કામનાથ મહાદેવ મંદિર, રઢુ Tr. Mrs. Snehal Jani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કામનાથ મહાદેવ મંદિર, રઢુ

ધારાવાહિક:- ચાલો ફરવા જઈએ.

સ્થળ:- કામનાથ મહાદેવ મંદિર, રઢુ.

લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની.




આપણો દેશ અનેક ધર્મોનો સમુદાય છે. ઘણાં બધાં ધર્મો અને ઘણી બધી માન્યતાઓ, ઘણાં બધાં રિવાજો અને ઘણી બધી લોકવાયકાઓ. ક્યાંક ચમત્કાર તો ક્યાંક રહસ્ય. કોઈક રહસ્ય ઉકેલાયું તો કોઈક હજુય અકબંધ. કેટલાંક રહસ્યો આગળ માનવી માથું ટેકવે છે, તો કેટલાંક પર આંગળી ચીંધે છે. આવા જ એક રહસ્યમયી ચમત્કારિક એવા એક મંદિર વિશે આજે જાણીએ.


આ રહસ્યમયી મંદિર ગુજરાતમાં આવેલું છે. આ મંદિર અમદાવાદથી 50 કિલોમીટર દૂર ખેડા જિલ્લાના રઢુ ગામમાં આવેલ કામનાથ મહાદેવનું મંદિર છે. આ ગામ વાત્રક નદીને કાંઠે વસેલું છે. ત્યાંના રહીશોનું માનીએ તો આ એક ચમત્કારિક મંદિર છે. આ મંદિર વિક્રમ સંવત 1445માં બન્યું હોવાનું માનવામાં આવે છે.


માન્યતા મુજબ 600 વર્ષ પહેલાં રઢુનાં એક વ્યક્તિ જેસંગભાઈ હીરાભાઈ પટેલ આ મંદિરની જ્યોત લાવ્યા હતા.  તેઓ દરરોજ સવારે મહાદેવના દર્શન કર્યા બાદ જ કંઈ ખાતા હતા. એક રાત્રે એમને સપનું આવ્યું કે મહાદેવજી એમને કહેતા હતા કે પુનાજ ગામમાં જઈને દીવો પ્રગટાવી મને લઈ આવ. બીજા દિવસે સવારે જેસંગભાઈએ આ વાત ગામલોકોને જણાવી.


શ્રદ્ધાપૂર્વક ગામનાં બધાં લોકો રઢુ ગામથી આઠેક કિલોમીટર દૂર એવા પુનાજ ગામે ગયા. ત્યાંથી દીવો પ્રગટાવીને તેઓ રઢુ તરફ પાછા ફર્યા. ત્યાંના રહીશોનું માનીએ તો એ દિવસે ભારે પવન અને વરસાદ હોવાં છતાં દીવાને કંઈ જ થયું ન હતું. વિક્રમ સંવત 1445માં તેમણે આ દીવાની સ્થાપના કરી નાનકડી દેરી સ્થાપી હતી. ત્યારથી આ મંદિરમાં ગામનાં તેમજ આસપાસનાં રહીશો દર્શનાર્થે આવે છે.



આ થઈ મંદિરના ઉદભવની વાત. હવે જોઈએ એનું ચમત્કારિક લક્ષણ.


આ મંદિરમાં 620 વર્ષોથી 650થી વધારે માટીના કાળા માટલા ઘીથી સંપૂર્ણ ભરેલા છે. આજની તારીખે પણ ત્યાં જઈને જોઈ શકાય છે. સામાન્ય રીતે ઘી લાંબો સમય રાખવાથી કાળું પડી જાય કે બગડી જાય કે એમાંથી વાસ આવવા માંડે છે. એને ફૂગ પણ લાગી જાય છે. પરંતુ આ ઘીને કંઈ જ થયું નથી. ઉનાળાની ગરમી હોય, ચોમાસું હોય કે પછી શિયાળાની કડકડતી ઠંડી - આ ઘી એવું ને એવું તાજું જ રહ્યું છે.


એવું પણ નથી કે ઘી થોડા પ્રમાણમાં જ હશે કે એ વપરાતું જ ન હોય. ઘીનો જથ્થો આશરે 13 થી 14 હજાર કિલો જેટલો હશે. મંદિરની પરંપરા મુજબ અહીંથી ઘી બહાર લઈ જવાતું નથી. અહીંનો ઘીનો જથ્થો ક્યારેય ઓછો થતો નથી, બલ્કે વધતો જાય છે. જે ચોરી છુપીથી ઘી બહાર લઈ જવાનો પ્રયત્ન કરે છે એણે બહુ મોટું નુકસાન ભોગવવું પડે છે.


મંદિરની જ્યોત તેમજ મંદિરનાં પ્રાંગણમાં થતાં યજ્ઞમાં આ જ ઘી વપરાય છે, તે છતાં પણ ઘટતું નથી. આટલા મોટા જથ્થામાં ઘી જમા થવા પાછળ અનેક માન્યતાઓ છે. રઢુ ગામ તથા તેની આસપાસનાં ગામોમાં કોઈ પણ ખેડૂતને ત્યાં ગાય કે ભેંસને બચ્ચું જન્મે પછી તેનાં પહેલા વલોણાનું ઘી બનાવી મહાદેવને અર્પણ કરાય છે. આ ઘીથી જ મોટાભાગનાં માટલા ભરાઈ જાય છે.



ઘીને સંઘરવા માટે જગ્યા ઓછી પડતી હોવાથી વિક્રમ સંવત 2056નાં શ્રાવણ માસથી દર મહિને એક હોમાત્મક યજ્ઞ કરવામાં આવે છે. આ યજ્ઞ સવારે 6થી સાંજે 7વાગ્યા સુધી ચાલે છે. આમાં સંપૂર્ણ હોમ આ માટલાઓમાના ઘીનો જ કરવામાં આવે છે. શ્રાવણ વદ બારસનાં દિવસે અહીં મોટો મેળો ભરાય છે. ઉપરાંત આખા ગામમાં ભક્તિ ભાવથી કામનાથ દાદાની રથયાત્રા નીકળે છે.



મંદિરના ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવતાં અન્નક્ષેત્રમાં દર્શનાર્થે આવતાં ભક્તોની જમવાની વ્યવસ્થા કરવામાં આવે છે. શ્રદ્ધા અને અંધશ્રદ્ધા એ દરેકની પોતાની માન્યતા છે. પરંતુ આ બધાં વચ્ચે પોતાની સંસ્કૃતિ સાચવી રાખવી એ પણ આપણી નૈતિક ફરજ બને છે.



આભાર.

હર હર મહાદેવ🙏

નોંધ:- ઝી મીડિયાના ડિજિટલ વર્ઝન અને દિવ્ય ભાસ્કરનાં ડિજિટલ વર્ઝનમાં વાંચેલ એક લેખના આધારે આ લખ્યું છે.

- સ્નેહલ જાની