શિક્ષિકા તરીકેની મારી સફર Tr. Mrs. Snehal Jani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શિક્ષિકા તરીકેની મારી સફર

લેખ:- શિક્ષિકા તરીકેની મારી સફર

લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની.



નમસ્તે વાચકમિત્રો અને સખીઓ. આ લેખ મેં ત્રણ વર્ષ પહેલાં શિક્ષકદિન નિમિત્તે લખ્યો હતો. આપ સૌ સાથે વહેચું છું. 


આ લેખમાં આપેલ તમામ માહિતિ સંપૂર્ણપણે મારી અંગત છે. મને વિશ્વાસ છે કે તમને મારી આ સફર ગમશે.😊


આજે શિક્ષક દિવસ. માનનીય અને ઉચ્ચ કોટિના શિક્ષક એવા શ્રી ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ. તેઓ ભારતનાં પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને દ્વિતીય રાષ્ટ્રપતિ બન્યા હતા. એમનાં રાષ્ટ્રપતિ બનવાની ખુશીમાં એમનાં મિત્રો અને વિદ્યાર્થીઓ દ્વારા એમનાં જન્મદિનને ધામધૂમથી ઉજવવાનું નક્કી કરાયું હતું. સાદાઈથી જીવવામાં માનનારા એમણે આ માટે સ્પષ્ટ ના કહી દીધી અને પોતાનો જન્મદિવસ શિક્ષકોને સમર્પિત કરવાનો પ્રસ્તાવ મૂક્યો. જેનો સહર્ષ સ્વીકાર થતાં આપણે આજે શિક્ષક દિવસ દર વર્ષે 5મી સપ્ટેમ્બરે એટલે કે ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનનાં જન્મદિવસે ઉજવીએ છીએ.


એક શિક્ષિકા તરીકે કાર્ય કરતાં હું મારી જાત પ્રત્યે અપાર ગૌરવની લાગણી હંમેશા અનુભવું છું. આજની હાલત જોઈએ તો ભાગ્યે જ કોઈક એવું હશે કે જે પોતાની મરજીથી શિક્ષક બનવા તૈયાર થાય છે. બાકી તો એમ જ કહેવાય છે કે, 'જેને ક્યાંય એડમિશન ન મળે શિક્ષક બનવા જાય.' પણ મારી વાત જુદી હતી. મારાં ઘરમાં જ ઘણાં બધાં શિક્ષકો છે. આ બધામાં હું સૌથી નજીક મારાં નાનીથી. મારાં નાની સમાજવિદ્યા અને ચિત્રકામનાં શિક્ષિકા હતાં. અમારે વેકેશન પડે અને મામાને ત્યાં ઉપડી જઈએ. એ સમયે નાનીની શાળામાં પરીક્ષા પૂરી થઈ હોય અને એઓ ઘરે પેપર તપાસતાં હોય! હું હંમેશા એમને જોયાં કરતી. પછી એકાદ બે વાર એમની પાસેથી પેપરમાં ખાલી જગ્યા અને ખરાં ખોટાં તપાસવા માંગ્યા હતાં. નાનીએ આપ્યાં પણ હતાં, પણ પછીથી એમણે પોતે પણ જોઈ લીધાં હતાં. આમ, મારામાં શિક્ષક બનવાનાં વિચારનું બીજ રોપાયું હતું.



હવે પ્રશ્ન એ હતો કે શિક્ષક બની તો જાઉં અને બનવું જ હતું, (જ્યારે આ નિર્ણય મેં લીધો ત્યારે હું સાતમા ધોરણમાં પ્રવેશી હતી), પણ કયા વિષયના શિક્ષક બનવું એ નક્કી કરવાનો. આખું સાતમું ધોરણ, આઠમું ધોરણ બધાં જ શિક્ષકોનું નિરીક્ષણ કર્યું અને તારણ કાઢ્યું કે બનવું તો ગણિતનાં શિક્ષક. બધાં ગભરાય એમનાથી. શાળાનાં સૌથી કડક અને શિસ્તના આગ્રહી શિક્ષકોમાં ગણિતના શિક્ષક કાયમ આગળ પડતાં.



