બીલીમોરા Tr. Mrs. Snehal Jani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બીલીમોરા

ધારાવાહિક:- ચાલો ફરવા જઈએ.

સ્થળ:- બીલીમોરા.

લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની.



કુદરતના ખોળે, વનરાજીથી ભરપૂર, આહલાદક ગુલાબી ઠંડીથી તરબોળ વાતાવરણમાં રહેવાનું કોને ન ગમે? આવી જ એક જગ્યા દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લામાં આવેલ બીલીમોરા નગર છે. તે અંબિકા નદીને કિનારે વસેલું શહેર છે.



નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં આ બીલીમોરા શહેર આવેલું છે. તેનો વિસ્તાર આશરે 9 ચો.કિમી. છે. શહેરનું નામ બીલી અને ઓરિયામોરા એમ બે ગામોના સંયોજનથી બન્યું છે. શહેરનો પશ્ચિમ વિસ્તાર બીલી ગામ અને પૂર્વ વિસ્તાર મોરા ગામ તરીકે ઓળખાતો. કાળક્રમે બંને ગામોને ભેગા કરી બીલીમોરા શહેરની સ્થાપના કરાઈ. દેશ આઝાદ થયો ત્યાં સુધી અહીં ગાયકવાડી શાસન હતું, જેની સાબિતી શહેરનાં સોનીવાડ વિસ્તારમાં આવેલ પોસ્ટ ઑફિસ છે. આ પોસ્ટ ઑફિસ તે સમયની છે.



ગાયકવાડ શાસન દરમિયાન બીલીમોરા એક મહત્ત્વનું બંદર ગણાતું હતું. નળીયા ઉત્પાદન કરવામાં આ એક મહત્ત્વનું સ્થળ હતું. ઉપરાંત એક બંદર હોવાથી વહાણ દ્વારા આ નળીયા દેશનાં વિવિધ ભાગોમાં વેચાણ માટે મોકલતા. વળી, નૌકાઓ બનાવવામાં પણ અહીંના લોકો કુશળ હતા. અહીં બનાવવામાં આવતી નૌકાઓનુ પણ મોટા પાયે વેચાણ થતું. માત્ર દેશમાં જ નહીં, પરંતુ વિદેશોમાં પણ આ નૌકાઓ વેચાતી.



ગાયકવાડી શાસન દરમિયાન અહીં વઘઈ જતી દેશની સૌ પ્રથમ નેરોગેજ રેલવે શરુ થઈ હતી, જે આજે પણ કાર્યરત છે. ડાંગ જિલ્લાનાં કુદરતી સૌંદર્યને આ ટ્રેનમાં માણી શકાય છે. પહાડોના કુદરતી સૌંદર્ય વચ્ચેથી પસાર થતી આ ટ્રેન રસ્તામાં આવતું સુપ્રસિદ્ધ ઉનાઈ યાત્રાધામ થઈને વઘઈ પહોંચે છે. ઉપરાંત, આ રેલવે બંદર સુધી જતી હોવાથી તેમાં ડાંગના જંગલોમાંથી લાવવામાં આવેલું ઈમારતી લાકડું વહાણ દ્વારા દેશ વિદેશોમાં મોકલવામાં આવતું. ગાયકવાડી સમયમાં ઈમારતી લાકડા વેચાણ માટેનું મુખ્ય મથક બીલીમોરા હતું.



બીલીમોરા વઘઈ નેરોગેજ ટ્રેન જે વર્લ્ડ હેરિટેજમાં સ્થાન પામી છે, જે બીલીમોરા અને વઘઈને જોડે છે, તેમજ વચ્ચે આવતાં ડાંગ જિલ્લાનાં ગામોને એક પ્રવાસન માધ્યમ પૂરું પાડે છે. આ ટ્રેન સંપૂર્ણપણે ઈકો ફ્રેન્ડલી છે.



બીલીમોરાનાં અંતલિયા વિસ્તારમાં આવેલ જી. આઈ. ડી.સી.માં અનેક કારખાનાઓ આવેલા છે, જેમાં મુખ્યત્વે કારમાં વપરાતાં નાનાં નાનાં ભાગોનું ઉત્પાદન થાય છે. કારના આ ભાગોનું ઉત્પાદન અહીં ખૂબ જ મોટા પાયે થાય છે. આ ઉપરાંત આ જ વિસ્તારમાં આવેલ ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI) ખૂબ પ્રખ્યાત છે. અહીંથી તાલીમ મેળવનાર પ્રશિક્ષણાર્થિઓની માંગ આરબ દેશોમાં ઘણી છે.



