઓછો કર તો એમને પણ થોડી રાહત રહે."
મા મારા અને બાપુ વચ્ચેની ખટાશ હંમેશા દૂર કરવાની કોશિશ કરતી હતી. આજ પણ એમણે એજ પ્રયાસ કર્યો હતો.
"બાપુને ભાર ઉતારવો ગમશે ખરો?" એક તીરછી નજર મેં મા તરફ કરી અને થોડીવાર પહેલા જે ખુશી હતી એની જગ્યાએ હવે દર્દ છવાઈ ગયું હતું. હું ત્યાંથી ઉભો થઈ ને બહાર તરફ જતા રસ્તે વળ્યો હતો.
"વિવેક... દીકરા વિવેક..ઉભો રહે બેટા, વાળું તો કરતો જા." મા મને રોકવાના પ્રયાસ કરતા બોલી હતી.
હું માને જવાબ આપ્યા વગર સડસડાટ બહાર નીકળી ગયો હતો. દુઃખ એ વાતનું વધુ હાવી થઈ રહ્યું હતું કે, મા મારો ચહેરો જોઈ સમજી જાય તો બાપુને મારી ખુશી કેમ દેખાતી નહીં હોય! ભીતરમન બાપના પ્રેમ માટે તરસતું હતું પણ બાપુને બસ એમની રીતભાત, એમની પસંદ એમનો મોભો એજ મહત્વનું હતું. માને હું જવાબ આપ્યા વગર નીકળી ગયો એ મને પણ પસંદ નહોતું જ પણ જો હું જવાબ આપવા રોકાઈ જાત તો જરૂર હું એમની લાગણીવશ થઈ રોકાઈ જવા મજબુર બની જાત અને ગુસ્સામાં હું મા સામે બાપુને અપમાનિત ન કરું એ ઈચ્છાને ધ્યાનમાં રાખી ઘરથી બહાર નીકળી જતો હતો.
હું ઘરની બહાર જતા મનમાં જ વિચારતો હતો કે, કદાચ બાપુ હું નાનો હતો ત્યારે જેમ મને શોધવા આવતા, કાશ એમ હજુય આવે તો! પણ મારા વિચાર બસ મારા પૂરતા જ સીમિત રહેતા અને હું અપૂરતી લાગણીથી દુઃખી રહ્યા કરતો હતો. આ દુઃખનું નિરાકરણ કરવા હું ક્યારેય બાપુને સામેથી કઈ જ કહી શકતો નહોતો. અમારા સંબંધ જ કદાચ એટલા મજબૂત નહોતા કે એકબીજાને હકથી કઈ પૂછી શકીએ કે જાણી શકીએ. મને એ વાતનું પણ અતિશય દુઃખ હતું કે, છેલ્લે બાપુએ વહાલથી ક્યારે મારા માથા પર હાથ ફેરવ્યો એ પણ મને યાદ નહોતું! અને આ વાતનું દુઃખ મને બીડીના વ્યસન સુધી લઇ ગયું હતું. મન જયારે પણ વ્યાકુળ રહેતું હું બહાર જઈને બીડીના દમ ફૂંકતો અને મારો ગુસ્સો બીડીના ધુંવાડા સાથે દૂર કરતો હતો. આ મારી ટેવ સમય જતા લત બની ગઈ હતી. ઘરે હજુ બધા મારી આ બીડીના વ્યસનની ટેવથી અજાણ જ હતા. ઘરથી દૂર રહેવાનું એક કારણ બીડી પીવાની મારી ટેવ પણ બની ગયું હતું.
