આજનો મારો વિષય છે ધર્મ અને જીવનમાં તેનું મહત્વ.
માણસ કોઈ પણ સમુદાય માંથી આવતો હોય, કોઈ પણ જાતી માંથી આવતો હોય, કોઈ પણ દેશ, શહેર, ગામડા માંથી આવતો હોય તે મારા મત મુજબ ધાર્મિક હોવો જોઈએ. કારણકે એક ધાર્મિકતા જ સારા, પ્રામાણિક અને અહિંસા રૂપી સમાજનું નિર્માણ કરી શકે છે.
તમારા માંથી મારી વાતને અમુક લોકો સમર્થન નહીં પણ આપે પરંતુ જ્યારે વાત સાચી હોય ત્યારે કોઈના સમર્થન કોઈ જરૂરિયાત હોતી નથી.
સુર્ય જેમ પ્રકાશ આપે છે તે સત્ય છે તેને કોઈ નકારી ના શકે.
આગમાં હાથ નાખવાથી દાઝી જવાય એ વાત સાચી છે તેને કોઈ નકારી ના શકે
સમાજમાં વધતા જતા ભયના માહોલમાં અને વધતા જતા ભ્રષ્ટાચાર માટે, લુંટ, બળાત્કાર, ખુન, માનસિક ત્રાસ ગુજારવો, દહેજ બધા માટે માણસની નિયત જ જવાબદાર હોય છે.
જ્યારે માણસની કોઈના ઉપર ખરાબ નિયત પડે ત્યારે તેના મનમાં ખોટું કરવાનો વિચાર આવે પરંતુ જો તે કોઈ ધાર્મિક માણસ હશે જે પોતાના ધર્મને સમજતો હશે, જાણતો હશે અને તેને જીવતો હશે પછી ભલે તે હિન્દુ, મુસ્લિમ, જૈન, શીખ કે કોઈ પણ ધર્મનો હોય તો તેના મનમાં ખોટું કામ કરવાનો વિચાર ક્યારેય નહીં આવે.
ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે પૃથ્વી પરથી સ્વધામ પધાર્યા ત્યારે કળીયુગનો પ્રારંભ થયો.
રાજા પરીક્ષિત કળીયુગને મારવા આગળ વધ્યા પરંતુ તેને મારી ના શક્યા કારણકે તેને કળીયુગમાં એક સારો ગુણ દેખાયો.
બીજા બધા યુગમાં હજારો વર્ષ સુધી તપ કરવાથી જે ફળની પ્રાપ્તિ થતી તે કળીયુગમાં ફક્ત ભગવત નામ લેવાથી થઈ જતી હતી.
જ્યારે કળીયુગે બે હાથ જોડીને તેને ના મારવા કહ્યું ત્યારે પરીક્ષિત રાજાએ તેને જીવનદાન આપ્યું સાથે તેના રાજ્ય માંથી બહાર નિકળી જવાનું સુચન કર્યું.
મને બહાર ના કાઢો તમે જ્યાં કહેશો હું ત્યાં રહીશ તેવી કળીયુગે આજીજી કરી.
ત્યારે રાજા પરીક્ષિતે અમુક સ્થાનમાં કળીયુગને રહેવાની પરવાનગી આપી.
અભીમાની માણસ, લોભી અને લાલચુ હોય ત્યાં, કોઈની ઈચ્છા વિરુદ્ધ અથવા ચોરી કરેલા પદાર્થમા, અહંકાર માં આ બધા સ્થાનમાં રહેવાની પરવાનગી મેળવી કળીયુગ ચાલ્યો ગયો.
જ્યાં ધર્મ જીવે ત્યાં કળીયુગનો વાસ નથી અને એટલે જ ત્યાં કોઈ હિંસા, બળાત્કાર, ખુન, લુંટ જેવા બનાવ પણ બનતા નથી.
ધર્મમા એક આંતરિક તાકાત જે, એક શક્તિ છે માણસને ખોટું કાર્ય કરતા રોકે છે.
જે માણસ ધર્મનો ખોટો પ્રચાર કરતો હશે, ધાર્મિક હોવાનો ઢોંગ કરતો હશે, તેની હકિકત સમાજ સામે એકને એક દિવસ તો જરુર આવતી જ હોય છે પરંતુ આવા એક બે ખોટા ઢોંગ કરનાર ધાર્મિક માણસને કારણે આપણે એમ ના કહી શકીએ કે ધર્મ કે ધર્મમા માનનાર ખોટા હોય છે.
જેમ કેરીના ઝાડમા એક બે કેરી બગડેલી કે ખરાબ હોય તો એનો અર્થ એ નથી કે આખો આંબો જ ખરાબ છે.
જે માણસ ધર્મમાં માનનાર હોય, ધાર્મિક હોય, નિત્ય પોતાના ઇષ્ટદેવનુ સ્મરણ કરતો હોય, દર્શન કરતો હોય, દરરોજ મંદિર, મસ્જિદ, જીનાલય, દેરાસર જતો હોય, ત્યાં કળીયુગ નિવાસ પણ કરતો નથી અને એટલે જ તે માણસ કદી ખરાબ કાર્ય કરવા પ્રેરાય પણ નહીં.
૨૪ કલાકના દિવસમાં ૧૪૪૦ મિનિટ મળી છે માણસને તો શું ૧૪૪૦ મિનિટ માંથી ૩૦ થી ૪૦ મિનિટ પણ તે પોતાના ધર્મને ના આપી શકે કે ભગવાનને આપી ના શકે?
આ શીખ આજના દરેક માતા-પિતાએ પોતાના બાળકોને આપવા જેવી છે. કોઈ પણ માણસ જે માવા, સિગારેટ, દારુ, જુગાર, વગેરેનો વ્યસની હોય તે એવું કદી નહીં ઈચ્છતો હોય કે મારો દિકરો પણ મારા જેવો વ્યસની બને પરંતુ જે માણસ ધર્મને સમજતો હશે, ધાર્મિક હશે, ધર્મમાં માનનાર હશે તે એવું જરૂર ઈચ્છતો હશે કે મારો દિકરો કે દિકરી મારા જેવા બને કારણકે તે સાચા છે જ્યારે ઉપરના લોકો એવું નથી ઈચ્છતા કારણ કે તે ખોટા છે.
હવે તમારે નક્કી કરવાનું છે કે તમે જે કરો છો એ તમારા બાળકો કરે કે નહીં