બીલીમોરામાં આવેલ ધોલાઈ બંદર, સોમનાથ મહાદેવ મંદિર, ગાયત્રી માતાનું ખૂબ જ વિશાળ મંદિર, તેની સામે જ આવેલ અત્યંત સુંદર જલારામ બાપાનું મંદિર, મસ્જિદો તેમજ અહીંની સ્મશાન ભૂમિ પણ જોવાલાયક છે. બ્રહ્મકુમારી સ્થાનક પણ મંદિરની નજીક આવેલ છે.



અહીં આવેલું સોમનાથ મહાદેવનું મંદિર ખૂબ જ પૌરાણિક મહત્ત્વ ધરાવે છે, ઉપરાંત આજુબાજુના ગામોમાં પણ આસ્થાનું કેન્દ્ર છે. શ્રાવણ મહિનામાં આખો મહિનો મેળો ભરાય છે, જેની મુલાકાત લેવા દૂર દૂરથી લોકો આવે છે. આ મેળામાં ઘરને લગતી તમામ ચીજ વસ્તુઓ નજીવા દરે મળી રહે છે. શ્રાવણ માસમાં સોમવારે તો અહીં સવારે ચાર વાગ્યાથી જ દર્શન માટે ભક્તો ઉમટી પડે છે. બે ત્રણ કલાક લાઈનમાં ઊભા રહીએ ત્યારે દર્શન કરવા મળે છે. મંદિરનું પરિસર ખૂબ જ વિશાળ છે. અહીં વિવિધ પ્રસંગો કરવા માટે ત્રણ ખૂબ જ મોટા કહી શકાય એવા હોલ આવેલા છે. ઉપરાંત મંદિરની આજુબાજુ આવેલ પ્રાંગણ પણ ખૂબ જ વિશાળ હોવાથી ત્યાં પણ પ્રસંગ યોજી શકાય છે.



મંદિરની બરાબર સામે નંદીની વિશાળ મૂર્તિ આવેલ છે. તેની સામે કાચબો પણ કહી શકાય એવો મોટો છે. ત્યારબાદ વચ્ચે આશરે 10ફૂટ જેટલી જગ્યા છે અને પછી સોમનાથ મહાદેવ મંદિરના પગથિયાં શરુ થાય છે. દર્શનાર્થિઓ નંદી અને કાચબાનાં દર્શન કરી પછી મંદિરમાં પ્રવેશે છે. ભગવાન શંકરનું લગભગ બે અઢી ફૂટ ઊંચું શિવલિંગ જોતાં જ ભક્તો ભક્તિનાં રંગે રંગાઈ જાય છે. શિવલિંગની બરાબર પાછળ મા પાર્વતીની મનમોહક મૂર્તિ આવેલ છે. ત્યાં આવેલ ભગવાન ગણેશ અને હનુમાનજીની મૂર્તિઓ પણ અત્યંત આકર્ષક છે. ipilive વેબ સાઈટ પરથી મંદિરની તમામ આરતીઓ લાઈવ નિહાળી શકાય છે. તમામ આરતીઓનું જીવંત પ્રસારણ ipilive ઉપર થાય છે.