બસ, ધ્યેય નક્કી થઈ ગયું. ગણિતનાં શિક્ષક જ બનવું. મારાં તમામ ગણિતના શિક્ષકો પાસેથી હું શક્ય એટલી બધી રીતો ઉત્સાહપૂર્વક શીખતી. પપ્પાની ઈચ્છા હતી કે હું ઈજનેર બનું. બની પણ જતે, પણ ભગવાનને મારી ઈચ્છા વધુ મહત્વની લાગી હશે એટલે બારમા ધોરણ પછી ઈજનેરીમાં એડમિશન તો અપાવ્યું પણ ડોનેશન સીટ પર, જે અમને પોષાય એમ ન્હોતું. પપ્પા નિરાશ થયા અને હું ખુશ! સીધી ઑફર મૂકી પપ્પા સામે - પપ્પા બી. એસ. સી.માં એડમિશન લઈ લઈએ. મેથ્સ સાથે માસ્તર ડીગ્રી હોય ને તો પણ એન્જિનિયર થવાય. આપણું તીર કામ કરી ગયું😊



નવસારી કૉલેજમાં એડમિશન લઈ લીધું. નસીબનો સાથ મળ્યો. કૉલેજના તમામ પ્રોફેસર એટલાં સારા મળ્યા કે 70ટકા તો માત્ર કૉલેજના લેક્ચર ભરીને જ આવી ગયાં. પછી માસ્ટર ડીગ્રી અને બી. એડ. બની ગયા આપણે ગણિતના શિક્ષિકા. સ્વભાવે પહેલેથી જ થોડી કડક હોવાથી ક્લાસમાં મને ક્લાસ કંટ્રોલનો ક્યારેય વાંધો આવ્યો નથી. એક પણ દિવસ પૂરતી તૈયારી વગર ક્લાસમાં પગ મૂક્યો નથી. બાળકો મારાથી જેટલા ગભરાય એટલાં જ મારા પર વિશ્વાસ પણ કરે. એમની દરેક સમસ્યાના સમાધાન માટે મારી પાસે અચૂક આવે. પણ જ્યારે શાળા છોડી ગયેલાં બાળકો પણ શિક્ષક દિવસે ખાસ મળવા આવે અથવા મેસેજ કરીને એમ કહે ને કે તમે ભણાવતા ત્યારે નહીં પણ અત્યારે તમારી વાતો અમને સમજાય છે ત્યારે ગર્વની લાગણી અનુભવાય છે. ઉપરાંત, જ્યારે ભરચક ગિર્દી હોય કે કોઈ પ્રસંગ હોય અને પોતાનો કોઈ વિદ્યાર્થી આવીને બધાંની વચ્ચે કોઈ પણ જાતની નાનમ રાખ્યાં વગર પગે લાગે ત્યારે એક શિક્ષિકા તરીકે ધન્યતા અનુભવાય.



મારી સફર અહીંયાં સમાપ્ત નથી થતી...


મારી સફરને આગળ વધારું તો પહેલાં તો નોકરી મળવી મુશ્કેલ હતી. એમ. એસ. સી. કર્યાં પછી બી.એડ.માં એડમિશન મળ્યું એની વચ્ચે બે વર્ષ ખાલી મળ્યાં. પરંતુ એ બે વર્ષોમાં પણ જ્યાં નોકરી મળી ત્યાં કરી લીધી હતી. એક સુરતમાં કરી અને પછી બીજી બીલીમોરામાં ઘરથી નજીકની શાળામાં. પણ બંને જગ્યાએ બી. એડ. જરુરી હતું એટલે એડમિશન મળે કે તરત નોકરી છોડવાની જ હતી. માનસિક તૈયારી હતી જ! બી. એડ.માં એડમિશન મળતાં જ નોકરી છોડી અને ફરીથી ભણવાનું, કહો કે શિક્ષક બનવાની તાલીમ લેવાનું શરૂ થયું. શરૂઆતનાં પાંચ મહિના બહુ આકરા લાગ્યાં હતાં, કારણ કે જે રીતે લેસન આપીએ અને જે રીતે વાસ્તવમાં અભ્યાસક્રમ પૂરો કરવાનો હોય બંને વચ્ચેની પદ્ધતિમાં ઘણો ફેર હોય છે. હું રહી ભણાવવાની અનુભવી! મારાથી તો લેસન અપાતાં જ નહીં હતાં. પછી મારાં સર તરફથી થોડી ખાસ તકેદારી રાખવામાં આવતી અને વધારાની તાલીમ મને આપવી પડતી😂 અને આમ જ આપણે બની ગયા શિક્ષિકા.



