હું ઝુમરીનું નિરીક્ષણ કરવામાં જ મશગુલ હતો, એની પાસે જઈને મારે જે વાત ઉચ્ચારવી હતી એ વાત મારા મનમાંથી ઝુમરીને જોઈને સાવ લુપ્ત જ થઈ ગઈ હતી. એક ભમરાના જીણા ગણગણાટે મારી તંદ્રા તોડી હતી. ક્ષણિક મને મારા પર જ હસુ આવી ગયું. હું હવે જરા પણ સમય ગુમાવવા ઈચ્છતો નહોતો. ખેતરના મજૂરને જે કામની સોંપણી કરેલ એ કામ તેઓ બરાબર કરે છે કે નહીં એ જોઈ હું નનકા પાસે પહોંચી ગયો હતો.
નનકો અને ઝુમરી એની વાતોમાં જ મશગુલ હતા. મેં એમની તરફ વળતા જ નનકાના નામનો સાદ કર્યો હતો. નનકો અને ઝુમરીએ તરત જ પાછળ ફરીને મારી સામે જોયું હતું. મારુ ધ્યાન ઝુમરી પર જ હતું અમારી બંનેની નજર એક થઈ અને તરત જ એ આગળ ફરી એમના ખેતર તરફ ચાલવા લાગી. નનકો મારી રાહ જોતો ઉભો રહ્યો હતો.
"તું અહીં?" નનકો મને જોઈને તરત જ પૂછવા લાગ્યો હતો.
"હા, બે દિવસથી આવું છું. બાપુ સાથે કાલ પણ આવ્યો હતો."
"ખેતરે મજુર ઓછા છે, હું કાલ કામમાં હતો મારુ ધ્યાન નહોતું."
"મારુ હમણાં જ ધ્યાન ગયું કે તું ખેતરે પહોંચ્યો." મારે નનકા સાથે શું વાત કરવી કેમ કરવી કઈ સુજતુ નહોતું. ઝુમરી વિશે કેમ વાત ઉચ્ચારુ સમજાતું નહોતું. શબ્દો મનમાં અસંખ્ય હતા પણ હંમેશની જેમ મનમાં જ કેટલું બધું ધરબાયેલું હતું.
ઝુમરીએ ત્યાં જ બૂમ પાડી, "ભૈલું ત્યાં વાવ પાસે તને ગંગામાં બોલાવે છે."
"આવ ખેતરે, ત્યાં માને કંઈક કામ લાગે છે." નનકો ચાલતા ચાલતા બોલ્યો હતો.
હું પણ કોઈ જ આનાકાની વગર એની સાથે ચાલવા લાગ્યો હતો. ઝુમરીની નજીક અમે પહોંચ્યા ત્યાં નનકો બોલ્યો, "ઝુમરી વિવેકને પાણી પા, હું આવું. હું માને શું કામ છે એ જોતો આવું."
હું ઝાડ નીચે ખાટલો ઢાળીને બેઠો હતો. ઝુમરી મારી પાસે ક્યારે આવે એ ઈચ્છાએ શાંતિથી બેસવાનો ઢોળ કરી રહ્યો હતો, મનમાં તો ખુબ જ કુતુહલ થતું હતું. જે ક્ષણની રાહ હું જોતો હતો એ મારી સામે જ હતી. આનંદ અનહદ હતો પણ શબ્દ એકદમ લુપ્ત થઈ ગયા હતા. હોઠ મૌન થયા અને આંખને વાચા સ્ફૂરી હોય એમ જાણે કેટલું કહી જવાના વેતમાં હતી.