ત્યાંના સ્થાનિકોનાં કહેવા પ્રમાણે વર્ષો પહેલાં આ જગ્યાએ જંગલ હતું. એની બાજુના કોઈ એક ગામમાં એક ચારણ દંપતિ રહેતું હતું. તેમની પાસે એક ગાય હતી. સાંજના સમયે જ્યારે એ ગાય ચરીને પાછી ઘરે આવતી અને એ મહિલા એને દોહવા બેસતી તો એમાંથી દૂધ નીકળતું ન હતું. આવું પહેલાં ક્યારેય થયું ન હતું, પરંતુ કેટલાંક સમયથી થવા માંડ્યું. આથી એક દિવસ એ મહિલાએ સંતાઈને ગાયનો પીછો કર્યો. ત્યાં બનેલ એક ઘટના જોઈને એ આશ્ચર્યચકિત થઈ ગઈ. કોઈ એક ચોક્ક્સ સ્થળે આ ગાય ઊભી રહેતી અને આપોઆપ જ એની દૂધની ધારા વહેવા લાગતી. લાગલગાટ થોડા દિવસો આ જોયા પછી એક દિવસ મહિલા થોડી વહેલી ત્યાં પહોંચીને જુએ છે તો એને કંઈક કાળું કાળું દેખાય છે. આ સ્થાનેથી પાંદડા અને અન્ય કચરો દૂર કરતાં ત્યાં એને એક શિવલિંગ જેવું દેખાય છે. એ આ શિવલિંગની આજુબાજુની જગ્યા સાફ કરી દે છે. ત્યારબાદ દરરોજ એ આ સ્થાને આવી ભગવાનની પૂજા કરે છે. આ વાતથી તેનો પતિ તદ્દન અજાણ હતો આથી એણે નોંધ્યું કે એની પત્ની કોઈ ચોક્ક્સ સમયગાળા દરમિયાન ગાયબ થઈ જાય છે. તેણે એનાં ચારિત્ર્ય પર શંકા કરી. પત્નીએ ઘણાં ખુલાસા આપ્યાં, પણ પતિ માનવા તૈયાર ન હતો. આથી એ સ્ત્રી પોતાનાં પતિને શિવલિંગ પાસે લઈ જાય છે. છતાં પણ પતિ આ વાત માનવા તૈયાર નથી થતો. આથી દુઃખી હ્રદયે સ્ત્રી ભગવાન શિવને પ્રાર્થના કરે છે કે, 'જો એણે કોઈ પાપ ન કર્યું હોય તો ભગવાન એને ન્યાય અપાવે.'



આથી એક ચમત્કાર થાય છે અને આખું શિવલિંગ બહાર આવે છે. તેનાં બે ટુકડા થઈ જાય છે અને એ સ્ત્રી એમાં સમાઈ જાય છે. એનો પતિ ખૂબ જ દુઃખ અનુભવે છે. આ સ્થાનને એ સાફ સફાઈ કરી નાનકડા મંદિરનું નિર્માણ કરે છે અને પોતે જ એની સવાર સાંજ પૂજા કરતો હતો. એવું કહેવાય છે કે થોડા વર્ષો સુધી આ સ્ત્રી જ્યારે અંદર સમાઈ ગયેલી ત્યારે એનાં થોડા વાળ બહાર રહી ગયેલાં, જે ભક્તો જોઈ શકતા હતા. પરંતુ થોડા વર્ષો પહેલા જ આ વાળ ખરી ગયા હતા.



હાલમાં આ મંદિર અતિભવ્ય નિર્માણ પામ્યું છે. તેનાં દરવાજા પર ખૂબ જ સુંદર કોતરણી કરવામાં આવી છે. ઉપરાંત પગથિયાંની શરૂઆતમાં જ બંને બાજુ બે વિશાળકાય હાથીની પ્રતિમાઓ છે. બાળકો આ મૂર્તિઓ જોઈને ખૂબ જ ખુશ થઈ જાય છે. મહાશિવરાત્રીનાં દિવસે રાત્રે બાર વાગે ભગવાનને ઘીનાં કમળ અર્પણ કરાય છે, જેનાં દર્શન માટે આટલી મોડી રાત્રે પણ ભક્તોની લાઈન લાગી હોય છે. મંદિરના પ્રાંગણમાં બાળકો માટે સરસ મજાનો બાગ છે, જેમાં એક અજગર આકારની લપસણી આવેલ છે. પચાસેક જેટલાં પગથિયાં ચડીને આ લપસણીમાં દાખલ થઈ શકાય છે. તેમાં દાખલ થયા પછી એક અંધારી ગુફામાં સરકતા હોઈએ એવો અનુભવ થાય છે. અજગરનું આખું શરીર એ આ લપસણી છે. વર્ષોથી આ બાગમાં આ લપસણી છે અને આજે પણ એનું આકર્ષણ યથાવત છે.