પણ આ તાલીમ બહુ કામ લાગી. શાળામાં બાળકોને કેવી રીતે વધુ અસરકારક રીતે આપણાં વિષય તરફ ખેંચી શકાય એની ખૂબ જ સરસ તાલીમ મળી. બી. એડ. પત્યું ને તરત જ એક ખૂબ જ સરસ શાળામાં ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ગણિત શિક્ષિકા તરીકેની નોકરી મળી ગઈ. જ્યારે આ શાળામાં નોકરી સ્વીકારી ત્યારે હું ગુજરાતી માધ્યમમાં હતી. પગાર બહુ ઓછો હતો, પરંતુ ઉચ્ચતર માધ્યમિક વિભાગ હું જવા દેવા તૈયાર ન્હોતી. મેં નોકરી ચાલુ રાખી. મારી ધગશ અને વિદ્યાર્થીઓ પાસેથી મારાં વિશે જે જાણકારી સંસ્થાવાળાએ એકત્રિત કરી એનાં આધારે મને માત્ર છ જ મહિનામાં પગારમાં ત્રણ ગણો વધારો મળી ગયો હતો અને દિવાળી પછી એ જ શાળાનાં અંગ્રેજી માધ્યમના ગણિતને પણ મને જ સોંપી દેવામાં આવ્યું. ત્યારબાદ બીજા વર્ષથી તો સંપૂર્ણપણે અંગ્રેજી માધ્યમમાં! આ રીતે શરૂ થઈ મારી અંગ્રેજી માધ્યમની સફર! પોતાની જાત પર ત્યારે ખૂબ જ ગર્વ અનુભવ્યો હતો કે એક સામાન્ય શાળામાં ગુજરાતી માધ્યમમાં ભણી હોવાં છતાં અંગ્રેજી માધ્યમમાં શ્રેષ્ઠ શિક્ષણ આપવા હું સક્ષમ હતી.



ત્યાં ખૂબ જ સારી રીતે ચાલી રહ્યું હતું. પછી મેરેજ થયાં અને સુરતમાં આવી. અહીં ફરીથી એકડે એકથી શરુ કરવાનું હતું. એટલું સારું હતું કે શૂન્યથી શરૂઆત નહીં કરવાની હતી. પછી તો અહીંયાં પણ ખૂબ જ સફળતા મળી. હાલમાં જ્યાં છું ત્યાં આઠ વર્ષ પૂર્ણ કર્યાં છે. ખૂબ જ સારી રીતે કામ કરી રહી છું. ભલે એક ખાનગી શાળા છે, પણ મને મારાં કામનો સંતોષ મળે છે. માધ્યમિક વિભાગમાં કો ઓર્ડીનેટરની પદવી પર છું અત્યારે. આ જગ્યાએ પહોંચવા માટે માતા પિતા તેમજ વડીલોના આશિર્વાદ, મારાં શિક્ષકો તરફથી મળેલ શિક્ષણ અને મારી હાલની શાળાનાં મારાં સહ કર્મચારીઓ, સુપર વાઈઝર અને મારાં પ્રિન્સિપલ મેડમનો સહયોગ અને માર્ગદર્શન જવાબદાર છે. મારી મહેનત તો ત્યાર પછી આવે.



આજે મારી પહેલી ઉચ્ચતર માધ્યમિક શાળા છોડ્યાને બાર વર્ષ થયાં હોવાં છતાં પણ ત્યાંનાં મોટા ભાગના વિદ્યાર્થીઓ આજે પણ મારાં સંપર્કમાં છે. મારી બર્થ ડે, એનીવર્સરી તેમજ ગુરુ પૂર્ણિમા અને શિક્ષકદિને અચૂક એમનાં મેસેજ આવી જાય. આ મેસેજ હું બીજા વર્ષે તેઓ ફરીથી મેસેજ મોકલે પછી જ ડીલીટ કરું છું.



હું હંમેશા પ્રયત્નો એ કરું છું કે મારાં શિક્ષકોએ જેટલી સારી રીતે મને ભણાવી એટલી કે એનાથી પણ સારી રીતે હું મારાં વિદ્યાર્થીઓને ભણાઉં. હાલમાં હું એક જ લક્ષ્ય રાખું છું કે દસમા ધોરણના વિદ્યાર્થીઓ માટે ગણિત વિષય શક્ય એટલી સરળતાથી સમજાઉં. મારું કોઈ પણ બાળક ગણિતથી ગભરાઈ જવું ન જોઈએ. ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમ - એમ બંનેનાં વિદ્યાર્થીઓ માટે મારે ગણિત સરળ બનાવવાનાં શક્ય તમામ પ્રયત્નો કરવા છે.



