ભીતરમન - 33 Falguni Dost દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભીતરમન - 33

હું જામનગર જમીનના સોદા અને લેતી દેતી નું કામ કરું છું એ સિવાય અન્ય મારા ધંધાની જાણકારીથી અત્યાર સુધી તુલસી પણ અજાણ હતી. બાપુ સિવાય ઘરમાં ખરેખર કોઈ જાણતું જ ન હતું કે હું શું કામ કરી રહ્યો છું. મારે કોઈને મારું સાચું કામ કહીને ચિંતામાં એમને રાખવા ન હતા. મારા ધંધામાં ઘરેથી નીકળ્યા બાદ પાછો હું ઘરે આવીશ કે નહીં એની કોઈ ખાતરી હોતી નથી. હું આજે સલામત અને હયાત છું એનું કારણ માનો પ્રેમ કહો કે માતાજીના આશીર્વાદ કે તુલસીની અનહદ લાગણી! 

વસુલીનું કામ કરવું એટલું સહેલું નથી જેટલું આપણે ધારતા હોઈએ. કબજો કરનાર વ્યક્તિ કોઈ સામાન્ય હોતી નથી માથાભારે લોકો સાથે મારે રોજ ઉછીના ઝગડા લેવાના હોય છે. બસ એ ઉછીની ઉપાધિના મોં માંગ્યા રૂપિયા મળતા હોય છે. સામાન્ય અને સરળ દેખાતો હું દલાલીના ધંધામાં મોટા અને ખૂંખાર લોકોના સંપર્કમાં આવવાથી મારા ધંધામાં ઓછા સમયમાં વધુ નામના મેળવવા લાગ્યો! પણ આજે મેળવેલ મારી નામનાથી જ મને મનમા દુઃખ થઈ રહ્યું હતું. વેજા જેવો સામાન્ય માનવી આજે મને ધમકી આપીને ગયો હતો. હું ઘરે આવ્યો ત્યારે મારા ચહેરા પરની ચિંતા તુલસી પારખી ગઈ હતી.

તુલસીએ તરત જ મારો ચહેરો જોઈ પૂછ્યું હતું,"કેમ આજે ખૂબ ચિંતામાં હોવ એવું લાગી રહ્યું છે? તબિયત તો સારી છે ને? કોઈ સાથે ઝઘડો તો નથી થયો ને? આજ પહેલા આટલી ચિંતા તમારા ચહેરા પર મેં જેવી નથી!"

તુલસીએ એક સાથે અનેક પ્રશ્નો ચિંતાતુર થઈને મને પૂછી લીધા હતા. તુલસીને મેં ક્યારેય કોઈ જ ખોટી વાત કહી નથી હા, એ વાત અલગ છે કે મેં સત્ય છુપાવ્યું છે. તુલસી પણ આ વાતથી અજાણ છે કે બાપુએ જ ઝુમરીનું ખૂન કર્યું છે! મારે તુલસીના પ્રશ્નોનો શું જવાબ આપવો એ વિચાર મને વિવશ કરી રહ્યો હતો! તુલસી ક્યાંક મને ખોટો તો નહીં સમજી બેસેને! એ ભય મારા મનમાં પેસી ગયો હતો. કારણકે, બાપુ એ કરેલ કૃત્ય અને મારા બધા ધંધાઓથી તુલસી હજુ અજાણ હતી.

"કેમ કંઈ મારી વાતનો જવાબ આપી રહ્યા નથી આમ ચૂપ રહો તો મને મનમાં વધુ મૂંઝારો થાય!" ફરી જાણવાની તાલાવેલીમાં તુલસીએ ચિંતાતુર સ્વરે કહ્યું હતું.

"શું જણાવું હું તને? આજે મારી પાસે તને કહેવા માટે ઘણું બધું છે પણ શું જણાવું એ જણાવવા મારી પાસે શબ્દો નથી." મેં મારી વિવશતા જણાવતા કહ્યું હતું. 