ઝુમરી મારી પાસે લોટો ભરીને આવી, હું એના કોમળ હાથમાં રહેલ કાચની બંગડીના ખનકમાં મારા મનની ખનકને સરખાવી રહ્યો હતો. મેં ખોબો ધર્યો, ઝુમરીએ મારી સામે હાથ લાંબો કરી લોટો ધર્યો. મને તરત તેજાના શબ્દો યાદ આવ્યા કે, "તીખું મરચું છે." આ શબ્દ યાદ આવતા જ મેં હળવા સ્મિત સાથે લોટો એના હાથમાંથી લઈ લીધો હતો. મેં જેવો લોટો લીધો અને પાણી પીવા જાઉં ત્યાં ઝુમરી ઉંધી ફરી ચાલવા માટે એક ડગલું ઉપાડવા ગઈ અને એ પગ મુકવા જ જતી હતી ત્યાં એક સાપ એના પગ મુકવાના સ્થાન પરથી જ પસાર થતો હતો. ઝુમરીએ પોતાના પગ નીચે સાપ ન કચડાઈ એ સાવચેતી તો રાખી પણ પોતાનું સંતુલન એ ગુમાવી બેઠી અને પડી જ જાત જો મેં ઉભા થઈને એને મારા હાથના સહારે ઝીલી ન હોત!
લોટાનું પાણી થડકો લાગતા છલકાઈને મારા મોઢા પર ઉડ્યું હતું. ઝુમરી મારા ડાબા હાથના ટેકે ઝીલેલી હતી. મારો હાથ ઝુમરીની કમર પર હતો, મને એવું લાગ્યું કે, મારા હાથનો સ્પર્શ કમર પર થતા ઝુમરી પણ રોમાંચિત થઈ ગઈ હતી. ઝુમરી અને મારો ચહેરો એકદમ નજીક અને સામસામે આવી ગયા હતા. મારા ચહેરા પરથી ટપકતું પાણી ઝુમરીના ગળા પર પડતા એના શરીરમાં ઝણઝણાટી થઈ ઉઠી હતી. અમે બંને મૌન હતા, પણ આંખ એકબીજાને પ્રેમના જામ પીવડાવી રહી હતી. મેં હાથની પકડ થોડી મજબૂત કરી અને એ એકદમ સજાગ થઈ સરખી ઉભી થઈ ગઈ હતી. લાગણી બંનેની એકબીજાને સ્પર્શી ગઈ હતી એ બંને જાણી જ ચુક્યા હતા. ઝુમરી જે તરફ જતી હતી એ તરફ આગળ વધવા લાગી પણ મેં હળવેકથી એના હાથને પકડીને રોકવાનો પ્રયાસ કર્યો હતો. ઝુમરી સહેજ શરમાતા હાથ છોડાવી જતી રહી હતી. ચારપાંચ પગલાં એ આગળ ચાલી અને ફરી પાછું વરીને મારી તરફ જોઈ હળવું સ્મિત આપતી જતી રહી હતી.
અમારી આ પહેલી મુલાકાત એટલી બધી યાદગાર બની જશે એની મને કલ્પના જ નહોતી. એના ચહેરા પરની ખુશી કંઈક અલગ જ હતી. હું એના સ્પર્શને હજુ પણ મારામાં અનુભવી રહ્યો હતો. નનકો મારી પાસે આવ્યો અને બોલ્યો, "હું ગંગામા પાસે પહોચવામાં સહેજ પણ વાર કરત તો આજ નોળિયો સાપને એની ઝપટમાં લઈ લેત.. સાપ બચી ગયો."
હું મનોમન બોલ્યો કે, "સાપ બચ્યો એમાં હું ફાવી ગયો!"
મારા હાથમાં રહેલ લોટો મેં નનકાને આપતા પૂછ્યું,"આ છોરી કોણ છે? જે પાણી આપી ગઈ!"
"એ મારા ફોઈની દીકરી છે ઝુમરી. મારી નાની બેન છે. ચાર-પાંચ વર્ષે અહીં રોકવા આવી છે. હમણાં એ અહીં થોડા દહાડા રહેશે."
"હમમમ. ચાલ હું હવે ખેતરે જાઉં. બાપુ આવશે અને હું ત્યાં નહીં હોઉં તો ગુસ્સે થશે!" એમ કહી મેં નનકા પાસેથી વિદાય લીધી હતી.