ઉપરાંત, મારાં આટલાં વર્ષોનાં, એટલે કે કામચલાઉ ધોરણની નોકરી કે પછી વ્યવસ્થિત નોકરી મળીને કુલ બાવીસ વર્ષોનાં અનુભવ પરથી મારી દ્રષ્ટિએ શિક્ષક કેવો હોવો જોઈએ એનાં કેટલાંક મુદ્દાઓની છણાવટ કરી છે.


અહીં એક સ્પષ્ટતા કરી લઉં કે આ જેટલાં પણ મુદ્દાઓ અહીં રજુ કરું છું એ તમામ હું પોતે પણ અનુસરું છું.🙏



1. ઊંડી સૂઝ બૂઝ ધરાવતો હોય.

2. પોતાનાં વિષયનું યોગ્ય જ્ઞાન ધરાવતો હોય.

3. વિદ્યાર્થીઓ પ્રત્યે પ્રેમ અને સહાનુભૂતિપૂર્ણ વર્તન કરતો હોય.

4. 'પોતે જ શ્રેષ્ઠ છે' એવું અભિમાન ન હોય.

5. બાળકોમાં જિજ્ઞાસાવૃત્તિ જન્માવનાર હોય.

6. વિદ્યાર્થીએ પુછેલ પ્રશ્નનો એને સંતોષકારક ઉકેલ આપવા સક્ષમ હોય.

7. હંમેશા ઉત્સાહથી ભરપૂર હોય.

8. મોં કાયમ હસતું હોય. ઉદાસીન કે ગુસ્સો ભરેલો ચહેરો બાળકને પસંદ નથી હોતો.

9. કોઈ પણ બાળકને નબળું કે હોશિયાર ન ગણતાં બધાને એકસમાન ગણે.

10. ક્યારેય કોઈ વિદ્યાર્થી સાથે અન્યાય ન કરે.

11. બદલાની ભાવના બિલકુલ ન રાખે.

12. પોતાની સાથેના અન્ય શિક્ષકો કરતાં પોતાને ચઢિયાતા સાબિત કરવાનો પ્રયત્ન ન કરે. એનું કામ જ એને યોગ્ય પદવી આપશે.

13. કોઈ પણ વિદ્યાર્થીને શાંતિથી સાંભળવાની ધીરજ ધરાવતો હોય.

14. વર્ગમાં કોઈ વિદ્યાર્થી અચાનક ઉદાસ દેખાય તો એ બાબત એનાં ધ્યાનમાં આવવી જોઈએ.

15. એની પોતાનાં મુદ્દાઓ સમજાવવાની પદ્ધતિ એકદમ સરળ હોવી જોઈએ.

16. વર્ગમાં ક્યારેય પણ પોતાનાં તાસનું યોગ્ય અધ્યયન કર્યા વગર જવો ન જોઈએ.

17. માત્ર પરીક્ષાલક્ષી ભણાવવાનો આગ્રહ ન રાખતાં તમામ મુદ્દાઓની વિસ્તૃત સમજૂતી આપે.

18. બાળકોને માત્ર પુસ્તકમાં હોય એટલું જ જ્ઞાન આપવાને બદલે ક્યારેક દુન્યવી જ્ઞાન પણ આપે.

19. કોઈક દિવસ એવો પણ રાખે કે જ્યારે એ બાળકોને થોડા સામાન્ય જ્ઞાનને લગતાં મુદ્દાઓની ચર્ચા કરે. આનાથી બાળકોને એક વિરામ મળી જશે અને તેઓ ફરીથી તાજગી અનુભવી વધુ ધ્યાન કેન્દ્રિત રાખી શકશે.

20. બાળકોને પ્રેરણા આપતી કોઈ વાર્તા કે પ્રસંગની ચર્ચા કરે.

21. ઘરમાં બનેલી કોઈ પણ ઘટના કે દુર્ઘટના વર્ગખંડ સુધી ન જાય તેનું ધ્યાન રાખે.

22. સ્વભાવ ભલે કડક હોય અને શિસ્તના પૂર્ણ આગ્રહી હોય, પરંતું બાળકની નજીક હોવાં જોઈએ.

23. વિદ્યાર્થી તમને તમારાં ડરથી નહીં, પરંતું તમારી આવડતને કારણે તમારી સામે ચૂપ બેસે અને તમને સાંભળે.



આભાર.


આ લખનાર શિક્ષિકા

સ્નેહલ જાની