બીલીમોરા શહેરની આસપાસ ખૂબ જ રમણીય કુદરતી સ્થાનો આવેલા છે. જેમાંનું એક ખૂબ જ પ્રખ્યાત એવું સાપુતારા ગિરિમથક છે. ત્યાંના સ્થાનિકો તેમજ વિદેશીઓ મોટા ભાગે નેરોગેજ ટ્રેનમાં બેસી કુદરતનું સૌંદર્ય માણતા માણતા વઘઈ સુધી પહોંચે છે. ત્યાંનો બોટનીકલ ગાર્ડન જુએ છે, જે આખા વિશ્વમાં પ્રખ્યાત છે, અને પછી કોઈક વાહન કે બસ દ્વારા સાપુતારા પહોંચે છે. ગુજરાતથી મહારાષ્ટ્ર ખાસ કરીને શિરડી જતી મોટા ભાગની બસો સાપુતારા થઈને જ જાય છે. આથી સાપુતારા જવા માટે સમયાંતરે બસ મળી જ રહે છે. સ્કૂલો અને કૉલેજોમાંથી પણ સાપુતારાનો એક દિવસીય પ્રવાસ ગોઠવાતો હોય છે.




બીલીમોરાની નજીક જ ભગવાન શ્રી રામ અને શબરીનાં મિલનનું સાક્ષી એવું શબરીધામ પણ આવેલું છે. ડાંગના જંગલો, ત્યાં રહેતાં આદિવાસીઓની રહેણીકરણી, તેમનું પારંપરિક નૃત્ય, મહલ તરીકે જાણીતું કુદરતી ફરવાલાયક સ્થળ, ધરમપુરમા આવેલ પ્લેનેટોરીયમ, વિલ્સન હિલ તેમજ ધરમપુરનાં બરૂમાળ ગામ ખાતે આવેલ અતિ સુંદર અને ભવ્ય, વિશાળ શ્રી ભાવભાવેશ્વર મહાદેવનું મંદિર અન્ય જોવાલાયક સ્થળો છે. ઉપરાંત, ધરમપુરમાં આવેલ શ્રીમદ રાજચંદ્ર આશ્રમ પણ જોવા જેવો છે.



બીલીમોરા શહેરની નજીક આવેલ ડુંગરી ગામ ખાતે પ્રખ્યાત બાલાજી વેફર્સનું કારખાનું પણ આવેલ છે, જે ત્યાંના સ્થાનિકોને રોજીરોટી મેળવવાનું સાધન છે. બીલીમોરા તથા એની આસપાસનાં વિસ્તારમાં શિયાળા દરમિયાન મળતું ઉંબાડીયું જગવિખ્યાત છે, જે બધાં શાકને ભેગા કરી માટલામાં બનાવવામાં આવે છે. આ વિસ્તારની કેસર અને રાજાપુરી કેરી વખણાય છે.



આ સિવાય પણ ઘણાં જોવાલાયક સ્થળો બીલીમોરા શહેરની આસપાસ આવેલા છે. જેવા કે અમલસાડ ખાતે આવેલ અંધેશ્વર મહાદેવનું મંદિર, ચિત્રકલા કૉલેજ, કછોલી ગામ ખાતે આવેલ ગંગેશ્વર મહાદેવનું મંદિર, જેનાં નદી કિનારે પિતૃ તર્પણનો ખૂબ મહિમા છે, કછોલી ખાતે આવેલ બહેરા મૂંગા બાળકોની શાળા પ્રખ્યાત છે. ચીખલી ખાતે વાપી તરફ જતા હાઈવે પર આવેલું મલ્લિકાર્જુન મંદિર, નાંધઈ ભૈરવીમાં નદી કિનારે આવેલ મંદિર, જે પિતૃ તર્પણ માટે શ્રેષ્ઠ જગ્યા માનવામાં આવે છે.

                


બીલીમોરા શહેરની આસપાસ આવેલા લગભગ દરેક ગામડાં કોઈક ને કોઈક ઐતિહાસિક મહત્ત્વ ધરાવે છે.



સૌજન્ય:- હું ગણદેવી અને બીલીમોરા ખાતે રહીને મોટી થઈ છું. આથી આમાં જણાવેલ તમામ માહિતિ સ્વઅનુભવને આધારે છે. ઈતિહાસ ઈન્ટરનેટ પરથી લેવામાં આવ્યો છે. સ્થળો વિશેની માહિતિ મેં લીધેલ મુલાકાતને આધારે લખી છે. આ લેખમાં જેટલા પણ સ્થળોનો ઉલ્લેખ કર્યો છે અને જેટલા પણ સ્થળો સમાવેશ કરવામાં બાકી રાખ્યાં છે, એ તમામની મુલાકાત મેં પોતે લીધી છે.



આભાર.

સ્નેહલ જાની