બણભા ડુંગર Tr. Mrs. Snehal Jani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બણભા ડુંગર


ધારાવાહિક:- ચાલો ફરવા જઈએ.

સ્થળ:- બણભા ડુંગર.

લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની.





કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલતું હોય અને વનરાજી લીલીછમ હોય, સાથે એ સ્થાન આસ્થાનું કેન્દ્ર હોય તો એની મુલાકાત લેવાનું કોને ન ગમે? ગમે ને? તો ચાલો, આજે જઈએ એવી જ એક સુંદર મજાની જગ્યાએ ફરવા!😊 આ સ્થળ એટલે બણભા ડુંગર.




માંગરોળ તાલુકાના રટોટી, સણાધરા અને ઓગણીસા ગામની વચ્ચે બણભા ડુંગર આવેલો છે. આ ડુંગર સુરત જિલ્લાનો સૌથી ઊંચો ડુંગર છે. બણભા ડુંગરની ટોચ ઉપર આદિવાસીઓનાં કુળદેવતા બણભાદાદા અને ગોવાલદેવનું પૌરાણિક દેવસ્થાન આવેલું છે. બણભા ડુંગર આદિવાસીઓનીનું શ્રદ્ધા કેન્દ્ર છે. આ વિસ્તારનાં આદિવાસીઓ દોવણુ વગાડી નાચગાન કરી બણભાદાદાની પૂજાઅર્ચના કરે છે.




પાકની લણણી કરી એને અહીં ધરવાનું મહત્ત્વ ઘણું છે. સુરત જિલ્લાનાં છેવાડે આદિવાસી તાલુકાઓ આવેલા છે. આ તાલુકાઓમાં આદિવાસી સંસ્કૃતિ અને રીત રિવાજ હજૂ પણ જીવંત છે. માંગરોળ તાલુકાની આદિવાસી સંસ્કૃતિનો એક ભાગ છે પિલવણી ઉત્સવ. અખાત્રીજ પછીની પાંચમે એટલે કે વૈશાખ સુદ પાંચમનાં રોજ આ ઉત્સવ ઉજવવામાં આવે છે.




માંગરોળ તાલુકાના ઓગણીસા ગામે આવેલા બણભા ડુંગર ખાતે પિલવણી ઉત્સવ ઉજવવામાં આવે છે. જેમાં માંગરોળ, માંડવી તેમજ ઉમરપાડા તાલુકાનાં આદિવાસીઓ મોટી સંખ્યામાં એકત્રિત થઈ ડુંગર દેવના સ્થાનક પર પ્રકૃતિને લગતી વસ્તુઓ ભેટ સ્વરૂપે ચઢાવે છે. ખેતીની ઉપજ સારી થાય એ માટે દેવતાઓને પ્રાર્થના કરવી - એ આ ઉત્સવનો મુખ્ય હેતુ છે.



ધીરે ધીરે આદિવાસી સહિત તમામ પરંપરાઓ અને સંસ્કૃતિ વિસરાઈ રહી છે. આદિવાસી વિસ્તારમાં ઉજવાતો પિલવણી ઉત્સવે આ સંસ્કૃતિને જીવંત રાખી છે. આદિવાસી વિસ્તારમાંથી મોટા પ્રમાણમાં લોકો હવે રોજી રોટી મેળવવા માટે શહેર તરફ પ્રયાણ કરે છે. શહેરોમાં વસતા આદિવાસી પરિવારના લોકો ગ્રામ્ય વિસ્તારમાં ઉજવાતા આ પારંપરિક ઉત્સવને જોવા ખાસ ગ્રામ્ય વિસ્તારમાં આવે છે અને પોતાની પરંપરા જોઈ ધન્યતા અનુભવે છે.




દર વર્ષે આદિવાસી સમાજ દ્વારા પિલવણી ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે. બહોળી સંખ્યામાં આદિવાસીઓ ઉપસ્થિત રહે છે. અમારી જૂની પરંપરાઓ જળવાઈ રહે તે માટેના પ્રયાસો કરવામાં આવે છે.



ચોમાસાની ઋતુમાં લીલી ચાદર ઓઢેલા બણભા ડુંગરનો મનમોહક આહલાદક નજારો અને વિવિધ જાતના પક્ષીઓનો કલકલાટ સાંભળવાનો લ્હાવો મળવો એ ખરેખર નસીબની વાત છે. બણભા ડુંગરનાં ટોચ ઉપર આદિવાસીઓનાં કુળદેવતા ગણાતા બણભાદાદા અને ગોવાલદેવનું પૌરાણિક દેવસ્થાન આવેલું છે. ત્યાં કાળીકામાતાનું મંદિર પણ બનાવવામાં આવ્યું છે. બણભા ડુંગરની તળેટીમાં હનુમાનદાદા બિરાજમાન છે. આથી જ પ્રવાસન કેન્દ્ર બણભા ડુંગર આદિવાસી લોકોનું શ્રદ્ધાનું કેન્દ્ર છે. આ વિસ્તારના આદિવાસીઓ દોવણુ વગાડી નાચગાન કરી બણભાદાદાની પૂજાઅર્ચના કરે છે. દર વર્ષે દશેરાના દિવસે બણભા ડુંગર પર આદિવાસીઓનો ઐતિહાસિક મેળો ભરાય છે.




