પાર્ટીશન ગેલેરી, અમૃતસર SUNIL ANJARIA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પાર્ટીશન ગેલેરી, અમૃતસર

પાર્ટીશન મ્યુઝીયમ, અમૃતસર.

અમૃતસરમાં શહેરની વચ્ચોવચ્ચ  મહારાજા રણજિતસિંહનું ઊંચું પૂતળું અને ફુવારો છે. એની ડાબી બાજુ સુવર્ણમંદીર જવાનો રસ્તો અને સહેજ આગળ એ જ રસ્તે જલિયાંવાલા બાગ જવાય છે. એને બદલે જમણી બાજુ જાઓ તો તરત આ પાર્ટીશન મ્યુઝીયમ આવેલું છે. સોમવાર સિવાય 10 થી 6 ખુલ્લું રહે છે.A must watch. આખું જોતાં મને દોઢ કલાક થયેલ પણ જો બધી શોર્ટ ફિલ્મ ક્લિપ જોવા રહીએ તો 3 કલાક.બહાર આવો ત્યારે ત્યાં મુકેલ મોન્યુમેન્ટની જેમ હ્રદય સોંસરવી કરવત મૂકી હોય એવો ચિરાડો પડીને મગજ બે ઘડી સુન્ન થઈ બહાર આવો.અહીં મૌખિક રીતે કહેવાયેલી વાતો,

ચીજવસ્તુઓ, ફોટોગ્રાફ્સ, છાપાંનાં કટિંગ અને રૂંવાડાં ઊભાં કરી દે તેવી ટૂંકી ફિલ્મો દ્વારા 1930 થી 1947 અને પછી તરતની ઇતિહાસ ક્યારેય ન ભૂલે એવી વાતોનું તાદ્રશ નિરૂપણ થયું છે.

ભારતને છૂટકે મુક્ત કરતાં પહેલાં ધર્મને આધારે વિભાજનનો નિર્ણય લેવાયો  બે દેશો વચ્ચેની સીમા નક્કી કરવાનું કામ રેડક્લીફ નામના લોયરને સોંપાયું. તેણે ભારતની ક્યારેય મુલાકાત લીધી ન હતી. મુસ્લિમ બહુમતી વાળા વિસ્તારો પાકિસ્તાન અને હિન્દુ બહુમતી ભારતમાં એમ ઠરાવ્યું પણ બેય પક્ષે દરેક જગ્યાએ પોતાની બહુમતી બતાવ્યા કરી. આખરે રેડક્લીફને  જુલાઈ 47થી માત્ર પાંચ અઠવાડિયાંમાં કામ પૂરું કરવાનું હોઈ પોતાની રીતે લાઇન નક્કી કરી. બેય બાજુના લશ્કરી વડાઓને પણ સાથે રાખ્યા. આખરે તેણે એક રીતે મનસ્વી લાગે એ રીતે વિભાજનની સરહદો નક્કી કરી સરકારને 12 ઓગસ્ટે રિપોર્ટ આપ્યો. 15 ઓગસ્ટના આઝાદી નક્કી કરી એટલે સરકારે (એટલે મુખ્ય કોણે? સમજો છો.) ધરાર એ બે દિવસ દબાવી રાખી 17 ઓગસ્ટ 1947 ના ફાઈનલ વિભાજન લાઇન દોરતો રિપોર્ટ રજૂ કર્યો. બેય બાજુ લોકો હેબતાઈ ગયા.

એ વખતે ઇતિહાસે ક્યારેય ન જોયું હોય એવું mass migration થયું. લોકો જેટલું લેવાય એ લઈ માથે લોખંડી  trunk અને પોટલાં લઈ બાળકો સાથે સામસામે આવવા નીકળી પડ્યા.

એ વખતની મુસાફરીઓ  કલ્પના બહાર ખીચોખીચ ટ્રેન, (એની ખાસ પાવો વગાડતી ટ્રેન અને ઉપર છાપરે, લટકતા, ડબ્બામાં ખીચોખીચ પેસેન્જરોની  ફિલ્મ અરેરાટી બોલાવી દે.) બસ, ટ્રકના છાપરે  બેસી લોકો કેવી રીતે આવ્યા, ઊંચી નોકરીઓ કરતા લોકો માથે રાત લઈ નીકળી જો સરહદ સલામત ઓળંગી ગયા તો અહીં સાવ મજૂરી જેવાં  કેવાં કામો કરતા,