"શું તમારે મને કહેવા માટે પણ વિચારવું પડે? તમે સંકોચ રાખ્યા વગર મને તમારા મનની વાત જણાવી શકો છો." ખુબ સરળતાથી તુલસીએ મને કહ્યું હતું.

મે તુલસીને દરેક હકીકતથી આજે વાકેફ કરી હતી. બધું જ સત્ય એને મેં આજે જણાવી દીધું હતું. મારી વાત સાંભળીને એ જરાક ગભરાઈ ગઈ હતી. એની ગભરાહટ બાપુનું સાચું વ્યક્તિત્વ જાણી થઈ હતી. મારા ધંધાની જાણકારીથી એ એટલી દુઃખી નહોતી થઈ જેટલું હું ધારી રહ્યો હતો. તુલસી મને સમજી શકી, એ રાહતથી હું ખૂબ હળવો થઈ ગયો હતો. 

તુલસીને હવે મારી ખરી ચિંતા વિશે જણાવતા મેં કહ્યું,"આજે અત્યારે વેજો મને રસ્તામાં રોકીને ધમકી આપી રહ્યો હતો કે, "જો મેં એને મો માંગી કિંમત ન આપી તો એ માને બાપુએ જ ઝુમરીનું ખૂન કર્યું છે એ જણાવી દેશે! હું એજ વાતથી ચિંતિત છું!"

"ઓહો! શું વાત કરો છો? આ સામાન્ય દેખાતો વેજો આટલો નાલાયક છે? તમારી સાથે એને અણબનાવ હોય એ ખરું. પણ, બાપુનો તો એ ખાસ માણસ હતો ને! એને બાપુના સંબંધની પણ લાજ ન રાખી? ખરેખર ખૂબ જ લાગણીહિંન છે! એના જેટલો લુગરો માણસ મેં જોયો નથી. આના જેવા લોકોને ક્યારેય કુદરતનો પણ ડર નથી હોતો. આવા વ્યક્તિત્વ ધરાવનાર વ્યક્તિ ખુદ દુઃખી રહે છે અને પરિવારને પણ દુઃખી કરે છે." તુલસી એના મનમાં વેજા માટેનો થયેલ ગુસ્સો શબ્દ થકી ઉતારવા લાગી હતી. 

"તુલસી તુ ચિંતા ના કર બધું જ ઠીક થઈ જશે. હું જરૂર કોઈ યોગ્ય રસ્તો શોધીશ. કારણ કે, વેજો રૂપિયાનો ખૂબ લાલચી માણસ છે આથી અત્યારે એને રૂપિયા આપી ચૂપ કરશું તો પણ એ કાલ સવારે ફરી એજ વાતની ધમકી લઈને ઉભો રહી જાય એવો સ્વાર્થી છે. આ સમસ્યાને જળમૂળ દૂર કરવી પડશે. અને ત્યારબાદ જ મારા મનને શાંતિ થશે." તુલસીને સાંત્વના આપતા કહ્યું હતું. 

મારી અને તુલસી ની વાત હજુ પૂરી થઈ જ રહી હતી ત્યારે જ આદિત્ય ઊંઘમાંથી જાગી ગયો હતો. તુલસી અમારા ઓરડામાં ગઈ ત્યારે મેં જોયું કે બાપુ એમના ઓરડામાં જાગતા હતા, માં ઊંઘી રહી હતી. મને સંદેહ ગયો કે, બાપુ જરૂર અમારી વાત સાંભળી ગયા છે. પણ મને અત્યારે એમની સાથે આ ચર્ચા કરવા યોગ્ય સમય લાગતો ન હતો, કારણકે, મા બાજુમાં જ ઊંઘતી હતી. મેં વિચાર્યું કે સવારે યોગ્ય સમય જોઈ બાપુ સાથે એકાંતમાં વાત કરીશ. આ ચર્ચામાં બાપુનું મંતવ્ય જાણવું જરૂરી છે. કારણકે, બાપુ પણ વેજાની દુખતી નસ જાણતા હશે! હું આવું વિચારી મારા ઊંઘવા માટે જતો રહ્યો હતો.