હું ઘરની બહાર નીકળ્યો અને મેં તરત જ ચબુતરાના ઓટલે બેસીને બીડીને માચીસથી સળગાવી અને એક દમ મેં માર્યો કે, મને યાદ આવ્યું કે આજ ત્રણ વર્ષ પછી મેં બપોરે ભાતું કર્યા બાદ એક બીડી પીધી એજ પછી અત્યારે છેક હું પી રહ્યો હતો. અને એનું કારણ કદાચ ઝુમરી હતી. બસ, એને યાદ કરવા માત્રથી મન પ્રફુલ્લિત થઈ ગયું અને બીડીને અધૂરી જ મેં મૂકી દીધી હતી. વાળુનો સમય હોય ચબૂતરે મારા સિવાય કોઈ જ નહોતું. પંખીઓ બધા પોતાના માળામાં ગોઠવાય રહ્યા હતા. પંખીઓના બચ્ચાં પણ પોતાની માને જોઈને કલરવ કરી રહ્યા હતા. હું ફરી પ્રકૃતિના ખોળે બેસીને ઝુમરીના વશમાં થવા લાગ્યો હતો. ત્યાં જ અચાનક ઝુમરી દૂરથી આવતી દેખાય રહી હતી. એ એની નખરાળી ચાલથી ચાલતી પોતાની ઝુલ્ફની લટ પર આંગળી ફેરવતી હળવું સ્મિત કરતી મારી સમીપ જ આવી રહી હતી. હું એની અદામાં જ ખોવાઈ રહ્યો હતો. ઝુમરી મારી પાસે જ આવી અને એના હાથ વડે મારા ચહેરાને કપાળથી લઇ અને દાઢી સુધી સ્પર્શ્યો હતો. આ સ્પર્શ એટલો આહલાદક હતો કે, હું એક ધબકાર ચુકી જ ગયો અને મારા બે સ્પદંન વચ્ચે ઝુમરીએ સ્થાન લઇ લીધું. મરાથી હળવા સ્વરે ઝુમરી એમ બોલાય ગયું અને તરત એક માથામાં ટાપલી પડી કે મારો મિત્ર તેજો મારી સામે હતો. મેં તેજાને છણકો કરતા ટોક્યો, "શું યાર ટાપલી મારે છે? મન ખાટું કરી નાખ્યું તે!"
"ઝુમરી ને ક્યાં મળ્યો?"
"તને કેમ ખબર પડી ઝુમરીની? તું ઓળખે છે ઝુમરીને?"
"તું જ હમણાં ઝુમરીના શમણામાં ઝુમરી..ઝુમરી કરતો હતો. મારી પાછલી શેરીમાં ઓલો નનકો રહે છે ને! એના ફોઈની છોરી છે."
"ઓહ! હવે પાકું, એટલે જ એ નનકાના ખેતરે મારી નજરે ચડી હતી."
"જો જે હો.. ધ્યાન રાખજે સ્વભાવે તીખું મરચું છે. ગામમાં તારા નામના ધજાગરા ન થાય!"
"રૂપનો અંબાર છે તો મરચાં જેવી તીખાશ તો જોઈને! નહીતો કોઈ પણ મીઠાશ ચાખવા પહોંચી જાય!"
"કેટલો સમય રહેવાની? તપાસ કરી સમાચાર આપજે ને!" મેં સહેજ ખચકાતા તેજાની કાનમાં મારા મનની વાત ફૂંકી જ દીધી.
તેજાએ મારા ખંભા પર જોરથી એનો હાથ પટક્યો અને મને કીધું.. "તું ગયો કામથી.."
અમે બંને મોજમાં આવી ગયા હતા. ધીરે ધીરે ગામ લોકો પણ રાતની બેઠક જમાવવા આવવા લાગ્યા હતા.
શું વિવેક એના બાપુને પોતાની લાગણી જણાવી શકશે?
ઝુમરી વિવેકના જીવનમાં શું પરિવર્તન લાવશે?
વિવેકના જીવનમાં આવનાર ઉતારચઢાવને જાણવા જોડાયેલ રહો ભીતરમન સાથે... મિત્રો ફરી મળશું નવા પ્રકરણ સાથે તો ત્યાં સુધી જય શ્રી રાધેકૃષ્ણ🙏.