છાવણીઓમાં સાવ નાના તંબુઓમાં (એક એવો તંબુ બતાવેલો)  આખું કુટુંબ વર્ષો સુધી રહેતાં તે, ફૂટપાથ પર વરસતા વરસાદમાં નવજાત બાળક સાથે મા, ખૂનામરકીનાં હ્રદયદ્રાવક દૃશ્યો, એક  બ્લેક વ્હાઇટ ફિલ્મમાં  ઉપરથી લાલ રંગનાં ટીપાં વરસે છે, કહે છે એ રીતે કત્લેઆમ થયેલી, લોકોના કિંમતી હવેલી વગેરેના રખડતા દસ્તાવેજો જેની કોઈ કિંમત રહી ન હતી એ બધું મોડેલ, ફિલ્મ ફોટાઓ દ્વારા બતાવ્યું.

અમુક મોડેલો  જેવાં કે જેલની કાળ કોટડી, શબો અને માનવ અંગો પાટા પર પડેલાં હોય એવું પથરા વાળું પ્લેટફોર્મ, સ્ત્રીઓ પડેલી તેનાથી ભરાઈ ગયેલો તે કૂવો, રમખાણો બાદનું ઘર, નિરાશ્રિતોનો તંબુ, એક  લોખંડી તાર પર સફેદ કાગળો ચોંટાડેલું  શાંતિ સંદેશ આપતું પર્ણો વગરનું વૃક્ષ વગેરે મનમાં કોતરાઈ જાય એવાં છે.અહીં મુસ્લિમો અત્યંત સાંકડી જગ્યામાં ઘણા લોકો રહેતા અને એમની તેઓ કહે તે  યોગ્ય માગણી મુજબ રહેઠાણ સરકારે ન આપતાં એક દિવસ ઓચિંતું  દિલ્હી જેવી જગ્યાએ અમુક ઘરોનાં રાતે બારણાં ખોલાવી રહેતા લોકોને કાઢી મૂકી તેઓ રહી પડ્યા.સ્ત્રીઓ તો બેય બાજુ 30 લાખ જેવી ગુમ થઈ, ઘણીખરીનો ક્યારેય પત્તો ન લાગ્યો એ અહીંના એમનાં સગાંઓએ કહેલી કથનીઓના વિડિયો જોયા.લોકોને જે રીતે કાપીને ફેંકી દીધા એની લાશો, અંગો વગેરેના ફોટાઓ જોયા.સ્ત્રીઓએ જાત બચાવવા સમૂહમાં આપઘાત કરેલા એ કૂવો બતાવેલો.

બેય બાજુ અમુક લોકો એ પરિસ્થિતિમાં હતા ત્યાં જ રહી ગયા તો નવેમ્બર આસપાસ ફરીથી ભયંકર તોફાનો, લૂંટફાટ અને એવી જ માસ હિજરતની વિગતો જોઈ.પ્રદર્શનની વચ્ચોવચ્ચ એક દિવાલ કરવત થી કપાતી મૂકી છે એ સૂચક છે.

ગુજરાતમાં  જૂનાગઢ બાજુ લશ્કરની મદદથી પ્રમાણમાં સરળતાથી થયેલું.  આઝાદી પછી તરતનું પણ એટલું ભયંકર ન હતું  પણ પંજાબ, હરિયાણામાં ખૂબ જ  ખરાબ સ્થિતિ હતી. ક્રૂર રીતે ત્યાં ગયેલાઓ સાથે વ્યવહાર થયેલો.  અમુક વેપારી લોકોનાં  કુટુંબ ઓળખીતા અને વફાદાર મુસ્લિમો દ્વારા પછી નવેમ્બર ડિસેમ્બર માં સૂકામેવા કે ઘઉંની ગુણો પાછળ દટાઈને આવેલાં.શરણાર્થીઓનો પ્રશ્ન એવો વિકરાળ હતો કે નહેરુ સરકારે એ વખતમાં જ કંડલા, ગાંધીધામ, આદિપુર વસાહતો ઊભી કરી જે આજે મોટાં શહેર છે. ત્યાં એ વખતે કેવી ખાડી અને જમીન હતી, કેવાં મકાનો બાંધ્યા એ બતાવેલું.લોકોની કિંમતી વસ્તુઓ જેવી કે રોલેક્સ વોચ, કાંસાનો કુંજો, કિંમતી સુરાહી વગેરે નધણીયાતું   મળેલું એ પ્રદર્શિત થયેલું.અંદર ફોટા લેવાની મનાઈ હતી એટલે એક પણ ફોટો નથી.બહાર નીકળ્યા ત્યારે  મન સાચે જ આઘાત પામી સુન્ન થઈ ગયેલું.**