હું ખેતરે આવી ને સીધો ઝૂંપડી પર જ ચડી ગયો હતો. ઝુમરી ક્યાંય દેખાતી નહોતી. મેં ઝૂંપડીમાં લંબાવ્યું અને આંખ બંધ કરી ઝુમરીના સ્પર્શમાં ખોવાય ગયો હતો. ઝુમરીનું રૂપ અને એને અનુરૂપ એનું સ્વમાન મને ખુબ જ વહાલું લાગ્યું પણ એથી વિશેષ જયારે એ મારી નજીક આવી એકાએક પીગળી ગઈ એ મને વધુ વહાલું લાગ્યું હતું. ઝુમરીના વિચારમાં જ આખો દિવસ પસાર થઈ ગયો હતો. હું એટલો ખુશ હતો કે આજ બાપુ પરનો ગુસ્સો પણ ગાયબ થઈ ગયો હતો.
બીજી બાજુ ઝુમરીના મનમાં પણ એ મુલાકાત ઊંડી છાપ સાથે ઘણા પ્રશ્નો મૂકી ગઈ હતી જે વાતનો ખ્યાલ મને ઝુમરી જોડેની પછી થયેલી કોઈ મુલાકાતથી આવ્યો.
મારી જેમ જ એ પણ એટલી જ આકર્ષિત થઈ ગઈ હતી અને એટલે જ આખો દિવસ કામ કરતાં કરતાં અમારી મુલાકાતને મનમાં ને મનમાં વાગોળ્યા કરતી હતી. પણ રાતે જ્યારે નવરી પડીને ખાટલે આડી પડી એ સાથે જ આકર્ષણની સાથે પ્રશ્નોએ પણ એના મન પર ભરડો લઈ લીધો. અને એણે જાતને જ પ્રશ્નો પૂછવા લાગ્યા; "મને કોઈ હક નથી પારકા પુરુષ વિશે વિચારવાનો તોય આમ અજાણ્યા પુરુષનો સ્પર્શ મને આ હદે રોમાંચિત કરી ગયો એને હું શું સમજુ? કેમ આખો દિવસ હૈયે એજ પળ અંકિત રહી? શું હું એના પર મોહી ગઈ છું એ પ્રેમ કહેવાતો હશે કે પહેલી વખત કોઈ પારકા પુરુષના સ્પર્શનો ઉન્માદ માત્ર? અને આ પ્રશ્નોની અડોઅડ જ એને એક ચેહરો યાદ આવી ગયો, એના બાપુનો.. જો એ કંઈ આવું પગલું ભરે તો એના બાપુનું નામ લજવાય એમની કેળવણી લજવાય. આખી જિંદગી સાદગીથી જીવેલા એના બાપુ માટે આવી પરિસ્થિતિનો સામનો કરવો કેટલું અઘરું પડશે! બસ ઝુમરી રોકાઈ જા અહીંયા જ! જે પણ થયું એને એક મીઠી યાદ બનાવીને ધરબી દે હૈયાના ભોંય તળિયે અને નાખી દે એની પર માટી.
ઝુમરીના આ શબ્દો યાદ આવતાં જ મારી આંખો સજળ બની અને મનોમન વંદી રહી એ સરળ સ્ત્રીને જે પોતાના સંસ્કાર, ગામ, મા બાપ બધાને પાછળ મૂકીને મારા પ્રેમ ખાતર મારા જીવનમાં આવી પણ નિયતિને કંઈક અલગ જ મંજૂર હતું.
પોતાની જવાબદારીને સુપેરે જાણતી ઝુમરી આખરે કેમ વિવેકના પ્રેમમાં પડી? અને આગળ જતાં એવું તો શું બન્યું કે બંને આજે જોડે નથી?
વિવેકના જીવનમાં આવનાર ઉતારચઢાવને જાણવા જોડાયેલ રહો ભીતરમન સાથે... મિત્રો ફરી મળશું નવા પ્રકરણ સાથે તો ત્યાં સુધી જય શ્રી રાધેકૃષ્ણ.🙏