આજે ફરી મને ઊંઘ આવી રહી નહોતી. મેં આખી રાત એ જ ચિંતામાં ગુજારી કે આ સમસ્યા માંથી કેમ બહાર આવવું! અતિશય થાક અને રાતના ઉજાગ્રાના હિસાબે વહેલી સવારે મને ઊંઘ આવી ગઈ હતી! 

"વિવેક..." માએ પાડેલ ચિસથી હું અને તુલસી બંને જાગી ગયા હતા. 

મા ક્યારેય આવી જોરથી ચીસ પાડીને બોલાવે એવું બન્યું નહતું. આથી હું એકદમ ઝડપથી એમના ઓરડા તરફ ગયો હતો. મા ખૂબ જ ગભરાઈ ગયેલ હતી. બાપુના મોઢામાંથી ફીણ નીકળી ગયેલા હતા. તુલસી પણ તરત જ મારી પાછળ આવી હતી. તુલસીએ માને સંભાળી હતી, અને હું બાપુને ઢંઢોડીને જગાડી રહ્યો હતો. બાપુ કોઈ જ પ્રતિભાવ આપી રહ્યા નહોતા. બાપુ લાકડા સમાન એમ જ પથારીમાં પડ્યા હતા. હું ઝડપથી ગામના દવાખાનેથી ડોક્ટર સાહેબને ઘરે લઈને આવ્યો હતો. ડોક્ટર સાહેબે બાપુને તપાસ્યા અને કહ્યું કે, "માફ કરશો તમારા પિતાજી હું આવું એ પહેલા જ એમનો જીવ ગુમાવી બેઠા છે." 

ડોક્ટર સાહેબના શબ્દ સાંભળી મા ખૂબ જ ભાંગી પડી, એ બાપુનું અચાનક થયેલ મૃત્યુ સ્વીકારી શકતી નહોતી. એમને કંઈક કહેવું હતું પણ શબ્દો એમના મનમાં જ ગૂંગળાઈ રહ્યા હતા. જીવ એમનો મૂંઝાઈ રહ્યો હોય એ સાફ દેખાઈ રહ્યું હતું. પરસેવાની બુંદો માના ચહેરા પર છવાઈ ગઈ હતી. ડોક્ટર સાહેબ હાજર જ હતા એટલે એમને તરત જ માને તપાસ્યા હતા. ડોક્ટર સાહેબના મત મુજબ માનું બીપી થોડું વધી ગયું હતું. એમણે માને તરત જ એક ઇન્જેક્શન આપ્યું હતું.  

ઘડીની પળભરમાં વાયુવેગે આખા ગામમાં સમાચાર પહોંચી ગયા કે, બાપુ હવે દેવચરણ પામ્યા છે. ગામ આખું ઘર આંગણે એકઠું થઈ ગયું હતું. થોડી જ મિનિટમાં તો ઘરમાં ખૂબ ગમગીન વાતાવરણ સર્જાઈ ગયું હતું. મા આંખમાંથી આંસુ સારતી રડી રહી હતી. ઘરમાં રડવાના અવાજના હિસાબે ખૂબ ઘોંઘાટ થતો હોવાથી આદિત્ય પણ જાગી ગયો હતો. બધા ખૂબ જ રડીને કલ્પાંત કરી રહ્યા હતા. આદિત્ય હજી અણસમજુ હતો આથી એ પરિસ્થિતિ સમજી શકવા અસમર્થ હતો. બધાને રડતા જોઈ એ પણ રડવા લાગ્યો હતો.

અચાનક બાપુના થયેલ મૃત્યુથી વિવેક ઘરના માહોલને કેવી રીતે સાચવશે?

વિવેકના જીવનમાં આવનાર ઉતારચઢાવને જાણવા જોડાયેલ રહો ભીતરમન સાથે... મિત્રો ફરી મળશું નવા પ્રકરણ સાથે તો ત્યાં સુધી જય શ્રી રાધેકૃષ્ણ.🙏