હાલના બણભા ડુંગર પર પૌરાણિક કાળમાં બણભાદાદાનો પરિવાર રહેતો હતો. માંગરોળ તાલુકાનું ઈસનપુર અને કંટવાવ ગામની પાસે આવેલો ભીલોડીયો ડુંગર, માંડવી તાલુકાના પીપલવાળા પાસેનો આહિજો ડુંગર અને બણભા ડુંગરની પાસે આવેલા નાના ડુંગરો તેમના ભાઈ બહેન તરીકે ઓળખાય છે. બણભા ડુંગરની ઉત્તર દિશામાં આવેલા હુમાલી ડુંગરની ઊંચાઈ વધતી હોવાથી દાદાએ તેના પર ચલમનો કાંકરો મૂકી તેની ઊંચાઈ નિમિત્ત રાખી હતી. જે આજે પણ મોટા પથ્થરના રુપમાં દ્રશ્યમાન છે.




ઈતિહાસ:-બણભા દાદાનો ઈતિહાસ ઘણો જ પ્રચલિત છે. બણભા દાદાની ખેતીની વાડી હતી, જેમાં તેઓ શાકભાજી અને અનાજની ખેતી કરતા હતા. તેમની પાસે ઘોડાઓ પણ હતા. ઘોડા ચરાવવા માટે બણભાદાદા જે સ્થળે જતા હતા તે સ્થળ આજનું ઘોડબાર ગામ છે. બણભા દાદાની પૂર્વ દિશામાં આવેલો ડુંગર લાડડીયો ડુંગર તરીકે ઓળખાય છે. રટોટી ગામની અંદર વેરાકુઈ ગામ તરફ જતા નાની ટેકરી આવેલી છે જે તેમની બહેન ગણાય છે અને મીઠા ડોંગરી તરીકે પુજાય છે. એવું પણ કહેવાય છે કે દેવમોગરા માતા પણ તેમની બહેન છે. બણભાની ટોચ ઉપર ગુફા આવેલી છે જેમાં દેવ પુજા કરવા આવતા અમુક જ લોકોને અંદર પ્રવેશ અપાતો હોવાની માન્યતા છે. ગુફાની નીચેના ભાગમાં ઝરણું છે જે જળદેવી તરીકે પુજાય છે. કોઈએ પાણી પીવું હોય તો પહેલા પૂજા કરવી પડે છે અને ત્યારબાદ પાણી પીએ છે. લોકવાયકા મુજબ ડુંગરના પાછળના ભાગમાં એક ઝરણું છે, જેમાંથી આદિવાસીઓને ખાવા માટે રાબ નીકળતી હતી, પરંતુ કોઈએ ખાવાનું ખાઈને રાબવાળુ ખરાબ પાંદડું એમાં  નાંખતા તે બંધ થઈ ગઈ છે.




બણભા ડુંગરની આજુબાજુના ગ્રામવાસીઓ બણભદાદા પર અતૂટ શ્રદ્ધા ધરાવે છે. ઘરનો કોઈ પણ પ્રસંગ હોય, ખેતીની શરુઆત કરવાની હોય ત્યારે દરેક ગ્રામવાસીઓ સૌ પ્રથમ બણભાદાદાના દર્શન કરવા જાય છે અને તેમના પ્રસંગ હેમખેમ પૂર્ણ થઈ જાય ત્યારે પણ દાદાનો આભાર માનવા બણભા ડુંગર પર અચૂકપણે જાય છે.




બણભાડુંગરને વન પ્રવાસન કેન્દ્ર તરીકે વિકસાવવામાં આવ્યું છે.આદિવાસીઓ દર વર્ષે વાવણી પહેલા અને પાકની કાપણી વખતે અનાજ ચઢાવવા માટે બણભા ડુંગર પર આવે છે. માંગરોળ તાલુકામાં મોટાભાગના વિસ્તારમાં આદિવાસીઓ વસવાટ કરે છે.




સુરત જિલ્લાનો સૌથી ઊંચો આ ડુંગર સુરતથી 70 કિલોમીટર, માંડવીથી 22 કિલોમીટર અને માંગરોળથી અંદાજે 18 કિલોમીટરે અને વાંકલથી 8 કિલોમીટરના અંતરે આવેલો છે. વન વિભાગ દ્વારા બણભા ડુંગર પર ચઢવા માટે 380 પગથિયાં બનાવવામાં આવ્યા છે. બણભાડુંગર પરિસરીય વિસ્તારની આસપાસ બહુમુલ્ય કુદરતી સંપતિ વન્યપ્રાણીઓ, હરણ, શિયાળ, સસલા, બિલાડા વિવિધ જાતનાં પક્ષીઓ જોવા મળે છે. બણભા ડુંગર આદિવાસીઓનું આસ્થાનું પ્રતિક છે એટલે રટોટી, સણધરા અને ઓગણીસા ગામની વચ્ચે આવેલા બણભાડુંગરને વન પ્રવાસન કેન્દ્ર તરીકે વિકસાવવામાં આવ્યું છે.




સુરત, ભરૂચ અને મહારાષ્ટ્રમાંથી લોકો બણભા ડુંગર પ્રવાસન સ્થળની મુલાકાત લેવા આવે છે.




સૌજન્ય:- ઈન્ટરનેટનાં વિવિધ વેબપેજ.



આવતાં અંકમાં ફરીથી એક નવી જગ્યા સાથે મળીશું.



આભાર.

સ્નેહલ જાની.